બાપુ બોલે તો...: શું ગાંધીજી દલિતવિરોધી હતા?

    • લેેખક, ઉર્વીશ કોઠારી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આ સવાલમાંથી ઘણી વાર પ્રશ્નાર્થ કાઢી નાખવામાં આવે છે અને બીજી કેટલીક રીતે પણ એ વાત કહેવાય છે. જેમ કે, ગાંધીજીએ દલિતોનું નકરું અહિત કર્યું.

ગાંધીજીના દલિતો પ્રત્યેના પ્રેમમાં કેવળ રાજકારણ હતું. ગાંધીજીએ દલિતોને 'હરિજન' જેવું રૂપાળું નામ આપવાથી વધારે કંઈ કર્યું નથી.

ગાંધીજી અને દલિતો : આરંભ

ગાંધીજીના સમયમાં દલિતો માટે અનેક અપમાનજનક શબ્દો વપરાતા હતા. તેમાં સૌથી 'સભ્ય' ગણાય એવા શબ્દ હતા : અંત્યજ, અસ્પૃશ્ય.

દક્ષિણ આફ્રિકામાં વકીલાત અને જાહેર જીવનની સાથે ગાંધીજીએ ધર્મો વિશે પણ વિચાર કર્યો. ત્યારે તેમને 'અસ્પૃશ્યતા જો હિંદુ ધર્મનું અંગ હોય તો તે સડેલું ને વધારાનું અંગ જણાયું'. (આત્મકથા)

ભારત પાછા ફર્યા પછી સપ્ટેમ્બર, 1919થી તેમણે 'નવજીવન' સાપ્તાહિક સંભાળ્યું.

તેના પહેલા અંકમાં 'અમારો ઉદ્દેશ'માં તેમણે લખ્યું હતું કે બીજા સુધારાની સાથે 'અંત્યજને લગતી અડચણો'ની ચર્ચા થશે.

જલિયાંવાલા બાગમાં જનરલ ડાયરે આચરેલા હત્યાકાંડની યાદ તાજી હતી, ત્યારે ગાંધીજીએ અસ્પૃશ્યતા વિશે લખ્યું હતું, 'આ હિંદુ ધર્મ નથી, આ તો ડાયરશાહી છે. જ્યાં સુધી આપણે આ ડાયરશાહીમાંથી મુક્ત થયા નથી, ત્યાં સુધી અંગ્રેજી ડાયરશાહીમાંથી મુક્ત થવાનો આપણને અધિકાર નથી.' (6-2-21, 'નવજીવન')

'નવજીવન'માં તે દલિતોને લગતા મુદ્દા, સમાચાર અને ચર્ચાઓને મોકળાશથી સમાવતા હતા અને તેની પર પોતાનું વજન મૂકતા હતા.

16 જુલાઈ, 1922નો નવજીવનનો આખો અંક 'અંત્યજ અંક' તરીકે પ્રગટ થયો હતો.

તમે આ વાંચ્યું કે નહીં?

આકરી કસોટીઓ

દેશમાં પાછા ફર્યા પછી ગાંધીજીએ અમદાવાદના કોચરબ પરામાં આશ્રમ સ્થાપ્યો.

તેમાં તેમણે દુદાભાઈ દાફડા, તેમનાં પત્ની દાનીબહેન અને દીકરી લક્ષ્મીને આશ્રમમાં સમાવવાનું નક્કી કર્યું.(લક્ષ્મીને તો પોતાની દીકરી જ ગણાવી)

ગાંધીજીના આ નિર્ણયથી આશ્રમને આર્થિક મદદ કરનાર શેઠોથી માંડીને આશ્રમના કેટલાક સૌથી નિકટના સાથીદારો પણ ખળભળી ઉઠ્યા.

ગાંધીજીના ભત્રીજા અને તેમના ઉત્તમ સાથીદાર મગનલાલ ગાંધી આશ્રમ છોડવા તૈયાર થયા.

આર્થિક મદદ બંધ થઈ, એટલે આશ્રમને તાળું મારવું પડે, એવા સંજોગો ઊભા થયા. છતાં, ગાંધીજી વિરોધને તાબે થવાને બદલે, દલિત પરિવારને સાથે રાખવાના મુદ્દે અડીખમ રહ્યા.

1920માં ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના પછી તેમાં દલિત વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાના નિર્ણયનો પણ વ્યાપક વિરોધ થયો. ત્યારે પણ ગાંધીજી પોતાના વલણને મક્કમતાથી વળગી રહ્યા.

રૂઢિચુસ્તોમાંથી કેટલાક શાસ્ત્રીઓ અને વિદ્વાનો અસ્પૃશ્યતાના મુદ્દે ગાંધીજી સાથે શાસ્ત્રાર્થ કરીને તેમને હંફાવવા મથ્યા.

ત્યારે અસહકારનું આંદોલન શરૂ થયું ન હતું અને ભારતમાં ગાંધીજીનો પગ પણ પૂરેપૂરો જામ્યો ન હતો.

છતાં, તેમણે અસ્પૃશ્યતાના મુદ્દે અળખામણું સત્ય કહેવાનું ચાલુ રાખ્યું.

ભારતમાં ગાંધીજીની હત્યાનો પહેલો પ્રયાસ પણ અસ્પૃશ્યતાના મુદ્દે થયો. તેમની અસ્પૃશ્યતાવિરોધી કામગીરીના લીધે હિંદુ ધર્મ ભ્રષ્ટ થશે, એવું માનતા કેટલાક ઝનૂનીઓએ ગાંધીજીની હત્યાનું કાવતરું રચ્યું.

તે પ્રમાણે, પૂનામાં ગાંધીજીની કાર પર બૉમ્બ ફેંકાયો. (ગાંધીજી બીજી કારમાં હતા, એટલે બચી ગયા.) ત્યારે પણ ગાંધીજી ડગ્યા નહીં અને પહેલાંની જેમ કામ ચાલુ રાખ્યું.

આવા પ્રસંગો ઉપરાંત વારંવાર અસ્પૃશ્યતાના ટેકામાં થતી તમામ પ્રકારની દલીલોના તે મક્કમ જવાબ આપતા રહ્યા.

આરોપો માટેનાં કારણ

તેમ છતાં, ગાંધીજી પર દલિત વિરોધી હોવાનો આરોપ થયો અને ઘણી હદે ચોંટી પણ ગયો, તેનાં કેટલાંક મુખ્ય કારણ :

અસ્પૃશ્યતાનો આકરો વિરોધ કરનાર ગાંધીજીની સમજ એવી હતી કે આ મુદ્દે જે કરવાનું છે (પ્રાયશ્ચિત) તે બિનદલિત હિંદુઓએ કરવાનું છે.

બ્રિટિશ સરકાર પાસે તેનો ઉકેલ માગવાથી કશું નહીં વળે. ડૉ. આંબેડકર જેવા ધુરંધર નેતા, ઘણી હદે સમજી શકાય એવી કડવાશથી, ગાંધીજીના આ અભિગમનો વિરોધ કરતા હતા અને પ્રાયશ્ચિતની રાહ જોવાને બદલે કાનૂની રાહે હિસ્સેદારી માગતા હતા.

સુરદાસના ભજન 'મો સમ કૌન કુટિલ ખલ કામી' માં એક પંક્તિ છે : હરિજન છોડ હરિ-બિમુખનકી નિસદિન કરત ગુલામી.

આ પંક્તિ પરથી ગાંધીજીએ 'હરિજન' શબ્દ લીધો અને દલિતો માટે તે વાપર્યો. તેમાં પણ દલિતોના એક વર્ગને તેમની વાસ્તવિક સ્થિતિ રૂપાળા શબ્દ તળે ઢાંકવાનો પ્રયાસ લાગ્યો.

(હવે 'દલિત' શબ્દ માટે પણ કેટલાકને એવું લાગે છે.)

અસ્પૃશ્યતાનો આકરો વિરોધ અને વર્ણાશ્રમની ચુસ્ત તરફેણ- એવું ગાંધીજીનું વલણ તેમની વ્યાખ્યાઓ પ્રમાણે સમજી ને સમજાવી શકાય તો પણ, વ્યવહારમાં ગૂંચવાડો પેદા કરનારું હતું. (તેની ચર્ચા અલગ લેખમાં કરીશું.)

તેનાથી એવી ખોટી છાપ પડતી હતી કે ગાંધીજીનો અસ્પૃશ્યતાનો વિરોધ માત્ર રાજકીય વ્યૂહ કે દેખાડો છે.

પૂના કરાર દલિતો અને ગાંધીજી વચ્ચેના સંબંધમાં સૌથી મહત્ત્વની અને નિર્ણાયક ઘટના બની રહ્યો.

તેની ચર્ચા સ્વતંત્ર લેખમાં કરીશું, પણ આ મુદ્દા પૂરતી ટૂંકી વાત આટલી : ફક્ત દલિતો જ દલિત પ્રતિનિધિ ચૂંટી શકે અને એ માટે તેમને બિનદલિતોના મતની જરૂર ન પડે, એવી જોગવાઈ અંગ્રેજ સરકારે 1932માં જાહેર કરી.

ત્યારે ગાંધીજીએ તેના વિરોધમાં આમરણ ઉપવાસ કર્યા. ડૉ. આંબેડકર પર ગાંધીજીનો જીવ બચાવવાનુ પ્રચંડ દબાણ આવ્યું.

તેના કારણે અંગ્રેજ સરકારે આપેલાં અલગ મતદાર મંડળ ડૉ. આંબેડકરે જતાં કરવાં પડ્યા અને અનામત સ્વીકારવી પડી.

તેનાથી દલિત સમાજને વફાદાર રહે એવા રાજકીય પ્રતિનિધિઓ ચૂંટવાની તક ગુમાવવી પડી. તેની ભારે કડવાશ ડૉ. આંબેડકરના મનમાં આજીવન રહી અને દલિત સમુદાયમાં પણ તે ઘર કરી ગઈ.

અવતરણો

પૂના કરાર અને દલિતોના હિતને રાજકીય મુદ્દો બનાવવાનો આરોપ થયો તેના ઘણા સમય પહેલાં અસ્પૃશ્યતાના મુદ્દે 'નવજીવન'માં પ્રગટ થયેલા ગાંધીજીના વિચારમાંથી કેટલાક નમૂના :

- અસ્પૃશ્યતા એ હિંદુ ધર્મનું અંગ હોય તો તેટલી હિંદુ ધર્મની શયતાનિયત છે એમ હું કહીશ. (3-4-21)

- આપણે ઊંચા બીજા નીચા એ વિચાર જ નીચ છે. (3-7-21)

- પાપ પોતે પુરાતન થયું એટલે તે પાપ મટી પુણ્ય બનતું નથી. એટલે આ કલંક દૂર કરવાને મહાયજ્ઞ કરવાની પ્રત્યેક હિંદુની ફરજ છે. (29-3-25)

- અસ્પૃશ્યતા એ સહસ્ત્રમુખ રાક્ષસ છે એટલે જ્યારે જ્યારે એ પોતાનું શિર ઊભું કરે છે ત્યારે ત્યારે તેનો છેદ કરવો ઘટે છે. (1-8-26)

- કોઈપણ માણસને જન્મને લઈને અસ્પૃશ્ય નથી કહી શકાતો. એ સાદા સત્યના સ્વીકારમાં તત્ત્વજ્ઞાનના ઊંડા રહસ્યને બહુ અવકાશ નથી.

એ સત્ય એટલું સરળ છે કે કટ્ટર હિંદુઓ સિવાય બાકીની આખી દુનિયા તેને સમજે અને સ્વીકારે છે. (12-2-25)

વિશ્લેષણ

ગાંધીજીના આવતાં પહેલાં પણ ભારતમાં ને કોંગ્રેસમાં અસ્પૃશ્યતાનો વિરોધ થતો જ હતો.

પરંતુ ગાંધીજીએ જેમ કોંગ્રેસના અને (જાહેરજીવનના અર્થમાં) રાજકારણના દરવાજા જનસામાન્ય માટે ખોલી નાખ્યા, એવી જ રીતે અસ્પૃશ્યતાના વિરોધને પણ વ્યાપક ફલક પર, રાષ્ટ્રીય સ્તરે અસરકારક રીતે મૂકી આપ્યો.

ફક્ત ચર્ચાના સ્તરે જ નહીં, અંગત વ્યવહારમાં પણ તેમણે પોતાના ઉપદેશનું આચરણ કર્યું.

પોતાની જાતને સફાઈ કામદાર તરીકે ઓળખાવી. સફાઈકામ પ્રત્યે બિનદલિતોની સુગ દૂર કરવાની સતત કોશિશ કરી.

અસ્પૃશ્યતાનો વિરોધ કરવામાં પોતાની જાહેર જીવનની કારકિર્દી દાવ પર લગાડતાં ખચકાટ અનુભવ્યો નહીં કે હત્યાના પ્રયાસથી વિચલીત થયા નહીં.

પૂના કરારના મુદ્દે થતી તેમની ટીકામાં ઘણા વાજબી મુદ્દા હોવા છતાં અને તેમણે સ્થાપેલી સંસ્થાઓની નિષ્ફળતા પ્રત્યે વાજબી અસંતોષ છતાં, ગાંધીજીને 'દલિતવિરોધી' ગણતાં પહેલાં ઉપર આપેલી હકીકતોને ધ્યાનમાં રાખવી પડે.

સાથે એ પણ નોંધવું પડે કે આ મુદ્દે તેમનું વલણ સતત વિકસતું રહ્યું અને તેમાં ડૉ. આંબેડકરના કટુ સંસર્ગનો પણ ગુણકારી ફાળો રહ્યો.

એક સમયે દલિતો-બિનદલિતો વચ્ચે લગ્નસંબંધમાં ન માનતા ગાંધીજી છેલ્લાં વર્ષોમાં વર કે કન્યામાંથી કોઈ એક દલિત હોય એવા લગ્નમાં જ આશીર્વાદ આપતા હતા.

ગાંધીહત્યા પછીનાં વર્ષોમાં ડૉ. આંબેડકરે બ્રાહ્મણ તબીબ સાથે લગ્ન કર્યાં ત્યારે સરદાર પટેલ સમક્ષ તેમણે એ મતલબનું કહ્યું હતું કે ગાંધીજી આ સમાચાર જાણીને બહુ રાજી થયા હોત.

વર્તમાનમાં વિચારવાના મુદ્દા

ગાંધીજીના સમકાલીન તરીકે ડૉ. આંબેડકર ગમે તેટલી કટુતા રાખે તો પણ તેની પાછળ તે કાળનાં નક્કર કારણ હતાં.

પરંતુ ડૉ. આંબેડકરની કડવાશને સીધેસીધી વર્તમાનકાળમાં કૉપી-પેસ્ટ કરીને લાવવામાં ઘણાં જોખમ છે.

ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ બંધારણનું ઘડતર થયું, ત્યારે અલગ મતદાર મંડળના યુગનો અંત આવ્યો.

મુસ્લિમોને તો એ જોગવાઈ મળેલી હતી, પરંતુ તેનાથી આઝાદ ભારતમાં હિંદુ-મુસ્લિમ અલગાવ કાયમી થઈ જશે એવી (દલિતોના મુદ્દે ગાંધીજીએ કરેલી દલીલ) સ્વીકારાઈ અને મુસ્લિમોનાં અલગ મતદાર મંડળ રદ કરવામાં આવ્યાં. અસ્પૃશ્યતા ગેરબંધારણીય જાહેર થઈ.

બીજા શબ્દોમાં કહી શકાય કે, કાનૂની રસ્તે દલિતોની સમાનતા સિદ્ધ કરવાનું ડૉ. આંબેડકરનું સપનું ફળ્યું.

પરંતુ ગાંધીજીના રસ્તે, બિનદલિત હિંદુઓમાં પ્રાયશ્ચિત પેદા કરાવવાનું કામ સંતોષકારક રીતે આગળ વધી શક્યું નહીં, ગાંધીજનોની એ મોટી નિષ્ફળતા રહી.

તેનો અપજશ અને પૂના કરારની કડવાશ, આ બંને તળે ગાંધીજીના અને તેમના કેટલાક સાથીદારો (ઠક્કરબાપા-પરિક્ષિતલાલ મજુમદાર-મામાસાહેબ ફડકે) ના પ્રદાનને સદંતર ભૂંસી નાખવું કેટલી હદે યોગ્ય ગણાય?

ડૉ. આંબેડકરનું ધર્મપરિવર્તન જેવું ક્રાંતિકારી પગલું ધાર્યાં પરિણામ ન આપી શક્યું, ત્યાર પછીની વાસ્તવિકતાઓમાં અને વર્તમાન સમસ્યાઓમાં ગાંધીજીને ક્યાં સુધી દોષી ઠરાવી શકાય? એ પણ વિચારવા જેવું છે.

(ઉર્વીશ કોઠારી ગુજરાતના જાણીતા પત્રકાર અને લેખક છે. બીબીસી ગુજરાતી સેવા પર બીજી ઑક્ટોબરથી શરૂ થયેલી 'બાપુ, બોલે તો...' શૃંખલા હેઠળ આ લેખ પ્રકાશિત થયો છે. આ શૃંખલા અંતર્ગત દર અઠવાડિયે ગાંધીજી પર એક લેખ પ્રસિદ્ધ કરવામાં આવશે. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો