આર્યન ખાનને ડ્રગ કેસમાં જામીન : 'ન ડ્રગનો વપરાશ કર્યો, ન નશાકારક પદાર્થ મળ્યો, તો 20 દિવસ જેલમાં કેમ રાખ્યો?' બચાવપક્ષનો સવાલ

ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, બૉમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને ડ્રગ્સ કેસમાં જામીન આપી દીધા છે.

છેલ્લી દલીલો આપતી વેળાએ પૂર્વ ઍટર્ની જનરલ તથા આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ક્રૂઝ ઉપર અરબાઝ (મર્ચન્ટ) તથા અચિત સિવાય આર્યન ખાન કોઈને ઓળખતા ન હતા.

અચિતની ધરપકડ ચાર દિવસ પછી કરવામાં આવી હતી અને એવી દલીલ આપવામાં આવી હતી કે તેઓ ડ્રગ્સ ડીલર હતા.

તેમની પાસેથી 2.4 ગ્રામ જેટલું ડ્રગ્સ મળી આવ્યું હતું. જો તેઓ ડિલર હતા તો તેમની પાસેથી ઓછામાં ઓછું 200 ગ્રામ ડ્રગ્સ મળવું જોઈતું હતું.

એએસજી સિંહે પોતાની દલીલો સમાપ્ત કરતી વેળાએ કહ્યું હતું, "કાવતરાંને પુરવાર કરવું મુશ્કેલ છે. કાવતરાખોરો તેના વિશે જાણે છે. હું અદાલતના આત્મા પર તેનો નિર્ણય છોડું છું."

આર્યન ખાન છેલ્લા લગભગ 25 દિવસથી જેલમાં હતા.

કથિત ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનના જામીન અંગેની સુનાવણી આજે બૉમ્બે હાઈકોર્ટમાં થઈ હતી.

આર્યન ખાનના વકીલની દલીલ

ત્રણ દિવસ સુધી સુનાવણી ચાલ્યા બાદ ગુરુવારે બૉમ્બે હાઈકોર્ટે આર્યન ખાન, અરબાઝ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાને જામીન આપી દીધા હતા.

જોકે, વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતાં અને બહાર આવતાં એક-બે દિવસનો સમય લાગી શકે છે અને શુક્રવારે કે શનિવારે તેઓ જેલની બહાર આવશે એમ તેમના વકીલ રોહતગીએ જણાવ્યું હતું.

રોહતગીના કહેવા પ્રમાણે, 'આ કેસ તેમના માટે અન્ય કોઈ કેસ જેવો જ હતો અને અમુક કેસમાં જીત મળે તો અમુક કેસમાં હાર. એ વાતની ખુશી છે કે આર્યન ખાનને જામીન મળ્યા.'

લાઇવલૉ વેબસાઇટના રિપોર્ટ મુજબ, રોહતગીએ દલીલ આપી હતી કે કોઈના (અરબાઝ મર્ચન્ટ) જૂતાંમાં શું છુપાવેલું છે (નશાકારક પદાર્થ) તેનાથી 'કૉન્સિયસ પઝેશન' નથી બનતું. જો તેના વિશે જાણ હોય તથા તેને નિયંત્રિત કરી શકે તેમ હોય તો આ તર્કને માન્ય રાખી શકાય.

એનડીપીએસની સમક્ષ કલમ 67 હેઠળ આર્યન ખાન દ્વારા આપવામાં આવેલા સ્વૈચ્છિક નિવેદનને પણ ગ્રાહ્ય ન રાખી શકાય, તેમ રોહતગીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું.

એક તબક્કે દલીલ આપતા રોહતગીએ કહ્યું હતું કે 'નશાકારક પદાર્શનું સેવન નથી કર્યું, કોઈ મેડિકલ ટેસ્ટ કરવામાં નથી આવ્યો, તેના કબજામાં નશાકારક પદાર્થ ન હતો, તો પછી આ છોકરાને શા માટે 20 દિવસથી જેલમાં રાખવામાં આવ્યો છે?'

રોહતગીએ દલીલ આપી હતી કે મોબાઇલ ફોન જપ્ત કરવામાં નહોતા આવ્યા તથા પંચનામામાં પણ તેનો ઉલ્લેખ નથી. જો 'કૉન્સિયસ પઝેશન'ની વાત માની લેવામાં પણ આવે તો છ ગ્રામ માટે મહત્તમ સજા એક વર્ષની છે. જે વૉટ્સઍપ ચૅટનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે, તેને ક્રૂઝ શિપ પાર્ટી સાથે કોઈ લેવાદેવા નથી.

આર્યન ખાન વિરુદ્ધ NCBની દલીલો

કેન્દ્રીય એજન્સી એનસીબી વતી દલીલ કરતાં ઍડિશનલ સૉલિસિટર જનરલ અનિલસિંહે કહ્યું હતું, "બચાવપક્ષના વકીલો દ્વારા ટેસ્ટિંગની વાત કહેવામાં આવી રહી છે, પરંતુ ટેસ્ટિંગ શા માટે? આ મામલો (ડ્રગ્સ) વપરાશ માટેનો નથી, પરંતુ ડ્રગ્સ રાખવા માટેનો છે. આરોપી નંબર એક ડ્રગ્સના 'કૉન્સિયસ પઝેશન'માં હતા. વૉટ્સઍપ ચૅટને ધ્યાને લેવામાં આવે તો તેમણે વ્યાવસાયિક જથ્થામાં ડ્રગ્સ ખરીદવાનો પ્રયાસ કર્યો હતો."

સિંહે દલીલ આપી હતી, "રેડ દરમિયાન ઍસ્કેસિટીની જે ગોળીઓ જપ્ત થઈ, તે જથ્થો વ્યક્તિગત વપરાશ માટે હતો એમ કહી ન શકાય, પરંતુ તે વ્યાવસાયિક હેતસુરનો જથ્થો હતો."

અત્રે એ યાદ અપાવવું ઘટે કે 20મી ઑક્ટોબરે બીજી વખત જામીનઅરજી નકારતી વખતે અદાલતે નોંધ્યું હતું કે આર્યન ખાન પાસેથી કોઈ ડ્રગ્સ જપ્ત નથી થયું, પરંતુ તેઓ જાણતા હતા કે તેમના મિત્ર અરબાઝ મર્ચન્ટ પાસે પ્રતિબંધિત પદાર્થ હતા અને બંને સાથે હતા મતલબ કે કૉન્સિયસ પઝેશન (જાણકારી સાથે નશાકારક પદાર્થ) હતું.

અરબાઝ મર્ચન્ટ પાસેથી છ ગ્રામ ચરસ જપ્ત થયું હતું એમ એનસીબીએ કહ્યું હતું.

એનસીબીની કાર્યવાહી સામે પ્રશ્ન

બીજી તરફ એનસીપીના પ્રવક્તા નવાબ મલિકે સવાલ ઉઠાવ્યો છે કે ક્રૂઝ ઉપર 1300 લોકો હાજર હતા, છતાં 13 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી છે.

ક્રૂઝ પર પાર્ટીનું આયોજન કરનાર સામે કેમ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી ? તેઓ સમીર વાનખેડેના મિત્ર છે એટલે ? મલિકે એક ખાનગી ચેનલના અધિકારીની સામે નામજોગ આરોપ પણ મૂક્યા છે.

આર્યન ખાન કેસમાં અત્યાર સુધીમાં શું-શું થયું?

એનસીબીના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ બૉમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી, જેની ઉપર બે જજોની બૅન્ચે સુનાવણી હાથ ધરી હતી.

વાનખેડેના વકીલે દલીલ આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા તેમની ઉપર વ્યક્તિગત પ્રહાર કરવામાં આવી રહ્યા છે. આજે ગમે ત્યારે તેમની ધરપકડ થઈ શકે છે, એટલે તેઓ વચગાળાની રાહત ઇચ્છે છે.

ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ રાજ્ય સરકાર દ્વારા વાનખેડેની ધરપકડ પહેલાં તેમને ત્રણ દિવસનો સમય આપવાનો રહેશે અને રાજ્ય સરકારે તેના માટે સહમતિ આપી છે.

બૅન્ચે ઉમેર્યું હતું કે તેઓ કેસની ઉપર કોઈ ટિપ્પણી નથી કરી રહ્યા.

પોતાની અરજીમાં વાનખેડેએ સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) કે એનઆઈએ (નેશનલ ઇનવેસ્ટિગેશન એજન્સી) દ્વારા તપાસની તૈયારી દાખવી હતી.

એનસીબીના વકીલે દલીલ આપી હતી કે આર્યન ખાને પહેલી વખત ગુનો આચર્યો છે એવું નથી. તે નિયમિત રીતે ડ્રગ્સનો વપરાશ કરતા રહ્યા છે અને તેઓ ડ્રગ્સના વેપારી જથ્થા સાથે સંબંધ ધરાવે છે. આવા કિસ્સામાં જામીન આપવીએ નિયમ નથી, એમ પણ સિંહે ઉમેર્યું હતું.

સિંહે દલીલ આપી હતી કે એનડીપીએસની જોગવાઈઓ હેઠળ નશાકારક પદાર્થોનું સેવન ન કર્યું હોય, પરંતુ તેમના કબજામાં હોય તો પણ તે બિનજામીનપાત્ર ગુનો છે. જો કોઈ ગુનો આચર્યો ન હોય, પરંતુ તેના માટેની યોજના ઘડવામાં આવી હોય તો પણ તે ગુનો છે.

સુનાવણી દરમિયાન બુધવારે શું થયું?

આ પહેલાં બુધવારે સુનાવણી દરમિયાન વરિષ્ઠ ધારાશાસ્ત્રી અમિત દેસાઈએ અરબાઝ મર્ચન્ટના બચાવમાં દલીલ કરી હતી.

અદાલતમાં દલીલ કરતાં દેસાઈએ કહ્યું હતું કે "આ ધરપકડ ગેરકાયદેસર છે અને એ અંગે હું છણાવટ કરીશ."

દેસાઈએ આ સંદર્ભે સુપ્રીમ કોર્ટનો એક ચુકાદો પણ ટાંક્યો હતો.

ધારાશાસ્ત્રી દેસાઈએ કહ્યું હતું કે, "વૉટ્સઍપ ચૅટની વાત કરીએ તો એક પણ એવી ચૅટ નથી જે આ મામલામાં 'કૉન્સ્પિરસી થિયરી'ને સમર્થન આપે. અમે મીડિયા ટ્રાયલન સામે સંઘર્ષ કરી રહ્યા છીએ."

નોંધનીય છે કે આર્યન ખાનના વકીલ મુકુલ રોહતગીએ કોર્ટમાં દલીલ કરી હતી કે આર્યન પાસેથી કોઈ નશીલા પદાર્થ કબજે કરાયા નથી. આ સિવાય ડ્રગ્સના સેવન અંગે પણ કોઈ પુરાવા મળી આવ્યા નથી. તેથી તેમને જામીન મળવા જ જોઈએ.

બીજી તરફ આર્યનની ધરપકડ કરનાર એજન્સી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ આર્યન ખાનની જામીનઅરજીનો વિરોધ કર્યો હતો.

બ્યૂરો વતી કરાયેલ દલીલમાં કહેવાયું હતું કે જો તેમને જામીન અપાય તો તેઓ તપાસની પ્રક્રિયાને અસર પહોંચાડી શકે છે. તેમજ એજન્સીએ જણાવ્યું કે તેમને ઇન્ટરનેશનલ ક્રૂઝ શિપ ડ્રગ રૅકેટ અંગે વધુ વિગતો મેળવવા માટે વધુ સમયની જરૂર છે.

અગાઉની સુનાવણીમાં શું થયું હતું?

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમામે મુકુલ રોહતગીએ અદાલતમાં કહ્યું કે, "ક્રૂઝ પર આર્યન ખાન મહેમાન તરીકે હાજર હતા. તેમને પ્રતીક ગાબાએ આમંત્રણ આપ્યું હતું, જેઓ આયોજક સમાન છે."

"આર્યન ખાન અને અરબાઝ મર્ચન્ટને પ્રતીકે જ આમંત્રણ આપ્યું હતું. તેઓ બંને સાથે જ ક્રૂઝ ટર્મિનલ પર પહોંચ્યા હતા."

આર્યન ખાનની તરફેણમાં દલીલ કરતાં દાવો કરવામાં આવ્યો છે કે જે વૉટ્સઍપ ચૅટ તેમની વિરુદ્ધ રજૂ કરાઈ હતી, તે 12થી 14 મહિના જૂની છે.

સમાચાર સંસ્થા એએનઆઈ પ્રમાણે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ આર્યન ખાનની જામીનઅરજીનો વિરોધ કર્યો છે.

એનસીબીએ સોગંદનામું રજૂ કરતાં કહ્યું છે કે, "આંતરરાષ્ટ્રીય ડ્રગરૅકેટ ચાલી રહ્યું છે અને તેને ઉકેલવા માટે ઍજન્સીને સમય જોઈએ છે."

"જો જામીન આપવામાં આવશે તો આર્યન તપાસને અસર કરી શકે છે, પુરાવાઓને હાનિ પહોંચાડી શકે છે અને સાક્ષીઓને પણ તોડી શકે છે."

સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા પ્રમાણે એનસીબીએ હાઈકોર્ટમાં કહ્યું છે કે, "આર્યન ખાન ન માત્ર ડ્રગનું સેવન કરનાર છે, તે ડ્રગની તસ્કરીમાં સામેલ છે અને સાક્ષીઓ સાથે પણ ચેડાં કર્યાં છે."

આ અગાઉ 20 ઑક્ટોબરે અંગે એનડીપીએસ સ્પેશિયલ કોર્ટમાં થયેલી સુનાવણીમાં આર્યન ખાનની જામીનઅરજી નામંજૂર થઈ હતી.

સમાચાર એજન્સી એએનઆઈ પ્રમાણે સુનાવણી દરમિયાન મુંબઈ એનસીબીએ અદાલતમાં આર્યન ખાનની વૉટ્સઍપ ચૅટ રજૂ કરી છે.

એનસીબીનું કહેવું છે કે પોલીસને ડ્રગ અંગે વૉટ્સઍપ ચૅટ મળી છે, જે કથિત રીતે આર્યન ખાન અને નવોદિત અભિનેત્રી વચ્ચેની હતી.

બીજી ઑક્ટોબરે અડધી રાતે શું થયું?

મુંબઈના ડ્રગ કંટ્રોલ સ્ક્વૉડે શનિવાર અડધી રાત્રે એક મોટું ઑપરેશન શરૂ કર્યું.

મહારાષ્ટ્ર ટાઇમ્સના રિપોર્ટ મુજબ સમુદ્ર વચ્ચે એક ક્રૂઝ શિપ પર કથિત રીતે ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને એનસીબીએ દસ લોકોની અટકાયત કરી હતી.

પોલીસને સૂચના મળી હતી કે પાર્ટી મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝ શિપ પર ચાલી રહી હતી.

એટલે એનસીબીની ટીમે એક ડ્રગ લેવાનું શરૂ થયું ત્યાર બાદ બધાને પકડ્યા. શનિવારે રવાના થયેલા આ ક્રૂઝને સોમવારે મુંબઈ પાછું આવવાનું હતું.

આ ક્રૂઝ શિપ મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. એનસીબીના અધિકારીઓ સાદાં કપડાંમાં પર્યટક તરીકે ક્રૂઝ શિપમાં પહોંચી ગયા હતા. ક્રૂઝ શિપે જ્યારે સમુદ્રમાં સફર શરૂ કરી ત્યારે પાર્ટી શરૂ થઈ અને બધા આરોપીઓ રંગેહાથે પકડાયા.

કેટલાક મીડિયા અહેવાલ મુજબ ક્રૂઝ શિપ થોડા દિવસો પહેલાં જ શરૂ થયું હતું અને તેના પર યોજાતી પાર્ટીની ટિકિટ 80 હજાર રૂપિયા હતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો