તાઇવાનમાં સજાતીય લગ્નને મંજૂરી, ભારે વરસાદ છતાં રસ્તા ઉપર આવ્યાં સમલૈંગિકો

તાઇવાનની સંસદે ત્રણ ઐતિહાસિક બિલો પસાર કર્યાં, જેના પગલે તાઇવાન એશિયાનો પ્રથમ દેશ બન્યો છે કે જ્યાં સમલૈંગિક સંબંધ કાયદેસર બન્યા છે.

2017માં તાઇવાનની બંધારણીય અદાલતે સજાતીય યુગલોને લગ્ન કરવાનો કાયદાકીય અધિકાર આપી દીધો હતો.

સજાતીય લગ્નને કાયદેસર કરવા માટે સંસદને બે વર્ષનો એટલે કે 24 મે સુધીનો સમય આપવામાં આવ્યો હતો.

સાંસદોએ સજાતીય લગ્ન માટે ત્રણ બિલ પર ચર્ચા કરી હતી, જે પૈકી બાળકોને દત્તક લેવા માટે મર્યાદિત અધિકાર આપતું બિલ 66/27 મતથી પસાર થયું હતું.

કન્ઝર્વેટિવના સાંસદોએ બે અન્ય બિલ રજૂ કર્યાં હતાં, જેમાં સજાતીય સંબંધને 'લગ્ન'ના બદલે 'સજાતીય પારિવારિક સંબંધ' અથવા 'સજાતીય યુનિયન' લાવવાનો પ્રસ્તાવ હતો.

ગે અધિકારોનું સમર્થન કરતા લોકોનો મોટો વર્ગ ભારે વરસાદની વચ્ચે રાજધાનીમાં આ ઐતિહાસિક ચુકાદાની રાહ જોઈ રહ્યો હતો.

રૂઢિવાદી વિપક્ષી દળો સરકારના વલણથી નારાજ હતા.

અગાઉ શુક્રવારે તાઇવાનના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યું હતું કે આ વખતે મતદાન કરીને ઇતિહાસ સર્જવાની તક છે.

2017ના અદાલતના ફેસલા બાદ લોકજુવાળ જોવા મળ્યો, જેથી સરકાર પર દબાણ પણ ઊભું થયું હતું.

લોકમતમાં સજાતીય લગ્નના વિરોધમાં મત આપનાર લોકોની દલીલ હતી કે લગ્નની વ્યાખ્યા પુરુષ અને સ્ત્રીનાં જોડાણ સાથે સંકળાયેલી છે.

જેના કારણે સિવિલ લૉમાં લગ્નની વ્યાખ્યા બદલવાના બદલે સજાતીય લગ્ન માટે અલગથી વિશેષ કાયદો બનાવવાનો નિર્ણય લેવાયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો