લોકસભા-રાજ્યસભાની કામગીરી વારંવાર સ્થગિત કેમ રાખવામાં આવી રહી છે?

સંસદમાં હાલ પેગાસસ જાસૂસીકાંડ મામલે સરકાર અને વિપક્ષના દળો આમનેસામને આવી ગયા છે.

રાજ્યસભા અને લોકસભા એમ સંસદનાં બંને ગૃહોની કાર્યવાહીઓ સતત સ્થગિત થઈ રહી છે.

સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે ત્યારથી જ કોરોના મામલે સરકારની કામગીરી અને બાદમાં વિવાદિત કૃષિકાયદા સામે કિસાન આંદોલનને લીધે તોફાની બન્યું હતું. વારંવાર ગૃહની કામગીરી ખોરવાઈ અને તેને સ્થગિત કરવામાં આવ્યું છે.

વળી સંસદનું સત્ર શરૂ થયું તેના ઠીક પહેલાં એક અન્ય સંવેદનશીલ મુદ્દો પેગાસસ જાસૂસીકાંડ પ્રકાશમાં આવ્યો જેમાં ભારતમાં બંધારણીય હોદ્દાઓ પર રહેલી વ્યક્તિઓ સહિત પત્રકારો, કાર્યકર્તાઓ, ઉદ્યોગપતિઓ, અધિકારીઓ અને રાજનેતાઓની જાસૂસી થઈ હોવાનો ઘટસ્ફોટ થયો.

હવે આ મામલે વિપક્ષ એક થઈ સરકાર પાસે જવાબ માગે છે પરંતુ બીજી તરફ સરકાર પર કથિતરૂપે જવાબો ટાળવાનું અથવા તો સીધા જવાબો આપવાનું ટાળી રહી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે.

ગુરુવારે સંસદનાં બંને ગૃહોની કામગીરી બપોર પછી સ્થગિત કરી દેવાઈ હતી. શુક્રવારે પણ પેગાસસ મુદ્દે હંગામો થયા બાદ લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી.

આ મામલે કૉંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, "અમે પેગાસસ મુદ્દે સંસદમાં ચર્ચા ઇચ્છીએ છીએ. એના માટે વડા પ્રધાન અને ગૃહ મંત્રીની હાજરી જરૂરી છે. જાસૂસી દગાખોરી છે. જો તેઓ અમને આ મુદ્દે ચર્ચા કરવા દેશે તો અમે ગૃહની કામગીરી યોગ્ય રીતે થવા દઈશું. અમે સર્વપક્ષીય બેઠક પણ બોલાવી છે."

એકતરફ જ્યાં સંસદમાં વિપક્ષ સૂત્રોચ્ચાર અને વિરોધ કરી રહ્યો છે એવી સ્થિતિમાં પણ સરકારે ઇનસોલ્વન્સી ઍન્ડ બૅન્કરપ્સી સહિતના બિલ લોકસભામાં પાસ કરી દીધા.

જોકે વધુ હંગામો થયો તેના લીધે ગૃહની કામગીરીને પછી સ્થગિત કરી દેવાઈ હતી.

આમ તમે વારંવાર ગૃહની કાર્યવાહી 'એડ્જર્ન' થઈ એવું સાંભળતા હશો. પરંતુ ખરેખર આનો અર્થ શું છે અને સંસદની કાર્વાહીને કેમ સ્થગિત કરવામાં આવે છે? તેની પાછળ શું રાજકીય કારણો રહેતા હોય છે?

લોકસભા અને રાજ્યસભાને સ્થગિત કરવાના નિયમો?

સંસદ લોકશાહીનું પવિત્ર સ્થળ ગણાય છે. અને તેનાં બંને ગૃહોની કામગીરીની પ્રણાલી જનતાની ઇચ્છાઓને વાચા આપવાનો હેતુ સાધે છે.

જ્યારે સંસદનું ઉપલું કે નીચલું ગૃહ મળતું હોય ત્યારે જો તેમાં સંસદસભ્યો દ્વારા હંગામો કરવામાં આવે તો તેને સ્થગિત કરી દેવાય છે.

વળી એક એડ્જર્નમૅન્ટ મોશન પણ લાવવામાં આવે છે. તે ગૃહને મોકૂફ (એડર્જ્ન) કરવામાં આવે તેના કરતાં અલગ પ્રક્રિયા છે.

તેની હેઠળ ગૃહના સભ્યો કોઈ ખાસ મુદ્દે જાહેરહિતના વિષય પર ચર્ચા માટે આ ઠરાવ લાવે છે. જોકે આ માટે કેટલાક નિયમો પણ છે. જેમ કે સંસદમાં ગૃહમાં જે મુદ્દે ચર્ચા થઈ ગઈ હોય તેના માટે આ પ્રક્રિયા હાથ નથી ધરાતી. અને મુદ્દો અત્યંત સંવેદનશીલ હોય, તેની તરત ચર્ચાની જરૂર હોય અને જાહેરહિત જોડાયેલું હોય, તો જ તેને ચર્ચા માટે ઠરાવ લાવી શકાય છે.

પરંતુ બીજી તરફ જો ગૃહમાં તોફાન વધી જાય જો લોકસભા અધ્યક્ષ 'રૂલ્સ ઑફ પ્રૉસિજર ઍન્ડ કૉન્ડક્ટ ઑફ બિઝનેસ'ના નિયમ 375 હેઠળ ગૃહને સસ્પેન્ડ કે પછી સ્થગિત કરવા માટે હુકમ કરી શકે છે.

રાજ્યસભાના અધ્યક્ષ પાસે પણ આ જ નિયમ હેઠળ કલમ 275ની સત્તા છે કે તે ગૃહની કામગીરીને સ્થગિત કરી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2014-2019ની 16મી લોકસભામાં કાર્યવાહીઓ સ્થગિત રહેવાના લીધે તેનો 16 ટકા સમય વિરોધ-ગતિરોધમાં પસાર થઈ ગયો હતો. જોકે 14મી લોકસભામાં કામકાજના 36 ટકા સમય ગતિરોધમાં પસાર થયો હતો.

શું હોય છે સ્થગન પ્રસ્તાવ?

'એડજર્નમેન્ટ મોશન' જેને સ્થગન પ્રસ્તાવ અથવા કામ રોકો પ્રસ્તાવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

લોકસભા સેક્રેટેરિએટ અનુસાર આનો હેતુ કોઈ ગંભીર મામલે ગૃહનું ધ્યાન દોરવાનો છે. એવો મુદ્દો જે જાહેરહિતનો છે. જેની ચર્ચા કરવી જરૂરી છે. સંસદની પૂર્વનિર્ધારિત કામગીરી બાજુ પર મૂકીને આ મુદ્દે પહેલા ચર્ચા કરવા માટે પ્રસ્તાવ લાવાવમાં આવે છે.

સરકાર તેને સ્વીકારે પછી સંસદ ગૃહમાં પ્રસ્તાવિત મુદ્દે ચર્ચા કરવામાં આવે છે. જોકે કામ રોકો પ્રસ્તાવ સરકારે જ્યારે બંધારણીય ફરજ ચૂકી હોય અથવા તો કાયદાનું ઉલ્લંઘન થયું હોય તેવા કેસમાં લાવવામાં આવે છે. આથી પ્રસ્તાવનો હેતુ અને મુદ્દો ખૂબ જ ચોક્કસ હોવો જરૂરી હોય છે.

વળી તેને માત્ર લોકસભામાં જ લાવી શકાય છે. કેમ કે મંત્રી પરિષદ નીચલા સદન માટે જ જવાબદાર હોય છે.

આમ કામ રોકો પ્રસ્તાવ એક અસાધારણ પ્રક્રિયા છે. જો સત્ર શરૂ થયું ન હોય તો તેના ત્રણ દિવસ પહેલાં પ્રસ્તાવ મૂકવામાં આવે છે. પરંતુ જો સત્ર ચાલુ હોય તો સવારે 10 વાગ્યે તેને પ્રસ્તાવ રજૂ કરવામાં છે. જો તે 10 વાગ્યા પછી મળે તો તે બીજા દિવસ માટે ગણતરીમાં લેવાય છે.

જો અધ્યક્ષ તેને સ્વીકારી લે તો પછી પ્રશ્નકાળ પછી હાથ ધરવામાં આવે છે. જોકે કામ રોકો પ્રસ્તાવને ઓછામાં ઓછા 50 સાંસદોનો ટેકો હોવો જરૂરી હોય છે. અધ્યક્ષ સાંજે 4 વાગ્યે અથવા તો તેનાથી જલદી પણ ચર્ચા યોજી શકે છે.

જોકે પ્રસ્તાવ સ્વીકારવો કે ઇન્કાર કરવો તે અધ્યક્ષના હાથમાં હોય છે. કારણ આપ્યા વગર લોકસભા અધ્યક્ષ તેને ફગાવી શકે છે.

16મી લોકસભામાં માત્ર આવો એક પ્રસ્તાવ સ્વીકારવામાં આવ્યો હતો. બંધારણના આર્ટિકલ 118(1) હેઠળ સંસદનાં બંને ગૃહોને તેની કામગીરી, કામકાજના નિયમો ઘડવાની સત્તા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો