You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીનો 1988માં ડિજિટલ કૅમેરા ઉપયોગ કરવાનો દાવો કેટલો સાચો?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ન્યૂઝ નેશનને આપેલું ઇન્ટરવ્યૂ હાલ ચર્ચામાં છે. આ પહેલાં મોદીનું રડાર અંગેનું નિવેદન ચર્ચામાં આવ્યું હતું.
મોદીએ કહ્યું હતું કે બાલાકોટ ઍરસ્ટ્રાઇકને લઈને તેમણે સલાહ આપી હતી કે ખરાબ મોસમને લઈને તેને ટાળવામાં ન આવે.
એ સાથે જ તેમણે કહ્યું હતું કે વાદળો હોવાને કારણે ભારતીય વિમાનો પાકિસ્તાનના રડારની પકડમાંથી બચી શકશે.
હાલ મોદીનું બીજું એક નિવેદન ચર્ચામાં છે, જેમાં મોદીએ કહ્યું હતું કે 1988માં તેમણે ડિજિટલ કૅમેરાનો ઉપયોગ કર્યો હતો.
એ સાથે જ તેમણે કહ્યું હતું કે એ સમયે તેમણે ઈ-મેઇલનો પણ ઉપયોગ કર્યો હતો. મોદીના આ નિવેદનની હાલ ચર્ચા થઈ રહી છે.
મોદીએ ઇન્ટરવ્યૂમાં શું કહ્યું હતું?
ન્યૂઝ નેશન ટીવી ચેનલના ઇન્ટરવ્યૂમાં મોદીને સવાલ પૂછવામાં આવ્યો કે તેઓ આટલા ગૅજેટ ફ્રીક કેવી રીતે બન્યા? ગૅજેટ સમય સાથે બદલાય છે, શું તમે એટલો સમય કાઢી લો છો કે આઇપૅડથી ટ્યુન થઈ શકાય કે સ્માર્ટફોનથી ટ્યુન થઈ શકાય?
જેના જવાબમાં મોદીએ કહ્યું, "મુખ્ય મંત્રી વગેરે તો હું હમણાં જ બન્યો પણ એની અગાઉ ટેકનૉલૉજી પ્રત્યે મારી રુચિ હતી. તો હું એને ઉત્સુકતાથી જોતો. એ સમયે હું ખરીદી વગેરે પણ કરવા જતો. તમે મને બે સ્થળે જોઈ શકો, પુસ્તકની દુકાને અથવા તો ગૅજેટ્સ હોય એ દુકાને."
"અત્યારે કેટલાક લોકો પૅડ પર પેનથી લખે છે એ મારી પાસે કદાચ 1990માં એક પૅડ હતું. હું એ પૅડ પર પેનથી લખતો. 1990માં. અત્યારે એ સામાન્ય થઈ ગયું છે. હું એ સમયે ઉપયોગ કરતો હતો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"કદાચ દેશમાં... કદાચ એટલા માટે કહું છું કે બીજું કોઈ પણ હોઈ શકે છે મને ખબર નથી. મેં પહેલીવાર ડિજિટલ કૅમેરાનો ઉપયોગ કર્યો હતો. 1987-1988ની આસપાસ."
"એ વખતે ખૂબ ઓછા લોકો પાસે ઈ-મેઇલની સુવિધા હતી. તો મારે ત્યાં વીરમગામ તાલુકામાં અડવાણીજીની સભા હતી. તો મેં એ ડિજિટલ કૅમેરા પર એમનો ફોટો પાડ્યો."
"એ વખતે ડિજિટલ કૅમેરો આટલો મોટો આવતો હતો (હાથથી સાઈઝ બતાવે છે.) મેં તસવીર ખેંચી અને દિલ્હીને ટ્રાન્સમિટ કરી અને બીજે દિવસે કલર ફોટો છપાયો. તો અડવાણીજીને ઘણું આશ્ચર્ય થયું કે દિલ્હીમાં મારો કલર ફોટો આજે જ કેવી રીતે છપાયો?"
મોદીના દાવા સામે સવાલો
હાલ મોદીના આ નિવેદન પર સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. અનેક લોકોએ મોદીના આ દાવા સામે પ્રતિક્રિયા આપી છે.
લોકોએ એવા સવાલો પણ કર્યા છે કે ભારતમાં ઇન્ટરનેટ પહેલાં મોદીએ કેવી રીતે ઈ-મેઇલ કર્યો હશે?
આજતક ડિજિટલના એડિટર પાણિની આનંદે ટ્વીટ કરીને લખ્યું હતું કે "ભારતમાં ઇન્ટરનેટ 1995માં આવ્યું અને ડિજિટલ કૅમેરા 1990માં આવ્યો."
તેમણે લખ્યું કે "મોદી છે તો 1988માં પણ ઈ-મેઇલ દ્વારા ડિજિટલ ફોટો ટ્રાન્સફર કરવાનું શક્ય છે."
ઇકૉનૉમિસ્ટ રૂપા સુબ્રમણ્યને ટ્વીટ કરીને લખ્યું, "1988માં પશ્ચિમના વિકસીત દેશોમાં પણ ઈ-મેઇલ ઍકડેમિક્સ અને વૈજ્ઞાનિકો પાસે જ હતું. જોકે, 1995માં ઑફિસિયલી ઈ-મેઇલ આવ્યો તે પહેલાં મોદીએ કોઈ રીતે 1988માં જ તેનો ઉપયોગ કર્યો હોય?"
રાજકીય નિષ્ણાંત સલમાન અનીસ સોઝે લખ્યું, "હું 1993માં અમેરિકા ગયો હતો. ત્યારે AOL મુખ્ય પ્લેયર હતું, જેણે 90ના દાયકાની શરૂઆતમાં ઇન્ટરનેટની સેવા શરૂ કરી હતી. અમારે ઈ-મેઇલનો ઉપયોગ કરવા માટે યુનિવર્સિટી જવું પડતું હતું. 1988માં ભારતમાં તો તે ખૂબ મુશ્કેલ હતું."
જ્યારે ઇન્ડિયા ટીવીના સુશાંત સિંન્હાએ લખ્યું, "ઈ-મેઇલની શરૂઆત 1972માં થઈ હતી અને આ ટેક્નૉલૉજી ભારતમાં 1986માં જ આવી ગઈ હતી."
આ સાથે જ મોદીના કૅમેરાવાળા આ નિવેદન પર કેટલાંક રાજકીય નિવેદનો પણ આવ્યાં હતાં.
કૉંગ્રેસે તેના ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વીટ કરતાં કહ્યું હતું, "હવે મોદીની સિદ્ધીઓમાં ટાઇમ ટ્રાવેલરનો પણ ઉમેરો કરો."
એઆઈએમઆઈએમના નેતા અસાઉદ્દીન ઔવેસીએ ટ્વીટ કર્યું હતું, "મોદી પાસે બટવો ન હતો કારણે કે તેમની પાસે પૈસા ન હતા. પણ તેમની પાસે 1988માં ડિજિટલ કૅમેરા અને ઈ-મેઇલ હતા."
ગુરપ્રીત વાલિયાએ લખ્યું, "જે વ્યકિત પાસે 1988માં ડિજિટલ કૅમેરા અને ઇમેલની સુવિધા હતી એ આપણને રોજ એમ કહે છે કે 70 વર્ષમાં કંઈ નથી થયું."
આપને આ પણ વાચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો