Aryan Khan : આર્યન ખાનને ના મળ્યા જામીન, અરબાઝ સેઠ મર્ચન્ટ તથા મુનમુન ધામેચા 7 ઑક્ટોબર સુધી રહેશે NCBની કસ્ટડીમાં

અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને રેવ પાર્ટી મામલે કોર્ટે 7 ઑક્ટોબર સુધી એનસીબી કસ્ટડીમાં મોકલી દીધા છે. આર્યન ઉપરાંત અરબાઝ સેઠ મર્ચન્ટ તથા મુનમુન ધામેચાની કસ્ટડી પણ 7 ઑક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.

આર્યનની એનડીપીએસ ઍક્ટની કલમ 8સી, 20બી, 27 અને 35 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

એક દિવસની એનસીબી કસ્ટડીમાં રખાયા બાદ આર્યન તથા અન્ય આરોપીઓને ચાર ઑક્ટોબરે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

આ પહેલાં કોર્ટમાં આર્યન ખાનના વકીલે કહ્યું હતું કે એનસીબીને આર્યન ખાન પાસેથી ડ્રગ્સ મળ્યું નથી. તો એનસીબીના દાવો છે કે તેમની પાસેથી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે.

મુંબઈમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ શનિવારે રાત્રે એક ક્રૂઝ શિપમાં ચાલતી એક ડ્રગ પાર્ટી પર દરોડો પાડ્યો હતો.

અધિકારીઓએ આઠ લોકોની અટકાયત કરી હતી, જેમાં બે યુવતી પણ હતી.

ખરેખર શું થયું હતું?

મુંબઈના ડ્રગ કંટ્રોલ સ્ક્વૉડે શનિવાર અડધી રાત્રે એક મોટું ઑપરેશન શરૂ કર્યું.

મહારાષ્ટ્ર ટાઇમ્સના રિપોર્ટ મુજબ સમુદ્ર વચ્ચે એક ક્રૂઝ શિપ પર કથિત રીતે ડ્રગ પાર્ટી ચાલી રહી હતી. ત્યાં દરોડો પાડવામાં આવ્યો અને એનસીબીએ દસ લોકોની અટકાયત કરી હતી.

પોલીસને સૂચના મળી હતી કે પાર્ટી મુંબઈથી ગોવા જઈ રહેલા એક ક્રૂઝ શિપ પર ચાલી રહી હતી.

એટલે એનસીબીની ટીમે એક ડ્રગ લેવાનું શરૂ થયું ત્યાર બાદ બધાને પડક્યા. તેમાં એક અભિનેતાનો દીકરો પણ સામેલ હતો. શનિવારે રવાના થયેલા આ ક્રૂઝને સોમવારે મુંબઈ પાછું આવવાનું હતું.

આ ક્રૂઝ શિપ મુંબઈથી ગોવા જઈ રહ્યું હતું. એનસીબીના અધિકારીઓ સાદાં કપડાંમાં પર્યટક તરીકે ક્રૂઝ શિપમાં પહોંચી ગયા હતા. ક્રૂઝ શિપે જ્યારે સમુદ્રમાં સફર શરૂ કરી ત્યારે પાર્ટી શરૂ થઈ અને બધા આરોપીઓ રંગેહાથે પકડાયા.

કેટલાક મીડિયા અહેવાલ મુજબ ક્રૂઝ શિપ થોડા દિવસો પહેલાં જ શરૂ થયું હતું અને તેના પર યોજાતી પાર્ટીની ટિકિટ 80 હજાર રૂપિયા છે.

આર્યન ખાનની અટકાયત પર બોલીવૂડની પ્રતિક્રિયા

એનસીબીની રેડ મામલે સુનીલ શેટ્ટીએ કહ્યું છે કે "જ્યારે કોઈ સ્થળે છાપો મારે તો અનેક લોકોની અટકાયત કરાતી હોય છે."

"આપણે ધારી લેતાં હોઈએ છીએ કે ચોક્કસ છોકરાએ ડ્રગનું સેવન કર્યું છે. "આપણે બાળકને શ્વાસ લેવા દઈએ, વાસ્તવિક રિપોર્ટ્સ બહાર આવે એની રાહ જોઈએ."

મહારાષ્ટ્ર પ્રદેશ કૉંગ્રેસ કમિટીના મહાસચિવ અને પ્રવક્તા અતુલ લોંધેએ પણ મુંબઈના સમુદ્રમાં ક્રૂઝ શિપ પર પાર્ટી દરમિયાન એનસીબીની કાર્યવાહી પર પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

તેમને પ્રશ્ન કર્યો કે, "ગુજરાતમાં મળેલા નશાનાં પદાર્થોનું શું થયું?"

અતુલ લોંધેએ પૂછ્યું કે નાની-નાની કાર્યવાહી શું મોટી ઘટનાઓને છૂપાવવા માટે નથી?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો