You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મોદીએ કહ્યું, 'વાદળોને લીધે પાક.ના રડારથી ભારતનાં વિમાન બચ્યાં,' વાંચો આમાં સત્ય કેટલું?
- લેેખક, અભિમન્યુ કુમાર સાહા
- પદ, બીબીસી સંવાદદાતા
સંદર્ભ : બાલાકોટ હુમલો
પત્રકાર(એક ઇન્ટરવ્યૂમાં): જ્યારે જવાનો હુમલો કરવા જઈ રહ્યા હતા ત્યારે એ રાત્રે તમે ઊંઘી શક્યા હતા?
વડા પ્રધાન નરેન્દ્ર મોદી: હું દિવસભર વ્યસ્ત હતો. રાત્રે નવ વાગ્યે મેં રિવ્યુ (એર સ્ટ્રાઇકની તૈયારીનો) કર્યો, પછી બાર વાગ્યે રિવ્યુ કર્યો. અમારી સામે સમસ્યા હતી, એ વખતે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો. બહુ વરસાદ પડ્યો હતો.
"નિષ્ણાતો તારીખ(હુમલાની) બદલવા માગતા હતા પરંતુ મે કહ્યું કે આટલાં વાદળાં છે, વરસાદ થઈ રહ્યો છે, તો આપણે રડાર(પાકિસ્તાની)થી બચી શકીશું, બધાં મૂંઝવણમાં હતા, શું કરવું. પછી મેં કહ્યું વાદળ છે, જાઓ... અને (સેના) ચાલી નીકળી..."
બાળકોને પરીક્ષાની ટિપ્સ આપનારા વડા પ્રધાને ફિઝિક્સના વિદ્યાર્થીઓને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
પ્રશ્ન એ છે કે રડાર વાદળોમાં કામ કરે છે કે નહીં
વડા પ્રધાનનું કહેવું છે કે બાલાકોટ હુમલા દરમિયાન ભારતીય સેનાએ ટેક્નિકલ રીતે વાદળોનો ફાયદો ઊઠાવ્યો, ભારતીય મિરાજ પાકિસ્તાનથી બચી શક્યાં અને લક્ષ્ય પર હુમલો કરવામાં સફળ રહ્યાં.
ફિઝિક્સમાં અત્યાર સુધી વિદ્યાર્થીઓને એવું શીખવવામાં આવ્યું છે કે રડાર કોઈ પણ મોસમમાં કામ કરવા માટે સક્ષમ હોય છે. તેમજ તે પોતાના સુક્ષ્મ તરંગોના આધારે વિમાનની જાણકારી મેળવી લે છે.
સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદીના આ નિવેદનની મજાક ઊડાડવામાં આવી રહી છે, તેમને ફિઝિક્સ ભણાવવાની સલાહ પણ આપવામાં આવી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વિજ્ઞાનની બાબતોના જાણકાર પલ્લવ બગલા પણ વડા પ્રધાન મોદીના આ નિવેદનને ખોટું ઠેરવે છે.
તમે આ વાંચ્યું કે નહીં?
તેમણે બીબીસીને કહ્યું, "જ્યાં સુધી મને જાણકારી છે, રડારને વાદળોથી ફરક પડતો નથી. તેના સુક્ષ્મ તરંગો વાદળોને પણ ભેદી શકે છે અને વિમાનની ભાળ મેળવી લે છે. વડા પ્રધાન મોદીનું આ નિવેદન ટેક્નિકલ રીતે બિલકુલ ખોટું છે."
પલ્લવ બગલા સમજાવે છે કે વાદળના કારણે કયા સેટેલાઈટ અને તસવીર લેનાર ઉપકરણો કામ કરવાનું બંધ કરી દે છે.
તેઓ કહે છે, "જ્યારે અંતરિક્ષમાં ઑપ્ટિકલ સેટેલાઇટ (તસવીરો લેતા સેટેલાઇટ) વાદળો અને પ્રકાશની ખામીના કારણે તસવીરો લેવાનું બંધ કરી દે છે ત્યારે રડાર ઇમેજિંગનું સેટેલાઇટ લગાવવામાં આવે છે."
"જેની મદદથી અંતરિક્ષમાંથી એક શક્તિશાળી સુક્ષ્મ તરંગો મોકલવામાં આવે છે, તે લક્ષ્યમાંથી પરાવર્તિત થઈને પરત ફરે છે. તેનાથી જે તસવીરો બને છે, તેને જોઈ શકાય છે."
જોકે, બાલાકોટ મુદ્દે વડા પ્રધાન ભારતીય વિમાનની ભાળ મેળવવા જમીન પરના રડારના ઉપયોગની વાત કરતા હતા.
રડાર શું હોય છે અને તે કઈ રીતે કામ કરે છે?
હવે સવાલ એ ઊભો થાય છે કે રડાર આખરે કેવી રીતે કામ કરે છે અને તેને વિમાન વિશે કેવી રીતે ખબર પડે છે.
રડાર એટલે કે રેડિયો ડિટેક્શન એન્ડ રૅન્જિંગ.
નેશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ ટૅક્નૉલૉજી (એનઆઈટી)પટનાના એક પ્રોફેસરના મતે રડારનો ઉપયોગ વિમાન, જળયાન, કાર વગેરેનું અંતર, ઊંચાઈ, દિશા અને ગતિનો અંદાજ લગાવવા માટે થાય છે.
તે ઉપરાંત તેની મદદથી વાતાવરણમાં આવી રહેલા પરિવર્તનો અંગે પણ જાણકારી મેળવી શકાય છે.
તે 'રિફ્લેક્શન ઑફ ઇલેક્ટ્રોમૅગ્નેટિક વેવ્ઝ'ના નિયમો પર કામ કરે છે. રડારમાં બે પ્રકારનાં ઉપકરણ હોય છે, સેન્ડર અને રિસીવર.
સેન્ડર ઇલેક્ટ્રોમૅગ્નેટિક વેવ્ઝ એટલે કે સુક્ષ્મ તરંગોને લક્ષ્ય તરફ મોકલે છે, જે તેની સાથે ટકરાઈને ફરી રિસીવરને મળે છે.
મોકલવા અને પરત મેળવવામાં કેટલો સમય લાગ્યો તેના આધારે વિમાનનું અંતર, ઊંચાઈ અને ગતિ અંગે અંદાજ લગાવવામાં આવે છે.
દિલ્હીની સડકો પર સીસીટીવી કૅમેરાની જેમ 'રડાર ગન' લગાવવામાં આવી છે, જે ગાડીઓની ગતિની માહિતી મેળવે છે.
ઘણા વિસ્તારોમાં જો ગાડીઓ નિશ્ચિત ગતિથી વધુ ઝડપે ચાલતી હોય તો 'રડાર ગન' તેને ઓળખી કાઢે છે અને ટ્રાફિક પોલીસ તેને દંડ કરે છે.
નિવેદનની ટીકા
શનિવારે એક ટીવી ચૅનલ ન્યૂઝ નેશનને આપેલા ઇન્ટરવ્યૂમાં નરેન્દ્ર મોદીએ એવું પણ કહ્યું કે તેઓ વિજ્ઞાન બહુ સારી રીતે નથી જાણતા પણ નિષ્ણાતો તેમને વાદળોના કારણે હુમલાની તારીખ બદલવાની સલાહ આપી રહ્યા હતા.
શિક્ષણ અને વિજ્ઞાન જગત સાથે જોડાયેલા લોકો વડા પ્રધાનના આ નિવેદનને દેશના જાણકાર વૈજ્ઞાનિકોનું અપમાન સમજે છે.
તેમનું કહેવું છે કે આ તેમના જ્ઞાનની મજાક ઊડાડવા જેવું છે. તેઓ આવી મુર્ખામીભરી સલાહ વડા પ્રધાનને આપી શકે નહીં.
ભાજપના અધિકૃત હૅન્ડલ પરથી પણ વડા પ્રધાનના આ નિવેદનને ટ્વિટ કરવામાં આવ્યું. જ્યારે ટીકા વધી ગઈ તો નિવેદનને ડિલીટ કરી દેવામાં આવ્યું.
ભારત પાસે રડારમાંથી બચી શકે તેવાં વિમાન છે?
બાલાકોટ હુમલા બાદ ભારતે શરૂઆતમાં એવો દાવો કરેલો કે ભારતીય વિમાનો પાકિસ્તાની સીમાથી અંદર ઘૂસીને નિશાન તાક્યું હતું.
પછી એવું કહેવાયું કે ભારતે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં જ હુમલો કર્યો હતો.
ભારતે હુમલા માટે જે સીસ્ટમનો ઉપયોગ કર્યો હતો તે 'સ્ટૅન્ડ ઑફ વેપન' કહેવાય છે. આ એવી સીસ્ટમ હોય છે જે દૂરથી જ નિશાન તાકી શકે છે.
ભારતીય મિરાજ આવા જ 'સ્ટૅન્ડ ઑફ વેપન'થી સજ્જ છે. આ વિમાન વાદળ હોય તો પણ લક્ષ્ય સાધી શકે છે.
હવે તમારા મનમાં એવો સવાલ ઊઠશે કે ભારતીય મિરાજને વાદળથી તો કોઈ ફેર નથી પડતો પણ ભારત પાસે કોઈ એવાં યુદ્ધ વિમાનો છે જે રડારથી બચી શકે? શું રફાલ આવી ટેક્નિકથી સજ્જ હશે?
આ સવાલના જવાબમાં પલ્લવ બગલા કહે છે કે, રડારથી બચવા માટે સ્ટૅલ્થ ટૅક્નૉલૉજીનો ઉપયોગ કરવામાં આવે છે અથવા તો ઊંચાઈ ઓછી રાખવામાં આવે છે.
"જ્યાં સુધી મને જાણકારી છે, ભારતીય મિરાજમાં સ્ટૅલ્થ ટેક્નિક નથી. તમે માત્ર આ જ ટેક્નિકથી રડારના મૅપિંગમાંથી બચી શકો છો."
તેઓ જણાવે છે, કે સ્ટૅલ્થ ટેક્નિકનાં વિમાનો રશિયા અને અમેરિકા પાસે છે. ભારત જે રફાલ વિમાન ખરીદી રહ્યું છે, તેમાં પણ આ ટેક્નિક નથી. ભારતમાં સ્ટૅલ્થ ટેક્નિક ધરાવતાં કોઈ વિમાન નથી.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો