ગુજરાતમાં ડિજિટલ કરન્સી બિટકોઇનનું ભૂત હજી કેટલા લોકોનો ભોગ લેશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બિટકોઇનના કેસમાં ઉઘરાણીના ત્રાસથી ભરત પટેલે આત્મહત્યા કરી પણ આ કંઈ ગુજરાતમાં પહેલો કેસ નથી.

અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતા ભરત પટેલ બિટકોઇનના એજન્ટ બન્યા હતા. તેઓ લોકોના પૈસા પોતાના વૉલેટથી બિટકોઇનમાં રોકતા હતા. ભરતભાઈ દ્વારા કરવામાં આવતા બિટકોઇન રોકાણમાં ગુજરાતના ડી.વાય.એસ.પી. ચિરાગ સોમાણીના ભાઈ હરનીશ સોમાણી સામેલ થયા હતા. તેમણે ભરતભાઈ થકી બિટકોઇનમાં રોકાણ કર્યું હતું.

જોકે, 11,575 બિટકોઇનનું નુકસાન ગયું હતું જેની ઉઘરાણી થયા કરતી હતી. આ ઉઘરાણીથી કંટાળીને ભરતભાઈ પટેલે આત્મહત્યા કરી લીધી.

પોલીસની ધમકીઓથી ગભરાયેલો પરિવાર

ભરત પટેલે પોતાની સ્યૂસાઇડ નોટમાં સ્પષ્ટ લખ્યું છે કે એમને હરનીશ સોમાણી અને એમના ભાઈ ડી.વાય.એસ.પી. ચિરાગ સોમાણી તરફથી વારંવાર ધમકી મળતી હતી. ધમકી મળ્યા પછી ડરી ગયેલા ભરતભાઈએ આત્મહત્યા કરી લીધી.

ભરતભાઈની દીકરી દર્શી પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે મારા પિતાને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી હતી. મારા પિતા છેલ્લા બે મહિનાથી અપસેટ હતા. ઘરમાં કોઈને વાત કરતા નહોતા. પોલીસ અધિકારી ચિરાગ સોમાણીની ધમકીથી અમારો પરિવાર ગભરાયેલો હતો. જોકે, અમે અમારા પિતાને ચિંતા નહીં કરવા સમજાવતા હતા, પણ એ અમારી વાત માન્યા નહીં. આખરે શનિવારે મોડી રાતે પોલીસના ત્રાસથી એમણે આપઘાત કરી લીધો.

પોલીસનો યોગ્ય તપાસનો દાવો

આ કેસમાં ડી.વાય.એસ.પી. ચિરાગ સોમાણી સામે તપાસ કરી રહેલા રાણીપ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. જી. પટેલે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે અમે પોલીસ સામે ફરિયાદ થઈ હોવા છતાં નિષ્પક્ષ તપાસ કરી રહ્યા છીએ.

પોલીસની તપાસની વિગતો આપતા તેઓ કહે છે કે ભરતભાઈના હસ્તાક્ષરની તપાસ અમે એફ.એસ.એલ.ને સોંપી છે. ઇમેલ્સ ઉપરાંત ભરતભાઈના ફોન પર કોણ કોણ વાત કરતું હતું અને કોના કોના મૅસેજ આવ્યા તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.

આ કેસમાં પોલીસ ભરત પટેલ અને ડી.વાય.એસ.પી. ચિરાગ સોમાણી વચ્ચે કયા પ્રકારના દસ્તાવેજ થયા હતા અને તે કેટલી રકમના હતા તેની પણ તપાસ કરી રહી છે.

આ કેસમાં કોઈ પણ કસૂરવારને છોડવામાં નહીં આવે એવો પોલીસનો દાવો છે. જોકે, આ દાવા અગાઉના કેસ સાથે મેળ નથી ખાતા.

બિટકોઇન અને નલિન કોટડિયા કેસ

ગુજરાતમાં નોટબંધી પછી બિટકોઇનમાં મોટા પાયે રોકાણ થયું હતું. મૂળ અમરેલીના અને સુરતમાં ધંધો કરતા શૈલેશ ભટ્ટ દ્વારા બિટકોઇનનું કૌભાંડ બહાર આવ્યું.

શૈલેશ ભટ્ટ ટેક્નૉસેવી નહોતા એટલે એમના પાર્ટનર કિરીટ પાલડિયા સાથે બિટકોઇનમાં પૈસા રોક્યા હતા. જોકે, તકરાર થયા પછી અપહરણની ફરિયાદ નોંધાઈ હતી.

એ વખતે આ કેસમાં અમરેલીના એસ.પી. અને પી.આઈ. અનંત પટેલ સમેત પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની મદદથી પોલીસ એમને પરેશાન કરી રહી છે હોવાની ફરિયાદ ફેબ્રુઆરી 2018માં નોંધાઈ હતી.

ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાની ધરપકડ થઈ હતી અને બાદમાં તેમને જામીન મળ્યા હતા.

વર્ચ્યુઅલ કરન્સીની દુનિયા

બિટકોઇન અંગે જાણીતા આઈ.ટી. નિષ્ણાત કપિલ શાહે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે બિટકોઇન એક વર્ચ્યુઅલ કરન્સી છે. એમાં કોઈના વૉલેટમાં બિટકોઇનનો પાસવર્ડ નાખવાથી આરામથી દુનિયાના કોઈ પણ ખૂણામાં પૈસાની લેવડદેવડ થઈ શકે છે.

બિટકોઇન પરની લેવડદેવડ અંગે વાત કરતા તેઓ જણાવે છે કે ઇન્ટરનેટથી બિટકોઇનમાં પૈસા રોકવા અને વેચવા ભારતમાં ભલે પ્રતિબંધિત હોય, પરંતુ તે વિશ્વના અન્ય દેશોમાં માન્ય છે એટલે કેટલાક લોકો ભારતીય ચલણમાં પૈસા ટ્રાન્સફર કરાવે તો તેમને વિદેશી ચલણમાં પૈસા આપવા પડે છે.

દેશમાં અમાન્ય છતાં કેમ આનો ક્રેઝ છે. તેના જવાબમાં કપિલ શાહ કહે છે કે આમ છતાં બિટકોઇનથી પૈસા ટ્રાન્સફર કરવા પર કોઈ કમિશન આપવું પડતું નથી એટલે લોકો ભારતમાં બિટકોઇન ગેરકાનૂની હોવા છતાં છૂપા એજન્ટો મારફતે કામ કરે છે.

કપિલ શાહનું કહેવું છે કે આના લીધે કાળાં નાણાંના હવાલા કૌભાંડ થાય છે. જોકે, કાયદામાં આખી વાત અલગ છે.

છેતરપિંડી પણ કાળાં નાણાંની હેરફેર નહીં

બિટકોઇનના અનેક કેસ લડનાર જાણીતા વકીલ ઝુબીન ભદ્રા કહે છે કે બિટકોઇન ગેરકાનૂની છે, પરંતુ અત્યાર સુધી બધા કેસમાં છેતરપિંડી, ધાકધમકી અને અપહરણના ગુના નોંધાયા છે. બિટકોઇનના કેસમાં કાળાં નાણાંની હેરફેરના કોઈ કેસ થયા નથી એટલે બિટકોઇનના કેસમાં કોઈ મોટી સજા નથી થઈ.

ઝુબીન ભદ્રા માને છે કે આવા કેસને પહોંચી વળવા માટે કાયદાને વધારે મજબૂત કરવો પડે એમ છે.

બિટકોઇન એક આર્થિક ગુનો ગણાય છે. જોકે, ઇન્કમટૅક્સમાં પણ આના માટે કોઈ અલગ કાયદો નથી.

ઇન્કમટૅક્સના નિષ્ણાત વકીલ અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરંગ કોઠારીએ બીબીસીને કહ્યું કે બિટકોઇનની શરૂઆત 2009માં થઈ. બિટકોઇન ક્રિપ્ટો કરન્સી છે અને રિઝર્વ બૅન્કે એને ગેરકાયદે ઠેરવી છે.

તેઓ કહે છે કે ડિજિટલ સંપત્તિ છે જે ભારતમાં ગેરકાનૂની છે, પરંતુ ઇન્કમટૅક્સ વિભાગમાં ડિજિટલ સંપત્તિને પર્સનલ ઇન્કમ, રોકાણ કે સંપત્તિ ગણવામાં આવતી નથી. એનો સમાવેશ ઇન્કમટૅક્સની કલમ 55 હેઠળ પણ થતો નથી. લોકો તેનો ગેરલાભ ઉઠાવે છે.

ઇન્કમટૅક્સમાં બિટકોઇન માટેનો કોઈ નવો કાયદો નથી કે નથી પોલીસ પાસે એને રોકવા માટે કોઈ ઠોસ કાયદાકીય જોગવાઈઓ. આના કારણે ગુજરાતમાં બિટકોઇનના બહાને હવે એજન્ટો દ્વારા પૈસાની હેરફેર થઈ શકે છે. યોગ્ય કાયદાને અભાવે આવા કેસમાં આસાનીથી જામીન મળી રહ્યા હોવાથી અને આખો કારોબાર ઇન્ટરનેટની મદદથી ચાલતો હોવાથી બિટકોઇનને રોકવા મુશ્કેલ બની રહ્યું છે.

ગુજરાતમાં બિટકોઇનની શરૂઆત

આમ તો 2009થી બિટકોઇનની ગુજરાતમાં શરૂઆત થઈ છે, પણ નોટબંધી પછી ગુજરાતમાં બિટકોઇનની ડિમાન્ડ વધી છે. ગુજરાતમાં સુરતથી શરૂ થયેલી આ ડિજિટલ રમતને સમજવા માટે આપણે થોડા ફ્લૅશબૅકમાં જઈએ.

ગુજરાતમાં બિટકોઇનનો કારોબાર 2009ના અંતમાં નીલમ ડૉક્ટર નામના આઈ.ટી.ના ટેક્નૉક્રેટ શરૂ કર્યો હતો. જોકે, તેઓ પોલીસની ઝપટમાં આવે એ પહેલાં તેઓ ભારત છોડીને જતા રહ્યા.

નોટબંધી પહેલાં સુરતના ભેજાબાજ સતીશ કુંભાણિયા નામની વ્યક્તિએ કાળાં નાણાંના માલિકોને લોલીપૉપ આપી બિટકોઇનમાં પૈસાનું રોકાણ શરૂ કરાવ્યું.

નોટબંધી પછી સતીશ કુંભાણિયાએ 'બિટ કનૅક્ટ' નામની કંપની ખોલી. આમાં સુરતના લોકોએ રોકાણ કર્યું.

મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો પણ સતીશ કુંભાણિયાએ ભારત છોડી દીધું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો