આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની 1000 કરોડની સંપત્તિ જપ્ત કરી

મંગળવારે આવકવેરા વિભાગે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય મંત્રી અજિત પવારની 1000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે.

જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં નરિમન પૉઇન્ટસ્થિત નિર્મલ ટાવરમાં કાર્યાલય, દિલ્હીમાં એક ફ્લૅટ, ગોવામાં એક રિસૉર્ટ, ખાંડની મિલ અને ખેતીની જમીન સામેલ છે.

થોડા દિવસ પહેલાં આવકવેરા વિભાગે તેમની બહેનનાં ઘર અને ઑફિસ પર પણ દરોડા પાડ્યા હતા.

આવકવેરા વિભાગનો દાવો છે કે જપ્ત કરવામાં આવેલી સંપત્તિ ખરીદવા માટે નાણાં ગેરકાયદે રીતે પ્રાપ્ત કરવામાં આવ્યાં હતાં.

આવકવેરા વિભાગે થોડા દિવસ પહેલાં અજિત પવારની કેટલીક સંપત્તિઓ પર પણ દરોડા પાડ્યા હતા તે દરમિયાન 184 કરોડ રૂપિયાની એવી સંપત્તિ મળી હતી જેની કોઈ વિગત ઉપલબ્ધ નહોતી.

અજિત પવારની સંપત્તિઓ પર કાર્યવાહી વિશે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, "આયકર વિભાગે થોડા દિવસ પહેલાં અજિત પવાર સાથે જોડાયેલી કેટલી સંપત્તિઓ પર દરોડા પાડ્યા હતા. આ બધું સુનિયોજિત છે. આ એમવીએ(મહા વિકાસ અઘાડી)ના નેતાઓને હેરાન કરવા માટે કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે."

"આ બધું પૂર્વ નિર્ધારિત છે. મહા વિકાસ અઘાડીના અગ્રણી નેતાઓને બદનામ કરવામાં આવી રહ્યા છે."

તેમણે એ પણ સવાલ કર્યો કે, "શું ભાજપના નેતા જંગલમાં રહે છે? શું તેમણે તેમની સંપત્તિ કાયદેસર રીતે પ્રાપ્ત કરી છે?"

અજિત પવારની સંપત્તિઓ પર અગાઉ થયેલી કાર્યવાહી વિશે પણ તેમણે વાત કરી હતી. ત્યારે તેમણે કહ્યું હતું કે, "આ બીજા દરજ્જાના રાજકારણનો પરિચય કરાવનાર છે."

રાઉતે એમ પણ કહ્યું કે અમે પણ તેમને આવી ઘણી સંપત્તિઓ વિશે જણાવ્યું છે પરંતુ તેના પર કોઈ કાર્યવાહી નથી થઈ.

બાદમાં રાઉતે કહ્યું કે, "ભાજપે શરૂ કરેલું આ ગંદુ રાજકારણ આગળ જતા તેમની વિરુદ્ધ થઈ જશે."

'પાકિસ્તાનની જીત પર ઉજવણી કરનારની નાગરિકતા રદ થવી જોઈએ' ભાજપ નેતાના નિવેદન પર વિવાદ

ટી20 વિશ્વકપમાં ભારતની હાર પર ઉજવણી કરનાર સામે જમ્મુ અને કાશ્મીરમાં ભાજપ નેતા અને પૂર્વ એમએલસી વિક્રમ રંધાવાએ આપેલા નિવેદન બાદ વિવાદ ઊભો થયો છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ' અખબાર પ્રમાણે, વિક્રમ રંધાવાએ કહ્યું કે ભારતની હાર પર ઉજવણી કરનારને માર મારી ફક્ત ચામડી જ કાઢી નાખવી ના જોઈએ પરંતુ તેમની ભારતીય નાગરિકતા પણ રદ કરી દેવી જોઈએ.

વિક્રમ રંધાવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે જેમાં તેઓ નિવેદન આપતા નજરે પડી રહ્યા છે.

રંધાવાએ કહ્યું, "22-23 વર્ષની યુવતીઓ જે જમ્મુમાં બુરખામાં ફરે છે અને કાશ્મીરમાં જૅકેટ હવામાં ઉછાળીને પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવી રહી છે, આ 21-22 વર્ષની યુવતીઓને પાકિસ્તાન પ્રત્યે લાગણી છે. તેમણે પાકિસ્તાનની બીજી જીત પર કેમ ઉજવણી ના કરી."

"તેમની એવી દુર્દશા કરો કે આવનારી પેઢી પણ યાદ રાખે કે ભારતમાં રહીને ભારત વિરુદ્ધ નારા લગાવવા અથવા બીજા દેશની તરફેણમાં હંગામો કરવાનું શું પરિણામ આવી શકે છે. તેમનાં માતા-પિતાને પણ ખ્યાલ હોવો જોઈએ કે તેમણે કેવાં બાળકોને જન્મ આપ્યો છે."

આ વીડિયોમાં રંધાવા એમ પણ કહી રહ્યા છે કે, "જો ત્રણ તલાક વૉટ્સઍપ પર આપી દેતા હતા તો નમાઝ પણ વૉટ્સઍપ પર પઢી લેવી જોઈએ, રસ્તા પર કેમ પઢો છો."

તેમના આ નિવેદનનો મુસ્લિમ સમુદાયે ખૂબ વિરોધ કર્યો છે. ઘણાં લોકોએ પોલીસ પાસે તેમની સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

એલન મસ્ક ભારતમાં ઇન્ટરનેટ સેવા શરૂ કરવાની તૈયારીમાં

'અલ જઝીરા'ના અહેવાલ અનુસાર(https://www.aljazeera.com/economy/2021/11/1/starlink-in-india-musk-gears-up-to-launch-internet-servi...), અબજોપતિ એલન મસ્કની રૉકેટ કંપની સ્પેસઍક્સના સેટેલાઇટ ઇન્ટરનેટ ડિવિઝન, સ્ટારલિંકે સોમવારે ભારતમાં તેનો વ્યવસાય માટે પંજીકરણ કરાવ્યું છે.

સરકારમાં દાખલ કરાયેલા કંપનીના દસ્તાવેજો દર્શાવે છે કે તે દેશમાં ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી રહી છે.

સ્થાનિક એકમ રાખવાથી સ્ટારલિંકને દેશમાં બ્રૉડબૅન્ડ પ્રદાન કરવા માટે જરૂરી લાઇસન્સ મેળવવા અરજી કરવાની મંજૂરી મળશે.

ભારતમાં સ્ટારલિંકના કન્ટ્રી ડાયરેક્ટર સંજય ભાર્ગવે લિંક્ડઇન પોસ્ટમાં કહ્યું કે, "એ જણાવતા આનંદ થઈ રહ્યો છે કે સ્પેસઍક્સની હવે ભારમાં 100 ટકા માલિકીવાળી સહાયક કંપની છે."

ભાર્ગવના લિંક્ડઇન પ્રોફાઇલ અનુસાર તેઓ ઑક્ટોબરમાં જ કંપનીમાં જોડાયા છે.

તેમણે કહ્યું, "અમે હવે લાઇસન્સ માટે અરજી કરવાનું શરૂ કરી શકીએ છીએ, બૅંક અકાઉન્ટ ખોલવી શકીએ છીએ."

8400 કરોડ રૂપિયા સાથે ગુજરાત જીએસટી કલેક્શનમાં બીજા સ્થાને

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ મુજબ, ઑક્ટોબર 2021માં ગુજરાતનું જીએસટી કલેક્શન રૂપિયા 8,497 કરોડની ઉચ્ચ સપાટીએ પહોંચ્યું છે.

ઑક્ટોબર 2020માં 6,797 કરોડ રૂપિયાની સરખામણીમાં ટૅક્સ કલેક્શનમાં વાર્ષિક આધારે 25 ટકાનો વધારો થયો છે.

મહારાષ્ટ્ર પછી ગુજરાત બીજા ક્રમે સૌથી વધુ જીએસટી કલેક્શન ધરાવે છે, મહારાષ્ટ્રમાં ઑક્ટોબરમાં ટૅક્સ કલેક્શન રૂપિયા 16,355 કરોડનો હતો.

રાજ્યના નાણાં વિભાગના મુખ્ય સચિવ જે.પી.ગુપ્તાએ જણાવ્યું કે, "તહેવારોના કારણે અને દિવાળી સુધીના સમયમાં માગમાં વધારો થયો છે, જેના કારણે તમામ ક્ષેત્રમાં વેચાણમાં સુધારો થયો છે. તે જ સમયે, અમુક ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે વેચાણનું ટર્નઓવર પણ વધ્યું છે. પરિણામે ટૅક્સ કલેક્શનનો આંકડો વધ્યો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો