You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
5 વર્ષમાં પ્રથમ વખત વડા પ્રધાને યોજી પત્રકાર પરિષદ પણ કોઈ પ્રશ્નનો જવાબ ન આપ્યો
વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના અધ્યક્ષ અમિત શાહે ગુરુવારે સંયુક્ત પત્રકાર પરિષદ સંબોધી હતી.
ખુદ અમિત શાહે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું અહીં હાજર હોવું અમારા માટે 'આશ્ચર્ય અને આનંદ'ની વાત છે.
રવિવારે 19મી મેના દિવસે મતદાન થશે, તે પહેલાં 17મી મેના સાંજે ચૂંટણીપ્રચાર અભિયાન સમાપ્ત થશે, જેની ગણતરીની મિનિટોની પહેલાં શાહ-મોદીએ આ પત્રકાર પરિષદ સંબોધી હતી.
મોદીની પત્રકાર પરિષદ પૂર્વે શાહે ભાજપના ચૂંટણી અભિયાનની વિગતો આપી હતી. અમિત શાહે દાવો કર્યો હતો કે તેમણે 161 જનસભા અને 18 રોડ શો કર્યા છે અને કુલ એક લાખ 58 હજાર કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ 86 અને યોગી આદિત્યનાથે 91 સભાઓ સંબોધી હોવાનું શાહે જણાવ્યું હતું. શાહે દાવો કર્યો હતો કે 300થી વધુ બેઠક ઉપર ભાજપ વિજેતા થશે અને એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)ની સરકાર બનશે.
મોદીએ કહ્યું હતું કે 'તેઓ મીડિયા તથા તેના માધ્યમથી દેશની જનતાનો આભાર માને છે.'
શાહે દાવો કર્યો, "વર્ષ 2014થી જ અમે 50 ટકાના વિજય માટે લડાઈ લડી છે. ગત વખતે અમને 17 કરોડ મત મળ્યા હતા, જ્યારે આ વખતે કેન્દ્રીય યોજનાના લગભગ 22 કરોડ લાભાર્થી સુધી પહોંચી શક્યા છીએ."
શાહે વિવાદાસ્પદ નિવેદન કરનારા નેતાઓ અંગે 'ખેદ' વ્યક્ત કર્યો હતો અને બંધારણીય વ્યવસ્થા મુજબ તેમને નોટિસ ફટકારાઈ હોવાની વાત કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમિત શાહે કહ્યું હતું કે બે વર્ષ દરમિયાન ભાજપના 80 કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળમાં મૃત્યુ પામ્યા છે, તે અંગે મમતા બેનરજીએ જવાબ આપવો રહ્યો.
આપને આ પણ વાચવું ગમશે
પત્રકાર પરિષદ પર પસ્તાળ
પત્રકાર શયાનતન બેરાએ ટ્વિટર પર લખ્યું, 'એક વાત સ્પષ્ટ છે. આ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું પ્રથમ પ્રેસદર્શન હતું, પત્રકાર પરિષદ નહીં.'
પત્રકાર શિવમ વિજે લખ્યું, 'મોદીએ કમ સે કમ કેરી વિશે પ્રશ્ન લેવા જોઇતા હતા. ગુજરાતની કેસરી કે બંગાળી માલદા?'
નિધિ રાઝદાને લખ્યું, 'મતલબ કે આ વડા પ્રધાનની પ્રેસ કૉન્ફરન્સ ન હતી.'
'યૂપીમાં ભાજપના હારનું લક્ષ્ય'
કૉંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, "બહુજન સમાજ પક્ષ તથા સમાજવાદી પાર્ટે સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો, તેનું હું સન્માન કરું છું."
"કૉંગ્રેસની દૃષ્ટિએ જુઓ તો મારે ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસની વિચારધારાને ફેલાવવાની છે. મેં જ્યોતિરાદિત્ય સિંધિયા તથા પ્રિયંકા ગાંધીને કહ્યું હતું કે આપણી પ્રાથમિકતા ભાજપને હરાવવાની છે."
"બીજું કે કૉંગ્રેસની વિચારધારાનો વ્યાપ વધારવાનો છે અને ત્રીજું કે વિધાનસભાની ચૂંટણી જીતવી. તેમની અને અમારી વિચારધારા સમાન છે."
રાહુલ ગાંધીના કહેવા પ્રમાણે, માયાવતી, ચંદ્રબાબુ નાયડુ કે અખિલેશ યાદવ ભાજપને સાથ નહીં આપે.
રાહુલે ઉમેર્યું, "વડા પ્રધાને પ્રેસ કૉન્ફરન્સ કરી ત્યારે હું તેમને પૂછવી માગું છું કે તેઓ શા માટે રફાલ મુદ્દે મારી સાથે ચર્ચા નથી કરતા? હું તેમને પડકાર ફેંકું છું. મીડિયાને જણાવો કે તેઓ શા માટે ચર્ચા માટે તૈયાર નથી થતા?"
રાહુલે ચૂંટણીના ગણતરીના દિવસો પહેલાં વડા પ્રધાન દ્વારા પત્રકાર પરિષદ ઉપર સવાલ ઉઠાવ્યા હતા.
રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો, "ઇલેક્શન કમિશન પક્ષપાતપૂર્ણ વલણ ધરાવે છે. મોદી પડે તે કહી શકે, જ્યારે એ જ વાતો કહેતા અમને અટકાવવામાં આવે છે."
"એવું લાગે છે કે મોદીજીના ચૂંટણીપ્રચાર અભિયાનના આધારે ચૂંટણી કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. ભાજપ તથા મોદી પાસે પૈસા છે, જ્યારે અમારી પાસે સત્ય છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.