ગુજરાતમાં નરેન્દ્ર મોદીની એ છેલ્લી અને 'સાચી પત્રકાર-પરિષદ'માં શું થયું હતું?

    • લેેખક, રાજીવ શાહ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે નવી દિલ્હીમાં પત્રકાર-પરિષદ સંબોધી હતી. વડા પ્રધાન તરીકેના કાર્યકાળમાં પ્રથમ વખત નરેન્દ્ર મોદીએ આ પત્રકાર-પરિષદ યોજી હતી. જોકે, મોદીએ પત્રકારોના પ્રશ્નો લેવાનું ટાળ્યું હતું.

આ પહેલાં મોદી જ્યારે ગુજરાતના મુખ્ય મંત્રી હતા, ત્યારે તેમણે 'સ્વર્ણિમ ગુજરાત'ની ઉજવણી વખતે છેલ્લી વખત પત્રકાર-પરિષદ યોજી હતી.

અમદાવાદના જીએમડીસી ઑડિટોરિયમ ખાતે ગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે એ પત્રકાર-પરિષદ યોજવામાં આવી હતી.

ગુજરાતની સ્થાપનાનાં 50 વર્ષ થઈ રહ્યાં હતાં અને મોદીનો આત્મવિશ્વાસ પુરબહારમાં જોવા મળી રહ્યો હતો. 'સ્વર્ણિમ ગુજરાત'નો મોદી જોરશોરથી પ્રચાર કરી રહ્યા હતા.

એ વખતે ગુજરાતમાં મોદીની લોકપ્રિયતા ચરમસીમાએ હતી. સાંપ્રદાયિકતાવાળી ઇમેજ છોડીને મોદી આગળ વધી ગયા હતા અને એમનો આત્મવિશ્વાસ એ પત્રકાર-પરિષદમાં જોવા મળી રહ્યો હતો.

એ પત્રકાર-પરિષદમાં સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી કેવી રીતે કરવામાં આવશે એ વિશે વાત થઈ રહી હતી.

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના ભાગરૂપે બની રહેલા મહાત્મા મંદિરમાં ગુજરાતના ઇતિહાસની ગૌરવશાળી ક્ષણોને ટાઇમ કૅપ્સ્યૂલ સાથે જમીનની અંદર દાટવાની વાત પણ કરાઈ હતી.

ભવિષ્યમાં આ ટાઇમ કૅપ્સ્યૂલ થકી ગુજરાતના ઇતિહાસને જીવંત કરવાનો ઉદ્દેશ હતો.

પરિષદમાં સૌ હળવા અને સારાસારા પ્રશ્નો પૂછી રહ્યા હતા. એટલે મેં મોદીને પ્રશ્ન પૂછ્યો કે 'જો ગુજરાતના ઇતિહાસની મહત્ત્વની ઘટનાઓને એ ટાઇમ કૅપ્સ્યૂલમાં દાટવામાં આવી રહી હોય તો શું એમાં 1969 અને 2002નાં કોમી તોફાનોનો ઉલ્લેખ કરાયો છે?

અત્યાર સુધી પરિષદમાં પુછાઈ રહેલા સારાસારા પ્રશ્નો વચ્ચે મારો પ્રશ્ન મોદીને ન ગમ્યો અને તેમણે એ પ્રશ્ન ટાળી દીધો.

મોદીએ એ વખતે પત્રકાર-પરિષદ બરખાસ્ત કરી નાખી. મોદીની એ શૈલી રહી છે કે જ્યારે એમને કોઈ પ્રશ્ન ના ગમે તો તેઓ ચાલતા થઈ જાય છે અથવા જવાબ આપવાનું જ ટાળી દે છે.

પત્રકાર-પરિષદ બાદ પત્રકારો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. એ વખતે હું જ્યાં ઊભો હતો ત્યાં મોદી આવ્યા અને મારા ખભે હાથ મૂકતા કહ્યું, 'અલા! રાજીવ, હવે તો સુધરી જા!'

જોકે, એ વાત મોદીએ હસતાહસતા કરી હતી.

તમે આ વાંચ્યું કે નહીં?

વિધાનસભાનું ખાસ સત્ર

સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી 2011ના આખા વર્ષ દરમિયાન કરવાનું આયોજન કરાયું હતું.

ઉજવણીની શરૂઆત પત્રકાર-પરિષદથી કરાઈ હતી અને વર્ષના અંતે વિધાનસભાના ખાસ સત્રનું આયોજન કરાયું હતું.

એ સત્રમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, દિલીપ પરીખ, સુરેશ મહેતા, માધવસિંહ સોલંકી જેવા પૂર્વ મુખ્ય મંત્રીને સન્માનિત કરાયા હતા.

અને માધવસિંહ સોલંકીએ એ વખતે વિધાનસભામાં બિનરાજકીય ભાષણ પણ આપ્યું હતું.

શુક્રવારની પત્રકાર-પરિષદમાં શું થયું?

ખુદ અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં હાજર હોવું અમારા માટે 'આશ્ચર્ય અને આનંદ'ની વાત છે.

રવિવારે 19મી મેના દિવસે મતદાન થશે, તે પહેલાં 17મી મેના સાંજે ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થશે, જેની ગણતરીની મિનિટોની પહેલાં શાહ-મોદીએ આ પત્રકાર-પરિષદ સંબોધી હતી.

જોકે, મોદીના બદલે માત્ર અમિત શાહે પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા.

અમિત શાહે દાવો કર્યો હતો કે તેમણે 161 જનસભા અને 18 રોડ શો કર્યા છે અને કુલ એક લાખ 58 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.

ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 86 અને યોગી આદિત્યનાથે 91 સભાઓ સંબોધી હોવાનું શાહે જણાવ્યું હતું.

શાહે દાવો કર્યો હતો કે 300થી વધુ બેઠક ઉપર ભાજપ વિજેતા થશે અને એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકાર બનશે.

મોદીએ કહ્યું હતું કે 'તેઓ મીડિયા તથા તેના માધ્યમથી દેશની જનતાનો આભાર માને છે.'

શાહે દાવો કર્યો, "વર્ષ 2014થી જ અમે 50 ટકાના વિજય માટે લડાઈ લડી છે.

ગત વખતે અમને 17 કરોડ મત મળ્યા હતા, જ્યારે આ વખતે કેન્દ્રીય યોજનાના લગભગ 22 કરોડ લાભાર્થી સુધી પહોંચી શક્યા છીએ."

શાહે વિવાદાસ્પદ નિવેદન કરનારા નેતાઓ અંગે 'ખેદ' વ્યક્ત કર્યો હતો અને બંધારણીય વ્યવસ્થા મુજબ તેમને નોટિસ ફટકારાઈ હોવાની વાત કરી હતી.

અમિત શાહે કહ્યું હતું કે બે વર્ષ દરમિયાન ભાજપના 80 કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામ્યાં છે, તે અંગે મમતા બેનરજીએ જવાબ આપવો રહ્યો.

(રાજીવ શાહની બીબીસી ગુજરાતીના જય મકવાણાની સાથે વાતચીતના આધારે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો