You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતીય વાયુસેનાના હુમલાના 'વાઇરલ વીડિયો'નું સત્ય
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા સહિત કેટલીય અગ્રણી ભારતીય ટીવી ન્યૂઝ ચેનલો પર દર્શાવાઈ રહેલો 'પાકિસ્તાનમાં કથિત ભારતીય ઍરસ્ટ્રાઇક'નો વીડિયો 26 ફ્રેબુઆરીની સવારનો નહીં પણ જૂનો છે.
આ વીડિયો સાથે દાવો કરાઈ રહ્યો છે કે ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં ઘૂસીને જૈશ-એ-મોહમ્મદના મોટા કૅમ્પને તબાહ કરી દીધો.
ભારતના વિદેશસચિવ વિજય ગોખલેએ મંગળવારે સવારે પ્રેસ કૉન્ફરન્સ કરી ભારતીય વાયુસેનાના આ કથિત ગુપ્ત મિશનની જાણકારી આપી.
ગોખલેએ કહ્યું, "ભારત સરકારને વિશ્વસનીય સૂચના મળી હતી કે જૈશ-મોહમ્મદ દેશના અન્ય ભાગમાં આત્મઘાતી હુમલો કરવાની કોશિશ કરી રહ્યું છે. આથી મંગળવારે ભારતે સવારે બાલાકોટમાં જૈશના સૌથી મોટા ટ્રેનિંગ કૅમ્પને નિશાન બનાવાયો ."
ત્યારબાદ ભારત સહિત પાકિસ્તાનમાં #Surgicalstrike2, #IndianAirForce અને #Balakot ટ્વિટરના ટૉપ ટ્રૅન્ડમાં સામેલ છે.
આ હૅશટેગ્સની સાથે ફાઇટર વિમાનો દ્વારા કથિત બૉમ્બવર્ષાનો જે વીડિયો શૅર કરાઈ રહ્યો છે અને ટીવી પર દર્શાવાઈ રહ્યો છે, એ વીડિયો પાકિસ્તાનના સોશિયલ યૂઝર્સ અનુસાર 22 સપ્ટેમ્બર 2016નો છે.
સપ્ટેમ્બર 2016માં યૂ-ટ્યૂબ પર પોસ્ટ કરવામાં આવેલો આ વીડિયો પાકિસ્તાનના ઇસ્લામાબાદનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
વીડિયોમાં કેટલાક ફાઈટર વિમાન ઇસ્લામાબાદ શહેર પર પૅટ્રોલિંગ કરતાં નજરે ચડે છે અને દરમિયાન તેમાંથી એક વિમાન 'લાઈટ ફ્લેયર' છોડે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનના વરિષ્ઠ પત્રકાર હામિદ મીરના 22 સપ્ટેમ્બરના ટ્વીટથી પાકિસ્તાની વાયુસેનાના વિમાનો દ્વારા ઇસ્લામાબાદ પર થયેલા પૅટ્રોલિંગની પુષ્ટિ થાય છે.
સપ્ટેમ્બર 2016ના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 18 સપ્ટેમ્બર 2016ના ઉરી હુમલા બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી રહ્યો હતો, ત્યારે પાકિસ્તાની વાયુસેનાએ ભારત તરફથી હુમલાની આશંકાએ ઇસ્લામાબાદ અને તેની આસપાસ ફાઈટર વિમાનોના લૅન્ડિંગનો અભ્યાસ કર્યો હતો.
આ અભ્યાસ દરમિયાન પાકિસ્તાની વાયુસેનાનાં વિમાનોને લાહોર-ઇસ્લામાબાદ હાઈવે પર ઉતારવાની પ્રૅક્ટિસ પણ કરાવાઈ હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
બીજો વીડિયો
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ મોહમ્મદ જિયા ઉલ-હકના પુત્ર એઝાઝ ઉલ-હકે 24 ફ્રેબુઆરી 2019ની સવારે 10 વાગ્યે ટ્વીટ કર્યું, "ગત રાતે મેં ફોર્ટ અબ્બાસ વિસ્તારમાં સવા બે વાગ્યે ફાઇટર વિમાનોનો તેજ અવાજ સાંભળ્યો."
"અવાજ સાંભળતાં જ હું હચમચી ઊઠ્યો. શું તે નિયમ તોડીને સીમા પાર આવેલાં ભારતીય વાયુસેનાનાં વિમાનો હતાં કે તેમનો પીછો કરી રહેલાં પાકિસ્તાની વાયુસેનાનાં વિમાન?"
એઝાઝ ઉલ-હકે આ ટ્વીટ બૉર્ડર પાસે રહેલા હારુનાબાદ (પાકિસ્તાન)થી કર્યું હતું. ભારત સરકારે જે જગ્યાએ ઍર-સ્ટ્રાઇકનો દાવો કર્યો છે, હારૂનાબાદ તેનાથી ઘણે દૂર દક્ષિણમાં આવેલું છે.
જોકે, હાલમાં પાકિસ્તાનના અસદ નામના એક ટ્વિટર યૂઝરે એઝાઝ ઉલ-હકના ટ્વીટના જવાબમાં અન્ય એક વીડિયો પોસ્ટ કર્યો છે.
આ વીડિયો 25 ફ્રેબુઆરીની બપોરે 1:21 વાગ્યે પોસ્ટ કરવામાં આવ્યો, એટલે કે કથિત ઍર-સ્ટ્રાઇકના દાવાની એક રાત પહેલાં.
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર આ વીડિયોને પાકિસ્તાની વાયુસેનાની બહાદુરી ગણાવીને શૅર કરવામાં આવી રહ્યો છે.
પરંતુ આ બંને વીડિયો ભારતીય મીડિયામાં અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનના સ્થાનિક લોકોના હવાલાથી 'ઍર-સ્ટ્રાઇકનો વીડિયો' ગણાવી જોવા-દેખાડવામાં આવી રહ્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો