રાજીવ ગાંધી : એ દિવસ જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ

    • લેેખક, અચલા શર્મા
    • પદ, પૂર્વ પ્રમુખ, બીબીસી હિંદી

કૉંગ્રેસ પાર્ટીએ દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના ગુનાસર આજીવન કેદની સજા ભોગવી રહેલા એજી પેરારિવલનને છોડી મૂકવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને કૉંગ્રેસ પાર્ટીએ દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યો હતો. પાર્ટીએ આને માટે પ્રત્યક્ષ રીતે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી.

પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ નવી દિલ્હી ખાતે સુપ્રિયા શ્રીનેતે સાથે પત્રકારપરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે સર્વોચ્ચ અદાલતના ચુકાદાથી કરોડો ભારતીયોનો આત્મા દુભાયો છે.

મુક્તિ બાદ પેરારિવલને ચેન્નઈ ઍરપૉર્ટ ખાતે તામિલનાડુના મુખ્ય મંત્રી એમકે સ્ટાલિનની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પોતાની મુક્તિ માટે પ્રયાસો કરવા બદલ પેરારિવલને તામિલનાડુની સરકારનો આભાર માન્યો હતો.

રણદીપ સુરજેવાલાએ કહ્યું, 'એક ઘાતક ઉગ્રવાદી હુમલામાં પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યા થઈ. એમની હત્યા માટે દોષિત ઠરેલા પેરારિવલનને છોડી મૂકવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો.'

'આ ઘટનાની પૃષ્ઠભૂમિ એ છે કે તા. નવમી સપ્ટેમ્બર 2018માં તામીલનાડુની તત્કાલીન એઆઈએડીએમકે (ઑલ ઇન્ડિયા અન્ના દ્રમુક કઝગમ્) તથા ભાજપની સરકારે સાતેય દોષિતોને છોડી મૂકવાની ભલામણ કરી હતી. કૅબિનેટની ભલામણ ભાજપના પૂર્વ નેતા બનવારી લાલ પુરોહિતને મોકલવામાં આવી, જેઓ એ સમયે રાજ્યપાલ હતા.''

"એક સરળ સવાલ એ છે કે શું દેશના પૂર્વ વડા પ્રધાનની હત્યા તથા ઉગ્રવાદ માટે દોષિત ઠરેલા લોકોને આવી રીતે છોડી મૂકવામાં આવશે ? આ સંજોગોમાં દેશના ગૌરવ તથા શાખને કોણ બચાવશે?"

સુરજેવાલાએ મોદી સરકારને પણ જવાબદાર ઠેરવી હતી.

હત્યા, હત્યારા અને ઉગ્રવાદ

ઉલ્લેખનીય છે કે રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સાત ગુનેગાર આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં પેરારિવલન ઉપરાંત સંથન, મુરુગન, નલિની, રોબર્ટ પાયસ, જયકુમાર તથા રવિચંદ્રન જેલની સજા ભોગવી રહ્યા છે.

તા. 21મી મે, 1991ના દિવસે ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી ચૂંટણીપ્રચાર અર્થે તામિલનાડુના શ્રીપેરંબદૂર ખાતે ગયા હતા ત્યારે એલટીટીઈના (લિબ્રેશન ઑફ તામિલ ટાઇગર્સ ઇલ્મ) આત્મઘાતી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.

રાજીવ ગાંધી સરકાર દ્વારા શ્રીલંકામાં તામિલ મૂળના બળવાખોરોની સામે લડવા માટે ભારતીય સેનાને મોકલવામાં આવી હતી. જેન કારણે તામિલોનું સંગઠન એલટીટીઈ રોષે ભરાયું હતું અને ગાંધીની હત્યાને અંજામ આપ્યો હતો.

તામિલ પક્ષો રાજીવ ગાંધીના હત્યારાને છોડી દેવાની માગ કરતા રહ્યા છે અને આ મુદ્દે ઠરાવ, આવેદન કરતા રહ્યાં છે. પેરારિવલનની મુક્તિ અંગે ટ્વીટ કરીને એમકે સ્ટાલિને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ રાજ્યોની સ્વાયતતા તથા સંઘવાદનું પણ ઉદાહરણ છે.

બીબીસીનાં પૂર્વ સંવાદદાતા અચલા શર્મા એ સમયે હિંદી ન્યૂઝ ફ્લૉર પર હતા. તેમના નેતૃત્વમાં જ એ ન્યૂઝને કવર કરવામાં આવ્યા હતા. વર્ષો પછી તેમણે એ દિવસે શું-શું બન્યું, તેના વિશે કંઈક આવી રીતે લખ્યું હતુ.

રાજીવ ગાંધીની હત્યા થઈ અને ચૂંટણીપંચે સેનાને ઍલર્ટનો આદેશ આપ્યો

રાજીવ ગાંધીનું મૃત્યુ થયું છે! બુશ હાઉસના પાંચમા માળે સ્થિત અમારી ઑફિસમાં એક અવાજ ગૂંજ્યો.

એ 21 મે 1991ની સાંજ હતી અને લંડનમાં કદાચ પોણા સાત વાગી રહ્યા હતા. હું દસ મિનિટ પહેલાં જ મારા ડેસ્ક પર પહોંચી હતી. મેં મારી જાતને કહ્યું, "આવું કેવી રીતે બની શકે છે?"

મેં મારા એક સહયોગીને કહ્યું, "રાજીવ તો મદ્રાસમાં ક્યાંક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે."

જવાબ આપ્યો, "સમાચાર સાચા છે, કેટલીક એજન્સીઓએ સમાચાર ફ્લેશ કરી દીધા છે. પ્રચાર દરમિયાન એક બૉમ્બ બ્લાસ્ટમાં રાજીવ ગાંધીનું મૃત્યુ થયું છે."

ત્યારે જ વધુ એક સહયોગીએ જણાવ્યું કે ન્યૂઝરૂમ સમાચારની પુષ્ટિ કરવા પ્રયાસ કરી રહ્યો છે.

રાજીવ ગાંધીની ઘણી તસવીરો એક કોલાજની જેમ મારી આંખોની સામે આવવા લાગી.

રાષ્ટ્રને નામ પહેલો સંદેશ

પહેલી તસવીર હતી 31 ઓક્ટોબર 1984ની રાતની જ્યારે શ્રીમતી ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ રાષ્ટ્રજોગ પહેલો સંદેશ આપ્યો હતો.

તે દિવસો દરમિયાન હું દિલ્હીમાં ઑલ ઇન્ડિયા રેડિયોમાં પ્રોગ્રામ ઍક્ઝિક્યુટિવ હતી અને એ રાત્રે શ્રીમતી ગાંધીની ઑફિસ 1 અકબર રોડ પર નવા વડા પ્રધાનનો પહેલો રાષ્ટ્રજોગ સંદેશ રેકર્ડ કરવા માટે અન્ય સહયોગીઓ સાથે હાજર હતી.

મોડી રાત હતી અને ઘણાં શહેરોમાંથી આવી રહેલા શીખ વિરોધી રમખાણોના સમાચાર વચ્ચે બધું જ ખૂબ ઉતાવળમાં થઈ રહ્યું હતું.

મને યાદ છે, રાજીવ ગાંધીને કેટલાક હિંદી શબ્દોનાં ઉચ્ચારમાં તકલીફ પડી રહી હતી. સાચી વાત તો એ છે કે તેઓ મારું લખાણ વાચવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

થયું એવું કે જે સમયે અમારી ટીમ ત્યાં પહોંચી, ત્યારે રાજીવ ગાંધીના મિત્ર અને ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચન રાજીવ ગાંધીના ભાષણને હિંદીમાં તૈયાર કરવામાં મદદ કરી રહ્યા હતા.

રાજીવ ગાંધીની અમેરિકા યાત્રા

આસપાસ કોઈ ટાઇપરાઇટર ન હતું. અમિતાભ બચ્ચને પૂછ્યું, "હિંદીમાં કોઈનું લખાણ સારું છે?" મેં લખવાની જવાબદારી સંભાળી.

મને રાજીવ ગાંધીની પહેલી અમેરિકાયાત્રા પણ યાદ આવી જે દરમિયાન તેમણે અમેરિકી કૉંગ્રેસના સંયુક્ત અધિવેશનને સંબોધિત કર્યું હતું અને તેમના આ શબ્દોએ દરેકને પ્રભાવિત કર્યા હતા:

"ભારત એક પ્રાચીન દેશ છે, પરંતુ એક યુવા રાષ્ટ્ર પણ છે અને યુવાનની જેમ અમારી અંદર અધીરતા છે. હું પણ યુવા છું અને મારી અંદર પણ ધીરજની ખામી છે."

હું ઑલ ઇન્ડિયા રેડિયો માટે રાજીવ ગાંધીની અમેરિકી યાત્રાનો દૈનિક રિપોર્ટ મોકલવા વૉશિંગ્ટનમાં હાજર હતી.

રાજીવ ગાંધીનું મૃત્યુ થઈ ગયું છે. મેં મારી જાતને આ ભયાનક સત્યની યાદ અપાવી. 21 મે 1991ની રાત્રે બીબીસી હિંદીના રાતના પ્રસારણના સંપાદનની જવાબદારી મારી હતી.

જોકે, ત્યારબાદ ઘણા મોટા સમાચારો અને ઘટનાઓનું રિપોર્ટિંગ કરવા અને કરાવવાની તક મળી, પરંતુ આ ઘટના ભૂલી શકાતી નથી.

અનિચ્છાથી રાજકારણમાં એન્ટ્રી

કદાચ એ માટે કે મેં રાજીવ ગાંધીને એ રાત્રે જોયા હતા, જે રાત્રે તેઓ અનિચ્છાથી રાજકારણમાં આવ્યા હતા.

અને એક કારણ એ પણ હતું કે એ રાત્રે જે કાર્યક્રમ મેં પ્રસ્તુત કર્યો તેના માટે એશિયા બ્રૉડકાસ્ટિંગ યુનિયનનો પુરસ્કાર પણ મળ્યો.

જેમજેમ સમાચાર એજન્સીઓ પર રાજીવ ગાંધીના મૃત્યુના સમાચારની વિગતો આવવા લાગી, બુશ હાઉસમાં લોકોનું આવવાનું શરૂ થયું.

બીજા વિભાગો અને દુનિયાની અન્ય પ્રસારણ સંસ્થાઓના ફોન આવવા લાગ્યા. બધી જ સંસ્થાઓ બીબીસી હિંદી સેવા પાસેથી સમાચારની પુષ્ટિ કરવા માગતા હતા.

આ વચ્ચે હિંદી સેવાના અધ્યક્ષ કૈલાશ, પૂર્વી સેવાના અધ્યક્ષ વિલિયમ ક્રૉલી અને ઉપાધ્યક્ષ ડેવિડ પેજ પણ આવી પહોંચ્યા.

રાજીવનો અવાજ

મારે કાર્યક્રમની તૈયારી કરવાની હતી, જે ભારતમાં સવારે 6.20 કલાકે પ્રસારિત થવાનો હતો.

નસીબજોગે સાંજની એક ટીમ પણ હાજર હતી અને દરમિયાનમાં હિંદી સેવાના કેટલાક સાથી પોતપોતાના ઘરેથી આવ્યા.

કોઈએ રાજીવ ગાંધીનો અવાજ શોધવા માટે હિંદી સેવાની જૂની રેકોર્ડિંગ્સને શોધવાનું કામ શરૂ કર્યું.

જે પહેલી ટેપ અમને મળી, તે 1986માં આપવામાં આવેલું તેમનું એક વક્તવ્ય હતું.

રાજીવને જ્યારે એ પૂછવામાં આવ્યું કે તમે કયા રૂપમાં લોકોની પસંદ બનવા માગશો તો તેમનો જવાબ હતો - 'એક એવી વ્યક્તિના રૂપમાં જે ભારતને 21મી સદીમાં લઈને ગયો અને જેના માથા પરથી વિકાસશીલ દેશનું લેબલ હટાવવામાં આવ્યું.'

ભારતમાં અડધી રાત થઈ ગઈ હતી....

જ્યાં સુધી અમારી મિટિંગ પૂર્ણ થઈ અને કાર્યક્રમની એક કાચી રૂપરેખા તૈયાર થઈ, ત્યાં સુધી ભારતમાં અડધી રાત થઈ ગઈ હતી.

હજારો કિલોમિટર દૂરથી કોઈ સમાચારની વિગત મેળવવી મુશ્કેલ કામ છે. 1991માં આ પડકાર વધારે મોટો હતો.

એ દિવસોમાં ભારતમાં ટેલિફોન લાઇનો એટલી સહેલાઈથી લાગતી ન હતી જેટલી સહેલાઈથી આજે લાગે છે.

90ના દાયકાના પ્રારંભમાં હિંદી સેવા પાસે પોતાના હિંદી ભાષી પત્રકારોનું મોટું નેટવર્ક પણ ન હતું જોકે એ દિશામાં કામ શરૂ થઈ ચૂક્યું હતું.

અમારા નસીબ સારા હતા કે બીબીસીના જસવિંદર સિંહ એ રાત્રે હૈદરાબાદમાં હતા. બીબીસીના ભારતમાં બ્યૂરો પ્રમુખ માર્ક ટલી અને સંવાદદાતા સૈમ મિલર દિલ્હીમાં હતા.

ઘટનાની વિગતો

અમારી પાસે હવે પાંચ કલાક હતા. ટીમના દરેક સભ્યએ અલગઅલગ જવાબદારી સંભાળી હતી. ઘણા રિપોર્ટરો સાથે સંપર્ક સાધવામાં લાગેલા હતા તો કોઈ રાજકીય વિશ્લેષકો સાથે.

પરંતુ એવું લાગી રહ્યું હતું કે આખી દુનિયા એ સમયે ભારતને જ ફોન લગાવી રહી છે. કોઈ પણ ફોન લાગવો અઘરો હતો.

અમારી પહેલી અને મોટી જરૂર હતી, મદ્રાસ (ચેન્નઈ)થી થોડે દૂર આવેલા શ્રીપેરંબુદૂરથી ઘટનાની વિગત મેળવવી.

આ જગ્યાએ રાજીવ ગાંધી ચૂંટણીરેલીનું સંબોધન કરવા જઈ રહ્યા હતા ત્યારે એક આત્મઘાતી હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.

અમે ચેન્નઈના એક સ્થાનિક પત્રકાર ટી વી એસ હરીને અનુરોધ કર્યો કે તેઓ ત્યાં જાય અને પૂરતી માહિતી મેળવે.

હિંસા ભડકી

આ વચ્ચે હૈદરાબાદથી જસવિંદરે રાજીવના મૃત્યુ બાદ ત્યાં ભડકી ઉઠેલી હિંસા પર એક રિપોર્ટ મોકલ્યો. આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાઓ આવવાની શરૂ થઈ ગઈ.

અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશ, બ્રિટનના વડા પ્રધાન જૉન મેજર, બ્રિટનની લેબર પાર્ટીના નેતા નીલ કિનક, અને રાષ્ટ્રમંડળના મહાસચિવ એમેકા અન્યાકૂએ રાજીવ ગાંધીના યોગદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ આપી.

પરંતુ ભારતમાંથી પ્રતિક્રિયાઓ મેળવવી એ સમયે મુશ્કેલ કામ હતું. તે છતાં મધુકર ઉપાધ્યાય ફોન પર કેટલીક મહત્ત્વપૂર્ણ નેતાઓની પ્રતિક્રિયા મેળવવામાં સફળ રહ્યા.

પોતાના મૃત્યુના એક વર્ષ પહેલા રાજીવ ગાંધીએ બીબીસી હિંદી સેવા સાથે પોતાના એક ઇન્ટરવ્યૂમાં સ્વીકાર કર્યો હતો - 'મારા પર રાજકારણમાં આવવા મામલે ખૂબ દબાણ હતું'

'મને લાગ્યું એક જરૂર છે, એક શૂન્ય છે જેને ભરવાનું છે. કેટલાક લોકોએ કહ્યું કે જો અમે હારી જઈશું તો ભાગી જઈશું. કેટલાક લોકોએ વિચાર્યું કે કદાચ અમે સત્તાને પકડીને બેઠા રહીશું.'

કૉંગ્રેસનું નેતૃત્વ

અમારા કાર્યક્રમ માટે અમને રાજીવના અવાજમાં વધુ એક સારું વક્તવ્ય મળ્યું.

પરંતુ હજુ એ સવાલ મહત્ત્વનો હતો કે આ મહત્ત્વપૂર્ણ ચૂંટણી વચ્ચે રાજીવ ગાંધીની હત્યાનો પ્રભાવ કૉંગ્રેસ પર કેવો પડશે.

માર્ક ટલીએ તેને 'ભારતીય રાજકારણમાં નહેરુ-ગાંધી વંશવાદના અંતનું સૂચક ગણાવ્યું'. તો કૉંગ્રેસનું નેતૃત્વ હવે કોના હાથમાં હશે? આ પ્રશ્ન અનુત્તરિત હતો.

જવાબની શોધમાં કાર્યક્રમના સહ-પ્રસ્તુતકર્તા પરવેઝ આલમે કેટલાક રાજકીય પંડિતોનો સંપર્ક કર્યો.

ઇંદર મલ્હોત્રાનો વિચાર હતો કે 'રાજીવની હત્યા કૉંગ્રેસ માટે ખરેખર એક મોટો આઘાત છે કેમ કેમ શ્રીમતી ઇંદિરા ગાંધીના જમાનાથી પાર્ટીનું નિયંત્રણ એક જ નેતાના હાથમાં રહ્યું છે.'

જનસત્તાના તંત્રી પ્રભાસ જોશી એ રાત્રે પહેલા વ્યક્તિ હતા જેમણે સંકેત આપ્યો હતો કે વચગાળાના નેતા તરીકે નરસિંહા રાવનું નામ આવવું સ્વાભાવિક છે.

નરસિંહા રાવની પ્રતિક્રિયા

બસ પછી શું હતું, નરસિંહા રાવની શોધ શરૂ થઈ ગઈ. 'નાગપુરમાં છે પરંતુ બીમાર છે અને કોઈ સાથે વાત કરવાની સ્થિતિમાં નથી.'

પરવેઝ આલમે એક જ વાક્યમાં આશા જગાવી અને તોડી પણ નાખી. 'જો આટલા બીમાર છે તો નેતૃત્વ કેવી રીતે સંભાળશે?' એક સહયોગીએ શંકા વ્યક્ત કરી.

પરંતુ પ્રોગ્રામ શરૂ થવાના પહેલા પહેલા નરસિંહા રાવનો નંબર લાગી ગયો. બીજી તરફથી ફોન ઉઠવાનો અવાજ આવ્યો સાથે જ પરવેઝે કહ્યું - 'રાવ સાહેબ' બોલી રહ્યો છું. રાજીવની મૃત્યુ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા તેમણે કહ્યું, "મને વિશ્વાસ જ ન થયો..."

"જ્યારે સમાચાર મળ્યો તો હું સ્તબ્ધ રહી ગયો. આ આપણા દેશ માટે અઘરી પરીક્ષા સમાન હશે. સ્પષ્ટ છે, કૉંગ્રેસ માટે તે મોટો ઝટકો છે. પરંતુ પાર્ટી તેને પણ સહન કરી લેશે. મને આશા છે કે આ ઘટના છતાં પાર્ટી પોતાની શક્તિ અને લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહેશે."

પાર્ટીની કમાન

પરંતુ બ્રેકિંગ ન્યૂઝ અંતે જ્યારે તેમને એ પૂછવામાં આવ્યું કે આ મુશ્કેલ પરિસ્થિતિમાં જો તેમને પાર્ટીની કમાન સંભાળવા માટે કહેવામાં આવ્યું તો તેઓ શું કરશે-

'એ તો કૉંગ્રેસ કાર્ય સમિતિ પર છે, તે જે જવાબદારી આપે તે નિભાવીશ. હું જલદી દિલ્હી જવા રવાના થવાનો છું.'

પરવેઝે ટિપ્પણી કરી, "તેનો મતલબ છે કે રાવ સાહેબ રેસમાં સામેલ છે."

આ વચ્ચે દિલ્હીથી સમાચાર આવી રહ્યા હતા કે ગૃહરાજ્ય મંત્રી સુબોધકાંત સહાયે એલટીટીઈ તરફ શંકા વ્યક્ત કરી.

ચૂંટણીપંચના વડા ટી એન સેશને મતદાનને બે તબક્કા જૂન સુધી સ્થગિત કરવાની ઘોષણા કરી દીધી અને સેનાને સતર્ક રહેવા આદેશ આપી દીધો.

જે સમયે પરવેઝ નરસિંહા રાવનો ઇન્ટરવ્યૂ તૈયાર કરીને સ્ટૂડિયોમાં આવ્યા, હું કાર્યક્રમ શરૂ કરી ચૂકી હતી. તે જમાનામાં ડિજિટલ ટૅકનૉલૉજી આવી ન હતી.

ટેપ બ્લેડથી કાપવામાં આવતી અને ફરી ચોટાડવામાં આવતી હતી. તે કળામાં માહેર હોવું પણ એક પડકાર હતો.

22 મે 1991ની સવારે ભારતમાં લાખો લોકોએ રાજીવ ગાંધીની હત્યાના સમાચાર પહેલી વખત બીબીસી હિંદીમાં સાંભળ્યા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો