Aryan Khan : શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનનો કેસ લડનારા વકીલ સતીશ માનશિંદે કોણ છે?

મુંબઈમાં ક્રૂઝ શિપ પર નાર્કૉટિક્સ કંટ્રોલ બ્યૂરોના દરોડા બાદ વિવાદમાં આવેલી હાઈ-પ્રોફાઇલ ડ્રગ્સ-રેવ પાર્ટી દેશભરમાં ચર્ચાનો વિષય બની છે.

દરોડા દરમિયાન બોલીવૂડ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની એનડીપીએસ કાયદા હેઠળ ધરપકડ થઈ અને તેમને એક દિવસની કસ્ટડીમાં મોકલી દેવાયા હતા. તેમની સાથે અન્ય કુલ આઠ લોકો સામે કાર્યવાહી થઈ છે.

વળી ન્યૂઝ એજન્સી એએનઆઈ અનુસાર બાન્દ્રામાં એક અન્ય દરોડામાં એનસીબીએ એક ડ્રગ સપ્લાયરની પણ ધરપકડ કરી છે.

આ દરમિયાન આર્યન ખાન સહિતના લોકોને સોમવારે કોર્ટમાં હાજર કરવાના છે. આર્યન ખાન તરફથી વકીલ સતીશ માનશિંદે દ્વારા જામીનની અરજી કરાઈ છે.

જોકે, આ સમગ્ર પ્રકરણમાં આર્યન ખાનના વકીલ સતીશ માનશિંદે પણ ચર્ચામાં આવ્યા છે. કેમ કે માનશિંદે સંજય દત્તથી લઈને સલમાન ખાન સહિતના સેલિબ્રિટીના કેસ લડી ચૂક્યા છે.

કોણ છે સતીશ માનશિંદે?

સતીશ માનશિંદે મૂળ કર્ણાટકાના છે. અને મુંબઈમાં સિવિલ-ક્રિમિનલ મામલે વકીલાત કરે છે. તેમણે રાજકારણી, અભિનેતા-અભિનેત્રી અને અન્ય સેલિબ્રિટીઝ સહિતનાના કેટલાક હાઈ-પ્રોફાઇલ કેસ લડ્યા છે.

તેમણે 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસ મામલે સંજય દત્તનો કેસ લડ્યો હતો. તેમણે એ સમયે સંજય દત્તને પણ જામીન અપાવ્યા હતા.

ત્યાર બાદ વર્ષ 2007માં આર્મ્સ ઍક્ટ હેઠળ ગેરકાયદે હથિયાર રાખવા મામલેના એક કેસમાં પણ સંજય દત્તના કોર્ટમાં બચાવપક્ષની ટીમમાં તેઓ સામેલ હતા.

વળી દેશભરમાં ચર્ચાનો મુદ્દો બનેલા 2002ના સલમાનના ડ્રિંક ઍન્ડ ડ્રાઇવ કેસમાં પણ તેમણે સલમાન ખાનને જામીન અપાવ્યા હતા. ત્યાર બાદ કોર્ટે સલમાન ખાનને નિર્દોષ છોડી મૂક્યા હતા.

એટલું જ નહીં પણ 1998ના કાળિયાર શિકાર કેસમાં પણ તેઓ સલમાન ખાન તરફથી બચાવપક્ષના વકીલ તરીકે કેસ લડ્યા હતા.

સુશાંતસિંહ કેસ સમયે પણ ચર્ચામાં આવ્યા

તદુપરાંત સુશાંતસિંહ કેસ વખતે પણ તેઓ ચર્ચામાં આવ્યા હતા. જેમાં એ સમયે બોલીવૂડ અભિનેત્રી રિયા ચક્રવર્તીની એનસીબી દ્વારા થયેલી ધરપકડ બાદ તેમણે રિયા ચક્રવર્તી અને તેમના ભાઈ સૌવિકનો કેસ લડ્યો હતો.

આમ તેઓ હાઈ-પ્રોફાઇલ સેલિબ્રિટીઝના વિવાદિત ડ્રગ્ઝ કેસમાં વકીલાત કરી ચૂક્યા છે. અને તેમને જામીન પણ આપાવી ચૂક્યા છે. અત્રે નોંધનીય છે કે રિયા ચક્રવર્તી પણ જામીન પર બહાર છે.

આર્યન ખાન કેસમાં શું દલીલ કરી?

અહેવાલો અનુસાર આર્યન ખાનના વકીલ માનશિંદેની કોર્ટમાં દલીલ છે કે આર્યન ખાનને માત્ર ચૅટના આધારે ધરપકડ કરાયા છે. તથા તે જામીનપાત્ર ગુના છે એટલે જામીન તો મળવા જોઈએ.

બીજી તરફ એનસીબીના વકીલનું કહેવું છે કે તેમણે પ્રૉફેશનલ રીતે દરોડો પાડ્યો હતો. અને કોઈ સાથે કોઈ પ્રકારનો ભેદભાવ નથી કરાયો. તમામને આધાર-પુરાવા સાથે પકડવામાં આવ્યા છે.

જેઠમલાણીના શિષ્ય સતીશ માનશિંદે

અત્રે ઉલ્લેખનીય છે કે માનશિંદે મૂળ કર્ણાટકાના મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવે છે. પણ આજે તેઓ દેશમાં ટોચના ક્રિમિનલ લૉયર માનવામાં આવે છે.

તેઓ 1965માં જન્મ્યા હતા અને તેમનું શિક્ષણ કર્ણાટકામાં થયું છે. અને તેમના પિતા એક બિઝનેસ કરતા હતા તથા માતા ગૃહિણી છે. બાદમાં તેઓ મુંબઈમાં શિફ્ટ થઈ ગયા હતા.

અહીં તેમણે 10 વર્ષથી વધુ સમય દેશના જાણીતા વકીલ રામ જેઠમલાણીના હાથ નીચે કામ કર્યું હતું.

અન્ય હા-પ્રોફાઇલ કેસમાં પણ સામેલ

તેમણે મુંબઈ પોલીસ ઇન્સ્પેક્ટર દયા નાયકનો આવકથી વધુ સંપત્તિનો કેસ, બૂકી શોભન મહેતાનો મૅચ-ફિક્સિંગનો કેસ અને છોટા રાજનનાં પત્ની સુજાતા નિકાલ્જેનો કેસ તથા રાખી સાવંતનો આત્મહત્યા માટેના દુષ્પ્રેરણા મામલાનો કેસ પણ લડ્યો હતો અને તેમની લીગલ ટીમમાં સામેલ હતા.

જોકે સતીશ માનશિંદે દેશના અત્યંત મોંઘા વકીલોમાંથી હોવાનું કહેવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો