એ રહસ્યમય સંસ્કૃતિ, જેણે પાણીનું એક ટીપું પણ નહોતું એવા વિસ્તારમાં વસાવ્યું ભવ્ય શહેર

    • લેેખક, ઍલેક્સ ફૉક્સ
    • પદ, બીબીસી ટ્રાવેલ

ગ્વાટેમાલાની પ્રાચીન માયા પ્રજાની નગરી તિકલમાં પ્રવાસીઓ પ્રવેશે એટલે તેમને ચારે બાજુ ઊંચા ચૂનાના પથ્થરોના બનેલા પિરામિડ જોવા મળે. આ વિશાળકાય પથ્થરો ઉપાડવા માટે પશુઓ નહોતાં, લોખંડનાં સાધનો પણ નહોતાં અને પૈંડાં પણ નહોતાં તે જમાનામાં આ પિરામિડ બન્યા હતા.

નગરના રાજાઓ અને પૂજારીઓની સેવા માટે આ પિરામિડ તૈયાર કરાયા હતા.

માયા સંસ્કૃતિનું આ કદાચ સૌથી પ્રભાવશાળી નગરરાજ્ય હતું. માયા સામ્રાજ્ય યુકેટાન પેનિન્સુલાથી શરૂ કરીને મેક્સિકો, ગ્વાટેમાલા, બેલીઝે અને છેક હોન્ડુરાસ અને અલ સાલ્વાડોરના અમુક પ્રદેશો સુધી ફેલાયેલું હતું.

એકથી દોઢ કરોડની વસતિ ધરાવતી માયા સંસ્કૃતિના કેન્દ્રસ્થાને આ નગર હતું, જે તેનું આર્થિક અને સાંસ્કૃત્તિક કેન્દ્ર પણ હતું.

નગરમાં અનેક વિશાળ મહેલો અને મંદિરો બનેલા હતા, જેમાં સવારના ઊગતા સૂર્યનું કિરણ સીધું પડે અને દિવસભર સૂર્યપ્રકાશ રહે તે રીતે રચના થયેલી હતી. આ અવશેષો દર્શાવે છે કે માયા પ્રજા સ્થાપત્ય અને ખગોળશાસ્ત્રમાં કેટલી પ્રવીણ બની હતી.

જોકે આ ભવ્ય ઇમારતો સૌથી અગત્યના એવા જળની વ્યવસ્થા વિના ક્યારેય સંભવ ના બની હોત.

આસપાસમાં ક્યાંય કોઈ મોટી નદી કે સરોવર નહોતાં એટલે નહેરો અને તળાવોનું એવું માળખું તિકલના સ્થાપકોએ તૈયાર કર્યું હતું કે વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આખું વરસ પાણી ખૂટે નહીં.

ચારથી છ મહિના વરસાદ ના હોય ત્યારે પણ પાણી મળે રહે તેવી આ અનોખી વ્યવસ્થાને કારણે અંદાજિત 40,000થી 2,40,000 સુધીની વસતિને પાણી મળી રહેતું હતું. આ નગર આઠમી સદીમાં અહીં ધબકતું હતું.

આવી રીતે તળાવો અને નહેરોની વ્યવસ્થા કરવાની આવડતના કારણે માયા પ્રજા તિકલમાં 1,000 વર્ષ સુધી ફૂલતીફાલતી રહી હતી.

જળશુદ્ધિની પદ્ધતિ

આ અવશેષોની તપાસ દરમિયાન આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોને કારણે ગયા વર્ષે પુરાતત્ત્વ અધિકારીઓને માયા પ્રજાની જળશાસ્ત્રની વધુ એક અદભુત સિદ્ધિનો ખ્યાલ આવ્યો હતો.

તિકલના એક તળાવમાંથી માટીના સ્તરોનું પૃથ્થકરણ કરવામાં આવ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે પશ્ચિમ ગોળાર્ધની સૌથી જૂની જળશુદ્ધિની વૉટર ફિલ્ટરની વ્યવસ્થા અહીં ઉપલબ્ધ છે.

જળને શુદ્ધ કરવા માટેની આ ફિલ્ટરની સિસ્ટમ કેટલી આધુનિક હતી તેનો ખ્યાલ એ વાતથી આવશે કે આજેય તેમાં વપરાયેલા એક પદાર્થ ઝિયોલાઇટનો ઉપયોગ જળશુદ્ધિ માટે વૉટર ફિલ્ટર્સમાં થઈ રહ્યો છે.

ઝિયોલાઇટ્સ એટલે જવાળામુખીના લાવામાંથી બનેલો એક પદાર્થ, જેમાં એલ્યુમિનિયમ, સિલિકન, અને ઑક્સિજન હોય છે. જવાળામુખીની ધગધગતી રાખ ક્ષારયુક્ત પાણીમાં ભળે ત્યારે આ પદાર્થ બનતો હતો.

વિવિધ આકાર અને સ્વરૂપમાં ઝિયોલાઇટ્સ બનતા હોય છે અને તેની રચના એવી અનોખી હોય છે અને તેનું રાસાયણિક બંધારણ એટલું ઉપયોગી હોય છે કે પાણી તેમાંથી પસાર થાય ત્યારે તેને શુદ્ધ કરી નાખે છે.

હેવી મૅટલ્સથી માંડીને સૂક્ષ્મ જંતુઓને પણ તે શુદ્ધ કરી નાખે છે.

ઝિયોલાઇટના દરેક દાણામાં બહુ સૂક્ષ્મ જાળી જેવી રચના હોય છે, જેના કારણે તે ફિલ્ટર તરીકે સારી રીતે કામ કરી શકે છે.

રાસાયણિક પ્રક્રિયાની રીતે તે નૅગેટિવ ગણાય છે એટલે કે બીજા કોઈ પણ રાસાયણિક તત્ત્વો તરત તેની સાથે ચોંટી જાય છે.

તેના કારણે ઝિયોલાઇટ્સમાંથી પાણી પસાર થાય ત્યારે તેમાં રહેલી અશુદ્ધિઓ, બહુ ઝીણા કણો અને રાસાયણિક પદાર્થો તેની દીવાલ સાથે ચોંટી જાય છે, જ્યારે પાણી પોતાની રીતે પોલાણમાંથી આગળ વધી જાય છે.

પુરાતત્ત્વ નિષ્ણાતોને તિકલના એક તળાવમાંથી ઝિયોલાઇટ્સના નમૂના મળ્યા હતા. સાથે જ અહીં માટીના ઘડા અને વાસણો પણ મળ્યા હતા, જે દર્શાવે છે કે આ તળાવના પાણીનો ઉપયોગ પીવા માટે થતો હશે.

સંશોધકો કહે છે કે ઝિયોલાઇટ્સનો ઉપયોગ જળને શુદ્ધ કરવા માટે કરવામાં આવ્યા હોવાનો વિશ્વનો આ સૌથી પ્રાચીન પુરાવો છે.

બ્રિટિશ વિજ્ઞાની રોબર્ટ બૅકને 1627માં ઝિયોલાઇટ્સની શોધી કરી હતી, પરંતુ તેના 1,800 વર્ષ પહેલાં માયા સંસ્કૃતિના રહેવાસીઓ આ પદ્ધતિને જાણતા હતા અને ઉપયોગ કરતા હતા.

જળશુદ્ધિની ઈસુ પૂર્વે 164ની પદ્ધતિ

વિશ્વમાં જળશુદ્ધિ માટેની સૌથી જૂની પદ્ધતિ ઈસુ પૂર્વે 164ની મનાય છે. કાપડમાંથી પાણી ગાળવાનું આ ગળણું તૈયાર થયું હતું, જેને હિપ્પોક્રેટિક ગળણું તરીકે ઓળખવામાં આવતું હતું.

પ્રાચીન ગ્રીસમાં ઈસુ પૂર્વે 500માં તે તૈયાર થયાનું મનાય છે.

જોકે માયા પ્રજાની પદ્ધતિ તેનાથીય વધારે અસરકારક હતી અને તે નરી આંખે ના દેખાતા બૅક્ટેરિયા અને સીસાને પણ ગાળી દેતી હતી.

"હું મૂળ અમેરિકાનો રહેવાસી છું અને મને હંમેશા એમ થતું કે શા માટે પુરાતત્ત્વ શાસ્ત્રીઓ અને નૃવંશશાસ્ત્રીઓ એવું ધારીને બેઠા હતા કે અમેરિકાના મૂળ રહેવાસીઓ પાસે કોઈ તકનિકી કુશળતા નહોતી. પ્રાચીન ગ્રીસ, ભારત કે ચીનમાં મળી આવેલી કુશળતા અહીં નહોતી તેમ ધારી લેવાતું હતું."

આ શબ્દો છે કૅનેથ ટેન્કેર્સલીના, જે સિનસિનાટી યુનિવર્સિટીના પુરાતત્ત્વવિદ છે. માયા પ્રજા દ્વારા ઝિયોલાઇટના ઉપયોગ વિશે સંશોધન કરી રહેલી ટીમમાં તેઓ અગ્રણી લેખક છે.

ટેન્કેર્સલી કહે છે, "આ પદ્ધતિને કારણે માયા પ્રજાને 1,000 વર્ષથી શુદ્ધ પાણી મળતું રહ્યું હતું. તે વખતે જળશુદ્ધિની બીજી પદ્ધતિઓ હતી તે બહુ સામાન્ય પ્રકારની હતી. ગ્રીક સભ્યતામાં જળશુદ્ધિ માટેની પદ્ધતિ હતી તે માત્ર કાપડનું ગળણું હતું."

જળ એ જ જીવન

તિકલ ગ્લાટેમાલાના ઉત્તરીય પ્રદેશમાં આવેલું છે. અહીં વર્ષમાં બે જ ઋતુ હોય છે. ભારે વરસાદ અને પછી સાવ સૂકું વાતાવરણ.

વરસાદ ધોધમાર પડે એટલે તરત વહી પણ જાય છે. બીજું ધરતીની સપાટી ચૂનાના પથ્થરોની બનેલી છે અને તળમાં પાણી ઉતરે તે પણ એસિડિક થઈ જાય છે.

આ બધાના કારણે ભારે વરસાદ પછીય પાણી તળમાં જતું રહે છે. લગભગ 200 મીટર ઊંડે પાણી એકઠું થાય, જે સહેલાઈથી ઉપર લાવી શકાય નહીં.

આસપાસમાં કોઈ મોટી નદી કે સરોવર પણ નહોતું એટલે આ નગરવાસીઓને વરસાદની ઋતુમાં જ પાણીનો સંગ્રહ થાય તેવી પદ્ધતિ શોધવાની ફરજ પડી હતી.

તેના કારણે પ્રજાએ તળાવો બનાવવાનું શરૂ કર્યું. તિકલ ઊંચાઈ પર વસ્યું હતું એટલે પ્રજાજનો પાણી તેમાંથી વહીને નીચેની તરફ જાય ત્યાં તેને એકઠું કરવા તળાવો બનાવ્યા હતા.

શહેરની અંદર પણ વરસાદી પાણી ચોક્કસ જગ્યાએ વહીને એકઠું થાય તેવી વ્યવસ્થા થઈ હતી.

નગરની વચ્ચેના વિશાળ ચોકમાં પણ પથ્થરો નાખીને એવી રીતે ઢાળ કરાયો હતો કે પાણી વહીને નજીકના મંદિર અને મહેલના તળાવોમાં એકઠું થાય.

પ્રવાસીઓએ જોકે આ તળાવો શોધવાં પડે, કેમ કે એટલા ઊંડા રહ્યા નથી. માત્ર થોડો નિચાણવાળો ભાગ જ રહી ગયો છે.

જોકે કેટલાક મોટાં તળાવો અને કૂવા જેવા સ્થળો કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી એકઠું થતું હતું તે આજેય નરી આંખે દેખાય આવે તેવા છે.

મહેલમાં બનાવેલા તળાવમાં અંદાજે 31 મિલિયન લીટર પાણી જમા થતું હશે તેવો અંદાજ છે. ઝિયોલાઇટ જે તળાવમાં મળ્યા છે, જે કોરિએન્ટલ તળાવમાં 58 મિલિયન લીટરની ક્ષમતા હશે તેવો અંદાજ છે.

ફિલ્ટર કેવી રીતે મળી આવ્યા?

2010માં કોરિએન્ટલ તળાવની આસપાસ ઉત્ખનનનું કામ ચાલતું હતું ત્યારે તળાવમાંથી માટીના સ્તરના 10 નમૂના લેવામાં આવ્યા હતા. તેની તપાસ કરવાને કારણે જળશુદ્ધિ પદ્ધતિ સ્પષ્ટ થઈ હતી.

આ સ્તરોની તપાસ કરતાં ખ્યાલ આવતો હતો કે મહેલ અને મંદિરનાં તળાવોમાં નીચેની તરફ બહુ જ ભારે પ્રમાણમાં ઝેરી સીસું અને બીજી ઝેરી શેવાળ હતી.

નવમી સદીમાં નગરજનો આ નગર છોડીને જતા રહ્યા તે વખતના ગાળામાં આ ઝેરી પદાર્થો મળી આવ્યા હતા.

મહેલ અને મંદિરના તળાવાનું પાણી દૂષિત બની ગયું હતું, પરંતુ કોરિએન્ટલ તળાવનું પાણી એકદમ શુદ્ધ પીવાલાયક જ રહ્યું હતું.

કોરિએન્ટલમાંથી લેવાયેલા નમૂનાની તપાસ કરવામાં આવી ત્યારે ટેન્કર્સલીએ જોયું કે ચાર સ્તરોમાં ક્રિસ્ટલ અને ઝિયોલાઇટ્સ મળી આવ્યા હતા. બીજી જગ્યાના સ્તરોમાં આ પદાર્થો મળ્યા નહોતા.

સંશોધકોએ આસપાસના વિસ્તારમાં પણ તપાસ કરી, ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રકારના પદાર્થો અહીંની ધરતીમાં કુદરતી રીતે મળતા નથી.

અહીંની ભૂમિમાં બીજે ક્યાંય ઝિયોલાઇટ્સ જોવા મળતા નથી.

તેના કારણે સંશોધકોએ એવું તારણ કાઢ્યું કે આ ઝિયોલાઇટ્સ અહીં ગણતરીપૂર્વક ગોઠવવામાં આવ્યા હતા અને તેમાંથી પાણી પસાર કરીને શુદ્ધ કરાતું હતું.

આ પ્રોજેક્ટના એક સંશોધકને યોગાનુયોગે તિકલથી 30 કિલોમિટર આવી જ રચના સાથેનું તળાવ મળી આવ્યું હતું. સ્થાનિકોને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમાં હંમેશા શુદ્ધ પાણી રહે છે.

તે સ્થળે તપાસ કરવામાં આવી તો ખ્યાલ આવ્યો કે અહીંના ખડકોમાં ઝિયોલાઇટ્સ હતા. તેના કારણે એવું માની શકાય કે અહીંથી ઝિયોલાઇટ્સ મેળવીને તિકલના કોરિએન્ટલ તળાવમાં જળશુદ્ધિ માટે ગોઠવવામાં આવ્યા હતા.

ટેન્કર્સલી કહે છે, "જોકે ટાઇમ મશીન વિના ખરેખર આ કેવી રીતે થયું હતું તે આપણે જાણી શકીશું નહીં."

"પણ એવી ધારણા બાંધી શકાય કે આ તળાવમાં કુદરતી રીતે શુદ્ધ પાણી આવતું હતું તે જોઈને તિકલના કોઈએ વિચાર્યું હશે કે આવું જ કંઈક તિકલમાં કરવું જોઈએ. અહીંના ખડકોમાંથી શુદ્ધ પાણી આવે છે તો તેનો ઉપયોગ જળશુદ્ધિ માટે તિકલમાં કરવો જોઈએ."

સંશોધકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે ઝિયોલાઇટ યુક્ત માટી સાથે પાંદડા અને બીજા પદાર્થો મેળવીને ફિલ્ટર જેવું તૈયાર કરાયું હશે.

તળાવમાં પાણી એકઠું કરવા માટેની વ્યવસ્થા હતી તેમાં ચૂનાની પોલાણવાળી દિવાલોમાં આ પદાર્થો ગોઠવવામાં આવ્યા હશે, જેથી પાણી શુદ્ધ થઈને તળાવમાં જાય.

વિચારશીલ પ્રજાની ટેક્નોલૉજી

માયામાં લોકો કેવી રીતે ઝિયોલાઇટ વાપરતા હશે તેના અભ્યાસ પરથી એવું લાગે છે કે માત્ર માટીમાંથી પાણી પસાર કરી દેવામાં આવે તો તે દેખાવે શુદ્ધ લાગે, પણ તેમાં જીવાણુઓ અને સીસું તો રહેવાનું જ.

પરંતુ માયાના કુશળ લોકોએ શોધી કાઢ્યું હશે કે ઝિયોલાઇટમાંથી પાણી પસાર થાય છે તે વધારે શુદ્ધ થાય છે. આજના સ્ટાન્ડર્ડ કરતાંય શુદ્ધ પાણી નીતરતું હતું.

ઇલિનોઇ યુનિવર્સિટીના નૃવંશશાસ્ત્રી લીસા લ્યુસેરો કહે છે, "એવું પણ શક્ય છે કે ઝિયોલાઇટ્સ ખરેખર કેવી રીતે કામ કરે છે તેની સમજ માયા પ્રજાને ના આવી હોય, પરંતુ તેના કારણે પાણી બહુ શુદ્ધ થાય છે તેનો ખ્યાલ કોઈક રીતે આવી ગયો હશે."

ઝિયોલાઇટ્સ સાથેના માટીના ચાર સ્તર મળી આવ્યા હતા. તેનો અર્થ એ થઈ શકે કે ભારે પૂર વખતે કેટલાક સ્તર ધોવાઈ પણ ગયા હશે. એટલે તેને નવેસરથી બનાવાયા હશે.

અત્યારે માત્ર કોરિએન્ટલ તળાવમાં ઝિયોલાઇટ્સ ગોઠવીને પાણીને શુદ્ધ કરવાની પદ્ધતિ મળી આવી છે. જોકે તેનો અર્થ એ નથી કે માયા સંસ્કૃતિના અન્ય સ્થળોએ તેનો ઉપયોગ નહીં થયો હોય.

ગ્વાટેમાલાના મિરાફ્લોર્સ મ્યુઝિયમના મહેલ અને મંદિરના તળાવો વિશે અભ્યાસ કરનારા, અને તેનું પાણી દૂષિત હતું તે શોધી કાઢનારા લિવિ ગ્રેઝિયોસો કહે છે કે આ પુરાવા મળ્યા છે તેના કારણે નવેસરથી આશા જાગી છે. માયા પ્રજાના બીજા તળાવોની પણ હવે શોધખોળ થશે.

ગ્રેઝિયોસો કહે છે, "મને નથી લાગતું કે માત્ર તિકલના તળાવમાં જ આવી પદ્ધતિ હોય. માયા પ્રજાના અન્ય સ્થળોએ પણ તળાવો હતા, પણ તેની બહુ તપાસ થઈ નથી. અભ્યાસ કર્યા વિના આપણે જાણી શકવાના નથી."

માત્ર સોના અને નીલમ જેવી વસ્તુઓ મળી આવે ત્યારે તેના પર જ તપાસ કરવાના બદલે, બીજી નાની નાની મળી આવેલી વસ્તુઓની પણ તપાસ કરવામાં આવે ત્યારે કેવા રહસ્યો ખુલી શકે છે તેનો આ નમૂનો છે એમ ટેન્કર્સલી કહે છે.

તિકલના પ્રવાસે આવનારા કલ્પના કરી શકે કે આ ભગ્નાવેશો વચ્ચે 1,000 કે 2,000 વર્ષ પહેલાં નગરજનો વસતા હતા અને કોઈ સાધનો કે પાલતુ પશુઓ વિના પણ ભવ્ય ઇમારતો ચણી હતી.

તેઓ કહે છે, "આ પ્રજાએ કેવી સિદ્ધિ મેળવી હતી તેની કલ્પના કરો અને એ પણ યાદ રાખો કે તે પ્રજા કંઈ નેસ્તનાબુદ થઈ નથી ગઈ. મધ્ય અમેરિકામાં આજેય વસતા મૂળ રહેવાસીઓનો આ વારસો છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો