ભાજપ સામે અવાજ નહીં ઉઠાવીએ તો ગુલામીના દિવસો પાછા આવશે : હાર્દિક પટેલ - TOP NEWS

મોરબીના રવાપર ગામમાં જનચેતના મહાસંમેલનના ઉદ્ઘાટન વખતે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતની ભાજપ સરકાર પર લોકોના શોષણનો આરોપ મૂક્યો અને કહ્યું કે તેઓ ગામડાં અને નગરોમાં ફરીને ક્રાંતિ અને પરિવર્તન લાવવા માટે લોકોને જાગૃત કરવાનું કામ કરશે.

તેમણે કહ્યું કે કૉંગ્રેસ પક્ષ આ માટે સમગ્ર ગુજરાતમાં 200થી 300 મિટિંગો યોજશે.

હાર્દિકે કહ્યું કે જો કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકારો સામે અવાજ ન ઉઠાવીએ તો ‘ગુલામી’ના દિવસો પાછા ફરવાની બીક છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે હાર્દિકે આગળ કહ્યું કે, “જો તમે નહીં જાગૃત થાઓ, અવાજ નહીં ઉઠાવો, તો આપણે બ્રિટિશરોના સમયની ગુલામ બનાવનારી સિસ્ટમનો ફરી ભોગ બનીશું.”

તેમણે કહ્યું કે ગુજરાત સરકારને ખેડૂતો, યુવાનો, નાના વેપારીઓ અને મધ્યમ વર્ગની વ્યથા દેખાતી નથી.

ગુજરાત : 2020માં અકસ્માતમાં મૃત્યુનો દર દસ વર્ષના તળિયે

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર કોરોના મહામારીને કારણે લદાયેલાં નિયંત્રણોને પગલે રાજ્યમાં અકસ્માતમાં મૃત્યુના દરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.

વર્ષ 2019ની 8,440 ઘટનાઓની સરખામણીમાં વર્ષ 2020માં 6,693 કેસો નોંધાયા હતા, જે 2019ની સરખામણીએ 20.7 ટકા ઓછા હતા.

નેશનલ ક્રાઇમ રેકર્ડ બ્યૂરો (NCRB)એ જારી કરાયેલા આંકડામાં આ ખુલાસો થયો છે.

‘NSGનું સભ્યપદ મળે તો ક્લાઇમેટ લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય’, ભારતનું નિવેદન

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર રવિવારે રોમ ખાતે G-20 સમિટમાં ભારતે કહ્યું કે પર્યાવરણીય લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપનું સભ્યપદ જરૂરી બનશે.

નોંધનીય છે કે ચીનના વિરોધના કારણે હજુ સુધી ભારતને આ જૂથનું સભ્યપદ મળી શક્યું નથી.

આ સાથે જ ભારતે આ હેતુઓ સિદ્ધ કરવા માટે જરૂરી ટેકનૉલૉજીની ઉપલબ્ધતા પર પણ ભાર મૂક્યો હતો.

ઊર્જાના સ્રોત તરીકે કોલસાના સ્થાને અન્ય ટેકનૉલૉજી તરફ વળવા માટે સહાયની જરૂરિયાત અંગે વાત કરતાં ટેકનૉલૉજી, કૉમર્સ અને ઇન્ડસ્ટ્રી મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, “ક્લાઇમેટ ટ્રાન્ઝિસન માટે ઉપલબ્ધ ટેકનૉલૉજી સંદર્ભે આ દિશામાં વિચારવું પડશે."

"કોલસા દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાના સ્થાને કદાચ ન્યૂક્લિયર તરફ વળવા ભારતને ખૂબ વધુ પ્રમાણમાં મૂડીની આવશ્યકતા રહેશે."

"ન્યૂક્લિયર પાવરપ્લાન્ટો સ્થાપવા અને અમારી હાલની અને ભવિષ્યની ઊર્જાની માગને પહોંચી વળવા માટે અમને ન્યૂક્લિયર સપ્લાયર્સ ગ્રૂપનું સભ્યપદ જોઈશે.”

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો