You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Aryan Khan: રેવ પાર્ટી એટલે શું? એ પાર્ટીમાં શું થતું હોય છે?
- લેેખક, મયંક ભાગવત
- પદ, બીબીસી સંવાદદાતા
ફિલ્મસ્ટાર શાહરુખ ખાનના દીકરા આર્યનની નાર્કોટિક્સ બ્યૂરોએ એક રેવ પાર્ટીમાંથી ધરપકડ કરી છે. આર્યન પર ડ્રગ્ઝના સેવનનો, તેને ખરીદવાનો અને રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
કોર્ડિલા ક્રુઝમાંની કથિત રેવ પાર્ટી પ્રકરણે આર્યન ખાન સહિત આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
સવાલ એ છે કે આ રેવ પાર્ટી એટલે ખરેખર શું? તેમાં શું-શું થતું હોય છે? અમે નાર્કોટિક્સ અધિકારીઓ અને ખબરીઓ પાસેથી આ માહિતી મેળવી હતી.
રેવ પાર્ટી એટલે શું?
રેવ પાર્ટી અત્યંત ગુપ્ત રીતે યોજવામાં આવતી હોય છે.
એ પાર્ટીમાં અત્યંત મોટા પ્રમાણમાં ડ્રગ્ઝ, દારૂનું સેવન કરવામાં આવતું હોય છે.
મ્યુઝિક અને ડાન્સિંગનો જલસો કરવામાં આવતો હોય છે. ક્યારેક તેમાં સેક્સના કૉકટેલનો ઉમેરો પણ થતો હોય છે.
પોતાની ઓળખ ગુપ્ત રાખવાની શરતે નાર્કોટિક્સ વિભાગના એક અધિકારીએ કહ્યું હતું, "રેવ પાર્ટીઓ પાર્ટી સર્કિટના અત્યંત ખાસ લોકો માટે જ હોય છે. આવી પાર્ટીની માહિતી ગુપ્ત રહે એટલા માટે તેમાં નવા લોકોને પ્રવેશ આપવામાં આવતો નથી."
ડ્રગ્ઝનું સેવન કરતા અને ડ્રગ્ઝનું વેચાણ કરતા લોકો માટે આ રેવ પાર્ટીઓ સલામત સ્વર્ગ સમાન હોવાનું માનવામાં આવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આદિલ શેખ (નામ બદલ્યું છે) નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ખબરી છે. તેમણે આપેલી બાતમીને આધારે નાર્કોટિક્સ અધિકારીઓએ અગાઉ બે રેવ પાર્ટીઓ પર દરોડા પાડ્યા હતા.
આદિલ શેખે કહ્યું હતું, "રેવ પાર્ટીઝમાં ડ્રગ્ઝનું સેવન મોટા પ્રમાણમાં થતું હોય છે. તેમાં મુખ્યત્વે હૅલ્યુસિનેટિંગ ડ્રગ્ઝનો ઉપયોગ કરવામાં આવે છે."
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ કોર્ડિલા ક્રુઝ પર પાડેલા દરોડામાંથી 13 ગ્રામ કૉકેન, 5 ગ્રામ મેથેડ્રોન અને ઍક્સટેસીની 22 ગોળીઓ જપ્ત કરી હતી.
આદિલના જણાવ્યા મુજબ, "રેવ પાર્ટીઓમાં ઍક્સ્ટસી, કેટામાઈન, એમડીએમએ, એમડી જેવા ડ્રગ્ઝ ઉપરાંત ચરસનું સેવન પણ લોકો કરતા હોય છે."
રેવ પાર્ટીઓમાં ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સ મ્યુઝિક જોરશોરથી વગાડવામાં આવતું હોય છે. તેને લીધે વ્યક્તિ ડ્રગ્ઝનું સેવન કર્યા બાદ પણ લાંબા સમય સુધી મૂડમાં રહે છે.
યુવકો અને યુવતીઓ એ મ્યુઝિકના તાલે થિરકતાં રહે છે. કેટલીક રેવ પાર્ટીઝ તો 24 કલાકથી માંડીને ત્રણ-ત્રણ દિવસ સુધી ચાલતી હોય છે.
નાર્કોર્ટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના અધિકારીએ કહ્યું હતું, "ઇલેક્ટ્રૉનિક ટ્રાન્સ મ્યુઝિકનો અવાજ જોરદાર બનાવવા માટે ખાસ પ્રકારની મ્યુઝિક સીસ્ટમનો ઉપયોગ કરવામાં આવે છે."
રેવ પાર્ટીઝમાં લૅઝર શો, પ્રોજેક્ટેડ કલર ઇમેજીસ, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ અને ફૉગ મશીનનો ઉપયોગ પણ કરવામાં આવતો હોય છે.
રેવ પાર્ટીની બાતમી આપતા ખબરીએ કહ્યું હતું, "રેવ પાર્ટીઝમાં વગાડવામાં આવતાં ગીતોમાં બહુ ઓછા શબ્દો હોય છે. ટ્રાન્સ મ્યુઝિક હૅલ્યુસિનેશનનું વાતાવરણ સર્જતું હોય છે, જે રેવ પાર્ટીઝમાં સામેલ થતા લોકોને ગમે છે."
રેવ પાર્ટીના આયોજનથી માંડીને તે પાર્ટી પૂર્ણ થાય ત્યાં સુધી સાંકેતિક ભાષાનો ઉપયોગ કરવામાં આવે છે.
ઍન્ટી-નાર્કોટિક્સ વિભાગમાં કામ કરી ચૂકેલા મુંબઈ પોલીસના નિવૃત્ત અધિકારી સમાધાન ધનેધરે કહ્યું હતું, "રેવ પાર્ટીઓ આઈસોલેટેડ જગ્યાએ યોજવામાં આવે છે, જેથી આવી પાર્ટી ચાલી રહી હોવાની ખબર કોઈને ન પડે."
ખંડાલા, લોણાવાલા, કર્જત, ખાલાપુર અને પૂણે પરિસરમાં રેવ પાર્ટીઝનું આયોજન કરવામાં આવતું હોય છે.
રેવ પાર્ટી માટે નિમંત્રણ કઈ રીતે આપવામાં આવે છે?
રેવ પાર્ટીનું આયોજન અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવે છે. સરકારી તપાસ એજન્સીઓના રડારમાંથી છટકવા માટે લોકોને વિવિધ રીતે નિમંત્રણ આપવામાં આવે છે.
રેવ પાર્ટીના નિમંત્રણ માટે સોશ્યલ મીડિયા તથા કૉડ લૅગ્વેજનો ઉપયોગ કરવામાં આવે છે.
આદિલે ઉમેર્યું હતું, "રેવ પાર્ટીના નિમંત્રણ માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી સોશિયલ મીડિયાનો મોટાપાયે ઉપયોગ કરવામાં આવે છે. જે છોકરા-છોકરીઓ કે વ્યક્તિઓ ડ્રગ કલ્ચર સાથે સંકળાયેલાં હોય, તેમનાં નાનાં-નાનાં ગ્રૂપ બનાવવામાં આવે છે અને એમની મારફત નિમંત્રણ આપવામાં આવે છે."
જેમાં ડ્રગ્ઝનું મોટા પાયે સેવન થવાનું હોય એવી રેવ પાર્ટી જંગલમાં કે પોલીસને ખબર ન પડે એવી ગુપ્ત જગ્યાએ યોજવામાં આવે છે.
સમાધાન ધનેધરે ઉમેર્યું હતું, "રેવ પાર્ટીના આયોજકો સિક્રેટ કૉડ આપે છે. તેથી કોઈ પણ વ્યક્તિ રેવ પાર્ટીમાં સામેલ થઈ શક્તિ નથી. સિક્રેટ કૉડ ઘણીવાર એક વ્યક્તિથી બીજી વ્યક્તિને મોઢામોઢ જ જણાવવામાં આવે છે."
રેવ પાર્ટીમાં કોણ જાય છે?
રેવ પાર્ટીનું નિમંત્રણ બહુ ઓછા લોકોને આપવામાં આવતું હોય છે. આવી પાર્ટી માટે વિશેષ લોકોને જ નોતરવામાં આવે છે.
રેવ પાર્ટીમાં ભાગ લેવા માટે હજ્જારો કે લાખો રૂપિયા ખર્ચવા પડે છે. તેથી સામાન્ય લોકોને રેવ પાર્ટીમાં ભાગ લેવાનું પરવડતું નથી. રેવ પાર્ટી શ્રીમંતોનાં બાળકો માટે યોજવામાં આવે છે.
જોકે, છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન રેવ પાર્ટીઓમાં ધનાઢ્યોના બાળકો ઉપરાંત મધ્યમ વર્ગનાં બાળકોનો પગપેસારો પણ જોવા મળ્યો છે.
1980ના દાયકાથી શરૂ થયેલી આ રેવ પાર્ટીઓ તરુણ વર્ગમાં બહુ લોકપ્રિય છે.
દરોડામાં સપડાયેલી રેવ પાર્ટી
મુંબઈના જુહૂ વિસ્તારમાં 'બૉન્બે 72 ક્લબ'માં 2009માં યોજાયેલી એક રેવ પાર્ટી પર પોલીસે દરોડો પાડ્યો હતો.
તેમાં 246 છોકરા-છોકરીઓની ધરપકડ કરવામાં આવી હતી. એ પૈકીના અનેક બાળકોના બ્લડ સૅમ્પલ ડ્રગ્ઝ સેવનના સંદર્ભમાં પૉઝિટીવ સાબિત થયાં હતાં.
2011માં ખાલાપુરમાં યોજાયેલી એક રેવ પાર્ટી પર રાયગઢ પોલીસે દરોડો પાડ્યો હતો.
તેમાં મુંબઈના ઍન્ટી-નાર્કોટિક સેલના પોલીસ અધિકારી અનિલ જાધવની ધરપકડ કરવામાં આવી હતી. એ વખતે 275 લોકોનાં બ્લડ સૅમ્પલ ડ્રગ્ઝ સેવનના સંદર્ભમાં પૉઝિટીવ સાબિત થયાં હતાં.
જુહૂની ઑકવૂડ હોટલમાં 2019માં યોજાયેલી રેવ પાર્ટી પરના દરોડોમાં 96 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો