You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદમાં સફાઈકર્મીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ, ‘પોલીસે સગર્ભાને માર માર્યા’નો આક્ષેપ
અમદાવાદમાં સફાઈકામદારો તેમની વિવિધ માંગોને લઈને છેલ્લા પાંચ દિવસથી ધરણાં પર હતા. જોકે, સોમવારે મોડી રાત્રે ધરણાં કરી રહેલા સફાઈકામદારોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
સફાઈકામદારોનો આક્ષેપ છે કે પોલીસે તેમના પર ‘બળપ્રયોગ’ કર્યો છે.
ગત મોડી રાત્રે આ મામલે કાર્યવાહી કરવા પોલીસનો મોટો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. નોકરીમાં કાયમી કરવાની માંગ સાથે સફાઈકામદારો બોડકદેવમાં નવા પશ્ચિમ ઝોનની ઑફિસ પર ધરણાં કરી રહ્યા હતા. અહીં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો પણ હતાં.
સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસકર્મીઓનો કાફલો ઑફિસ પર ખડકી દેવામાં આવ્યો હતો અને સફાઈકર્મીઓની અટકાયત પણ કરાઈ હતી. અટકાયત સમયે કામદારો અને પોલીસકર્મીઓ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
આ મામલે બીબીસીએ સફાઈકામદારોના નેતા હિતેન મકવાણા સાથે વાતચીત કરી હતી.
હિતેન મકવાણાએ કહ્યું કે, “અમને કાયમી કરવામાં આવે તેવી માંગ સાથે છેલ્લા પાંચ દિવસથી અમે ધરણાં કરી રહ્યા છીએ. આ મામલે ઉકેલ આણવા માટે બેઠક યોજાવાની હતી, એની પૂર્વરાત્રીએ એકાએક અમારી અટકાયત કરાઈ છે."
"45થી વધુ લોકોની અટકાયત કરાઈ છે, જેમાં મહિલાઓ પણ સામેલ છે.”
મહિલાઓ પર બળપ્રયોગનો આક્ષેપ
હિતેન મકવાણાનો આરોપ છે કે મહિલાઓ પર પોલીસે બળપ્રયોગ કર્યો છે. તેઓ કહે છે કે, “તેમણે અમને રાત્રે જમવા પણ નથી દીધા અને મહિલાઓ સાથે પોલીસકર્મીઓએ મારપીટ કરી છે.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“અમદાવાદ મહાનગરપાલિકાએ અન્ય કામદારોને કાયમી કર્યા પણ ઘુમા-બોપલ પાલિકાના કામદારોને કાયમી ન કર્યા."
"ઘણી વખત અધિકારીઓને રજૂઆતો કરી, પણ છતાં અમારી વાત કોઈએ ન સાંભળી. એટલે અમારે ધરણાં કરવાનો વારો આવ્યો.”
જે સફાઈકામદારો પાંચ દિવસથી ધરણાં કરી રહ્યા હતા, તેઓ કૉર્પોરેશનમાં સમાવવામાં આવેલા નવા વિસ્તારોમાં ફરજ બજાવે છે. અટકાયતની બાદ મોડી રાત્રે સફાઈકામદારો વસ્ત્રાપુર પોલીસસ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો હતો.
હિતેન મકવાણાએ બીબીસીને જણાવ્યું કે, “અટકાયત સમયે પોલીસે સગર્ભા મહિલાને પણ માર માર્યો છે. તેમને સિવિલ હૉસ્પિટલમાં લઈ જવાયાં છે.”
તેમણે વધુમાં કહ્યું, “બોડકદેવ ઝોનલ ઑફિસ ખાતે દક્ષિણ-પશ્ચિમ ઝોનના સફાઈકર્મીઓ ચાર મહિનાથી પગાર ન મળતાં હડતાળ પર ઊતર્યા હતા અને પોલીસે ઘણાની અટકાયત કરી હતી.”
પોલીસ અને કૉર્પોરેશન શું કહે છે?
વસ્ત્રાપુરના પોલીસઇન્સ્પેક્ટર એસ. એન. ખાભલાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "કાયમી કરવાની માગણી સાથે ધરણાં કરી રહેલા સફાઈકામદારોની તકેદારીના ભાગરૂપે અટકાયત કરાઈ હતી."
"એમને અવસર વિતે મુક્ત કરવામાં આવ્યા છે."
સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન હિતેષ બારોટે બીબીસી સાથે વાત કરતાં કહ્યું કે "બોપલ-ઘુમાના સફાઈકામદારના રેકર્ડ તપાસવામાં આવી રહ્યા છે અને એમની માગણીઓનો ઝડપથી નિકાલ આવે એવો પ્રયાસ કરી રહ્યા છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો