કોરોનાની સારવારનાં તોતિંગ બિલો ચૂકવવા લોકોને ક્રાઉડફંડિગે કેવી રીતે મદદ કરી?

દેશમાં કોવિડ-19ની બીજી જીવલેણ લહેર દરમિયાન દર્દીઓને હૉસ્પિટલમાં દાખલ કરવાના કિસ્સાઓમાં ભારે વધારો નોંધાયો હતો ત્યારે હવે આરોગ્યવીમાના ગૂંચવાડાને કારણે ભારતીયો તેમનાં તોતિંગ મેડિકલ બિલ ચૂકવવા માટે ક્રાઉડફંડિંગનો સહારો લઈ રહ્યા હોવાનું આસ્થા રાજવંશી આ અહેવાલમાં જણાવે છે.

જૂનમાં બીજા બાળકને જન્મ આપ્યા પછી સુપ્રજા રેડ્ડી યેરુવા ઘણા દિવસો સુધી યોગ્ય રીતે શ્વાસ લઈ શકતાં નહોતાં.

27 વર્ષનાં સુપ્રજા ગર્ભાવસ્થા દરમિયાન હૉસ્પિટલમાં રાબેતા મુજબનું ચેક-અપ કરાવવાં ગયાં તેના થોડા સમયમાં જ તેમનામાં કોવિડ-19ના લક્ષણો દેખાવાં લાગ્યાં હતાં.

ટૂંક સમયમાં તેમનાં ફેંફસાંમાં તિવ્ર ચેપ લાગ્યો અને તેમને હૈદરાબાદની એક ખાનગી હૉસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યાં. આજે એક મહિના પછી પણ સુપ્રજા હૉસ્પિટલમાં જ છે.

પોતાની છ વર્ષની પુત્રી અને નવજાત પુત્ર સાથે વિજય યેરુવા તેમનાં પત્ની સુપ્રજાના સાજા થવાની રાહ જોઈ રહ્યા છે.

વિજય યેરુવા તેમનાં પત્નીની સારવારનું લગભગ 60 લાખ રૂપિયાનું તોતિંગ બિલ ચૂકવવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે અને એ બિલની રકમમાં રોજેરોજ વધારો થઈ રહ્યો છે.

બિલની ચૂકવણી માટે વિજય આરોગ્યવીમા ઉપરાંત ક્રૅડિટ કાર્ડનો ઉપયોગ કરી ચૂક્યા છે અને તેમણે બૅન્ક પાસેથી લૉન પણ લીધી છે.

બધા વિકલ્પો ખૂટી પડ્યા ત્યારે 35 વર્ષના વિજયે 'કેટ્ટો' નામના એક ક્રાઉડફંડિંગ પ્લૅટફૉર્મનો સહારો લીધો અને લોકો પાસેથી સુપ્રજાની સારવાર માટે ફાળો એકત્ર કરવાનું શરૂ કર્યું.

લોકો પાસેથી આ રીતે ફાળો એકત્ર કરવો પડશે એવું આશરે 2.19 લાખ રૂપિયાની સ્થિર માસિક આવક ધરાવતા ઇજનેર વિજય યેરુવાએ ક્યારેય વિચાર્યું નહોતું.

વિજય કહે છે, "મારા પરિવારના પાલનપોષણ માટે મેં આકરી મહેનત કરી છે અને કોઈ પાસેથી ક્યારેય મદદ માગી નથી. અત્યારે પણ ફાળા માટે લોકોને વિનતી કરતાં મને બહુ મૂંઝવણ અનુભવાય છે."

તેમની હતાશામાં એવા હજ્જારો ભારતીય પરિવારોની દુર્દશાનું પ્રતિબિંબ જોવા મળે છે, જેઓ કોવિડ-19ની બીજી વિનાશક લહેરની આડઅસર સમાન તબીબી સારવારનાં તોતિંગ દેણાંનો સામનો કરી રહ્યા છે.

ક્રાઉડફંડિંગથી મદદ

હૉસ્પિટલનાં બિલ ચૂકવવા માટે ઘણાએ ક્રાઉડ ફંડિંગનો આશરો લીધો છે અને ક્રાઉડ ફંડિંગ આરોગ્યવીમા અને સરકારી સહાયના વિકલ્પ તરીકે ઝડપભેર ઊભરી રહ્યું છે.

નિષ્ણાતો કહે છે કે 'કેટ્ટો', 'મિલાપ' અને 'ગિવ ઇન્ડિયા' જેવી ત્રણ મોટી ક્રાઉડફંડિંગ વેબસાઈટે મહામારી દરમિયાન 27 લાખ દાતાઓની મદદ વડે અત્યાર સુધી આશરે 119.60 કરોડ રૂપિયા એકઠા કરી આપ્યા છે.

વિજયે 'કેટ્ટો' મારફત પત્નીની સારવાર માટે દાનની ટહેલ નાખી હતી.

કેટ્ટોએ જણાવ્યું હતું કે કોવિડ-19ની બન્ને લહેર દરમિયાન તેના કદમાં ચાર ગણો વધારો થયો છે અને તેણે કોવિડના લગભગ 12,000 દર્દીઓ માટે 29,71,50,000 રૂપિયા એકત્ર કરી આપ્યા છે.

'ક્રાઉડફંડિંગઃ ધ સ્ટોરી ઑફ પીપલ' નામના પુસ્તક લખનારાં રવિના બેન્ઝે અને ઈરફાન બશિર કહે છે, "ઘણા કિસ્સામાં ક્રાઉડફંડિંગ વર્તમાન આરોગ્ય-વ્યવસ્થામાંનાં છીંડાઓને પૂરવાનો વિકલ્પ બન્યું છે."

મહામારી પહેલાં પણ લાખો બીમાર ભારતીયોના જીવનમાં ક્રાઉડફંડિંગ મદદરૂપ બન્યું હતું.

બ્રિટિશ મેડિકલ જર્નલ અને 'પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઑફ ઇન્ડિયા' (પીએચએફઆઈ) દ્વારા 2018માં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસના તારણ મુજબ, આરોગ્યસંભાળ સંબંધી ખર્ચને કારણે 2011-2012માં 3.8 કરોડ લોકો ગરીબીમાં ધકેલાયા હતા.

કોવિડ મહામારી દરમિયાન તબીબી દેણાંને કારણે કેટલા વધુ લોકો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા, તેના કોઈ આંકડા ઉપલબ્ધ નથી.

જોકે, ડ્યુક ગ્લોબલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ અને પીએચએફઆઈ દ્વારા હાથ ધરવામાં આવેલા એક પ્રારંભિક અભ્યાસ મુજબ, ભારતના સ્વનિર્ભર લોકો અને કુલ પૈકીના 50 ટકા પગારદાર લોકો અનિવાર્ય તબીબી સારવારનો ખર્ચ ચૂકવવા સમર્થ નથી.

અઝીમ પ્રેમજી યુનિવર્સિટીના સંશોધકોના અંદાજ મુજબ, તબીબી ખર્ચનો સૌથી વધુ બોજ ગરીબોના માથે પડ્યો છે.

દેશમાં ગરીબોની સંખ્યામાં ગયા વર્ષે 23 કરોડ લોકોનો ઉમેરો થયો હતો અને 90 ટકા લોકોએ દેવું ચૂકવવા માટે સરેરાશ 14,930 રૂપિયા ઉધાર લીધા હતા.

દેશમાં આરોગ્યની સંભાળ પેટે સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચનું પ્રમાણ દેશના કુલ ઘરેલુ ઉત્પાદનના માત્ર 1.2 ટકા જેટલું છે અને તે વિશ્વમાં સૌથી નીચું છે. આશરે બે-તૃતિયાંશ ભારતીયો પાસે આરોગ્યવીમા જેવી કોઈ ઢાલ જ નથી.

ઈરફાન બશિર કહે છે, "મોટા ભાગના લોકો કાયમી નાણાકીય અસ્થિરતાના ભય તળે જીવતા હોય ત્યારે અચાનક આવી પડતી ગંભીર બીમારી વિનાશક પૂરવાર થતી હોય છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 2018માં વિશ્વની સૌથી મોટી આરોગ્યવીમા યોજના "મોદીકૅર" શરૂ કરીને દેશના અડધો અબજ ગરીબ નાગરિકોને મફત સારવારની સુવિધાનું વચન આપ્યું હતું.

જોકે, 'પ્રોક્સિમા કન્સલ્ટિંગ'ના વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવાની પાત્રતા ધરાવતા લોકો પૈકીના માત્ર 13 ટકા જ સરકારી અને ખાનગી હૉસ્પિટલોમાં કોવિડ સંબંધી સારવારના વીમા પર ક્લૅઇમ કરી શક્યા હતા.

આ સ્કીમમાં આઉટપેશન્ટ ખર્ચનો સમાવેશ થતો નથી અને એ તબીબી ખર્ચનો મોટો હિસ્સો હોય છે.

'ક્રાઉડફંડિંગ આટલું મદદગાર બની શકે તેની ખબર નહોતી'

નાગપુર શહેરનાં ચિન્મયી હિવાસેએ તેમના 57 વર્ષની વયના પિતા રાજેશ હિવાસે માટે ઓક્સિજનની બૉટલ તથા ખાલી બેડ મેળવવા માટે ત્રણ દિવસ સુધી હૉસ્પિટલોનાં ચક્કર મારવાં પડ્યાં હતાં.

ચિન્મયી એવું માનતાં હતાં કે કોવિડ સામેના તેમના સંઘર્ષનો અંત આવી ગયો છે, પરંતુ બાદમાં તેમના પિતાના એમઆરઆઈ સ્કેનમાં જાણવા મળ્યું હતું કે તેમને ઑટો-ઈમ્યૂન ડિસોર્ડર તથા મ્યુકરમાયકોસિસ અથવા બ્લેક ફંગસની તકલીફ પણ છે.

તેની સારવાર માટે વધારે 24.98 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેમાં 7,000 રૂપિયાની કિંમતના ઇન્જેક્શનના દૈનિક ખર્ચનો પણ સમાવેશ થાય છે.

તાજેતરમાં સ્નાતક થયેલાં ચિન્મયી તેમનાં માતા-પિતાનું એકમાત્ર સંતાન છે. તેમના માટે આ ખર્ચ અકલ્પનીય હતો. ચિન્મયી કહે છે, "બિલ જોયું ત્યારે અમને જોરદાર આઘાત લાગ્યો હતો."

ચિન્મયીના પિતા એક ખાનગી ઇજનેરી કૉલેજમાં કામ કરે છે અને તેમની અંદાજે 45,000 રૂપિયાની માસિક આવકથી પરિવારનું ગુજરાન ચાલે છે.

તેમની પાસે આરોગ્યવીમો નહોતો. તેથી મેડિકલ બિલની ચૂકવણીમાં તેમની બચત સાફ થઈ ગઈ. પરિણામે તેમને મિત્રો પાસેથી નાણાં ઉધાર લેવાની અને આખરે ઓનલાઈન ફાળો માગવાની ફરજ પડી હતી.

ચિન્મયીનો પરિવાર ઓનલાઈન ફંડરેઈઝર મારફત અત્યાર સુધીમાં આશરે 8.88 લાખ રૂપિયા એકત્ર કરી શક્યો છે.

આ નાણાં તેમની કુલ જરૂરિયાતનો અડધો હિસ્સો છે. ચિન્મયી રાહતનો શ્વાસ લેતાં કહે છે, "ક્રાઉડફંડિંગ આટલું મદદગાર બની શકે તેની મને જરાય ખબર નહોતી."

સામાજિક અસમાનતાનો ભય

રવિના બેન્ઝે કહે છે, "જેમને ખાનગી હૉસ્પિટલોમાં સારવાર લેવાનું પોસાય તેમ ન હોય એવા લોકોને ક્રાઉડફંડિંગ ઉત્તમ સારવાર મેળવવાની તક આપી છે."

દાતાઓ મહદઅંશે ફંડ રેઈઝર શરૂ કરનાર વ્યક્તિના પરિવારજનો અને દોસ્તો હોય છે. ઘણાં બિન-સરકારી સંગઠનો, સેલેબ્રિટિ અને અજાણ્યા લોકો હોય છે, જેઓ આવા કિસ્સામાં દાન આપવાને પોતાની ફરજ ગણે છે.

જોકે, દાનનો પ્રવાહ મોટા ભાગે, હૃદયદ્રાવક હાલતમાં હોય એવા લોકો અથવા મજબૂત સામાજિક નેટવર્ક ધરાવતા લોકો ભણી વહેતો હોય છે.

રવિના બેન્ઝે અને ઈરફાન બશીર ચિંતા વ્યક્ત કરે છે કે આવા વલણને કારણે, લોકો અત્યંત ગંભીર હાલતમાં હોય એવા દર્દીઓ પ્રત્યે જ સહાનુભૂતિ વ્યક્ત કરે છે.

તેઓ કહે છે, "બધાની હાલત હૃદયદ્રાવક હોતી નથી અને પોતાની વ્યથા હૃદયદ્રાવક શૈલીમાં જણાવવાની આવડત પણ બધા પાસે હોતી નથી."

અડધોઅડધ ભારતીયો પાસે ઇન્ટરનેટની સુવિધા નથી ત્યારે સમાજના સૌથી નીચલા વર્ગના લોકો ક્રાઉડફંડિંગની શક્તિનો લાભ મેળવી શકે તેમ નથી.

આવી પરિસ્થિતિમાં ક્રાઉડફંડિંગ, "માહિતીના અભાવે" સામાજિક અસમાનતા સર્જી શકે છે.

સારું એવું દાન મળ્યા છતાં ચિન્મયી હિવાસેની નાણાકીય તકલીફોનો અંત આવ્યો નથી. તેમણે લૉનનાં નાણાં ચૂકવવાનાં છે અને તેમના પિતાની સારવાર પણ લાંબો સમય ચાલવાની છે.

ચિન્મયી કહે છે, "અમને બીજા લોકોની મદદ વિના ઇન્જેક્શન ખરીદવાનું પણ પરવડે તેમ નથી. અમારા જેવી મદદ જેમને નહીં મળતી હોય એમનું શું થતું હશે!"

બીજી તરફ હૈદરાબાદમાં વિજય યેરુવા તેમનાં પત્નીની સારવાર માટે પોતાનું ઘર તથા અન્ય સંપત્તી વેચી નાખવાનું વિચારી રહ્યા છે.

તેઓ કહે છે, "પરિસ્થિતિ ફરી થાળે પડતાં વર્ષો થશે, પરંતુ હું મારાં બાળકોની મા સલામત રહે એ સુનિશ્ચિત કરવા ઈચ્છું છું."

(આસ્થા રાજવંશી દિલ્હીસ્થિત ફ્રીલાન્સ જર્નલિસ્ટ અને ઈન્સ્ટિટ્યૂટ ફ વર્લ્ડ અફેર્સનાં ફેલો છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો