You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
DICGC ઍક્ટમાં સુધારો : બૅન્ક ઊઠી જાય તો કેટલા પૈસા પાછા મળશે?
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
બુધવારે કેન્દ્રીય કૅબિનેટે DICGC ઍક્ટ, 1961માં સુધારાને મંજૂરી આપી દીધી હતી. જેથી હવે જો બૅન્કો ફડચામાં જશે, તો તેમાં નાણાં જમા કરાવનાર ખાતાધારકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે ફેબ્રુઆરી-2021માં બજેટ રજૂ કરતી વખતે આપેલા ભાષણમાં જાહેરાત કરી હતી કે બૅન્કોમાં રહેલી ડિપૉઝિટનું કવચ એક લાખથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવશે. કોરોનાને કારણે સત્ર ટૂંકાવી દેવાતાં ગત સત્રમાં તે રજૂ નહોતું થઈ શક્યું.
તાજેતરમાં યસ બૅન્ક અને લક્ષ્મીવિલાસ બૅન્ક જેવી ખાનગી બૅન્ક તથા પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કૉ-ઑપરેટિવ બૅન્ક (પીએમસી બૅન્ક) જેવી નાણાકીય સંસ્થાઓ દબાણ હેઠળ આવી હતી, જેના કારણે ગ્રાહકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જોકે આ ખરડાને ચોમાસુ સત્રમાં રજૂ કરવામાં આવશે અને સંસદની મંજૂરી મેળવવાની રહેશે, પછી તે અમલમાં આવશે. જે પછી પીએમસી તથા અન્ય સહકારી બૅન્કોના હજારો ખાતેદારોને તાત્કાલિક રાહત મળશે.
DICGC અને સુધારાની જરૂર
DICGC ઍક્ટ, 1961માં સુધારો કરીને DICGC ઍક્ટ, 2021ને કૅબિનેટની મંજૂરી આપવામાં આવી છે, જે ડિપૉઝિટ ઇન્સ્યૉરન્સ ઍન્ડ ક્રૅડિટ ગૅરંટી કૉર્પોરેશનની હાલની જોગવાઈઓમાં સુધારો કરશે.
આ કૉર્પોરેશન સંપૂર્ણપણે દેશની મધ્યસ્થ બૅન્ક રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)ને અધીન કામ કરે છે.
જેના દ્વારા દેશની તમામ કૉમર્સિયલ બૅન્ક તથા ભારતમાં વિદેશી બૅન્કની શાખાઓનાં બચતખાતાં, ચાલુ ખાતાં કે રિકરિંગખાતાંમાં જમા કરાવવામાં આવેલી રકમ પર વીમાકવચ આપવામાં આવે છે.
જમા કરાવવામાં આવેલા દર રૂ. 100 પર બૅન્કો દ્વારા 10 પૈસાનું પ્રીમિયમ આ કૉર્પોરેશનને ચૂકવવામાં આવે છે. જેને વધારીને 12 પૈસાની જોગવાઈ કરવામાં આવી છે, જેને મહત્તમ 15 પૈસા સુધી લઈ જઈ શકાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાલની જોગવાઈઓ મુજબ જ્યારે કોઈ બૅન્કની માન્યતા રદ થાય અથવા તો તેને ફડચામાં લઈ જવાની કામગીરી શરૂ કરવામાં આવે, ત્યારે આ કાયદાની જોગવાઈઓ અમલમાં આવે છે.
નવી જોગવાઈ પ્રમાણે, ખાતાધારકને 90 દિવસની અંદર રૂપિયા પાંચ લાખ સુધીની રકમ પરત મળી જશે. વર્તમાન વ્યવસ્થા હેઠળ આ પ્રક્રિયામાં આઠથી 10 વર્ષ નીકળી જાય છે.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે, સીતારમણે જણાવ્યું, "નવી જોગવાઈના અમલ પછી દેશના કુલ ખાતાં પૈકી 98.3 ટકાને વીમાકવચ મળી જશે, જ્યારે કુલ રકમના 50.9 ટકાને વીમાકવચ મળશે. વિશ્વભરમાં આ સરેરાશ 80 ટકા એકાઉન્ટ તથા 20-30 ટકા જમા કરાવેલી રકમની છે."
ઇકૉનૉમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, "માર્ચ-2021ના અંત ભાગ સુધીમાં દેશના કુલ બે અબજ 52 કરોડ 60 લાખ ખાતાંમાંથી લગભગ ચાર કરોડ 80 લાખ ખાતાંમાં રહેલી રકમ વીમાકવચથી વંચિત હતી."
લગભગ 49 ટકા રકમને સંરક્ષણ મળતું ન હતું. જેનું મુખ્ય કારણ DICGC સાથે નોંધણી ન કરાવવી અથવા તો પ્રીમિયમ જમા ન કરાવવું છે.
વાર્ષિક અહેવાલ મુજબ, આકલન કરી શકાય તેવી 1,49,67,776 કરોડની ડિપૉઝિટમાંથી માત્ર 76 લાખ 21 હજાર 258 કરોડને જ વીમાકવચ મળેલું છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો