Pandora Papers : સચીન તેંડુલકર, અનિલ અંબાણી, કિરણ મજુમદાર વગેરેનાં નામ સામે આવ્યાં

ઑફશોર લિક્સ, પનામા પેપર્સ, પૅરેડાઇઝ પેપર્સ તથા હવે પૅન્ડોરા પેપર્સે દુનિયાભરના રાજનેતા, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝના આર્થિક વ્યવહારો પર સવાલ ઊભા કર્યા છે.

પૅન્ડોરા પેપર્સે તો જાણે વીંછીનો દાબડો જ ખોલી નાખ્યો છે.

લગભગ 2.94 ટેરા-બાઇટ ડેટામાં એક કરોડ 19 લાખ જેટલી ફાઇલ્સ સાર્વજનિક થઈ છે અને તેનો રેલો ભારતના નેતાઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝ સુધી પણ પહોંચ્યો છે.

ભારતમાં આઈસીજેના ભાગીદાર ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત અહેવાલમાં ભારતરત્ન સચીન તેંડુલકર, નીરવ મોદી, અનિલ અંબાણી, કિરણ મજુમદાર શૉ, નીરા રાડિયા, સમીર થાપર, જેકી શ્રોફ વગેરેનાં નામોનો સમાવેશ થાય છે.

નીરવ મોદી, અનિલ અંબાણી અને સમીર થાપર દેશમાં નાદાર જાહેર થયા છે, પરંતુ પૅન્ડોરા પેપરમાં તેમના કરોડો ડૉલરના વ્યવહાર બહાર આવ્યા છે.

અનિલ અંબાણી

અનિલ ધીરુભાઈ અંબાણી (એડીએજી) જૂથના અનિલ અંબાણીએ ફેબ્રુઆરી-2020માં ચીનની બૅન્કોની અરજી પર યુકેની બૅન્કમાં થયેલી સુનાવણીમાં કહ્યું હતું કે તેઓ વ્યક્તિગત રીતે કોઈ સંપત્તિ ધરાવતા નથી. ત્રણ મહિના બાદ તેમને લગભગ 71 કરોડ ડૉલર (716 મિલિયન) ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો.

સુનાવણી દરમિયાન અંબાણીએ કહ્યું કે તેઓ વિશ્વમાં ક્યાંય ઑફશોર ખાતાં કે હિતો ધરાવતાં નથી. પૅન્ડોરા પેપર્સ મુજબ અંબાણી અને તેમના નજીકના લોકો લગભગ 18 ઑફશોર કંપનીમાં હિતો ધરાવે છે. આ કંપનીઓ જર્સી, બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ તથા સાઇપ્રસમાં નોંધાયેલી છે.

2007થી 2010ની વચ્ચે તેમની સ્થાપના કરવામાં આવી હતી તથા તેમણે લગભગ 1.3 અબજ ડૉલરની લૉનો લીધી છે અથવા વ્યવહાર કર્યા છે.

અનિલ અંબાણીના પ્રતિનિધિ તરીકે અનુપ દલાલ નામની વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

બહાર આવેલી કંપનીઓમાંથી ઓછામાં ઓછી બેને માર્ચ-2018માં ભંગ કરી દેવાઈ હતી.

અંબાણીના વકીલે કહ્યું હતું કે તેમના અસીલ અને તેમની કંપની દ્વારા વૈશ્વિક સ્તરે કાયદેસર રીતે વેપાર કરવામાં આવે છે તથા તમામ નિયમોનું પાલન કરવામાં આવે છે.

સચીન તેંડુલકર

'ક્રિકેટના ભગવાન' ગણાતા ભારતરત્ન સચીન તેંડુલકર દ્વારા બ્રિટિશ વર્જિન આઇલૅન્ડમાં કંપની સ્થાપવામાં આવી હતી, જેમાં તેમનાં પત્ની અંજલિ તથા સસરા આનંદ મહેતા પણ સામેલ હતાં.

પૅન્ડોરા પેપર હેઠળ પનામાની કાયદા કંપની આલકોગલના દસ્તાવેજોમાં તેંડુલકરનું નામ આવે છે. 2007માં આ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી અને પનામા પેપર બહાર આવ્યા તેના ત્રણ મહિના બાદ 2016માં તેને વિખેરી નાખવામાં આવી હતી.

પોલિટિકલી ઍક્સ્પૉઝ્ડ પર્સનની શ્રેણીમાં તેમને મૂકવામાં આવ્યા હતા, કારણ કે વર્ષ 2012થી 2018 દરમિયાન તેઓ રાજ્યસભાના સાંસદ હતા.

તેંડુલકર રાજ્યસભામાં નિમાયેલા સાંસદ હતા એટલે અન્ય સાંસદોની જેમ તેમણે પોતાના આવક અંગેની વિગતો નિયમિત રીતે જાહેર કરવાની નથી રહેતી.

સચીન તેંડુલકર ફાઉન્ડેશનના ડાયરેક્ટર મૃનમોય મુખરજીનું કહેવું છે કે સચીન તેંડુલકરે વિદેશમાં કાયદેસર રીતે નાણાં જમા કરાવ્યાં હતાં તથા જે તે રિટર્નમાં તેનો ખુલાસો કરવામાં આવ્યો હતો.

તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તમામ વ્યવહારો કાયદેસર રીતે કરવામાં આવ્યા હતા તથા તેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરકાયદેસરતા આચરવામાં આવી નહોતી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો