ક્યાંક તમારા વૉટ્સઍપમાં તો ઇન્સ્ટૉલ નથી થયુંને જાસૂસી સોફ્ટવૅર?

મૅસેજિંગ ઍપ તરીકે પૉપ્યુલર એવા વૉટ્સઍપમાં એક મોટી ખામી હોવાની વાત ખુદ કંપનીએ સ્વીકારી છે. જેમાં હૅકર્સ રિમોટલી કોઈ પણ વ્યક્તિના ફોનમાંથી માહિતી ચોરી શકે છે.

હાલ વૉટ્સઍપે તેમના યૂઝર્સને પોતાની ઍપ્લિકેશન અપડેટ કરવાની સલાહ આપી છે. કંપનીએ આ ખામીને સુધારી લીધી છે

વૉટ્સઍપ ફેસબુકની માલિકીનું છે અને તેના કુલ 1.5 બિલિયનથી પણ વધારે યૂઝર્સ છે. ફેસબુકે પોતાની ઇન્સ્ટન્ટ મૅસેજિંગ ઍપ વૉટ્સઍપની સુરક્ષામાં થયેલી ચૂક વિશે કહ્યું છે, "વૉટ્સઍપમાં થયેલી સુરક્ષાની એક ચૂકના કારણે લોકોના મોબાઇલ ફોનમાં એક જાસૂસી સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ ગયું છે."

બ્રિટિશ અખબાર 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'માં છપાયેલાં એક રિપોર્ટ અનુસાર ઇઝરાયલની એનએસઓ કંપનીએ બનાવેલું જાસૂસી સોફ્ટવૅર વૉટ્સઍપ કૉલ વડે લોકોના ફોનમાં ઇન્સ્ટૉલ થઈ જાય છે.

કેવી રીતે કામ કરે છે?

એક વખત આ સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ ગયું એટલે તે અમુક નંબર પર વૉટ્સઍપ કૉલ કરે છે. જો આ કૉલ રીસિવ કરવામાં ન આવે તો પણ જે-તે નંબર પર આ જાસૂસી સોફ્ટવૅર ઇન્સ્ટૉલ થઈ જાય છે.

ફેસબુકના એન્જિનિયર આ ખામીને ઠીક કરવા માટે રવિવારથી મંડ્યા છે. ફેસબુકે પોતાના ગ્રાહકોને કહ્યું કે સોફ્ટવૅરથી બચવા માટે વૉટ્સઍપનું "નવું વર્ઝન અપડેટ કરી લે."

ઍમ્નેસ્ટિ ટેકના ડૅપ્યુટી પ્રોગ્રામ ડાયરેકટર ડૅન્ના ઇન્ગલેટન કહે છે, "કર્મશીલો અને પત્રકારો પર નજર રાખવા માટે આ પ્રકારના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે અને તેના પુરાવા પણ છે."

"એનએસઓએ તૈયાર કરેલા અનેક ટૂલ્સ દ્વારા તેમના પર પણ હુમલા કરવામાં આવ્યા છે."

તેમણે કહ્યું હતુ કે, "તમે તમારા ફોનમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ ન કરો તો પણ તમારા ફોન પર આ સોફ્ટવૅર હુમલો કરી શકે છે."

હુમલાનો ભોગ કોણ બન્યું?

વૉટ્સઍપના જણાવ્યા અનુસાર આ જાસૂસી સોફ્ટવૅરનો ભોગ કેટલા લોકો બન્યા તે કહેવું અઘરું છે પણ ભોગ બનેલા લોકોમાં કેટલાક મહત્ત્વનાં નામો સામેલ છે.

કેનેડાના સંશોધકો મુજબ આ જાસૂસી સોફ્ટવેર દ્વારા માનવાધિકાર કાર્યકરો અને વકીલોને નિશાન બનાવાયા છે.

નોંધનીય છે કે વિશ્વમાં 150 કરોડથી પણ વધારે લોકો વૉટ્સઍપનો ઉપયોગ કરે છે.

ઇઝરાયનું એનએસઓ ગ્રૂપ શું છે?

આ સાઇબર હુલમા પાછળ કથિત રીતે ઇઝરાયલના એનએસઓ ગ્રૂપનો હાથ હોવાનું માનવામાં આવે છે.

આ ગ્રૂપ ભૂતકાળમાં 'સાયબર આર્મ્સ ડીલર' તરીકે ઓળખાતું હતું.

આ ગ્રૂપે જ 'પૅગાસસ' નામનું એક સોફ્ટવૅર બનાવ્યું હતું જે ટાર્ગેટ ડિવાઇસના માઇક્રોકોન કે કૅમેરા થકી મહત્ત્વના ડેટા મેળવી શકે છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો