સૅન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા અને ઇન્ડિયન ઓવરસીઝ બૅન્કના ખાનગીકરણ થાય તો તમને શું ફેર પડશે?

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્ર સરકાર દ્વારા ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક તથા સૅન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાનું ખાનગીકરણ કરવામાં આવશે, એવા અહેવાલોને પગલે બંને શૅરોમાં ભારે લેવાલી જોવા મળી રહી છે.

આ સંદર્ભે તાજેતરમાં કૅબિનેટ સેક્રેટરીના વડપણ હેઠળની પેનલની બેઠક મળી હતી, મીડિયા અહેવાલો સૂત્રોના હવાલાથી લખે છે કે ખાનગીકરણ સંદર્ભે બૅન્કોનાં નામ અંગે આમાં ચર્ચા થઈ છે.

જેમાં ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક અને સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાના નામ પર મહોર લગાવાઈ હોવાનો પણ ઉલ્લેખ અહેવાલોમાં કરાયો છે.

આઈઓબી તથા સીબીઆઈના શૅર તેમની 52 અઠવાડિયાંની સર્વોચ્ચ સપાટીને (અનુક્રમે રૂ. 27.40 અને રૂ. 28.30) સ્પર્શ્યા હતા, જ્યાંથી નફારૂપી વેચવાલીનું દબાણ આવ્યું હતું.

22 જૂને દિવસના અંત સુધીમાં આઈઓબીનો શૅર રૂ. 24.70 પર (4.66 %), જ્યારે સીબીઆઈનો શૅર રૂ. 25.10 પર (3.72 %) નોંધાયો હતો.

પ્રસ્તાવિત ખાનગીકરણને કારણે આ બૅન્કોના કર્મચારીઓમાં ચિંતાની લહેર જોવા મળી રહી છે, જ્યારે શૅરધારકો માટે સારા સમચાર હોઈ શકે છે.

બૅન્કોનું ખાનગીકરણ કરતાં પહેલાં સરકારે બૅન્કિંગ રૅગ્યુલેશન ઍક્ટ તથા બૅન્કિંગસંબંધિત અન્ય કેટલાક કાયદામાં ફેરફાર કરવો પડશે. સરકાર દ્વારા ચોમાસુ સત્ર દરમિયાન આ સુધારો લાવવામાં આવે તેવી શક્યતા છે.

1969માં ઇંદિરા ગાંધીએ બૅન્ક, વીમા ઉપરાંત કોલસાક્ષેત્રનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. જો મોદી સરકાર તેમાં સફળ રહે તો તે બૅન્કના ખાનગીકરણનો ટેકનિકલી આ દેશમાં પ્રથમ કિસ્સો હશે.

ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ 2021-'22નું બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે જાહેરાત કરી હતી કે આઈડીબીઆઈ ઉપરાંત બે સરકારી બૅન્ક તથા એક જનરલ ઇન્સ્યૉરન્સ કંપની અને જીવન વીમા નિગમનું ખાનગીકરણ કરવામાં આવશે.

કઈ બૅન્કનું ખાનગીકરણ થશે?

વેપારી જગતના સમાચાર આપતી ચેનલ સીએનબીસી આવાઝના રિપૉર્ટ મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા જે બૅન્કોનું ખાનગીકરણ થઈ શકે તેમ હોય, તેની તારવણીની જવાબદારી નીતિ આયોગને સોંપી હતી.

સૂત્રોને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે આ યાદીમાં ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક તથા સૅન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયાનાં નામોનો સમાવેશ થાય છે.

જોકે સરકાર દ્વારા આ વિશે ઔપચારિક જાહેરાત કરાઈ નથી તથા આ યાદીમાં બૅન્ક ઑફ મહારાષ્ટ્ર તથા બૅન્ક ઑફ ઇન્ડિયાનાં નામો અંગે પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.

જ્યારે સરકાર દ્વારા સરકારી બૅન્કોનું 'મૅગા-મર્જર' હાથ ધરવામાં આવ્યું હતું, તેમાં ઉપરની ચાર બૅન્ક ઉપરાંત પંજાબ-સિંધ બૅન્ક તથા યુકૉ બૅન્કનો સમાવેશ નહોતો કરાયો.

જોકે કેટલાક જાણકારોનું માનવું છે કે અન્ય ચાર બૅન્કોની સ્થિતિ આઈઓબી કે સીબીઆઈ જેટલી સારી નથી એટલે તેમને વેચાણમાં મૂકવામાં આવે તેવી શક્યતા નહિવત્ છે.

CBI, IOB કે પછી....?

મંગળવાર (22 જૂન)ની સાંજની સ્થિતિ પ્રમાણે, આઈઓબીની માર્કેટ કૅપિટલ રૂ. 46 હજાર 880 કરોડ અને સીબીઆઈની રૂ. 21 હજાર 820 કરોડ જેટલી હતી.

કૅબિનેટ સચિવની અધ્યક્ષતાવાળી સેક્રેટરીઓની ઉચ્ચસ્તરીય કમિટીને નીતિ આયોગે વિનિવેશ બાબતે અહેવાલ સોંપી દીધો છે.

જેમાં આર્થિક બાબતોના સચિવ, મહેસૂલ સચિવ, કંપની બાબતોના સચિવ, કાયદાકીય બાબતોના સચિવ, કાયદા મામલાના સચિવ, વહીવટી વિભાગના સચિવ તથા દીપમ (ડિપાર્ટમૅન્ટ ઑફ ઇન્વેસ્ટમૅન્ટ ઍન્ડ પબ્લિક ઍસેટ મૅનેજમૅન્ટ) સચિવ રહેશે.

આ કમિટી પ્રધાનોની સમિતિને પોતાનો અહેવાલ આપશે, જેના અધ્યક્ષ વડા પ્રધાન નરેન્દ્ર મોદી છે.

આ પછી તેના પર નિર્ણય લેવાશે, કેન્દ્ર સરકાર ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ તથા ખાનગીકરણ દ્વારા એક લાખ 75 હજાર કરોડ ઊભા કરવા માગે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ જ કહી ચૂક્યા છે કે વ્યૂહાત્મક ક્ષેત્ર સિવાય સરકાર કોઈ ક્ષેત્રમાં રહેવા નથી માગતી. બૅન્કોના ખાનગીકરણના કામમાં સરકારે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને પણ સાથે લેવી પડશે.

ખાતાધારકો તથા શૅરધારકો માટે....

ફેબ્રુઆરી મહિનાથી જે સરકારી બૅન્કના ખાનગીકરણની ચર્ચા ચાલી છે, તેના શૅરના ભાવોમાં ઉછાળો જોવા મળ્યો છે. તાજેતરમાં પણ આઈઓબી તથા સીબીઆઈના ખાનગીકરણની ચર્ચા ચાલી ત્યારે સોમવારે 20 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો.

અગાઉ પણ જે કોઈ જાહેર સાહસોનું વિનિવેશ થયું છે, તેના શૅરધારકોને તેમના રોકાણના વળતરમાં વૃદ્ધિ જોવા મળી છે, ત્યારે જે બે બૅન્કનું ખાનગીકરણ થશે, તેના શૅરના ભાવોમાં વૃદ્ધિ થઈ શકે છે.

ખાતાધારકોને પ્રત્યક્ષ રીતે કોઈ ફેર નહીં પડે, પરંતુ તેઓ વધુ સારી ઑનલાઇન, ડિજિટલ કે રૂબરૂ સેવાની અપેક્ષા રાખી શકે છે. ટેલિબૅન્કિંગ તથા ઑનલાઇન માહિતી મેળવવામાં બૉટ્સ વધુ સારી સેવા પ્રદાન કરશે એવી આશા રાખી શકે છે.

જોકે નવી ચેકબુક, નવા ડેબિટ-ક્રૅડિટ કાર્ડ જેવી હાલાકી ગ્રાહકોને પડી શકે છે. આ સિવાય નવું મૅનેજમૅન્ટ જો ઓછા અંતરમાં બે શાખા હોય તો એકને અથવા તો બિનનફાકારક શાખાને બંધ કરવાનો નિર્ણય લઈ શકે છે.

સરકારી, ખાનગી તથા સહકારી બૅન્કોમાં મૂકવામાં આવેલી રૂ. પાંચ લાખ સુધીની થાપણ પર વીમો હોય છે, જેથી કરીને જો ખાનગી કે સહકારી બૅન્ક ફડચામાં જાય તો ગ્રાહકને તેની પૂરેપૂરી રકમ પરત મળે છે. જોકે, તેમાં સમય લાગી શકે છે.

કર્મચારીઓમાં ચિંતા

સરકારી બૅન્કોના કર્મચારીઓમાં ખાનગીક્ષેત્રના મૅનેજમૅન્ટને કારણે કાર્યપદ્ધતિમાં ક્લેશની ચિંતા પ્રવર્તે છે.

સૅન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયામાં કામ કરતા એક કર્મચારીના કહેવા પ્રમાણે, "ખાનગીકરણને કારણે પેન્શન, હક્કહિસ્સા અને યુનિયન જેવી બાબતો અંગે કર્મચારીઓમાં અસંતોષ પ્રવર્તે છે. નોકરીની સલામતીને કારણે સરકારી બૅન્કોમાં જોડાનાર કર્મચારીઓ આ મુદ્દે ચિંતિત થાય તે સ્વાભાવિક છે."

"ચેટબૉટ્સ, રૉબોટ્સ તથા અન્ય આઉટસૉર્સિંગને કારણે કર્મચારીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થાય તેમ છે. સરકારી બૅન્કોમાં અગાઉ ભરતી થયેલા અનેક પ્યૂન હજી ફરજ બજાવે છે તથા અમુકની સૅલરી નવનિયુક્ત ક્લાર્ક કરતાં પણ વધુ છે."

"ખાનગીકરણને કારણે ઓફિસર દરજ્જાના અધિકારીઓએ ખાસ ગુમાવવાનું નથી, પરંતુ ક્લાર્ક વગેરેને ઑટોમૅશનને કારણે નુકસાન થઈ શકે છે. જો અન્ય કોઈ સરકારી બૅન્ક સાથે મર્જર થયું હોત તો વાંધો ન આવ્યો હોત, પરંતુ જો ખાનગીકરણ થશે તો અમારા હિત જોખમાઈ શકે છે."

અગાઉ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ જાહેર કરી ચૂક્યાં છે કે ખાનગીકરણ વેળાએ કર્મચારીઓના પેન્શન, પૅ-સ્કૅલ તથા પગાર જેવી બાબતોનું ધ્યાન રાખવામાં આવશે.

આમ છતાં બૅન્કિંગ વર્તુળોમાં એવી ચર્ચા છે કે ખાનગીકરણ પછી કર્મચારીઓને એક વર્ષ માટે જ નોકરીની સલામતી મળશે.

જૂન મહિનાની શરૂઆતમાં સમાચાર સંસ્થા પીટીઆઈ (પ્રેસ ટ્રસ્ટ ઑફ ઇન્ડિયા)એ સૂત્રોને ટાંકતાં દાવો કર્યો હતો કે જે બૅન્કોનું ખાનગીકરણ હાથ ધરવામાં આવશે, તેના કર્મચારીઓ માટે આકર્ષક VRS (વૉલ્યન્ટરી રિટાયરમૅન્ટ સ્કિમ) લાવવામાં આવી શકે છે, જેથી કરીને કર્મચારીઓની સંખ્યાને વાજબી રાખીને વેચાણને વધુ આકર્ષક બનાવી શકાય.

અહેવાલો મુજબ, આ VRS સ્વૈચ્છિક હશે અને તેને સ્વીકારવા માટે કોઈની પર દબાણ કરવામાં નહીં આવે. CBIમાં 26 હજાર તથા IOBમાં 33 હજાર જેટલા કર્મચારી કામ કરતા હોવાનું અનુમાન છે.

સરકારી બૅન્કો, સામાન્ય વીમા કંપની તથા LICના ખાનગીકરણની સામે બૅન્ક યુનિયનો પોતાનો વિરોધ વ્યક્ત કરી ચૂક્યા છે અને માર્ચ મહિનામાં બે દિવસની પ્રતીકાત્મક હડતાળ કરી ચૂક્યા છે, આવનારા દિવસોમાં કાર્યક્રમ જાહેર થયા બાદ તેઓ વધુ જલદ કાર્યક્રમ આપી શકે છે.

વિનિવેશ કે ખાનગીકરણની જરૂર?

લગભગ દોઢેક વર્ષથી કોરોનાને કારણે વેપાર-ધંધાને અસર થઈ છે, જેની સીધી અસર સરકારની આવક પર થઈ છે.

ખાનગી ઉદ્યોગસાહસોને આપવામાં આવેલી કરરાહતો, વૅક્સિનેશન વગેરે જેવા ખર્ચને પહોંચી વળવાનો સરકાર સામે પડકાર છે. જે પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ કરથી સંતોષાય તેવી શક્યતા નહિવત્ છે.

સરકાર ઇચ્છે છે કે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ) જેવી મુખ્ય બૅન્ક હોય. આ સિવાય દેશના પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ ભાગોનું પ્રતિનિધિત્વ કરતી બૅન્કો હોય, જે પોતાના ક્ષેત્રમાં બૅન્કિંગની સુવિધાઓનો વ્યાપ વધારવા માટે પ્રયાસ કરે.

આ ધ્યેયને પાર પાડવા માટે તાજેતરમાં બૅન્ક ઑફ બરોડા, પંજાબ નેશનલ બૅન્ક, કૅનરા બૅન્ક, યુનિયન બૅન્ક તથા ઇન્ડિયન બૅન્કમાં અન્ય બૅન્કોનું મૅગા મર્જર થયું હતું.

કેન્દ્ર સરકાર દ્વારા બે બૅન્કોમાં 51 ટકાનો નિર્ણાયક હિસ્સો વેચીને બાકીનો ભાગ પોતાની પાસે રાખી શકે છે.

આ સિવાય સરકાર LIC (લાઇફ ઇન્સ્યૉરન્સ ઑફ ઇન્ડિયા) દ્વારા નિયંત્રિત IDBI (ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમૅન્ટ બૅન્ક ઑફ ઇન્ડિયા)ના ખાનગીકરણની જાહેરાત કરી ચૂકી છે.

હાલમાં સરકારી બૅન્કના જેટલા કર્મચારી નોકરી કરે છે, તેના કરતાં વધુ પેન્શન મેળવે છે. આ સંજોગોમાં જે કોઈ આ બૅન્કોને ખરીદશે, તેઓ સ્વાભાવિક રીતે પેન્શનની જવાબદારી પોતાની પર નહીં લે.

બૅન્કકર્મીઓનો વિરોધ કેટલો અસરકારક?

સૌરાષ્ટ્ર વિસ્તારમાં સરકારી બૅન્કોના યુનિયન સાથે સંકળાયેલી એક વ્યક્તિના કહેવા પ્રમાણે, "અગાઉ બૅન્કોના મર્જર વખતે પણ યુનિયનોએ વિરોધ કર્યો હતો, પરંતુ તેઓ અપેક્ષિત આંદોલન ઊભું કરવામાં નિષ્ફળ રહ્યા હતા અને મોદી સરકારને મર્જર કરવામાં સફળતા મળી હતી."

"યુનિયનો દ્વારા બે બૅન્કના ખાનગીકરણનો પણ વિરોધ કરવામાં આવશે, પરંતુ તે સરકારને પીછેહઠ કરવા માટે મજબૂર કરી શકશે કે કેમ તે સવાલ છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ડિજિટલ તથા ઑનલાઇન બૅન્કિંગનું ચલણ વધ્યું છે."

"ગુજરાતમાં વેપારીઓનો એક મોટો વર્ગ સહકારી કે ખાનગી બૅન્કો તરફ વળી ગયો છે. આથી, અગાઉ સરકારી બૅન્કોની હડતાલને કારણે જેવો માહોલ ઊભો થતો હતો, તેવો હવે નથી થતો. છતાં ગ્રામીણ તથા અર્ધશહેરી વિસ્તારોમાં હજુ પણ અસર ઊભી થઈ શકે તેમ છે."

રેટિંગ એજન્સી ફિચે જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં રિપોર્ટમાં જણાવ્યું હતું કે કોવિડ-19, રાજકીય વિરોધ તથા કોવિડને કારણે બૅન્કો ઉપર આવનારા સંભવિત ભારણને કારણે બૅન્કોના ખાનગીકરણની પ્રક્રિયા ધીમી પડી શકે છે.

વળી બૅન્કોના ખાનગીકરણ માટે સરકારને કાયદાઓમાં ફેરફાર કરવાની જરૂર પડશે, જે માટે તેને વિપક્ષની જરૂર પડશે, જેમાં અવરોધ આવી શકે છે. જોકે, બૅન્કોને મર્જ કરીને તેને સંગઠિત કરવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી છે.

ચાલુ વર્ષે સરકાર ઍર ઇન્ડિયા, ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશન લિમિટેડ તથા શિપિંગ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનું વિનિવેશ પણ હાથ ધરવા માગે છે.

ઉદ્યોગપતિને બૅન્ક અપાશે?

કેટલીક નૉન-બૅન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ કે ખાનગી (એક્સિસ, HDFC કે ICICI) બૅન્ક બંને સરકારી બૅન્કોને ખરીદવા માટેની તૈયારી દાખવી શકે છે.

વિદેશી રોકાણકારો તેમાં વ્યૂહાત્મક ભાગીદારી લઈ શકે છે, પરંતુ તેઓ પોતે મૅનેજમૅન્ટ લે તેવી શક્યતા નહિવત્ જણાય છે.

કર્મચારીઓનું નીચું મનોબળ અને તેમની કાર્યપદ્ધતિ ખરીદનારના માટે ચિંતાનું કારણ બની શકે છે. આ બૅન્કો દ્વારા આપવામાં આવેલી 'મુદ્રા' લૉન તથા 'જનધન ખાતા'ની ટકાવારીને પણ ખરીદદાર ધ્યાને લેશે.

બૅન્કિંગ વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે ઉદ્યોગપતિને બૅન્ક સોંપાઈ શકે છે, ત્યારે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન અને પૂર્વ ઉપગવર્નર વિરલ આચાર્ય આ વિચારનો વિરોધ કરી ચૂક્યા છે.

તેમણે લિંક્ડઇન પર લખ્યું, "રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના ઇન્ટર્નલ વર્કિન્ગ ગ્રૂપ દ્વારા બૅન્કિંગ ક્ષેત્રમાં ઉદ્યોગગૃહોને પ્રવેશવાની છૂટ આપવાની ભલામણ કરી છે, પરંતુ અમને લાગે છે કે આ નિર્ણય યોગ્ય નહીં હોય."

તેમણે ઉમેર્યું, "ભારત હજુ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિઝિંગ ઍન્ડ ફાઇનાન્સિયલ સર્વિસીઝ તથા યસ બૅન્કમાંથી પાઠ શીખી રહ્યું છે."

તેમણે ગ્રૂપનું ગઠન કરવાના સમય પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જો ઉદ્યોગગૃહને બૅન્કનું લાઇસન્સ આપવામાં આવે અને તેમની પોતાની બૅન્ક હોય તો ઇચ્છે ત્યારે કોઈ પણ જાતના વિઘ્ન દરમિયાન લૉન મેળવી શકે છે.

તેના કારણે આર્થિક (અને રાજકીય) સત્તાના કેન્દ્રીકરણને પ્રોત્સાહન મળશે, જો વાજબી રીતે લાઇસન્સિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવે તો પણ અગાઉથી જ મોટા અને સંપર્ક ધરાવતા ઉદ્યોગોને અન્યોની સરખામણીમાં લાભ મળી શકે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો