કોરોના રસીકરણ : WHOએ નક્કી કરેલો લક્ષ્યાંક 50થી વધુ દેશો શા માટે ચૂકી ગયા?

    • લેેખક, પીટર મ્વાઈ
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

વિશ્વના 50થી વધુ દેશો, તેમની 10 ટકા વસતીનું કોવિડ-19 સામે સપ્ટેમ્બરના અંત સુધીમાં સંપૂર્ણ રસીકરણ કરવાનું વિશ્વ આરોગ્ય સંગઠને (WHO) નક્કી કરેલું લક્ષ્યાંક ચૂકી ગયા છે.

વિશ્વ આરોગ્ય સંગઠને નક્કી કરેલા લક્ષ્યાંકના સંદર્ભમાં સંપૂર્ણ આફ્રિકામાં સંપૂર્ણપણે વૅક્સિનેશનનું પ્રમાણ હાલ 4.4 ટકા છે.

બ્રિટનમાં કુલ પૈકીની લગભગ 66 ટકા વસતીનું સંપૂર્ણ રસીકરણ થયું છે, જ્યારે યુરોપિયન યુનિયનમાં તે પ્રમાણ 62 ટકા અને અમેરિકામાં 55 ટકા છે.

કેટલા દેશો લક્ષ્યાંક હાંસલ ન કરી શક્યા?

તેમાં બધા નહીં, પણ ઘણા ઓછી આવક ધરાવતા દેશો છે અને એ દેશો વૅક્સિનના પુરવઠા તથા આરોગ્યની માળખા સંબંધી સમસ્યાઓનો સામનો પણ કરી રહ્યા છે.

એ પૈકીના યમન, સીરિયા, ઇરાક, અફઘાનિસ્તાન અને મ્યાંમાર જેવા કેટલાક દેશોમાં સંઘર્ષ અથવા આંતરવિગ્રહ ચાલી રહ્યો છે, જ્યારે હૈતી જેવા દેશોમાં કુદરતી આફત ત્રાટકી હતી. પરિણામે વૅક્સિનેશનનું કામ મુશ્કેલ બની ગયું હતું.

જોકે, તાઇવાન જેવા સમૃદ્ધ દેશમાં રસીકરણની કામગીરી વિલંબ તથા અન્ય સમસ્યાઓથી ઘેરાયેલી છે અને ત્યાં સંપૂર્ણ વૅક્સિનેટેડ નાગરિકોનું પ્રમાણ 10 ટકાથી થોડું ઓછું છે.

વિયેતનામમાં હજુ થોડા મહિના પહેલાં સુધી કોરોના વાઇરસના કેસનું પ્રમાણ વિશ્વમાં સૌથી ઓછું હતું. વિયેતનામ પણ 10 ટકાનું લક્ષ્યાંક હાંસલ કરી શક્યું નથી.

આફ્રિકામાં 54 પૈકીના 15 દેશોએ 10 ટકાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. આફ્રિકા ખંડના કુલ પૈકીના અર્ધા દેશો તેમની કુલ વસતીના બે ટકાથી ઓછા નાગરિકોનું રસીકરણ કરી શક્યા છે.

વધુ વસતીવાળા કેટલાક મોટા દેશો તો લક્ષ્યાંક હાંસલ કરવાથી ઘણા દૂર છે. ઇજિપ્તની માત્ર પાંચ ટકા વસતીનું સંપૂર્ણપણે રસીકરણ કરી શકાયું છે, જ્યારે ઇથિયોપિયા અને નાઇજીરિયામાં તે પ્રમાણ ત્રણ ટકાથી ઓછું છે.

આફ્રિકા ખંડના બે દેશો બુરુન્ડી અને ઇટ્રિયાએ તો વૅક્સિનેશન કાર્યક્રમ જ શરૂ કર્યો નથી.

વિશ્વ આરોગ્ય સંગઠનના આફ્રિકાનાં પ્રાદેશિક ડિરેક્ટર માત્શિડિસો મોઈતી કહે છે, "મોટા પ્રમાણમાં રસીકરણ કરવામાં આવ્યું હોય એવા ઘણા દેશો ઉચ્ચ-મધ્યમ અથવા વધુ આવકવાળા દેશોની શ્રેણીના છે અને એ દેશોએ સીધા ઉત્પાદકો પાસેથી વૅક્સિન ખરીદી હતી."

આફ્રિકા પાછળ કેમ રહી ગયું?

આફ્રિકાના દેશોએ તેમનો રસીકરણ કાર્યક્રમ શરૂ કરવા માટે દ્વિપક્ષી કરારો, અન્ય દેશો દ્વારા દાન અને કોવૅક્સ વૅક્સિન શૅરિંગ યોજના પર આધાર રાખ્યો હતો.

આ વર્ષની શરૂઆતમાં દેશો કોવૅક્સ મારફત અપૂરતા પુરવઠાની સમસ્યાનો સામનો કરતા હતા, પરંતુ જુલાઈ અને ઑગસ્ટમાં પરિસ્થિતિમાં સુધારો થયો હતો.

બ્રિટનમાં જૂનમાં યોજાયેલી જી-7 દેશોની શિખર પરિષદમાં સમૃદ્ધ દેશોએ કોવૅક્સને અથવા સીધા આફ્રિકન દેશોને જ દાન આપવાની જાહેરાત કરી હતી.

આ મહિને યોજાયેલી સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ ઍસૅમ્બ્લીમાં પણ વચનો આપવામાં આવ્યાં હતાં. તેમાં અમેરિકાએ જણાવ્યું હતું કે તેઓ ફાઇઝરની વૅક્સિનના વધુ 50 કરોડ ડોઝનું દાન કરશે, જે અગાઉ જાહેર કરાયેલી સહાય ઉપરાંતના હશે.

વૅક્સિનના પુરવઠા વિશે જી-7 તથા યુરોપિયન સંઘમાં તાજેતરમાં કરવામાં આવેલી ગણતરી મુજબ, એ દેશોએ એક અબજથી વધારે ડોઝના દાનનું વચન આપ્યું હતું, પરંતુ એ પૈકીના 15 ટકાથી પણ ઓછા ડોઝની ડિલિવરી જ અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

વિશ્વ આરોગ્ય સંગઠનની આફ્રિકા પ્રાદેશિક ઑફિસમાં કાર્યરત્ રિચર્ડ મિહિગોએ 30 સપ્ટેમ્બરે કહ્યું હતું, "સમૃદ્ધ દેશોએ દાન સ્વરૂપે આપેલો વૅક્સિનનો પુરવઠો હવે ઝડપથી મળતો થાય એ જરૂરી છે."

વિશ્વ આરોગ્ય સંગઠને અગાઉ એવો અંદાજ વ્યક્ત કર્યો હતો કે સપ્ટેમ્બરના અંત સુધીમાં આફ્રિકા ખંડની 10 ટકા વસતીના સંપૂર્ણ રસીકરણના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આશરે 27 કરોડ ડોઝની જરૂર પડશે.

સપ્ટેમ્બરના અંત સુધીમાં આફ્રિકાને 20 કરોડ ડોઝ જ મળ્યા હતા અને તેના પુરવઠામાં સાત કરોડ ડોઝ અથવા તો લક્ષ્યાંકના લગભગ 25 ટકાની ઘટ હતી.

વૅક્સિનની અછત શા માટે?

ઘણા આફ્રિકન દેશો કોવૅક્સ સ્કીમ પર નિર્ભર છે અને કોવૅક્સ સ્કીમની સૌથી મોટી સમસ્યા, વૅક્સિનનો પુરવઠો મેળવવા માટે વિશ્વની સૌથી મોટી વૅક્સિન ઉત્પાદક કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા પરની નિર્ભરતા છે.

ભારતે પોતાની તાકીદની જરૂરિયાતને પહોંચી વળવા માટે એપ્રિલમાં વૅક્સિનની નિકાસ અટકાવી દીધી હતી, જ્યારે અન્ય ઉત્પાદકોએ ઉત્પાદન વધારવા સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

ઉત્પાદકો સંભવિત રસી વિકસાવતા અને તેનું પરીક્ષણ કરતા હતા ત્યારે એટલે કે જુલાઈ-2020માં સમૃદ્ધ દેશોએ તેમની સાથે કરાર કર્યા હતા.

એ દેશોને ઉત્પાદકોએ અગ્રતા આપી હતી. પરિણામે કોવૅક્સ સ્કીમ હેઠળ આફ્રિકન યુનિયન તથા વ્યક્તિગત દેશો માટે વૅક્સિનના ડોઝ મેળવવાનું મુશ્કેલ બની ગયું હતું.

આ વર્ષના બાકીના મહિનાઓ અને 2022ની શરૂઆતમાં વૅક્સિનના પુરવઠાની સ્થિતિ બાબતે આ મહિનાના આરંભે બહાર પાડવામાં આવેલા કોવૅક્સના નિવેદન મુજબ, અપેક્ષિત પુરવઠાના પ્રમાણના અંદાજમાં ઘટાડો કરવામાં આવી રહ્યો છે.

તેનાં કારણોમાં નિકાસ પરના પ્રતિબંધ, ઉત્પાદનમાં ઝડપી વધારા સંબંધી સમસ્યાઓ અને કેટલીક વૅક્સિન માટે નિયમનકર્તા દ્વારા મંજૂરીમાં વિલંબનો સમાવેશ થાય છે.

ઑક્ટોબરથી કેટલીક નિકાસ શરૂ કરવાની અને એશિયન દેશો તથા કોવૅક્સ સ્કીમ પર ખાસ ધ્યાન આપવાની જાહેરાત ભારતે કરી છે, પરંતુ પુરવઠાના પ્રમાણ વિશે હજુ સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

આફ્રિકન યુનિયન વૅક્સિન ડિલિવરી અલાયન્સના અયોઅડે અલાકિજા કહે છે, "આપણે અન્ય દેશોને એ જણાવવું પડશે કે તેઓ દીર્ઘકાલીન અસરકારકતા ધરાવતા ડોઝ શૅર કરે."

સમૃદ્ધ દેશોમાં પડેલો વણવપરાયેલા કરોડો વૅક્સિન્સનો જથ્થો નકામો ન બને તે સુનિશ્ચિત કરવા તાકીદે પગલાં લેવાની હાકલ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન ગોર્ડન બ્રાઉને કરી હતી.

આફ્રિકાને કેટલી વૅક્સિનની જરૂર છે?

2021ના અંત સુધીમાં વિશ્વની 40 ટકા વસતીના સંપૂર્ણ વૅક્સિનેશનનો વિશ્વ આરોગ્ય સંગઠનનો લક્ષ્યાંક છે.

જોકે, કોવૅક્સે વર્ષના અંત સુધીમાં આફ્રિકા માટે તે જેટલા ડોઝની વ્યવસ્થા કરવા ધારે છે તેમાં ઘટાડો કર્યો છે. કોવૅક્સે તે પ્રમાણ 62 કરોડ ડોઝથી ઘટાડીને આશરે 47 કરોડ ડોઝનું કર્યું છે.

આટલા ડોઝ વડે તો આફ્રિકાની માત્ર 17 ટકા વસતીને જ સંપૂર્ણપણે રસીકરણ કરી શકાશે. ડિસેમ્બરના અંત સુધીમાં 40 ટકાના લક્ષ્યાંકને પહોંચી વળવા માટે આફ્રિકન રાષ્ટ્રોને આશરે 50 કરોડ વધારાના ડોઝની જરૂર પડશે.

માત્શિડિસો મોઈતી કહે છે, "આ દરે તો આફ્રિકામાં 40 ટકા વૅક્સિનેશનનો લક્ષ્યાંક માર્ચ-2022ના અંતે હાંસલ થશે."

આ ઉપરાંત કેટલાક દેશોમાં વૅક્સિન સંદર્ભે ખચકાટ પણ છે.

તેના પ્રભાવનું આકલન કરવાનું મુશ્કેલ છે, પરંતુ દક્ષિણ આફ્રિકામાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસનાં તારણ દર્શાવે છે કે વૅક્સિન પ્રત્યેના ખચકાટના પ્રમાણમાં વ્યાપક વસતીના સંદર્ભમાં ઘટાડો થયો છે, પરંતુ 18થી 25 વર્ષની વયના નાગરિકોમાં તેનું પ્રમાણ વધ્યું છે.

(પૂરક સંશોધનઃ બેકી ડેલ અને કુમાર મલ્હોત્રા)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો