એક ભૂલથી કઈ રીતે મળી આવ્યો વિશ્વનો સૌથી મોટો નીલમણિ?

શ્રીલંકાના અધિકારીઓનું કહેવું છે કે વિશ્વના સૌથી મોટા નીલમણિનું એક ક્લસ્ટર (સમૂહ) શ્રીલંકના એક ઘરના આંગણામાંથી મળી આવ્યું છે, અને એ પણ 'ભૂલથી.'

કેટલાક મજૂરો ઘરના આંગણામાં કૂવો ખોદી રહ્યા હતા ત્યારે આ વિશાળ નીલમણિ તેમને મળ્યો હોવાનું રત્નોના એક વેપારીએ જણાવ્યું છે.

રસપ્રદ વાત એ છે કે આ ઘટના શ્રીલંકાના રત્નપુરા વિસ્તારની છે. વિસ્તારના નામ અનુસાર જ અહીં મોટાં પ્રમાણમાં રત્નો મળી આવે છે.

વિશેષજ્ઞોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ નીલમણિની કિંમત લગભગ 100 મિલિયન ડૉલર (લગભગ સાડા સાત અબજ રૂપિયા) હશે.

આ નીલમણિનું વજન 510 કિલોગ્રામ છે અને તેને 'સૅરન્ડિપિટી સફાયર' નામ આપવામાં આવ્યું છે. આ નામનો અર્થ થાય છે, 'કિસ્મતથી મળી આવેલું નીલમ.'

'રત્નોનું શહેર રત્નપુરા'

જેના ઘરમાંથી આ નીલમણિ મળી આવ્યો, એણે બીબીસીને જણાવ્યું, "જે વ્યક્તિ જમીન ખોદી રહી હતી, તેને અમે દુર્લભ રત્ન મળવાની શક્યતા અંગે જણાવ્યું હતું અને એ બાદ અમને આ વિશાળ નીલમણિ મળી આવ્યો."

સુરક્ષાનાં કારણોસર તેમણે નામ અને સરનામું નથી જણાવ્યાં.

જેમના ઘરેથી આ નીલમણિ મળી આવ્યો છે, એ ત્રીજી પેઢીના વેપારી છે નીલમણિ મળ્યા બાદ તેમણે તત્કાલ અધિકારીઓને જણાવી દીધું પણ તેને સાફ કરવામાં અને અન્ય અશુદ્ધિઓ હઠાવવામાં એક વર્ષ કરતાં વધારે સમય લાગ્યો.

એ બાદ આ નીલમણિની સાચી કિંમતનો અંદાજો લગાવી શકાયો અને તેની ગુણવત્તાની પુષ્ટિ પણ કરી શકાઈ. એવું પણ જાણવા મળ્યું છે કે સફાઈ દરમિયાન કેટલાંક રત્નો પડી ગયાં હતાં અને તેમાંથી કેટલાંય ઊંચી ગુણવત્તાવાળાં નીલમ છે.

રત્નપુરાને શ્રીલંકાની 'રત્નોની રાજધાની' તરીકે પણ ઓળખવામાં આવે છે. ભૂતકાળમાં પણ આ શહેરમાંથી કેટલાંય કિંમતી રત્નો મળ્યાં છે.

નોંધનીય છે કે શ્રીલંકા વિશ્વમાં પન્નાં, નીલમ અને અન્ય કિંમતી રત્નોનું પ્રમુખ નિકાસકાર છે. ગત વર્ષે શ્રીલંકાએ કિંમતી રત્નો, હીરા અને ઘરેણાંની નિકાસ થકી લગભગ 50 કરોડ રૂપિયા કમાયા હતા.

શ્રીલંકા માટે આશાનું કિરણ

જાણીતાં રત્નવિશેષજ્ઞ ડૉ. જૈમિનિ જોય્સાએ બીબીસીને જણાવ્યું, "આટલો મોટો નીલમણિ મેં ક્યારેય નથી જોયો. આ કદાચ 40 કરોડ વર્ષ પહેલાં બન્યો હશે."

જોકે, જાણકારોએ એવું પણ જણાવ્યું છે કે આ નીલમની કૅરેટ વૅલ્યૂ ભલે ઊંચી હોય પણ કલસ્ટરની અંદરનાં રત્નો વધારે કિંમતી ન હોય એવું પણ બની શકે.

આ નીલમણિ એવા સમયે મળી આવ્યો છે, જ્યારે શ્રીલંકાનો રત્નઉદ્યોગ કોરોના વાઇરસની મહામારી અને લૉકડાઉનના લીધે ભારે નુકસાન વેઠી રહ્યો છે.

રત્નઉદ્યોગમાં કામ કરનારાઓને આશા છે કે 'કિસ્મતથી મળેલો નીલમણિ' આંતરરાષ્ટ્રીય ખરીદદારો અને વિશેષજ્ઞોનું ધ્યાન આકર્ષિત કરશે.

નેશનલ જૅમ ઍન્ડ જ્વેલરી ઑથોરિટી ઑફ શ્રીલંકાના પ્રમુખ તિલક વીરસિંહે કહ્યું, "આ વિશેષ નીલમ છે. કદાચ વિશ્વનો સૌથી મોટો નીલમણિ. એનો આકાર અને કિંમત જોતાં લાગે છે કે તે વિશેષજ્ઞો અને સંગ્રહાલયોનું ધ્યાન પોતાની તરફ ખેંચશે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો