પોલીસ ગ્રેડ પે આંદોલન : પોલીસલાઇનમાં પરિવારોની હાલત શું છે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ઉભરાતી ગટરનાં પાણીમાં રમતાં છોકરાઓ અને ઘરમાં ગમે ત્યારે છત પડી જાય તો ઈજા ના થાય એ માટે તડકામાં ભણતા બાળકો... આ કોઈ ઝૂંપડપટ્ટીની વાત નથી પણ આ દૃશ્યો તમને જોવા મળશે અમદાવાદના પોલીસ ક્વાર્ટરમાં, જેને પોલીસની ભાષામાં પોલીસ લેન કહેવાય છે.

અમદાવાદની પોલીસ લેનમાં સમસ્યાઓનો અભાવ દેખાતો હોવા છતાં પોલીસકર્મીઓ અહીં રહેવા માટે મજબૂર છે.

23,000નો પગાર મેળવનાર પોલીસ કૉન્સ્ટેબલ જો સરકારે આપેલા ઘરમાં ના રહે તો એમને ભાડાપેટે માત્ર 1800 રૂપિયા મળે છે, એટલે નાછૂટકે એમને પોતાના પરિવાર સાથે આવી જગ્યા પર રહેવું પડે છે.

પોલીસ કૉન્સ્ટેબલે શરૂ કરેલા ગ્રેડ પે વધારાના સોશિયલ મીડિયા પરના આંદોલન પર પ્રતિબંધ મૂકતા હવે આંદોલનનો દોરીસંચાર પોલીસ કૉન્સ્ટેબલનાં પત્નીઓએ હાથમાં લીધો છે.

તો ગુજરાત સરકાર પણ પોલીસના આંદોલનને લઈને હરકતમાં આવી છે અને મિટિંગોનો દોર શરૂ થયો છે.

પોલીસપત્નીઓએ આંદોલનમાં કેમ ઝંપલાવ્યું?

સમગ્ર ગુજરાતમાં પોલીસના આંદોલનની ચર્ચા છે ત્યારે બીબીસીએ પોલીસ પરિવારના કેટલાક સભ્યો સાથે મુલાકાત કરી હતી અને આંદોલન અંગે તેમનો મત જાણ્યો હતો.

અમદાવાદની પોલીસ લેનથી આંદોલન શરૂ કરનાર પોલીસ કૉન્સ્ટેબલનાં પત્ની પરમાબહેન દેસાઈ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે "મારાં લગ્ન નક્કી થયાં ત્યારે મારા પતિની પોલીસમાં ફિક્સ પગારમાં નોકરી લાગી હતી. અમારાં લગ્ન થયાં અને તરત જ મારા પતિને નવ મહિના સુધી પોલીસ ટ્રેનિંગ માટે જવું પડ્યું. એટલે અમારાં લગ્ન પછી હનીમૂન પર ના જઈ શક્યાં."

"મેં મન બનાવી લીધું કે પતિ પોલીસની નોકરીમાં છે તો આવું ચલાવી લેવું પડશે. એ વખતે 19,500 ફિક્સ પગાર હતો. એમનું પોસ્ટિંગ અમદાવાદ થયું. અમને સરકારે પોલીસ લેનમાં ક્વાર્ટર આપ્યું હતું. એક રૂમ-રસોડાના આ ક્વાર્ટરમાં ઉખડેલો ચૂનો, તૂટેલાં બારી-બારણાં હતાં, પણ નાછૂટકે અમારે અહીં રહેવું પડ્યું, કારણ કે જો અમે પોલીસ લેનમાં ના રહીએ તો અમારે ભાડે મકાન લેવું પડે અને અમને સરકાર ભાડાના માત્ર 1800 રૂપિયા આપે છે."

તેઓ વધુમાં કહે છે, "અમદાવાદમાં ભાડાનું મકાન 4000થી નીચે મળે નહીં. એમાંય એમણે પોલીસ સ્ટેશન જવા માટે મોટર સાઇકલ લીધેલું એના હપ્તા શરૂ થઈ ગયા હતા. ભાડાનું મકાન શક્ય નહોતું. આ અરસામાં મારા ઘરે દીકરાનો જન્મ થયો. ખર્ચ વધવા લાગ્યા એટલે મેં સિલાઈકામ શરૂ કર્યું."

"મારા પતિને નોકરીમાંથી ફુરસદ મળતી નહોતી. મારો દીકરો બીમાર પડ્યો ત્યારે અમે 14 કલાકે એને દવાખાને લઈ ગયા. વાર-તહેવાર પોલીસ કૉન્સ્ટેબલના પરિવાર માટે હોતા જ નથી."

આંદોલન અંગે વાત કરતા તેઓ વધુમાં કહે છે કે "મને બીજી તો કોઈ ખબર નથી પણ એટલી ખબર છે કે પોલીસ લાઇનમાં બધા લોકોએ નક્કી કર્યું કે આપણે પગારવધારા માટે આંદોલન કરવાનું છે. સોશિયલ મીડિયા પર આંદોલન કરવાનું નક્કી થયું હતું અને સરકારે પરિપત્ર બહાર પાડીને કહ્યું કે સોશિયલ મીડિયા પર પોલીસ કર્મચારી આંદોલનનો કે વિરોધનું ડી.પી. મૂકશે તો શિષ્ટભંગ ગણાશે એટલે અમે મહિલાઓએ આંદોલન કરવાનું નક્કી કર્યું છે. અમે અમારા પતિ વતી આંદોલન કરી રહ્યાં છીએ."

પોલીસ પરિવાર કેવી સ્થિતિમાં જીવે છે?

તો પોલીસ લેનમાં રહેતા પોલીસ કૉન્સ્ટેબલની પત્ની મંજરી થારવર બીએસસી સુધી ભણેલાં છે.

એમના પતિ અમદાવાદમાં હેડ કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.

મંજરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે વર્ગ ત્રણના તમામ સરકારી કર્મચારી કરતા પોલીસનો પગાર ઓછો છે. શિક્ષકના પગાર કરતાં પણ એમનો પગાર ઓછો છે. મારા પતિ પ્રામાણિકતાથી નોકરી કરે છે એટલે અમારે અહીં પોલીસ ક્વાર્ટરમાં રહેવું પડે છે.

તેઓ કહે છે, "મારો દીકરો ત્રીજા ધોરણમાં ભણે છે. થોડા સમય પહેલાં અમારા ઘરની છત તૂટી ગઈ હતી. સદનસીબે મારો દીકરો ઘરમાં નહોતો એટલે બચી ગયો, નહીંતર એને ઈજા થાત. ઘરનું ફર્નિચર તૂટી ગયું છે, દીકરાને ભણાવવાની ફી અને ઘરખર્ચ કાઢતા અમારી પાસે કઈ બચતું નહોતું, એટલે મેં નોકરી શરૂ કરી છે."

મંજરી કહે છે કે તેઓ એક પૅથૉલૉજી લૅબમાં નોકરી કરે છું અને મહિને 20 હજાર રૂપિયા કમાય છે.

મંજરી આર્થિક સ્થિતિ અંગે કહે છે, "મારા પતિનો પગાર ઘરખર્ચમાં જાય છે અને મારો પગાર બચાવીને અમે નવું ઘર લેવાનું વિચારીએ છીએ. એક શિક્ષક કરતાં પોલીસનો પગાર ઓછો છે, એમાં કોઈ રજા નહીં, વીકલી ઑફ તો ભૂલી જવાનો. તહેવારની રજા નહીં."

"શિક્ષકને પોલીસ કરતાં ઓછું કામ છતાં વધુ રજાઓ અને આંદોલન કરે એટલે પગાર વધી જાય એટલે અમે નક્કી કર્યું છે કે પોલીસ કર્મચારી તરીકે મારા પતિ આંદોલન ના કરી શકે તો અમે પત્નીઓ તો આંદોલન કરી શકીએ, એટલે અમે આંદોલન કરી રહ્યાં છીએ."

'ઘરખર્ચ ચલાવવા ગામડેથી પૈસા મંગાવવા પડે છે'

તો અમદાવાદની પોલીસ લેનમાં રહેતા સોનલ રબારીના પતિ પોલીસ કૉન્સ્ટેબલ છે.

એમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મારા પતિનો પગાર 23,300 છે, એમાં મારા દીકરાની સ્કૂલની ફી દર મહિને 1200 રૂપિયા, સ્કૂલ રિક્ષાના 550 રૂપિયા, દૂધ-શાકભાજી, કરિયાણું-ગૅસના દર મહિને 12000 રૂપિયા થાય છે.

"લાઇટનું બિલ બે મહિને અઢી હજાર એટલે મહિનાના 1250 થાય અને ફોનના પૈસા ગણો તો ઘરના ખર્ચમાં 15,000 વપરાઈ જાય છે. નાહવા-ધોવાના સાબુ, ટૂથ પેસ્ટ અને બીજી પરચૂરણ વસ્તુના હજાર રૂપિયા થાય. વધે છ હજાર, એમાં અમારા પતિનો પોલીસ સ્ટેશન જવા-આવવાનો પેટ્રોલનો ખર્ચો, ખિસ્સાખર્ચ ગણો તો અમારે ગામડેથી ઘર ચલાવવા પૈસા મંગાવવા પડે છે."

"સ્કૂલના શિક્ષક હોય ડૉક્ટર કે નર્સ આંદોલન કરી શકે તો પોલીસ પગાર માટે આંદોલન ના કરી શકે? આ ક્યાંનો ન્યાય, એટલે અમે અમારા પતિ વતી આંદોલન કરી રહ્યા છીએ. અમારી જ્ઞાતિમાંથી અમને વૉટ્સઍપ મૅસેજ આવ્યો છે કે પોલીસ આંદોલન ના કરે તો એમના પરિવારના લોકોએ આંદોલન કરવું એટલે અમે મહિલાઓ વારાફરતી થાળી વગાડીને પોલીસ સ્ટેશન જઈ આંદોલન કરીએ છીએ."

તો સૂચિત પોલીસ કૉન્સ્ટેબલ યુનિયનના પ્રમુખ ઇસ્માઇલ સુમરાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસ માટે અવાજ ઉઠાવનાર દરેકનો અવાજ દબાવી દેવામાં આવે છે. 2008 અને 2019માં પોલીસ કૉન્સ્ટેબલ માટે આંદોલન કરનાર તમામ લોકોની એવા સ્થળે બદલી કરી નાખવામાં આવી હતી કે કોઈ અવાજ ના ઉઠાવે, પણ આ વખતે અમે નવી પદ્ધતિ અપનાવી છે.

તેઓ કહે છે, "દરેક સમાજમાંથી આવતા લોકોનાં સગાં હવે પોલીસ આંદોલનમાં જોડાઈ રહ્યા છે. સરકારને પોલીસની સંગઠિત તાકાતની હવે ખબર પડશે, પોલીસ આંદોલન ના કરી શકે પણ એમનાં સગાં તો પોલીસ માટે આંદોલન કરી શકે એટલે અલગઅલગ જ્ઞાતિનાં સંગઠનો અમારી સાથે જોડાઈ રહ્યા છે અને મહિલાઓ શાંતિથી થાળી વગાડીને ગાંધીચીંધ્યામાર્ગે આંદોલન કરી રહી છે."

પોલીસ કૉન્સ્ટેબલનાં પત્ની રમીલા ચૌધરીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે પોલીસ લાઇનમાં રહીએ છીએ. મોટા ભાગના પરિવારો બક્ષીપંચ, દલિત અને આદિવાસી છે.

"અમારા બધાના વૉટ્સઍપ પર અમારા અલગઅલગ સમાજ તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે તમારા પતિ તમારા માટે ઘર-બાર મૂકી તહેવાર જોયા વગર પ્રજા માટે કામ કરે છે, પણ પોતાના માટે અવાજ ઉઠાવી નથી શકતા, તો તમે એમનાં અર્ધાંગના છો, તમે દરેક પોલીસ અધિકારીનો ઘેરાવ કરો અને થાળી વગાડતા રેલી કાઢીને જાવ, જેથી પ્રજાને તમારી વાત ખબર પડે, એટલે અમે દરેક જિલ્લામાં આ પ્રકારે ઘેરાવ કરી રહ્યા છીએ."

આ અંગે બીબીસીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો.

તો ગુજરાત સરકારના પ્રવક્તા જિતુ વાઘાણીએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે પોલીસ આંદોલન અંગે સરકાર સંવેદનશીલ છે. ગૃહમંત્રી પોતે મુખ્ય મંત્રી સાથે બેઠક કરીને એનું નિરાકરણ લાવવા પ્રયાસ કરી રહ્યા છે.

વાઘાણીએ કહ્યું કે સરકાર પોલીસની સમસ્યા પ્રત્યે સંવેદનશીલ છે અને નજીકના સમયમાં સકારાત્મક ઉકેલ લાવશે.

તો આ આંદોલન મામલે ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકારપરિષદ યોજી હતી.

તેમણે જણાવ્યું કે આઈપીએસ બ્રિજેશ ઝાની અધ્યક્ષતામાં પાંચ સભ્યની સમિતિની રચના કરાઈ છે.

તો પોલીસ આદોલનમાં સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકવા બદલ ચાર સામે ગુનો દાખલ કરાયો છે.

આશિષ ભાટિયાએ કહ્યું કે ગુજરાત અને અન્ય રાજ્યોના પગારપંચને જોઈ એમની માગણીઓ પણ નક્કર વિચાર કરવામાં આવશે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો