You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પુલવામા હુમલો: એ સવાલ જેના જવાબ હજુ સુધી નથી મળ્યા
- લેેખક, ટીમ બીબીસી હિન્દી
- પદ, દિલ્હીથી
છેલ્લાં ઘણાં વર્ષોમાં ભારતીય સૈનિકો ઉપર થયેલા હુમલાઓમાં પુલવામા હુમલો સૌથી મોટો હુમલો છે. 14 ફેબ્રુઆરીએ સીઆરપીએફના કાફલા ઉપર જૈશ-એ-મોહમ્મદે એક આત્મઘાતી હુમલો કર્યો જેમાં 40થી વધુ જવાનો માર્યા ગયા.
આ હુમલા બાદ જ્યાં આખો દેશ આક્રોશમાં છે, ત્યાં બીજી તરફ, સરકાર અને સંચાર તંત્ર ઉપર ઘણા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. આ એવા સવાલ છે જેના હજુ સુધી સરકારે જવાબ નથી આપ્યા.
પુલવામા હુમલા સાથે સંકળાયેલા સવાલો જેના જવાબની રાહ જોવાઈ રહી છે.
- હુમલા પછી જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલે કહ્યું કે ઇન્ટેલિજન્સ ઇનપુટ મળ્યા પરંતુ એને 'અવગણવા'માં આવ્યા. આ સ્થિતિમાંમાં સૌથી મોટો સવાલ એ છે કે જો હુમલા સાથે સંકળાયેલી ઇન્ટેલિજન્સ જાણકારીઓ મળી હતી તો તેને કેમ ગંભીરતાથી લેવામાં ના આવી?
- આટલા મોટા હુમલાની તૈયારીમાં મહિનાઓનો સમય લાગે છે, જો એ દરમિયાન સેનાને અથવા ગૃહ મંત્રાલયને આવા કોઈ હુમલાની ગંધ ના આવે તો શું ભારતના જાસૂસી તંત્ર દ્વારા મોટી ચૂક નથી થઈ?
- જમ્મુ-શ્રીનગર હાઈવે એ રસ્તાઓમાં સામેલ છે, જ્યાં દેશના સૌથી કડક સુરક્ષા માપદંડ લાગુ છે. આ હાઈવે ઉપર તમામ સામાન્ય ગાડીઓની કડક તપાસ કરવામાં આવે છે. આખરે વિસ્ફોટકથી ભરેલી કોઈ ગાડી હાઈવેની કડક સુરક્ષાને હાથતાળી કેવી રીતે આપી શકી?
- 250-300 કિલોગ્રામ વિસ્ફોટક આખરે ભારતમાં કેવી રીતે આવ્યા, અને જો બહારથી નથી આવ્યો તો આટલી ભારે માત્રામાં વિસ્ફોટક હુમલાખોરોને હાથે કેવી રીતે લાગ્યા?
- 78 ગાડીઓના કાફલાને એકસાથે લઈ જવા પાછળ મોસમનું કારણ ધરવામાં આવી રહ્યું છે. તો શું 2547 જવાનોની સંખ્યાવાળા આ મોટા કાફલાને શું ઍરલિફ્ટ કરી શકાય એમ નહોતો?
તમે આ વાંચ્યું કે નહીં?
રક્ષા નિષ્ણાતોના અગત્યના સવાલ
નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડી. એસ હુડ્ડાએ વર્ષ 2016માં ભારત તરફથી પાકિસ્તાન ઉપર કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઇકનું નેતૃત્વ કર્યું હતું. પુલવામા હુમલા પછી તેમણે સવાલ ઉઠાવ્યો કે "આ એ શક્ય નથી કે આટલી વધુ માત્રામાં વિસ્ફોટક સીમા પારથી આવી જાય."
લેફ્ટનન્ટ જનરલ ડી. એસ. હુડ્ડાનું કહેવું છે "આ વિસ્ફોટક છુપાવીને લઈ જવામાં આવ્યો હશે અને આ હુમલામાં ઉપયોગ કરવામાં આવ્યો. આપણે પાડોશી દેશની સાથે આપણા સંબંધોની બાબતે ફરીવાર વિચારવાની જરૂર છે."
કૉંગ્રેસે રક્ષા બાબતોમાં સલાહ આપવા માટે એક સમિતિ બનાવી છે જેનું નેતૃત્વ લેફ્ટનન્ટ જનરલ હુડ્ડા કરી રહ્યા છે.
પુલવામા હુમલાની પાછળના કારણો ઉપર ભૂતપૂર્વ રૉ ચીફ વિક્રમ સુદનું પણ કંઈક આવું જ કહેવું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે સમાચાર એજન્સી એએનઆઈને કહ્યું, "આ હુમલો સુરક્ષાની કોઈ ગફલત વગર થઈ શકે એમ નહોતો. મને નથી ખબર કે આખરે ભૂલ કેવી રીતે થઈ પરંતુ આવી ઘટના સુરક્ષામાં ગડબડ વગર થઈ શકે નહીં."
હૈદરાબાદમાં એક સેમિનાર દરમિયાન સુદે કહ્યું, "સ્પષ્ટ છે કે આ હુમલામાં એકથી વધુ લોકો સામેલ છે. કોઈએ કારનો બંદોબસ્ત કર્યો હશે, તેમને સીઆરપીએફના કાફલાના રસ્તાની સંપૂર્ણ માહિતી હશે. એક આખા સમૂહે આ હુમલાને અંજામ આપ્યો છે."
સરકારે શું પગલાં લીધાં?
હુમલા પછી કેન્દ્ર સરકારે જવાનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લીધા છે. હવે અર્ધ સૈનિક દળોના જવાનોને શ્રીનગર આવવા અને જવા માટે હવાઈ યાત્રાની સગવડ મળી શકશે.
ગૃહ મંત્રાલય તરફથી પાઠવવામાં આવેલા સંદેશ અનુસાર દિલ્હી-શ્રીનગર, શ્રીનગર-દિલ્હી, જમ્મુ-શ્રીનગર અને શ્રીનગર-જમ્મુની વચ્ચે કોઈ પણ મુસાફરી માટે અર્ધસૈનિક દળના જવાન હવાઈ સફર કરી શકશે.
કેન્દ્રીય સશસ્ત્ર અર્ધસૈનિક દળોના તમામ જવાનો ઉપર આ આદેશ લાગુ પડશે. આ આદેશથી અર્ધસૈનિક દળોના 7 લાખ 80 હજાર જવાનોને લાભ થશે.
એમાં કૉન્સટેબલ, હેડ કૉન્સટેબલ અને એએસઆઈથી માંડીને અન્ય તમામ જવાન સામેલ છે. આ જવાનોને હજુ સુધી આ વિસ્તારોમાં હવાઈ સફર કરવાની સુવિધા નહોતી.
ગૃહ મંત્રાલયે આ નિર્ણયને તરત લાગુ કરવાનો આદેશ આપ્યો છે. આદેશ મુજબ જવાન ફરજ દરમિયાન મુસાફરી કરવા ઉપરાંત રજાઓ ઉપર શ્રીનગરથી જવા અથવા પછી ફરજ ઉપર પરત આવવા માટે પણ હવાઈ યાત્રાનો ઉપયોગ કરી શકશે.
જમ્મુ-કાશ્મીરમાં મોટા કાફલાના પસાર થવા દરમિયાન સામાન્ય લોકોનો ટ્રાફિક અટકાવવામાં આવશે.
શ્રીનગરમાં ગૃહ મંત્રી રાજનાથ સિંહે કહ્યું, "સીઆરપીએફ કાફલા ઉપર જે રીતે આ આત્મઘાતી હુમલો થયો છે એ જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે કે મોટા કાફલાના પસાર થવાના સમય દરમિયાન સામાન્ય લોકોનો ટ્રાફિક થોડા સમય માટે અટકાવવામાં આવશે. સામાન્ય લોકોને થોડી વાર માટે અગવડ પડી શકે છે એ માટે અમે માફી માગીએ છીએ."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો