Exit Poll : વિપક્ષના અનેક નેતાઓ 23મીએ પરિણામ સાવ જુદું જ આવશે એવું કેમ કહે છે?

લોકસભાની ચૂંટણીના અંતિમ તબક્કાનું મતદાન રવિવારે પૂર્ણ થયા બાદ સાંજે 6:30 વાગ્યે ઍક્ઝિટ પોલ આવવાની શરૂઆત થઈ હતી.

વિવિધ ઍક્ઝિટ પોલમાં ભાજપ અને સાથી પક્ષોના બનેલા ગઠબંધનને બહુમત મળી રહ્યો હોવાનાં અનુમાનો કરવામાં આવ્યાં છે.

કૉંગ્રેસ અને તેના સાથી પક્ષોનું યુપીએ ગઠબંધન ઍક્ઝિટ પોલમાં ખૂબ પાછળ દેખાઈ રહ્યું છે.

ઍક્ઝિટ પોલનાં તારણો એવું દર્શાવી રહ્યાં છે કે દેશમાં ફરી ભાજપની આગેવાનીમાં એનડીએની સરકાર બનશે.

જોકે, નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે આવા સર્વે પર ભરોસો કરી શકાય નહીં અને ભૂતકાળમાં ઘણી ચૂંટણીઓમાં આવા પોલ ખોટા પડ્યા છે.

આવી જ રીતે વિપક્ષને પણ આ ઍક્ઝિટ પોલ માફક આવી રહ્યા નથી. વિપક્ષના અનેક નેતા આ પોલને ખોટા ગણાવી રહ્યા છે અને 23મીએ પરિણામ સાવ જુદું જ આવશે તેવી વાત કરી રહ્યા છે.

ભાજપ આ સર્વેને સાચા ગણીને ઍક્ઝિટ પોલમાં મળેલી બેઠકો કરતાં પણ વધારે બેઠકોનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યો છે.

'હું ઍક્ઝિટ પોલની ગપસપમાં માનતી નથી'

આ વખતે પશ્ચિમ બંગાળ મુખ્ય મંત્રી મમતા બેનરજીનાં નિવેદનો અને લોકસભા ચૂંટણી દરમિયાન હિંસાને કારણે સતત ચર્ચામાં રહ્યું હતું.

ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ આવેલા સર્વે મમતા બેનરજી માટે સારા રહ્યા નથી. અહીં ભાજપને લાભ થતો દેખાય છે.

મમતા બેનરજીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે ઍક્ઝિટ પોલની આ ગપસપ વિશે હું માનતી નથી.

તેમણે કહ્યું, "હું આમાં માનતી નથી. ઈવીએમ મશીનમાં ચેડાં કરવા અથવા હજારોની સંખ્યામાં ઈવીએમ બદલવા માટેનો આ ગેમ પ્લાન છે અને એટલા માટે આ ગપસપ કરાઈ છે."

"હું વિપક્ષોને એક થવા અને મજબૂત રહેવા માટે અપીલ કરું છું. આપણે સાથે મળીને લડીશું." બંગાળમાં કુલ 42 લોકસભાની બેઠકો છે.

બિહારમાં ભાજપ અને જેડીયુ સાથે મળીને ચૂંટણી લડ્યા છે. તેમની સામે મુખ્ય પક્ષ આરજેડી છે.

મોટા ભાગના ઍક્ઝિટ પોલ આરજેડીનું બિહારમાં ખરાબ પ્રદર્શન દર્શાવી રહ્યા છે. જોકે, આરજેડી આ સર્વેને માનવા તૈયાર નથી.

રાષ્ટ્રીય જનતા દળના નેતા અને લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે ઍક્ઝિટ પોલને આરએસએસના ટેકાવાળી સંસ્થાઓની ટ્રીક ગણાવી હતી અને તેમના ટેકેદારોને આ સર્વેને નકારી દેવા કહ્યું હતું.

તેમણે કહ્યું, "ઍક્ઝિટ પોલનાં તારણો ખોટાં છે અને અમે બિહારમાં જીતીએ છીએ. સ્ટ્રોંગરૂમની નજીક તમે ચોકીદારી કરતા રહેજો. આ એક ટ્રીક છે અને તે સફળ થશે નહીં."

કૉંગ્રેસ પણ માનવા તૈયાર નથી

મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં ભાજપ અને તેમના સાથી પક્ષોને સંપૂર્ણ બહુમત મળતો દેખાયા બાદ કૉંગ્રેસના વિવિધ નેતાઓ તરફથી પણ આ મામલે નિવેદનો આવવાં લાગ્યાં હતાં.

કૉંગ્રેસના નેતા રાજ બબ્બરે કહ્યું કે 23 તારીખના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે નરેન્દ્ર મોદી સત્તામાંથી ફેંકાઈ જશે.

તેમણે કહ્યું, "મીડિયામાં ઍક્ઝિટ પોલ દર્શાવવામાં આવ્યા, પરંતુ લોકોના હૃદયમાં શું છે તે 23 તારીખના રોજ જોવા મળશે."

"લોકો ચોક્કસપણે પોતાના મનની વાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીને કહેશે. આ વખતે નક્કી છે કે મોદી અને ભાજપ 23મી તારીખની સવાર સુધી સત્તામાં છે અને સાંજના 6 વાગ્યા બાદ તેઓ સત્તામાં નહીં રહે."

આ જ લાઇન પર પોતાનો સૂર વ્યક્ત કરતાં પંજાબના મુખ્ય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અમરિંદર સિંહે કહ્યું હતું કે એવું ના માનશો કે ઍક્ઝિટ પોલ ભૂલ વિનાના હોય છે.

તેમણે કહ્યું કે ઍક્ઝિટ પોલની ચોક્કસાઈ પર તેમને શંકા છે અને કૉંગ્રેસ દેશમાં અને રાજ્યમાં ખૂબ જ સારું પ્રદર્શન કરશે.

કૉંગ્રેસના નેતા શશી થરૂરે પણ તમામ સર્વેને ખોટા ગણાવ્યા હતા.

થરૂરે દાખલો આપતાં કહ્યું, "હું માનું છું કે આ ઍક્ઝિટ પોલ ખોટા છે. ગયા અઠવાડિયામાં ઑસ્ટ્રેલિયામાં 56 જુદાજુદા ઍક્ઝિટ પોલ ખોટા પડ્યા હતા."

"ભારતમાં લોકો સરકારના ડરથી સર્વે કરનારા લોકોને સાચું કહેતાં નથી. ઑસ્ટ્રેલિયાની જેમ જ ભારતમાં પણ આ વખતે ઍક્ઝિટ પોલ ખોટા પડશે."

'લોકોને વિરોધીઓના ગઠબંધનમાં વિશ્વાસ નથી'

ભાજપના નેતા અને નાણા મંત્રી અરુણ જેટલીએ કહ્યું કે મતદારોને હવે વિરોધી દ્વારા એકબીજા સાથે કરવામાં આવતા ગઠબંધન પર વિશ્વાસ રહ્યો નથી.

પોતાના પક્ષ માટે સારાં તારણો લઈને આવેલા ઍક્ઝિટ પોલ મામલે તેમણે કહ્યું, "સર્વેમાં આવેલાં તારણોની જેમ જ 23 તારીખનાં પરિણામો આવવાનાં છે."

તેમણે કહ્યું, "જો 2014ની ચૂંટણીની જેમ જ આ વખતે ઍક્ઝિટ પોલને ગંભીરતાથી લેવામાં આવે તો એવું લાગે છે કે ભારતની લોકશાહી પુખ્ત થઈ રહી છે."

"મતદારો કોને મત આપવો તે નક્કી કરતાં પહેલાં દેશના હિતને સૌથી ઉપર રાખે છે. પરિવારથી ચાલતા પક્ષો, જ્ઞાતિના આધારે ચાલતા પક્ષો અને ડાબેરીઓને 2014માં જોરદાર પછડાટ મળી હતી. જેનું 2019માં પુનરાવર્તન થવાનું છે."

ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિંહા રાવે તો ત્યાં સુધી કહ્યું કે ભાજપ ઍક્ઝિટ પોલમાં દર્શાવવામાં આવેલાં તારણો કરતાં પણ વધારે સારું પ્રદર્શન કરશે.

તેમણે કહ્યું કે સર્વેમાં એનડીએને આપવામાં આવતી બેઠકો જેટલી તો માત્ર ભાજપ જ જીતશે.

ઉત્તર પ્રદેશમાં રાજકીય પંડિતોને પણ વિશ્વાસ નથી

લખનઉમાં ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના રાજકીય સંપાદક સુભાષ મિશ્ર કહે છે કે જમીન પર જે વલણો જોવાં મળ્યાં છે તેને જોતાં ઍક્ઝિટ પોલમાં આપવામાં આવેલી બેઠકોની આ સંખ્યા વાસ્તવિક લાગતી નથી.

સુભાષ મિશ્ર કહે છે કે તાજેતરમાં જે ત્રણ રાજ્યોમાં ચૂંટણીઓ થઈ હતી તેમાં પણ આવા સર્વે સાવ સાચા પડ્યા ન હતા. જેથી તેના પર ભરોસો કરવો યોગ્ય નથી.

વરિષ્ઠ પત્રકાર અમિતા વર્માએ બીબીસી હિંદીના સમીરાત્મજ મિશ્ર સાથે વાત કરતાં કહ્યું કે પહેલાં જે ચૂંટણીના સર્વે આવતા હતા તે સત્યની ખૂબ જ નજીક હતા.

તેમણે કહ્યું, "તેનું એક કારણ એ હતું કે તેમાં એ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવતું હતું કે જે સેફોલૉજીમાં અપનાવવામાં આવતી હતી."

"હવે હાલના આવા સર્વેનાં પરિણામો જો સાચાં નથી આવતાં તો તેનું કારણ એ છે કે તે મોટા ભાગનાં સર્વેક્ષણો પ્રાયોજીત હોય છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો