ભૂપેન્દ્ર પટેલના આવ્યા બાદ ગુજરાત સરકાર અચાનક આટલી નમ્ર કેમ બની ગઈ?

    • લેેખક, હિંમત કાતરિયા
    • પદ, બીબીસી ગુજરાતી

9 સપ્ટેમ્બર 2021ના રોજ ગુજરાતના તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું, જે બાદ ભૂપેન્દ્ર પટેલને મુખ્ય મંત્રી બનાવાયા. 16 સપ્ટેમ્બરે ગુજરાતના નવા મંત્રીમંડળની શપથવિધિ યોજાઈ.

એટલે કે મુખ્ય મંત્રી, ઉપમુખ્ય મંત્રીની સાથે-સાથે ગુજરાતની આખી સરકાર બદલી કાઢવામાં આવી.

ગુજરાતની નવી સરકારના મંત્રીઓ હોય કે પ્રદેશાધ્યક્ષ દરેકનાં નિર્ણયો અને ભાષણોમાં પરિવર્તન જોવા મળી રહ્યું છે. પ્રજાલક્ષી કાર્યો કરવાની વાતો તો શરૂ થઈ જ ગઈ છે.

સરકારના બદલાયેલાં વલણ અંગેનાં કારણો અને જરૂરિયાત અંગે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ અંગે વિગતવાર જાણવા માટે બીબીસી ગુજરાતીએ કેટલાક રાજકીય નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાતચીત કરી હતી.

મુખ્ય મંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ અને રૂપાણીના સ્વભાવમાં અંતર

તાજેતરમાં અમદાવાદના એક કાર્યક્રમમાં ગુજરાતના નવનિયુક્ત મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું, "મારી સરકારે ટી-20 મૅચ નથી રમવાની. અમારે શાંતિથી અને આરામથી કામ કરવાનું છે."

ડિસેમ્બર 2019માં તત્કાલીન મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું, "મને બરોબર યાદ છે કે હું મુખ્ય મંત્રી થયો ત્યારે મેં કીધું હતું કે હું વન-ડે રમવા નથી આવ્યો, હું ટી-20 રમવા આવ્યો છું અને ટ્વેન્ટી-ટ્વેન્ટીનો મતલબ અડધી પીચે જ રમવું પડે."

પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી ટી-20 મૅચ રમવાની અને અડધી પીચે બૅટિંગની વાતને પ્રસંગોપાત દોહરાવતા હતા.

જોકે કૉંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહ પરમાર રૂપાણીની વાતને જનસામાન્ય સાથે જોડતા નથી.

તેમણે બીબીસી ગુજરાતીને કહ્યું કે, "વિજયભાઈ અડધી પીચે રમવાનું અને ક્રિઝની ચિંતા નહીં કરવાનું લોકોને નહીં પણ એમની જ સરકારના ભાગીદાર નેતાઓને કહી રહ્યા હતા. કારણ કે તેમને નીતિનભાઈથી લઈને ઘણાથી ખતરો હતો."

"દાખલા સાથે વાત કરીએ તો, કૉંગ્રેસે એમના પર ક્યારેય ભ્રષ્ટાચારનો આરોપ મૂક્યો નહોતો. છતાં તેઓ ખુલાસો આપતા હતા કે ગુજરાતમાં ક્યાંય મારી જમીન નથી. આમ કહીને રૂપાણી એમના પક્ષના લોકોને સંદેશો આપતા હતા કે મને ખબર છે કે તમારી પાસે ક્યાં અને કેટલી જમીન છે."

ગાંધીનગરની ચૂંટણીથી શુભારંભ

ભૂપેન્દ્ર પટેલ મુખ્ય મંત્રી બન્યા પછીની પહેલી ચૂંટણી, ગાંધીનગર મહાનગરપાલિકાની હતી.

એક સભામાં પણ તેમણે કહ્યું, "મુખ્ય મંત્રી છું, તો સભામાં પોણો કલાક બોલવું જ પડે એવા મૂડમાં આપણે ક્યાંય નથી."

"તમને પડતી કંઈ પણ મુશ્કેલી મારા સુધી જો પહોંચશે તો પૂરી તાકાતથી એનું નિવારણ કરીશ. ચૂંટણી સમયે તો બધા બોલે પછી કોઈ દેખાતું નથી, એવું નહીં થાય એની અમે જવાબદારી લઈએ છીએ."

"એ જવાબદારીમાંથી કોઈ છટકે તો મારા સુધી વાત પહોંચાડજો અને તમને અમારા સુધી પહોંચવામાં તકલીફ પડે, તોય કહેજો. નંબર તો બધાની પાસે છે જ."

ડિસેમ્બર 2017માં તત્કાલીન મુખ્ય મંત્રી રૂપાણીની એક રેલીમાં રજૂઆત કરવા આવેલી 'ભારતીય સેનાના શહીદની પુત્રી'ને પોલીસ ટિંગાટોળી કરીને લઈ જઈ રહી હતી અને 'બહેનને લઈ જાવ, પછી સાંભળીશું' રૂપાણી એવું કહેતા હતા, એનો વીડિયો વાઇરલ થયો હતો.

વીડિયોને કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં લખ્યુ હતું, "ભાજપનો ઘમંડ ચરમસીમાએ છે, 15 વર્ષથી પરિવારને મદદ નહી મળતાં ન્યાય માંગવા આવેલી શહીદની દીકરીને રૂપાણીજીએ સભામાંથી બહાર ફેંકાવીને માનવતાને લજવી છે."

આ અગાઉ પાટીલે એવો નિયમ બનાવ્યો હતો કે દર સોમવારે બે-બે મંત્રીઓએ પક્ષના કાર્યાલય કમલમ્ આવવું અને કાર્યકર્તાઓના પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવો, પરંતુ કહેવાય છે કે આ નિયમનો અમલ થતો નહોતો.

હવે ખુદ મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કૅબિનેટમાં જ એવો નિર્ણય લીધો છે કે મંત્રીઓ તથા સચિવોએ દર સોમવાર અને મંગળવારે અનિવાર્ય સંજોગો સિવાય કોઈ મિટિંગ રાખવી નહીં કે કોઈ કાર્યક્રમમાં જવું નહીં, પોતપોતાની ઑફિસમાં હાજર રહેવું અને મુલાકાતીઓના પ્રશ્નો સાંભળીને તેનો નિકાલ કરવો.

પરીક્ષાની જાહેરાત અને મોકૂફી

ગુજરાતના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચુડાસમાએ ગત વર્ષે જૂનમાં ધોરણ 12ની પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરી હતી.

કોરોનાની બીજી લહેર ચાલી રહી હતી, ત્યારે મોટાભાગનાં રાજ્યો પરીક્ષા મોકૂફીની ચર્ચા કરી રહ્યા હતા અને ત્યારે ચુડાસમાએ ધોરણ 12ની અને ધોરણ દસના રિપીટર એવા સાડા નવ લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો.

પરીક્ષાનું સમયપત્રક જાહેર કરી દેવામાં આવ્યું હતું. તેના થોડા કલાકો બાદ વડા પ્રધાનની અધ્યક્ષતામાં મળેલી કૅબિનેટ બેઠકમાં સીબીએસઈની પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો હતો.

વડા પ્રધાને આ નિર્ણયની જાહેરાત કરી હતી. ત્યાર બાદ ગુજરાતના શિક્ષણમંત્રીએ તાબડતોડ નિર્ણય બદલ્યો અને પરીક્ષામોકૂફીની જાહેરાત કરી હતી.

ભૂપેન્દ્રસિંહે કહ્યું હતું, "અમે એક જુલાઈથી પરીક્ષા લેવાની તૈયારીઓ કરી હતી, પરંતુ કાલે વડા પ્રધાને બાળકોના હિતમાં નિર્ણય લઈને પરીક્ષા રદ કરી છે. તે સંદર્ભે આજે મળેલી કૅબિનેટની બેઠકમાં પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે."

ગુજરાતમાં નવી સરકારની સાથે સરકારનો સૂર પણ બદલાયો છે, ત્રણ દાયકાની ભાજપ સરકારનો એકાએક સ્વભાવ બદલાયો છે. લાગે છે કે સરકારની કાર્યોનો ઢંઢેરો પીટવાની વૃત્તિમાં બદલાવ આવ્યો છે.

સરકારના વલણમાં બદલાવનું ખરું કારણ શું?

2017ની વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસની 77 સીટ સામે ભાજપ 99 સીટની પાતળી બહુમતીથી સત્તામાં આવ્યો હતો. એનું આ વખતે દબાણ હોઈ શકે?

જવાબમાં કૉંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહે કહ્યું, "તમામ મોરચે આખું મંત્રીમંડળ નિષ્ફળ ગયું હતું. ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન ન થયું. કોરોનાની બીજી લહેરમાં એવું જનમાનસમાં ઠસી ગયું કે આરોગ્યક્ષેત્રે આ સરકાર સાવ નિષ્ફળ ગઈ છે."

"એટલે આ ફેરફાર કરવાની ફરજ પડી છે. કોઈ પણ પક્ષની લોકપ્રિયતા ચરમસીમા પર હોય ત્યારે આવા નિર્ણયો લેવાય. માસ્ટરસ્ટ્રોક ગણીને લોકો તેને ગમાડે છે."

આ મુદ્દે ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જદવાણીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "કોરોનાની બીજી લહેરમાં મુખ્ય મંત્રી સહિત આખું મંત્રીમંડળ નિષ્ફળ ગયું હતું, તેમજ રૂપાણી સરકાર મોટાભાગે અનિર્ણાયક સ્થિતિમાં જોવા મળી હતી."

"ઘણા નિર્ણયો 24 કલાકમાં જ બદલવા પડ્યા. ગૃહ મંત્રાલયના કરફ્યૂના ટાઇમની વાત હોય, પરીક્ષાની વાત હોય, ભરતીઓની વાત હોય. બધામાં બબ્બે વખત નિર્ણયો લેવાયા છે. આ કારણે લોકોનો સરકાર તરફનો વિશ્વાસ ઘટ્યો."

ફેરફાર એ ભાજપની ભૂલ કે માસ્ટર સ્ટ્રોક?

રાજકીય વિશ્લેષક મણિલાલ પટેલે આ ફેરફારને ભાવનાત્મક મુદ્દાઓ સાથે પ્રજાને જોડવાની ભાજપની કુનેહ ગણાવતા કહ્યું, "પ્રજાને સંવેદનશીલ મુદ્દાઓ પર વધુ આકર્ષી શકાય છે. જુઓ ધારાસભ્ય ચાલતા નીકળ્યા, જુઓ મંત્રી સ્ટેજ પર બેસવાની, સન્માન સ્વીકારવાની ના પાડે છે. મેયરની જાહેરમાં ટીકા કરે તો લોકોમાં કામની સાઇકોલૉજિકલ અસર પેદા થાય છે. આ એ પ્રકારના ફેરફાર લાગે છે."

તાજેતરમાં વાપીના પારડી વિધાનસભા વિસ્તારમાં પેજપ્રમુખ અને કમિટિના કાર્ડ વિતરણના સમારોહમાં પ્રદેશ ભાજપપ્રમુખ સી. આર. પાટીલે નેતાઓને સલાહ આપતાં કહ્યું હતું, "નેતાઓએ પણ કાર્યકર્તા બનીને જ રહેવું, ડાયસ કે સ્ટેજ પર બેસવું નહીં."

પાટીલે નેતાઓને એમ પણ કહ્યું કે, "હું સક્ષમ છું, એટલે ટિકિટ મને જ મળવી જોઈએ એવો આગ્રહ રાખવો નહીં. ટિકિટ મળે તો પોતાના માટે અને ન મળે તો જેને ટિકિટ મળી હોય તેના માટે મહેનત કરવી."

ભાજપ પ્રદેશાધ્યક્ષની શીખનો અમલ પણ જોવા મળ્યો. 100 કરોડ લોકોને કોરોના રસી અપાઈ તેના સંદર્ભે ગાંધીનગરમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીને ગુલદસ્તો આપીને સન્માનિત કરવાનો પ્રયત્ન કરાયો, ત્યારે તેમણે સન્માન સ્વીકારવાનો ઇનકાર કરી દીધો અને સ્ટેજ પરથી નીચે ઊતરી ગયા હતા.

હર્ષ સંઘવીએ કહ્યું હતું, "મારું નહીં કોરોના વૉરિયર્સનું સન્માન થવું જોઈએ."

પ્રદેશપ્રમુખ, મુખ્ય મંત્રી અને મંત્રીઓ બન્યા ઍક્ટિવ

તાજેતરમાં વડોદરામાં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ કાર્યક્રમમાં પણ પાટીલે મેયરની કામગીરીને ઢીલી ગણાવીને કહ્યું હતું, "મિટિંગો બંધ કરી કામ કરો, પ્રજાલક્ષી અને વિકાસનાં કામો ઝડપથી કરો. મને લાગતું હતું કે તમે ઝડપથી કામ કરશો પણ આટલું ધીમું કામ નહીં ચાલે અને બીજીવાર આવીએ ત્યારે વડોદરાવાસીઓના એવા ફોન આવવા જોઈએ કે ગાયો અને ભિક્ષુક દેખાતાં નથી."

આ કાર્યક્રમમાં પાટીલે સ્ટેજ પરથી નેમપ્લેટ હઠાવવા અંગે કંઈક આમ કહ્યું હતું. "મંચ પર અગ્રણીઓનાં નામની પ્લેટ અને ખુરશીઓ મૂકવાનું બંધ કરો. ગાડી પરથી લાઇટો હઠાવી, તેમ નેમપ્લેટનું કલ્ચર હઠાવો."

સરકારના બદલાયેલા સ્વરૂપમાં ભ્રષ્ટાચારની વાતને પણ આવરી લેવામાં આવી છે.

તાજેતરમાં મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું, "કોઈ અધિકારી કે કર્મચારી કામ કરાવવાના પૈસા માંગે તો તેનો વીડિયો અમને મોકલી દેજો. કોઈને બક્ષવાના નથી, ક્યાંય પણ ખોટું થતું હશે તો અમે ચલાવી લેશું નહીં."

'પ્રકૃતિમાં બદલાવ નહીં, પરંતુ મતો મેળવવાનું માટેનું નાટક'

હરિ દેસાઈ ભાજપના નેતાઓનાં વાણી-વર્તનમાં આવેલા ફેરફારને રાજકીય લાભ માટેનું નાટક ગણાવે છે.

તેઓ આ અંગે કહે છે, "મારી દૃષ્ટિએ આ બધા નાટક છે. સરકારે પ્રજાનાં કામો કરવા હોત તો પહેલાંથી કરી શક્યા હોત, પરંતુ આ તો ચૂંટણીને ધ્યાને રાખીને પ્રજાને મૂરખ બનાવવાના ધંધા ચાલે છે. પ્રજામાં રહેલા રોષને હળવો કરવા માટે જ તેઓ આવાં નાટક કરે છે.'

તેઓ આગળ કહે છે કે, "આજે પેટ્રોલનો ભાવ 100 રૂપિયા ઉપર જાય, ગૅસબૉટલના 900 રૂપિયા થાય, તેલના ડબ્બાના ભાવ 2500 રૂપિયા થાય એ બધું ભાવનાત્મક મુદ્દાઓમાં લોકો ભૂલી જાય છે."

"બાકી એક સમય હતો કે તેલના ભાવમાં 5-10 રૂપિયા વધે તો વિપક્ષના અશોક ભટ્ટ તેલના ખાલી ડબ્બા લઈને નીકળી પડતા હતા. પુરવઠામંત્રી સનત મહેતા સામે સરઘસ કાઢતા હતા."

"પેટ્રોલના ભાવ વધે તો વાજપેયી બળદગાડામાં કે સાઇકલ પર જતા હતા. હાલમાં સત્તાપક્ષને, વિપક્ષને કે પ્રજાને પડી હોય એવું જણાતું નથી, એટલે આવાં ભાવનાત્મક ક્રિયાકલાપો અસર કરી જાય છે અને તે લોકમુખે ચર્ચાય છે."

સરકારનાં સ્વભાવ અને શૈલીમાં પરિવર્તન સ્વાભાવિક છે?

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત ડાંગરે નવા મંત્રીમંડળના નવા સ્વભાવને સહજ ગણાવતાં બીબીસી ગુજરાતીને કહ્યું, "કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિ બદલાય ત્યારે તેની પ્રાથમિકતાઓ અને કામ કરવાની શૈલી બંને બદલાય છે. નવું મંત્રીમંડળ હકારાત્મક રીતે કામ કરવાની પદ્ધતિને લઈને આગળ વધી રહ્યું છે."

પક્ષનું વલણ બદલાયું છે, પક્ષપ્રમુખ કડક થયા છે?

આના જવાબમાં ડાંગર કહે છે, "કડક થયા છે, એમ ન કહી શકાય. એના બદલે કાર્યકર્તાકેન્દ્રી થયા છે એમ કહી શકાય. નેતા ખુરશી ઉપર બેસવાને બદલે નીચે બેસે તો બધામાં સમાનતાનો ભાવ આવે."

"વાસ્તવમાં તેમણે જ્યારથી પક્ષપ્રમુખ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી નેતાએ સ્ટેજ પર ન બેસવા સહિતના અમુક પ્રકારના આગ્રહો રાખ્યા છે."

"એક વર્ષ પહેલાં ગુજરાત પ્રદેશ કારોબારીની બેઠક સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે મળી, ત્યારે મુખ્ય મંત્રી વિજય રૂપાણી અને રાજનાથસિંહ સહિતના આગેવાનો સ્ટેજની સામે બેઠા હતા. ડાયસ પર કોઈ નહોતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો