બાપુ બોલે તો.... ગાંધીજીનો બ્રહ્મચર્યનો આગ્રહ જડ, તરંગી અને બિનજરૂરી હતો?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગાંધીજીના સૌથી વિવાદાસ્પદ વિચારોમાંનો એક એટલે તેમનો બ્રહ્મચર્યનો આગ્રહ. જેમને ગાંધીજી સાથે બીજી કશી લેવાદેવા ન હોય એવા લોકો પણ બ્રહ્મચર્યના મુદ્દે ગાંધીજીની ટીકા કરવામાંથી ન જાય. બીજા કેટલાક લોકો બ્રહ્મચર્યના મુદ્દે ગાંધીજીના વિચારોની ટીકા કે હાંસી કરીને, આખેઆખા ગાંધીજીને હાંસીપાત્ર તરીકે ખપાવવા કોશિશ કરે છે.

શું માનતા હતા ગાંધીજી બ્રહ્મચર્ય વિશે? અને શા માટે?

તમે આ વાંચ્યું કે નહીં?

અંગત જીવન

ગાંધીજીએ તેમની આત્મકથા 'સત્યના પ્રયોગો'માં લખ્યું તેથી આપણે જાણીએ છીએ કે તેમની કામવૃત્તિ તેજ હતી. પરંતુ શ્રીમદ્ રાજચંદ્ર સાથેના સંબંધ અને આધ્યાત્મિક જિજ્ઞાસા તેમને બ્રહ્મચર્ય ભણી દોરી ગઈ. એ વિચારની પાછળ 'રાયચંદભાઈની અસરનું પ્રાધાન્ય હતું.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૫૪) તેમણે આખરી નિર્ણય લીધો તે પહેલાં ઘણા સમય સુધી નિષ્ફળ પ્રયોગ ચાલ્યા.

'નોખા ખાટલા રાખ્યા. રાત્રે થાકીને જ સૂવાનો પ્રયત્ન કર્યો. આ બધા પ્રયત્નનું બહુ પરિણામ હું તુરત ન જોઈ શક્યો. પણ આજે ભૂતકાળની ઉપર આંખ ફેરવતાં જોઉં છું કે એ બધા પ્રયત્નોએ મને છેવટનું બળ આપ્યું.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૫૫)

આ દિશામાં તેમના પ્રયોગો માટે કેમ અનુકૂળતા હતી, તેની અંગતતમ વાત પણ તેમણે આત્મકથામાં લખી, જે 'ગાંધીજીના પ્રયોગોમાં કસ્તુરબાનું શું?' એવા સવાલનો એક જવાબ આપે છેઃ 'અમારી વચ્ચેના સંબંધમાં કોઈ દિવસ મને પત્ની તરફથી આક્રમણ થયું જ નથી. એ દૃષ્ટિએ હું જ્યારે ઇચ્છું ત્યારે મારે સારુ બ્રહ્મચર્યનું પાલન સુલભ હતું. મારી અશક્તિ અથવા આસક્તિ જ મને રોકી રહી હતી.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૫૫)

બ્રહ્મચર્યની દિશામાં તેમની ગતિ માટે આધ્યાત્મિક વૃત્તિની સાથે જાહેર સેવાની ભાવના પણ કારણભૂત હતી. દક્ષિણ આફ્રિકામાં ૧૯૦૬માં 'ઝૂલૂ બળવો' થયો ત્યારે ગાંધીજી તેમાં સ્થાનિક સરકારને સેવા આપવા ઇચ્છતા હતા. એ વખતે તેમને લાગ્યું કે 'પ્રજોત્પત્તિ અને પ્રજાઉછેર જાહેર સેવાના વિરોધી છે...જો મારે લોકસેવામાં જ તન્મય થઈ જવું હોય તો પુત્રૈષણા તેમ જ વિત્તૈષણાનો ત્યાગ કરવો જોઈએ અને વાનપ્રસ્થધર્મનું પાલન કરવું જોઈએ.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૫૬)

જુલાઈ ૨૦, ૧૯૦૬ના રોજ તેમણે બ્રહ્મચર્યનું વ્રત લીધું, ત્યારે ગાંધીજી-કસ્તુરબા બંનેની ઉંમર લગભગ ૩૭ વર્ષ હતી. (છ મહિને મોટાં કસ્તુરબા સાથે ગાંધીજીનું લગ્ન તેર વર્ષની વયે થયું હતું)

'વ્રત લેતા લગી મેં ધર્મપત્ની સાથે મસલત નહોતી કરી, પણ વ્રતને સમયે કરી. તેના તરફથી મને કશો વિરોધ ન થયો.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૫૮)

તેમણે શાસ્ત્રો વાંચીને બ્રહ્મચર્ય ન કેળવ્યું, પણ બ્રહ્મચર્ય કેળવવાના પ્રયાસ કરતાં-કરતાં તેના શાસ્ત્ર વિશે તથા તેના મહત્ત્વ વિશે અભ્યાસ કર્યો. તેમનું બ્રહ્મચર્ય સંપ્રદાયો દ્વારા થોપવામાં આવતા ફરજિયાત બ્રહ્મચર્ય જેવું ન હતું. સ્ત્રીઓનો સંપર્ક ટાળવાને બદલે કે પોતાના બ્રહ્મચર્યપાલન માટે સ્ત્રીઓ માટે જડ કાયદા બનાવવાને બદલે, પોતાના મનને-ઇંદ્રિયોને જીતવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું.

ગાંધીજીના બ્રહ્મચર્યને કસ્તુરબાના અધિકારો સાથે સાંકળતાં નારીઅધિકારોના હિમાયતીઓને જાણવું ગમશે કે બ્રહ્મચર્યના વ્રત પાછળનો ગાંધીજીનો એક આશય સ્ત્રીને ભોગની ચીજ તરીકે જોવાને બદલે સ્વતંત્ર વ્યક્તિ તરીકે જોવાનો હતો.

'ધર્મગ્રંથોમાં પણ સ્ત્રીનું સર્વ પાપ અને પ્રલોભનના મૂળ તરીકે જે વર્ણન કર્યું છે તે પણ મેં કદી સાચું માન્યું નથી. મારામાં જે કંઈ સારા અંશો છે તે મારી માતાને આભારી છે એમ હું માનતો હોઈ, મેં સ્ત્રીના તરફ વિષયતૃપ્તિના સાધન તરીકે કદી જોયું નથી.' (હરિજનબંધુ, ૨૪ જુલાઇ, ૧૯૩૮, પૃ.૧૫૭)

તે માનતા હતા કે બીજી ઇન્દ્રિયોને છૂટી મૂકીને વિષયવાસના પર કાબૂ મેળવી શકાય નહીં. તેમાં સ્વાદ પર કાબુ મેળવવાને તે મુખ્ય સ્થાન આપતા હતા. તેમનો આદર્શ ઊંચામાં ઊંચો હતોઃ 'બ્રહ્મચર્ય એટલે મનવચનકાયાથી સર્વ ઇંદ્રિયોનો સંયમ.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૬૧) સાથોસાથ, વાસ્તવિકતા પણ તે બરાબર સમજતા હતાઃ 'આવું બ્રહ્મચર્ય અલ્પ પ્રયત્ને સાધ્ય નથી. કરોડોને સારુ તો એ હંમેશાં કેવળ આદર્શરૂપે જ રહેશે... એ પરમ અર્થ છે. અને પરમ અર્થને સારુ પરમ પ્રયત્નની આવશ્યકતા હોય એમાં શું આશ્ચર્ય?' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૬૧)

પ્રામાણિકતાના નમૂના જેવી આત્મકથામાં તેમણે લખ્યું છે, 'બ્રહ્મચર્યને એક ઘોર તપશ્ચર્યારૂપે રહેવા દેવાને બદલે તેને રસમય બનાવવાનું હતું...પણ જો આમ હું આમાંથી રસ લૂંટતો હતો તો તેની કઠિનતા નહોતો અનુભવતો એમ પણ કોઈ ન માને. આજે છપ્પન વર્ષ પૂરાં થયાં છે ત્યારે પણ તેની કઠિનતાનો અનુભવ તો થાય જ છે...નિરંતર જાગૃતિની આવશ્યકતા જોઉં છું.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ.૨૫૯)

'જો સ્ત્રીઓ તરફ આ ઉંમરે પણ મારામાં કામવાસના જાગે તો મારામાં એકથી વધુ સ્ત્રીઓ કરવાની હિંમત છે. હું છૂપા કે ઉઘાડા સ્વેચ્છાચારમાં માનતો નથી' (હરિજનબંધુ, પ નવેમ્બર, ૧૯૩૯, પૃ.૨૮૦-૮૧) એવું ખોંખારીને લખનાર ગાંધીજીએ પ્રામાણિકતાથી એવું પણ કબૂલ્યું હતું કે ત્રીસથી વધુ વર્ષોમાં તેમણે પૂરેપૂરી નહીં, પણ 'ઠીકઠીક સફળતાપૂર્વક બ્રહ્મચર્યનું પાલન કર્યું છે.'(હરિજનબંધુ, ૨૪ જુલાઇ, ૧૯૩૮, પૃ.૧૫૭) કારણ કે વિચારો પર પૂરેપૂરો કાબુ મેળવી શકાયો હોય એવું તેમને લાગતું ન હતું.

'ક્યાંથી અને કઈ રીતે આપણે ન ઇચ્છીએ તે વિચારો આપણા પર દગાખોર ચડાઈ કરે છે તે હું હજુ જાણી નથી શક્યો.' ('સત્યના પ્રયોગો', સમીક્ષિત આવૃત્તિ, પૃ. ૩૯૬)

કોમી હિંસા અને વિવાદાસ્પદ પ્રયોગ

મનથી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવાની બાબતમાં પોતાની અપવાદરૂપ મર્યાદા કબૂલવામાં ગાંધીજીએ કદી સંકોચ ન રાખ્યો અને એ વિશે સાથીદારોના પત્રોમાં તથા જાહેરમાં લખ્યું. પરંતુ જીવનના અંતકાળે, નોઆખલીની કોમી હિંસા ઠારવાની શાંતિયાત્રામાં તેમણે એક એવો પ્રયોગ કર્યો, જેણે તેમના વિરોધીઓને જ નહીં, તેમના ઘણા સાથીદારોને પણ ભડકાવી મુક્યા.

1946માં ફાટી નીકળેલી કોમી હિંસાને ગાંધીજી નૈતિક રીતે પોતાની નિષ્ફળતા માનતા હતા અને તેના માટે તેમનું અપૂર્ણ બ્રહ્મચર્ય (એટલે કે વિચારોમાં ક્યાંક, ક્યારેક આવતા દોષ) જવાબદાર છે, એવું પણ તેમને લાગ્યું. માટે, તેમણે પોતાના પિતરાઈ (કાકાના છોકરા)ની પૌત્રી મનુ ગાંધી સાથે રાત્રે એક પથારીમાં સુવાનો પ્રયોગ કર્યો. ઉપલબ્ધ વિગતો પ્રમાણે, ગાંધીજીને બાપના નહીં, માના ઠેકાણે ગણતાં 19 વર્ષનાં મનુબહેન પણ આ બાબતમાં કસોટીમાં ઉતરવા ઇચ્છતાં હતાં. (પ્યારેલાલ કૃત 'લાસ્ટ ફેઝ' અને રામચંદ્ર ગુહાના ગાંધીચરિત્ર 'ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ'માં તેના ઉલ્લેખ છે.)

ભલે એકાંતમાં નહીં અને ભલે આ પ્રયોગ વિશે કશું ખાનગી રાખ્યા વિના, ભલે તેનો આશય અંગત કસોટીને બદલે જાહેર શુદ્ધિનો હોય, છતાં ગાંધીજીની જાહેર છબિને હાનિ તેનાથી પહોંચે તેમ હતી.

મોટા ભાગના સાથીદારોએ ગાંધીજીને વાર્યા કે તેમનો વિરોધ કર્યો. પણ કેવળ લોકલાજની બીકથી અહિંસાના મહાયજ્ઞના ભાગરૂપ બ્રહ્મચર્યનો તેમને જરૂરી લાગેલો આ પ્રયોગ તેમણે માંડવાળ ન કર્યો. બલ્કે, ઠક્કરબાપા જેવા કેટલાક અનુયાયીઓને તે પોતાનું દૃષ્ટિબિંદુ સમજાવી શક્યા.

બાદશાહખાન જેવા રૂઢિચુસ્ત મુસ્લિમ પણ ગાંધીજીની વાત સમજી શક્યા.

તેમનો સાથ છોડીને જનારા સહાયક પરશુરામને ગાંધીજીએ કહ્યું હતું, 'મારામાં તને જે કાંઈ ભૂલો કે ત્રુટિઓ દેખાઈ હોય તેને જાહેર કરવાની તને પૂરી પરવાનગી છે.' (મારું જીવન એ જ મારી વાણી-૪, પૃ.૨૮૩)

આ પ્રયોગ બેશક આંચકાજનક છે. આખી વાતના જુદાજુદા છેડા પકડ્યા વિના જોવાથી તે ચકચારી લાગે એવો છે--અને પ્રસાર માધ્યમોમાં તેના વિશે મસાલેદાર લખાતું પણ રહ્યું છે.

કિશોરમાંથી યુવાન બની રહેલાં, મા વગરનાં મનુ ગાંધીની મા તરીકે દેખભાળ રાખનાર ગાંધીજીએ આવો પ્રયોગ કરવાની જરૂર ન હતી અથવા આવી રીતે બ્રહ્મચર્યની ચકાસણી ન થાય અથવા બીજા લોકો તેનું અનુકરણ કરવા જાય તો જોખમ ઊભું થાય—આવી અનેક દલીલોમાં તથ્ય હોઈ શકે.

આપણે એવી દલીલ સાથે સંમત પણ હોઈ શકીએ. પરંતુ મૂળભૂત તથ્યો જાણ્યા વિના, પોતાના મનમાં રહેલી ગંદકીનું આરોપણ આ પ્રયોગ પર કરવાથી સનસનાટી સિવાય કશું સિદ્ધ થતું નથી.

એવી સનસનાટી ફેલાવતાં પહેલાં ગાંધીજીની આ એક વાત પણ ખુલ્લા મનથી સમજીએ તો, કમ સે કમ, વિકૃત શંકાકુશંકાઓ ટળી શકે છે.

પ્રયોગમાં રહેલાં જોખમો વિશે ગાંધીજીએ લખ્યું હતું, 'હું સફળ થઈશ તો મારા પ્રયોગને લઈને દુનિયા સમૃદ્ધ થશે. બીજી બાજુએ, હું જો પાખંડી અથવા ગેરરસ્તે દોરવાયેલો બેવકૂફ માલૂમ પડ્યો તો દુનિયા મને ફેંકી દેશે અને હું ઉઘાડો પડીશ. બંને રીતે દુનિયાને તો લાભ જ છે.' (પુર્ણાહુતિ-૨, પ્યારેલાલ, અનુ. મણિભાઈ દેસાઈ, પૃ.૩૦૪)

વિશ્લેષણ

બ્રહ્મચર્યને બાકીના જીવનસિદ્ધાંતોથી અલગ પાડીને જોવાને બદલે, ગાંધીજી બધા સિદ્ધાંતોને એકરૂપ ગણતા હતા. પરંતુ એ તેમની માન્યતા હતી.

તેમના ઘણાખરા સાથીદારોએ બ્રહ્મચર્યવ્રત રાખ્યું ન હતું. છતાં તે નિકટના સાથી બની રહ્યા.

બ્રહ્મચર્યનું મહત્ત્વ અને મનુબહેન સાથે કરેલો પ્રયોગ ગાંધીજીને એટલો વાજબી લાગતો હતો કે તેમના સૌથી જૂના-નજીકના સાથીદારોનો વિરોધ પણ તેમને ડગાવી શક્યો નહીં.

ગાંધીજીના પૂરા વ્યક્તિત્વ અને જીવન વિશે જાણ્યા વિના--અને કદાચ જાણ્યા પછી પણ-- શક્ય છે કે તેમના બ્રહ્મચર્ય અંગેના ખ્યાલ આપણે ન સ્વીકારીએ.

તેની સાથે પૂરેપૂરા અસંમત થઈએ. પરંતુ એ અસ્વીકારનો-અસંમતિનો ઉપયોગ ગાંધીજીના બીજા ઘણા ઉપયોગી-માર્ગદર્શક સિદ્ધાંતોને દફનાવી દેવા માટે કરવો, એ વૈચારિક છેતરપીંડી છે.

ગાંધીજીનું બ્રહ્મચર્ય નથી કબૂલ? ઠીક છે, પણ ગાંધીજીના બીજા મુખ્ય સિદ્ધાંતોનું શું?

તેમાંથી એકાદ સિદ્ધાંત પણ સ્પર્શે છે? કે પછી આખેઆખા ગાંધીજી જ ખપતા નથી. પણ સીધેસીધું એવું કહેવાય નહીં, એટલે બ્રહ્મચર્યની વાત આગળ લાવીને, ચબરાકીપૂર્વક ગાંધીજીને અપ્રસ્તુત જાહેર કરી દેવામાં આવે છે?

હવે પછી ગાંધીજીના બ્રહ્મચર્યના ખ્યાલોની ટીકા વાંચો-સાંભળો ત્યારે આ રીતે પણ વિચારી જોજો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો