You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કલાબહેન ડેલકરનો પેટાચૂંટણીમાં વિજય, શિવસેનાએ કહ્યું 'દિલ્હી વાયા દાદરા નગરહવેલી'
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકરના મૃત્યુના પગલે યોજાયેલી લોકસભાની બેઠકની પેટાચૂંટણી તેમનાં વિધવા કલાબહેને જીતી લીધી છે.
કલાબહેનને 50 હજાર કરતાં વધારે મતો મળ્યા છે.
કલાબહેન ડેલકરે શિવસેનાની ટિકિટ પરથી આ ચૂંટણી લડી હતી. ભાજપ અને કૉંગ્રેસ ઉપરાંત શિવસેનાએ અહીં ઝંપલાવતાં આ પેટાચૂંટણી રસપ્રદ બની હતી. જોકે, કલાબહેનની જીત નિશ્ચિત માનવામાં આવતી હતી.
કલાબહેનના વિજય પર શિવસેનાનાં રાજ્યસભાનાં સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ અભિનંદન પાઠવતાં આને રાજકીય પરિદૃશ્ય બદલવા તરફનો વિશાળ કૂદકો ગણાવ્યો છે.
અનુસૂચિત જનજાતિ માટે અનામત આ બેઠક પર 30 ઑક્ટોબરે યોજાયેલી પેટાચૂંટણીમાં 75 ટકા મતદાન થયું હતું. ચૂંટણીપંચના જણાવ્યા અનુસાર બેઠક પર 2.58 લાખ મતદારો નોંધાયેલા છે.
23 ફેબ્રુઆરીએ મોહન ડેલકરે મુંબઈમાં આપઘાત કરી લીધો હતો. ભાજપ અને કૉંગ્રેસ એમ બન્ને પક્ષમાં રહી ચૂકેલા મોહન ડેલકર આ બેઠક પરથી સાત વખત ચૂંટાયા હતા.
બીબીસીના સહયોગી જાવેદ ખાને જણાવ્યું કે દાદરા અને નગરહવેલીના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા આટલી જંગી બહુમતીથી જીત્યાં છે.
મતગણતરી શરૂ થઈ ત્યારથી જ કલાબહેન આગળ ચાલી રહ્યાં હતાં અને એ લીડ છેલ્લે સુધી યથાવત્ રહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
શિવસેનાના નેતા સંજય રાઉતે આ પહેલાં ટ્વિટર પર આને પક્ષનું મહારાષ્ટ્ર બહારનું પ્રથમ પગલું ગણાવ્યું હતું.
તેમણે ટ્વિટર પર લખ્યું હતું, "મહારાષ્ટ્ર બહાર પ્રથમ પગલું. દિલ્હી તરફનો વિશાળ કૂદકો વાયા દાદર નગર હવેલી."
દમણ અને દાદરાનગરની બેઠક અને ત્રિપાંખિયો જંગ
ગત મહિનાની શરૂઆતમાં કલાબહેને પુત્ર અભિનવ તથા પુત્રી સાથે શિવસેનાના સુપ્રીમો ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન 'વર્ષા' ખાતે મુલાકાત કરી હતી. આ તકે રાજ્યસભામાં શિવસેનાના સંસદસભ્ય સંજય રાઉત પણ તેમની સાથે હતા.
બેઠક દરમિયાન કલાબહેન તેમના પુત્ર સાથે શિવસેનામાં જોડાયાં હતાં અને પાર્ટીએ તેમને દમણ અને દાદરાનગરની બેઠક ઉપરથી ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.
કહેવાય છે કે ભાજપ તથા એનસીપી દ્વારા પણ કલાબહેનને પાર્ટીની ટિકિટ આપવાની ઓફર થઈ હતી. અગાઉ એવી ચર્ચા હતી કે અભિનવ ચૂંટણીજંગમાં ઊતરશે તથા પિતાના રાજકીય વારસાને આગળ ધપાવશે.
ઉમેદવારીની જાહેરાત બાદ પત્રકારો સાથે વાત કરતાં કલાબહેને કહ્યું હતું, "જે જુસ્સાથી મારા પતિ દમણ અને દાદરાનગર હવેલીની સેવા કરતા હતા, તે જુસ્સાથી જ હું લોકોનાં કામ કરીશ તથા મારા પતિએ જે સપનાં જોયાં હતાં, તેને પૂર્ણ કરવા માટે પ્રયાસ કરીશ."
ભાજપ દ્વારા મહેશ ગાવિતને ચૂંટણીજંગમાં ઉતારવામાં આવ્યા હતા, જેઓ ઇન્ડિયા રિઝર્વ બટાલિયનના પૂર્વ સબ-ઇન્સ્પેક્ટર છે.
તેમણે 14 વર્ષ સુધી ફરજ બજાવી હતી. તેઓ ગત વર્ષે ભાજપમાં આવ્યા, તે પહેલાં ડેલકર સાથે જોડાયેલા હતા, પરંતુ મતભેદ થતા અલગ થઈ ગયા હતા.
તેઓ દાદરાનગર હવેલી પંચાયતમાં ઉપાધ્યક્ષપદે પણ રહી ચૂક્યા છે.
કૉંગ્રેસે મહેશકુમાર દોઢીને ટિકિટ આપી હતી. એ પહેલાં 2019ના ઉમેદવાર પ્રભુ ટોકિયાને ટિકિટ ઓફર કરવામાં આવી હોવાનું કહેવાતું હતું, પરંતુ તેમણે ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો હતો.
મોહન ડેલકર મૃત્યુકેસ
ફેબ્રુઆરી-2020માં દમણના અપક્ષ સંસદભ્ય મોહન ડેલકરે મુંબઈની એક હોટલમાં આત્મહત્યા કરી હતી.
(આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરી શકો છો.)
મૃત્યુ પહેલાં કથિત રીતે 15-પાનાંની સ્યૂસાઇડ નોટ ગુજરાતીમાં લખી હતી. જેમાં તેમણે અનેક વહીવટી અધિકારીઓ, પોલીસ અધિકારીઓ તથા ભાજપના નેતાઓના નામ લખ્યાં હતાં.
પુત્ર અભિનવે મુંબઈ પોલીસ સમક્ષ દાદરાનગર હવેલી, દમણ-દીવના વહીવટકર્તા પ્રફુલ્લભાઈ ખોડાભાઈ પટેલ સિવાય આઠ અન્ય સામે નામજોગ ફરિયાદ દાખલ કરાવી હતી.
તેમણે આરોપ મૂક્યો હતો કે તેમના પિતા પાસેથી પ્રફુલ્લ પટેલ રૂપિયા 25 કરોડ કઢાવવા માગતા હતા અને જો ન આપે તો તેમને પાસામાં ફિટ કરી દેવાની ધમકી આપવામાં આવી હતી.
ચૂંટણીનું જાહેરનામું બહાર પડ્યું તે પહેલાં ડેલકરની આત્મહત્યાના આરોપી એવા કેટલાક ઉચ્ચ અધિકારીઓની બદલી કરી નાખવામાં આવી હતી.
મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે આ કેસની તપાસ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી છે. મુંબઈના પૂર્વના પૂર્વ કમિશનર પરમવીર સિંહે આરોપ મૂક્યો હતો કે તેમની પર મોહન ડેલકર કેસમાં ભાજપના નેતાને ફિટ કરવા માટે દબાણ હતું.
મૃત્યુ બાદ ડેલકર પરિવારે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રી તથા ગૃહમંત્રી સહિત અલગ-અલગ સ્તરે રજૂઆત કરી હતી. ડેલકર પરિવાર દ્વારા ચૂંટણીપ્રચારમાં પૂર્વ સંસદસભ્યના મૃત્યુનો મુદ્દો ઉઠાવ્યો હતો.
મોહનભાઈ ડેલકર દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટા પર સારી એવી અસર ધરાવતા હતા. તેઓ પ્રથમ વખત વર્ષ 1989માં અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો