You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Pandora Papers : પુતિનની ગુપ્ત સંપત્તિથી ઇમરાન ખાનની નજીકના લોકો સુધીનો અબજોના વ્યવહારો લીક
- લેેખક, પૅન્ડોરા પેપર્સ રિપૉર્ટિંગ ટીમ
- પદ, બીબીસી પૅનોરમા
નાણાકીય વ્યવહારોને લગતો લગભગ 2.4 ટેરા-બાઇટ જેટલો ડેટા લીક થવાથી દુનિયાના મોટા નેતાઓ, રાજકારણીઓ, અબજપતિઓ અને અન્ય જાણીતી વ્યક્તિઓની ગુપ્ત સંપત્તિ અને આર્થિક વ્યવહાર અંગે ખુલાસા થયા છે.
તેમાં 35 જેટલા વર્તમાન અને પૂર્વ નેતાઓ સહિત 300 લોકોનાં નામો હતાં, આને પૅન્ડોરા પેપર્સ કહેવાય છે.
આ પેપર્સ પ્રમાણે જૉર્ડનના રાજા યુકે અને યુએસમાં 70 મિલિયન પાઉન્ડની ગુપ્ત સંપત્તિ ધરાવે છે.
આ પેપર્સ પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની મૉનેકોમાં ગુપ્ત સંપત્તિ છે, સાથે જ ચેક રિપબ્લિકના વડા પ્રધાન આંદ્રેઝ બાબીસના ફ્રાંસમાં 12 મિલિયન પાઉન્ડની કિંમતના વિલા હોવા અંગે પણ ઉલ્લેખ છે.
પનામા પેપર્સ અને પેરેડાઇઝ પેપર્સ બાદ પૅન્ડોરા પેપર્સને મહત્ત્વપૂર્ણ ઘટસ્ફોટ માનવામાં આવે છે.
આ અંગેની તમામ ફાઇલોની તપાસ ઇન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઑફ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ (ICIJ) દ્વારા કરાઈ છે, જેમાં 650 કરતાં વધારે પત્રકારો સામેલ હતા.
બીબીસી પૅનોરમાએ 'ધ ગાર્ડિયન' અને અન્ય મીડિયા પાર્ટનર સાથેની સંયુક્ત તપાસમાં 12 મિલિયન દસ્તાવેજો અને ફાઇલોનો અભ્યાસ કર્યો, જેમાં બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ, પનામા, સાઇપ્રસ, બેલીઝ, સિંગાપોર, યુએઈ, વગેરે દેશોની નાણાકીય સેવા આપતી 14 કંપનીઓના દસ્તાવેજ હતા.
દસ્તાવેજોની કુલ સંખ્યા એક કરોડ 19 લાખ ત્રણ હજાર 676 હોવાનું જણાવાઈ રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોર્ડનના રાજાનું સામ્રાજ્ય
આ દસ્તાવેજોમાં જૉર્ડનના રાજાની યુકે અને યુએસમાં 70 મિલિયન પાઉન્ડથી વધારે કિંમતની ગુપ્ત સંપત્તિ હોવાનો ઉલ્લેખ મળે છે.
યુકેના પૂર્વ વડા પ્રધાન ટોની બ્લૅયર તથા તેમનાં પત્નીએ લંડનમાં ઑફિસ ખરીદી, ત્યારે કેવી રીતે ઑફશૉર કંપની મારફત ત્રણ લાખ 20 હજાર પાઉન્ડની સ્ટૅમ્પડ્યૂટી બચાવી હતી.
કેટલાક લોકો પર ભ્રષ્ટાચાર, મની લૉન્ડરિંગ તથા કરચોરીના આરોપ છે. કેવી રીતે વિદેશમાં નોંધાયેલી કંપની મારફત યુકેમાં સંપત્તિ ખરીદવામાં આવે છે અને સરકાર તેને અટકાવવામાં નિષ્ફળ રહી છે, તેનો ખુલાસો આ પેપર્સમાં થાય છે.
જૉર્ડનના રાજા અબ્દુલ્લાહ દ્વિતીય બિન અલ-હુસૈન 1999થી સત્તા પર છે. તેમણે બ્રિટિશ વર્જિન આઇલૅન્ડ તથા અન્ય ટેક્સ હેવન દેશોમાં સંખ્યાબંધ ઑફશૉર કંપનીઓ ઊભી કરીને લગભગ 15 ઘર ખરીદ્યાં છે.
તાજેતરનાં વર્ષોમાં લોકોમાં અબ્દુલ્લાહ વિરુદ્ધ આક્રોશ વધી રહ્યો છે અને દેખાવો થયા છે. લોકો પર કરનો બોજો વધી રહ્યો છે અને ખર્ચ ઘટાડવાની માગ કરવામાં આવી રહી છે.
આ દરમિયાન અબ્દુલ્લાહના વકીલોનું કહેવું છે કે રાજા અબ્દુલ્લાહે વ્યક્તિગત સંપત્તિમાંથી આ સંપત્તિઓ ખરીદી છે.
સુરક્ષા તથા ગોપનિયતાના કારણોસર હાઈ-પ્રોફાઇલ લોકો દ્વારા ઑફશૉર કંપની ખોલવી અને સંપત્તિ ધરાવવી એ સામાન્ય બાબત છે.
ઇમરાન ખાનના નજીકના લોકો સુધી રેલો
પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની નજીકના લોકો, કૅબિનેટમંત્રીઓ તથા તેમના પરિવારજનો ગુપ્ત રીતે ટ્રસ્ટ તથા કંપનીઓ ખોલી છે, જેમાં લાખો ડૉલર સંગ્રહાયેલા છે.
કેન્યાના પૂર્વ રાષ્ટ્રપતિ ઉહરુ કેન્યટા તથા તેમના પરિવારના છ સભ્યોએ ગુપ્ત રીતે ઑફશૉર કંપનીઓનું જાળું ઊભું કર્યું હતું.
તેમનાં નામ 11 કંપની સાથે જોડવામાં આવે છે, જેમાંથી એકમાં ત્રણ કરોડ ડૉલરની સંપત્તિ છે.
યુક્રેનનના રાષ્ટ્રપતિ વ્લાદિમિર 2019માં ચૂંટણી જીત્યા, તે પહેલાં જ તેમણે પોતાનો હિસ્સો એક ઑફશૉર કંપનીને ટ્રાન્સફર કરી દીધો હતો.
સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ અનાસ્તિયાડેસની કંપનીએ નાણાં એકઠાં કરવાના આરોપી રશિયાના પૂર્વ રાજનેતાને ઓળખ છુપાવીને ઑફશૉર કંપનીઓ ઊભી કરવામાં મદદ કરી હતી.
જોકે, કંપનીએ આ આરોપોને નકાર્યા છે.
ઇક્વાડૉરના રાષ્ટ્રપતિ ગલીરમો લાસો પોતે પૂર્વ બૅન્કર છે. પનામાના એક ટ્રસ્ટ દ્વારા તેમના પરિવારજનોને નિયમિત રીતે માસિક ચૂકવણાં કરવામાં આવતાં હતાં.
લાસોએ તેમના ફેરફાર કરીને તેને અમેરિકાના દક્ષિણ દાકોતામાં સ્થળાંતરિત કર્યું હતું.
અઝરબૈઝાનના રાષ્ટ્રપતિ ઇલહામ એલિવેવ અને તેમના પરિવારજનો પર તેમના જ દેશને લૂંટવાનો આરોપ છે.
તેઓ યુકેમાં 40 કરોડ પાઉન્ડ કરતાં વધુની સંપત્તિ ધરાવે છે. તેમણે એક પ્રૉપર્ટી યુકેના નાણા વિભાગ દ્વારા સંચાલિત ક્રાઉન એસ્ટેટને વેચી હતી અને ત્રણ કરોડ 10 લાખ પાઉન્ડનો નફો રળ્યો હતો.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો