COP26 : જળવાયુ પરિવર્તન પર PM મોદીનું એલાન, ભારત 2070 સુધીમાં હાંસલ કરી લેશે નેટ ઝીરો લક્ષ્ય

ભારતે કહ્યું છે કે તે વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાનું લક્ષ્ય હાંસલ કરી લેશે. જોકે, ગ્લાસગોમાં જળવાયુ પરિવર્તન પર યોજાયેલી શિખરમંત્રણામાં ભાગ લઈ રહેલાં રાષ્ટ્રો 2050 સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરી લેશે એવી અપેક્ષા કરાઈ રહી હતી.

એમ છતાં શિખરમંત્રણામાં ભારતના વડા પ્રધાનની આ જાહેરાતને મોટી વાત માનવામાં આવી રહી છે. કેમ કે ભારતે પ્રથમવાર નેટ ઝીરોના લક્ષ્યને લઈને કોઈ નિશ્ચિત વાત કરી છે.

નેટ ઝીરોનો અર્થ થાય છે કે કાર્બન ડાયોક્સાઇડના ઉત્સર્જનને સંપૂર્ણ રીતે ખતમ કરી દેવું, જેનાથી ધરતીના વાયુમંડળને ગરમ કરનારા ગ્રીનહાઉસ ગૅસોમાં થતો વધારો અટકાવી શકાય.

ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાર્બન ઉત્સર્જક દેશ છે. પ્રથમ ક્રમે ચીન છે, એ બાદ અમેરિકા. યુરોપિયન સંઘને સાથે લેતાં ભારતની ગણતરી ચોથા ક્રમે થાય છે.

જોકે, વસતીના હિસાબે ભારતનું વ્યક્તિદિઠ ઉત્સર્જન વિશ્વનાં પૈસાદાર રાષ્ટ્રો કરતાં ઘણું ઓછું છે.

વર્ષ 2019માં ભારતે વ્યક્તિદિઠ 1.9 ટન ઉત્સર્જન કર્યું હતું. એ જ વર્ષે અમેરિકામાં આ આંક 15.5 ટન અને રશિયામાં 12.5 ટન હતો.

ચીને વર્ષ 2060 સુધીમાં આ લક્ષ્ય હાંસલ કરવાની જાહેરાત કરી છે. અમેરિકા અને યુરોપિયન સંઘ 2050 સુધીમાં સંબંધિત લક્ષ્ય હાંસલ કરવા માગે છે.

મોદીએ શું કહ્યું?

COP 26માં નરેન્દ્ર મોદીએ કહ્યું કે "પીવાના પાણીના સ્રોતથી લઈને એફોર્ડેબલ હાઉસિંગ સુધી બધાને ક્લાઇમેન્ટ ચેન્જ સામે લવચીક બનાવવાની જરૂર છે."

"આપણે અનુકૂલનને આપણી વિકાસનીતિઓ અને પરિયોજનાઓનું મુખ્ય અંગ બનાવવું પડશે."

"ભારતમાં 'નલ સે જલ', 'સ્વચ્છ ભારત' અને 'ઉજ્જવલા' જેવી યોજનાઓથી અમારા જરૂરિયાતમંદ નાગરિકોને લાભ તો મળ્યા જ છે, સાથે જ તેમના જીવનની ગુણવત્તામાં સુધારો પણ થયો છે."

"ઘણા પરંપરાગત સમુદાયોમાં પ્રકૃતિ સાથે સુમેળ સાધીને રહેવાનું જ્ઞાન છે. આપણી નીતિઓમાં આ પારંપારિક પ્રથાઓને યોગ્ય મહત્ત્વ મળવું જોઈએ."

"જ્ઞાનનો આ પ્રવાહ નવી પેઢી સુધી પહોંચે તે માટે શાળાના પાઠ્યક્રમમાં ઉમેરો કરવો જોઈએ. સ્થાનિક સ્થિતિ અનુસાર જીવનશૈલીનું સંરક્ષણ પણ આ મામલે એક મહત્ત્વપૂર્ણ સ્તંભ બની શકે છે."

મોટી જાહેરાત - વિશ્લેષણ

મૅટ મૅક્ગ્રા, બીબીસી પર્યાવરણ સંવાદદાતા

ભારતના વડા પ્રધાને દુનિયાભરના ટોચના નેતાઓ સામે પોતાના ભાષણમાં મોટા ભાગનો સમય એ સમજાવવામાં વિતાવ્યો કે જળવાયુ પરિવર્તનના પડકારનું સૌથી મોટું સમાધાન જીવનશૈલીમાં બદલાવ છે. પરંતુ સૌથી મોટી વાત તેમણે અંતમાં કહી.

જળવાયુ માટે 'પાંચ અમૃત'ની વાત કરતાં પીએમ મોદીએ એલાન કર્યું કે તેમનો દેશ 2070 સુધીમાં નેટ ઝીરોના લક્ષ્યને પ્રાપ્ત કરી લેશે.

આ દુનિયાના ત્રીજા સૌથી મોટા ઉત્સર્જક દેશ તરફથી લેવાયેલું એક મોટું પગલું છે, જે હજુ પણ પોતાની અડધા કરતાં વધુ વીજળીની જરૂરિયાત કોલસા દ્વારા પૂરી કરે છે.

જોકે, તેમણે જે સમયમર્યાદા જાહેર કરી છે તે વૈજ્ઞાનિકોએ આ સદીના મધ્ય(2050) સુધી સૂચવેલા લક્ષ્યથી અલગ છે. એ સમયમર્યાદાને વૈજ્ઞાનિકો પરિસ્થિતિને ખતરનાક બનતી અટકાવવા માટે જરૂરી ગણાવે છે. પરંતુ વ્યાપક રીતે તેનું સ્વાગત કરવામાં આવ્યું છે.

આપણામાંથી કોઈ પણ પોતાની જાતને બચાવી નહીં શકે- બાઇડને ચેતવણી આપી

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને COP26માં કહ્યું કે, "જો આપણે આ તકનો લાભ નહીં લઈએ તો, આપણામાંથી કોઈ પણ પોતાને તે ખરાબ પરિસ્થિતિઓથી બચાવી શકશે નહીં."

બાઇડને કહ્યું કે આ એક ખૂબ મહત્ત્વનો દાયકો છે અને અમેરિકા 2030 સુધી પોતાના કાર્બન ઉત્સર્જનમાં એક ગીગા-ટનથી પણ વધારેનો ઘટાડો લાવશે.

પરંતુ અમેરિકા સામે એક મોટી જવાબદારી છે કારણ કે આ સમયે વિશ્વમાં માત્ર ચીન જ અમેરિકાથી વધારે કાર્બનનું ઉત્સર્જન કરે છે.

વર્ષ 2019માં અમેરિકાએ 5,107 મેગાટન કાર્બનનું ઉત્સર્જન કર્યું હતું.

ઐતિહાસિક રીતે પણ અમેરિકા કાર્બન ઉત્સર્જન માટે સૌથી વધારે જવાબદાર રહ્યું છે.

અવર વર્લ્ડ ઇન ડેટાથી મળેવા આંકડા અનુસાર, અમેરિકાએ 1750 બાદથી 410 અબજ ટન કાર્બનનું ઉત્સર્જન કર્યું છે, જે ચીન દ્વારા ઉત્સર્જિત કાર્બનથી બમણું છે.

COP26: જળવાયુ પરિવર્તનની શિખરમંત્રણામાં જેમ્સ બૉન્ડનો ઉલ્લેખ

બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોનસને COP26માં સામેલ થવા માટે ગ્લાસગો પહોંચેલા વિશ્વનેતાઓનું સ્વાગત કરતાં તેમની સરખામણી જેમ્સ બૉન્ડ સાથે કરી.

તેમણે કહ્યું કે બૉન્ડ ફિલ્મોમાં હંમેશાં હીરો વિશ્વને ખતમ કરવા માટે ઉતાવળી થયેલી શક્તિઓને રોકવા માટે ઝૂઝતો હોય છે.

તેમણે ઉમેર્યું, “જોકે, ત્રાસદી એ છે કે આ કોઈ ફિલ્મ નથી... પ્રલયવાળું આ મશીન એક હકીકત છે.” તેમના જણાવ્યા અનુસાર વૈશ્વિક તાપમાનમાં માત્ર બે ડીગ્રીનો વધારો ફૂડ સપ્લાયને જોખમમાં નાખી શકે છે. ત્રણ ડીગ્રીનો વધારો જંગલોમાં આગ અને વાવાઝોડાંની ઘટનાઓમાં વધારો કરી શકે છે. ચાર ડીગ્રીના વધારાથી આપણે શહેરો ગુમાવવાં પડી શકે છે.

વિશ્વભરના નેતાઓ ધીમેધીમે ગ્લાસગોમાં આયોજિત ક્લાઇમેટ ચેન્જ COP26માં ભાગ લેવા પહોંચી રહ્યા છે. જોકે, વિશ્વના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક દેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આ શિખરમંત્રણામાં ભાગ ન લેવાથી પર્યવેક્ષકોમાં નિરાશાની લાગણી છે.

માનવામાં આવી રહ્યું છે કે આ સંમેલન વિશ્વને જળવાયુ પરિવર્તનના જોખમથી બચાવવાની અંતિમ તક છે.

એવામાં જળવાયુ પરિવર્તનની સીધી માર ખાઈ રહેલા અને પોતાના અસ્તિત્વને બચાવવામાં લાગેલા તમામ દેશના નેતા માગ કરી રહ્યા છે કે જળવાયુ પરિવર્તનની ગતિ ધીમી કરવા માટે તત્કાલ પગલાં ભરવાની જરૂર છે.

COP26 શિખરમંત્રણામાં નહીં સામેલ થાય શી જિનપિંગ

વિશ્વમાં સૌથી વધુ કાર્બન ઉત્સર્જન કરનારા દેશ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ગ્લાસગોમાં ચાલી રહેલી શિખરમંત્રણામાં ભાગ લેવા પહોંચ્યા નથી.

તેમણે શિખરમંત્રણા માટે એક લિખિત સંદેશ મોકલ્યો છે. એ બાદ કેટલાક લોકો જળવાયુ પરિવર્તન મામલે ચીનના સમર્પણ પર સવાલ કરી રહ્યા છે.

'બેજિંગ પાવર પ્લાન્ટ'બહારથી રિપોર્ટ કરી રહેલા બીબીસીની ચાઇનીઝ સેવાના સંવાદદાતા સ્ટીફન મૅકડૉનલ્ડ જણાવે છે - "(આજે) હ્યુએન પાવરસ્ટેશનના કુલિંગ ટાવરોમાંથી વરાળ નીકળી રહી છે. ક્યારેક અહીં કોલસો સળગાવીને વીજળી ઉત્પન્ન કરવામાં આવતી હતી. (જોકે) હવે અહીં ગૅસની મદદથી ટર્બાઇન ચાલી રહ્યાં છે.

ચીની રાજધાનીમાં અધિકારીઓ જણાવે છે કે આ શહેરમાં કોલસો સળગાવીને વીજઉત્પાદન કરવામાં નથી આવતું. જોકે, પડોશી રાજ્યોમાં આવું નથી થતું અને ચીન કાર્બન ઉત્સર્જન ઘટાડવાનાં પોતાનાં લક્ષની પ્રાપ્તીમાં ભારે પડકાર અનુભવી રહ્યું છે.

ચીનના નેતા જિનપિંગ ગ્લાસગો સમિટમાં ભાગ નથી લઈ રહ્યા અને એટલું જ નહીં, કોરોના વાઇરસ ફેલાયો એ બાદ તેઓ કોઈ કારણે દેશની બહાર પણ નથી ગયા. જેને વિશ્વના સૌથી મોટા કાર્બન ઉત્સર્જક દેશ તરફથી જળવાયુ પરિવર્તન મામલે અપાઈ રહેલા બહુ ઓછા યોગાદનના રૂપમાં જોવામાં આવી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો