You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતી વેપારી ગૌતમ અદાણી આ રીતે બની ગયા છે ઑસ્ટ્રેલિયાની ચૂંટણીનો મુદ્દો
- લેેખક, નીના ભંડારી
- પદ, સિડનીથી, બીબીસી ગુજરાતી માટે
ભારતના અબજપતિ ગૌતમ અદાણીનો ક્વિન્સલેન્ડમાં આવેલો કરમાઇકલ કોલસા પ્રોજેક્ટ ઑસ્ટ્રેલિયામાં 18મી મેના રોજ યોજાનારી કેન્દ્રીય ચૂંટણીમાં અગત્યનો મુદ્દો બન્યો છે.
અર્થતંત્ર અને પર્યાવરણ, કોલસો અને ક્લાઇમેટને સ્પર્શતો આ મુદ્દો રાજકીય પક્ષો અને મતદારોમાં વિભાજન ઊભો કરી રહ્યો છે.
ઑસ્ટ્રેલિયન કન્ઝર્વેટિવ ફાઉન્ડેશન (ACF)ના માધ્યમથી સાત અપક્ષ ઉમેદવારોએ એક સીમાચિહ્ન સમાન કરાર કર્યો છે.
આ ઉમેદવારોએ પ્રણ લીધું છે કે તેઓ જળવાયુ પરિવર્તનના અનેક મુદ્દાઓ હાથ પર લેશે.
તેમાં અદાણીની ખાણો ખોદીને કોલસો કાઢવાના પ્રોજેક્ટના વિરોધનો પણ સમાવેશ થશે. તેઓ જીતી જશે તો સંસદમાં અદાણીની થર્મલ કોલમાઇનનો વિરોધ કરશે.
કન્ઝર્વેટિવ લિબરલ-નેશનલ પક્ષોની બનેલી સંયુક્ત કેન્દ્ર સરકાર આ વખતે ચૂંટણીમાં પાછળ ચાલી રહી હોવાનું અનુમાન છે.
આ સરકાર મહદ અંશે કોલસાની ખાણોના ખોદકામની અને કોલસાના નિકાસની તરફેણ કરતી રહી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
52,900 લોકોને રોજગારી
સરકારના પ્રવક્તાએ બીબીસી સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે, "ઑસ્ટ્રેલિયામાં વિદેશી મૂડીરોકાણ થાય તેની (સ્કૉટ) મોરીસન સરકાર તરફેણ કરે છે."
"અદાણી કરમાઇકલ માઇન ઍન્ડ રેલ પ્રોજેક્ટ ક્વિન્સલૅન્ડ પ્રદેશ માટે મહત્ત્વનો પ્રોજેક્ટ છે. તેના કારણે સ્થાનિક સમુદાયના લોકોને 1500 જેટલી નોકરીઓ મળશે, જ્યારે આડકતરી રીતે હજારોને રોજગારી મળશે."
ફેબ્રુઆરી 2019માં ઑસ્ટ્રેલિયાના કોલસા ખાણ ઉદ્યોગમાં લગભગ 52,900 લોકોને રોજગારી મળી રહી હતી.
2018માં ઑસ્ટ્રેલિયાએ 44 કરોડ ટન કોલસો કાઢ્યો હતો. તેમાંથી અંદાજે 40 ટકા મેટાલર્જિકલ કોલસો હતો, જ્યારે 60 ટકા થર્મલ કોલસો હતો.
2017-18માં ઑસ્ટ્રેલિયાના જીડીપીમાં કોલસા ઉદ્યોગનો ફાળો લગભગ 2.2 ટકા જેટલો રહ્યો હતો.
વિપક્ષી લેબર પાર્ટીમાં આ મુદ્દે ભાગલા પડી ગયા છે. ક્વિન્સલૅન્ડના યુનિયનના ટેકેદારો ખાણની તરફેણ કરે છે, જ્યારે શહેરી મતદારો તેનો વિરોધ કરે છે, કેમ કે તેમની માગણી ગ્રીનહાઉસ ગેસ ઓછો કરવાની છે.
શહેરી ટેકેદારોનું વલણ ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરિયામાં રિન્યૂએબલ ઍનર્જી તરફ વળવાનું છે.
જળવાયુ પરિવર્તન ચૂંટણીમાં મોટો મુદ્દો
લેબર પક્ષના નેતા બીલ શોર્ટને ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કૉર્પોરેશન (ABC)ના 7.30 કાર્યક્રમમાં કહ્યું હતું કે, "હું એવું કહીશ કે ખાણની બાબતમાં મારો અભિપ્રાય હું ઉત્તમ વિજ્ઞાનના પાયા પર આપીશ."
"જો બધા વૈજ્ઞાનિક પાસા પાર ઉતરતા હશે તો હું જોખમ નહીં લઉં. અમે એકપક્ષી રીતે કામ નહીં કરીએ."
પૌલીન હેન્સનની આગેવાની હેઠળની જમણેરી વન નેશનળ પાર્ટી અને અબજપતિ ક્લાઇવ પાલમરની આગેવાની હેઠળની યુનાઇટેડ ઑસ્ટ્રેલિયા પાર્ટી બંનેએ કરમાઇકલ પ્રોજેક્ટને ટેકો આપ્યો છે.
પાલમર પોતે લોહ, નિકલ અને કોલસાની ખાણો ધરાવે છે.
જોકે ગયા ઉનાળામાં (ડિસેમ્બર - ફેબ્રુઆરી)માં આકરા હવામાન પછી ક્લાઇમેટ ચેન્જ એક મહત્ત્વનો ચૂંટણી મુદ્દો બની ગયો છે.
ભારે ગરમીના કારણે દાવાનળની ઘટનાઓ બની હતી કેટલીક જગ્યાઓએ દુકાળ પડવાની અને કેટલીક જગ્યાએ પૂરની ઘટનાઓ પણ બની હતી.
ઑસ્ટ્રેલિયામાં મતદારોનો અભિપ્રાય વ્યક્ત કરતાં સૌથી વધુ મોટા સરવેમાં 29 લોકોએ ટકા લોકોએ પર્યાવરણના મુદ્દાને સૌથી અગત્યનો મુદ્દો ગણાવ્યો હતો.
અગાઉ 2016માં જ્યારે આવો સરવે થયો ત્યારે ફક્ત 9 ટકા લોકોએ આ મુદ્દાને પ્રથમ ક્રમ આપ્યો હતો.
ACFએ ક્લાઇમેટ અને પર્યાવરણ અંગે રાજકીય પક્ષોના ચાર પ્રકારના અભિગમોના આધારે સ્કોરબોર્ડ તૈયાર કર્યું છે.
રિન્યૂએબલ સ્રોતો વધારવા, કોલસાને ધીમે ધીમે નાબુદ કરવો, અદાણીના કોલ માઇન પ્રોજેક્ટને અટકાવવો અને પર્યાવરણની રક્ષા કરવી.
આ ચાર મુદ્દાઓ પ્રમાણે રાજકીય પક્ષોને માર્ક્સ આપવામાં આવ્યા છે. આ ગણતરી મુજબ લિબરલ-નેશનલ જોડાણને 4/100 અંક, લેબરને 56/100 અંક અને સૌથા મોટા પક્ષ ગ્રીન્સને 99/100 અંક આપવામાં આવ્યા.
ઑસ્ટ્રેલિયન ગ્રીન્સ પાર્ટીના ભૂતપૂર્વ નેતા અને અગ્રણી પર્યાવરણ કાર્યકર બોબ બ્રાઉને અદાણી પ્રોજેક્ટ સામે ઝુંબેશ ચલાવી હતી.
તેમની આગેવાનીમાં ટાપુ રાજ્ય તાસ્માનિયાના હોબાર્ટ આઇલેન્ડથી શરૂ કરીને ક્વિન્સલૅન્ડના પૂર્વ તરફના દરિયાકિનારા સુધી અને ત્યાંથી રાજધાની કેનબેરા સુધી સ્ટોપ અદાણીના વિરોધમાં યાત્રા કાઢવામાં આવી હતી.
આ યાત્રા કેનબેરામાં પાંચમી મેએ પૂરી થઈ હતી અને ત્યાં પર્યાવરણ સંરક્ષણ માટે વિશાળ સભા પણ યોજાઈ હતી.
પર્યાવરણને જોખમ
બ્રાઉને બીબીસીને જણાવ્યું હતું કે, "ખાણ બની રહી છે તે વિસ્તારના સ્થાનિક લોકોમાં આ મુદ્દે સ્પષ્ટપણે તિરાડ પડી ગઈ છે. ખાણને કારણે રોજગારી મળશે તેવી આશામાં સ્થાનિક લોકો તેનું મજબૂત સમર્થન કરી રહ્યા છે. બીજી બાજુ એવી પણ જોરદાર લાગણી છે કે કોલસો બાળવાથી ગ્રીનહાઉસ ગેસ નીકળે છે, જેના કારણે ગ્રેટ બેરિયર રીફ (પરવાળાનો પ્રદેશ )ને નુકસાન થઈ રહ્યું છે. પરવાળાને કારણે જુદા જુદા વ્યવસાયોમાં રહેલા 64,000 લોકોને રોજગારી મળે છે. તે લોકો નથી ઇચ્છતા કે તેમને વધારે નુકસાન થાય."
ગ્રેટ બેરિયર રીફ એ પરવાળાનો પ્રદેશ છે અને તેને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજની યાદીમાં સ્થાન મળ્યું છે.
પર્યટકો માટે આકર્ષણનું કેન્દ્ર એવો ગ્રેટ બેરિયર રીફ 348,000 ચોરસ કિલોમિટર વિસ્તારમાં ફેલાયેલો છે.
તેમાં 400 જાતના પરવાળા, 1,500 જાતની માછલીઓ, 4,000 જાતના છીપલાં, લગભગ 240 જાતના પક્ષીઓ અને બીજી અનેક પ્રકારની જીવસૃષ્ટિ જોવા મળે છે.
હાલના સમયમાં સમુદ્રની સપાટીના તાપમાનમાં થઈ રહેલા વધારા, ખાણના પ્રોજેક્ટ, બંદરોનો વિકાસ, દરિયાની અંદર ડ્રેજિંગ અને શિપિંગ ટ્રાફિકમાં વધારો જેવા કારણોને લીધે આ દુનિયાની આ સૌથી લાંબી ગ્રેટ બેરિયર રીફ પર જોખમ ઊભું થયું છે.
ACFના આંદોલનકારી ક્રિશ્ચિયન સ્લેટરી ચેતવણી આપતા કહે છે, "અદાણીની ખાણને કારણે વધુ એક થર્મલ મથક બનશે. તેના કારણે વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ ઊભી થશે અને લાખો ટન પ્રદૂષણ તેના કારણે વાતાવરણમાં ભળશે. એટલું જ નહીં, ખાણને કારણે મધ્ય ઑસ્ટ્રેલિયામાં જરૂરી એવા ભૂગર્ભ જળ પણ ખૂટી પડશે. તેના કારણે ઘાસના મેદાનો અને વન્યસૃષ્ટિ સામે જોખમ ઊભું થશે."
કરમાઇકલ ખાણ ગ્રેટ આર્ટેસિયન બેઝીન પાસે બની રહી છે. આ વિશ્વનો સૌથી વિશાળ ભૂગર્ભ જળ ધરાવતો વિસ્તાર છે.
અંદાજે 6.5 કરોડ ગીગા લીટર્સ જળ ભૂગર્ભમાં સંગ્રહાયેલું છે અને કુલ વિસ્તાર 17 લાખ ચોરસ કિલોમિટરનો છે.
ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવશે તે માટે અદાણીએ આપેલી યોજનાને 11 એપ્રિલે ચૂંટણીની જાહેરાત થઈ તેની પૂર્વસંધ્યાએ જ ઑસ્ટ્રેલિયાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી હતી.
ઑસ્ટ્રેલિયાના પર્યાવરણ પ્રધાન મેલિસા પ્રાઇસે 9મી એપ્રિલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે કૉમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન અને જીઓસાયન્સ ઑસ્ટ્રેલિયા બન્ને તરફથી આ યોજનાને મંજૂરી મળી છે.
કરમાઇકલ કોલ માઇન અને રેલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે રજૂ કરવામાં આવેલી ભૂગર્ભ જળના ઉપયોગની યોજના ચુસ્ત વૈજ્ઞાનિક ધોરણો પાળતી હોવાનું બંને સંસ્થાએ જણાવ્યું હતું.
જોકે આ નિર્ણયથી પ્રોજેક્ટને આખરી મંજૂરી આપવાના નિર્ણય પર અસર નહીં થાય, તેમ પણ નિવેદનમાં જણાવાયું હતું.
બીજી મેના રોજ ક્વિન્સલૅન્ડ રાજ્યના પર્યાવરણ અને વિજ્ઞાન વિભાગે કંપનીની બ્લેક થ્રોટેડ ફિન્ચ તરીકે ઓળખાતી જળની વ્યવસ્થાપન યોજનાને નકારી કાઢી હતી.
રાજ્યમાં લેબર પક્ષની સરકાર છે, તેમની પાસેથી પર્યાવરણ અંગેની બે યોજનાની મંજૂરી લેવી જરૂરી છે. તેમાંથી આ એક યોજના હતી. બીજી યોજના ગ્રાઉન્ડવૉટર ડિપેન્ડન્ટ ઇકૉસિસ્ટમ મેનેજમેન્ટ પ્લાન છે.
ખાણ બનવાની છે ત્યાં બ્લેક થ્રોટેડ ફિન્ચની (કાળા ગળાવાળું ચકલી જેવા પક્ષીની) વસતિ આવેલી છે.
વિલુપ્ત થવાને આરે આવેલા આ પક્ષીઓની સૌથી વધુ સંખ્યા અહીં જોવા મળે છે. આ પક્ષીઓનું સૌથી મોટું ઝુંડ પ્રોજેક્ટ બનવાનો છે ત્યાં જ વસે છે, એમ આ વિભાગના પ્રવક્તાએ જણાવ્યું હતું.
અદાણી માઇનિંગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર લ્યુકાસ ડૉવે અખબારી યાદીમાં જણાવ્યું હતું કે, "નવી માગણીઓ મળી છે તેના પર અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ. જોકે વિભાગના અધિકારીઓ યોજનાને ક્યારે આખરી રૂપ અપાશે તેની ડેડલાઇન આપવા તૈયાર નથી. રાજ્યની નવી માગણીઓ સ્વીકારવા માટે અમે પૂર્ણપણે તૈયાર હોવા છતાં તેઓ ડેડલાઇન આપી રહ્યા નથી."
આવી બીજી આઠ યોજનાઓ છે (ચારની મંજૂરી ક્વિન્સલેન્ડ રાજ્ય પાસેથી, ત્રણની કેન્દ્ર સરકાર પાસેથી અને એક માટે બંનેની મંજૂરી લેવાની છે), જેની મંજૂરી મળ્યા પછી જ ખાણનું કામ આગળ વધી શકે તેમ છે.
3.3 અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરનું રોકાણ
કરમાઇકલ પ્રોજેક્ટ ચાર વર્ષ પહેલાં જ તૈયાર થઈને ધમધમતો થઈ જવાની ગણતરી હતી, પરંતુ કંપની સામે અનેક કાનૂની અડચણો આવી છે.
પર્યાવરણના મુદ્દે અને સ્થાનિક આદિવાસી જૂથો તરફથી છેલ્લા નવ વર્ષમાં અનેક અડચણો આવતી રહી છે.
અદાણી ગ્રુપે ઑસ્ટ્રેલિયાના કોલસાથી સૌથી સમૃદ્ધ વિસ્તાર ગેલીલી બેઝીનમાં આવેલી ગ્રીનફિલ્ડ કમાઇકલ કોલમાઇન ખરીદી હતી.
આ ઉપરાંત ક્વિન્સલેન્ડના દરિયાકિનારે બોવેન નજીક આવેલા એબોટ પોઇન્ટ પોર્ટની પણ ખરીદી 2010માં કરી હતી.
અદાણીએ અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયામાં 3.3 અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરનું રોકાણ કર્યું છે.
તેમાં રિન્યૂએબલ એનર્જીનો પણ સમાવેશ થઈ જાય છે.
અદાણી જૂથની જ કંપની અદાણી રિન્યૂએબલ્સ ઑસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડમાં મોરાનબા શહેરની નજીક અને દક્ષિણ ઑસ્ટ્રેલિયામાં વાયાલા નજીક સોલર ફાર્મ બનાવશે.
પ્રથમ સોલર પાર્કમાં પ્રથમ તબક્કાનું બાંધકામ ચાલુ થઈ ગયું છે, જેમાં 65 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.
બાદમાં તેની ક્ષમતા વધારીને કુલ 170 મેગાવોટ કરાશે. વાયાલા માટે ઑગસ્ટ 2018માં બાંધકામની મંજૂરી મળી છે. તેની ક્ષમતા 140 મેગાવોટ વીજળીની છે. વર્ષે કુલ 300,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન થશે.
અદાણી ઑસ્ટ્રેલિયાના પ્રવક્તાએ જણાવ્યું કે, "અમારા ભાવિ ઉર્જા સ્રોતોમાં રિન્યૂએબલ્સ અગત્યનો હિસ્સો બની રહેશે. પરંતુ માગ પૂરી કરવા માટે અત્યારે રિન્યૂએબલ્સ પૂરતા નથી. આપણે એ પણ જોવું રહ્યું કે આધારભૂત અને સસ્તી ઊર્જા મળી રહે, અને અહીં જ કોલસાની ભૂમિકા અગત્યની છે."
ખાણથી 160 કિલોમિટર આવેલા ક્લેમન્ટ શહેરમાં આવેલી ગ્રાન્ડ હોટેલના માલિક કેલ્વિન એપલટન ખાણ પ્રોજેક્ટથી ખુશ છે.
એપલટને બીબીસી સાથે ફોન પર વાતચીતમાં કહ્યું હતું, "અમારા સ્થાનિક અર્થતંત્ર માટે તે સારું નીવડશે. અમારા ગામની વસતિ 3000ની છે, તેમાંથી 90 ટકા લોકો ખાણની તરફેણમાં છે. વીજળી માટે અને સ્ટીલના ઉત્પાદન માટે કોલસાની જરૂર છે. અદાણી સામે ઝુંબેશ ચાલે છે તે અમારા માટે શરમજનક છે."
અદાણીના પ્રવક્તાના જણાવ્યા અનુસાર કરમાઇકલ માઇન પ્રોજેક્ટના પ્રારંભના કાર્ય માટે લગભગ 8250 રોજગારી મળશે (1500 નોકરીઓ સીધી ખાણ અને રેલ પ્રોજેક્ટમાં, જ્યારે સંલગ્ન ઉદ્યોગોમાં અંદાજે 6750).
આ પ્રોજેક્ટ 16.5 અબજ ઑસ્ટ્રેલિયન ડૉલરનો મેગા પ્રોજેક્ટ હતો, તેને નાનો કરી દેવાયો છે.
વર્ષે 6 કરોડ ટન કોલસો કાઢવાનો હતો, તેની જગ્યાએ હવે એકથી દોઢ કરોડ ટન કોલસો કાઢવામાં આવશે.
બાદમાં ક્ષમતા વધારીને વર્ષે 2.7 કરોડ ટન સુધીની થાય તેવી શક્યતા છે. પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે બે અબજ ઑસ્ટ્રેલિયન ડૉલર આવશે.
ખાણથી એબોટ પોઇન્ટ કોલ ટર્મિનલ સુધીની 388 કિમી રેલલાઇનને પણ ટૂંકાવીને 200 કિમીની નેરોગેજ કરી દેવાઈ છે, જે વર્તમાન રેલ નેટવર્ક સાથે જોડાઈ જશે.
સરકાર પાસેથી કે મહત્ત્વની બેન્કો પાસેથી ધિરાણ મેળવવામાં કંપની નિષ્ફળ ગઈ છે, પણ કંપની કહે છે કે તેની પાસે સિમિત કરી દેવાયેલા પ્રોજેક્ટ માટે પૂરતું ભંડોળ છે.
જોકે અદાણીની આકરી ટીકાકાર રહેલી ઇન્સ્ટિટ્યૂટ ફૉર એનર્જી ઇકૉનૉમિક્સ એનેલિસિસના જણાવ્યા અનુસાર કંપનીને ભંડોળ ઊભું કરવામાં હજી પણ મુશ્કેલી થઈ શકે છે.
ભારતને અદાણી કોલસાની જરૂર નથી?
આ સંસ્થાના એનર્જી ફાઇનાન્સ સ્ટડીઝના ડિરેક્ટર ટીમ બકલેએ બીબીસીને જણાવ્યું કે, "હું હજી પણ કરમાઇકલ કોલ માઇન પ્રોજેક્ટને બહુ ઓછો લાભકારક ગણું છું. કેમ કે કોલસામાં હાઇ એશ, લૉ એનર્જી રહેલી છે, ખાણ બહુ અંતરિયાળ વિસ્તારમાં આવેલી છે અને અગાઉથી જરૂરી માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ નથી."
બકલે કહે છે, " પ્રોજેક્ટની બેન્કેબિલિટી ઝીરો છે, એવું અદાણીની 2018ની અખબારી યાદીમાં જણાવાયું હતું, કેમ કે તેઓ કોઈ જગ્યાએથી સંસ્થાકીય ધિરાણ મેળવી શક્યા નથી. તેથી તેમણે એકલા હાથે પ્રોજેક્ટ હાથ ધરવો પડે તેમ છે. અન્યત્રથી ધિરાણ મળી રહ્યું નથી, ત્યારે અદાણી પોતાની મૂડીનું જોખમ લેશે? અદાણી જૂથ આ રીતે કામ કરતું નથી."
2017-18માં ઑસ્ટ્રેલિયાએ 4.4 કરોડ ટન મેટાલર્જિકલ અને 38 લાખ ટન થર્મલ કોલસાની નિકાસ ભારતમાં કરી હતી, જેનું મૂલ્ય 42.5 કરોડ ઓસ્ટ્રેલિયન ડૉલર જેટલું હતું.
2019-20માં ભારત મેટાલર્જિકલ અને થર્મલ કોલસાની વધારે આયાત કરશે તેવી ધારણા છે.
સ્થાનિક સ્ટીલ ઉદ્યોગ અને વીજળીની વઘતી માગને કારણે ભારતમાં કોલસાની જરૂર છે એમ ઑસ્ટ્રેલિયાના ઉદ્યોગ, સંશોધન અને વિજ્ઞાન વિભાગના માર્ચ 2019માં પ્રગટ થયેલા રિસોર્સીઝ એન્ડ એનર્જી સામયિકમાં જણાવાયું હતું.
જોકે બ્રાઉન ભારપૂર્વક કહે છે, "ભારતને અદાણીના કોલસાની જરૂર નથી. ભારતને ઑસ્ટ્રેલિયાની સારી રિન્યૂએબલ ટેક્નોલૉજીની જરૂર છે. આંતરરાષ્ટ્રીય કોલસા ઉદ્યોગે પણ જણાવ્યું છે કે આગામી દાયકાઓમાં ધીમે ધીમે કોલસાને દૂર કરવામાં આવશે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો