You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શું નરેન્દ્ર મોદી સરકારે છૂપી રીતે 200 ટન સોનું વિદેશ મોકલ્યું? - ફૅક્ટ ચૅક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે 'મોદી સરકારે સત્તામાં આવતાની સાથે જ રિઝર્વ બૅંકનું 200 ટન સોનું છૂપી રીતે વિદેશ મોકલી દીધું હતું.'
બીબીસીના ઘણા વાચકોએ વૉટ્સઍપ દ્વારા અમને અખબારોના એ કટિંગ અને વેબસાઇટના સ્ક્રીનશૉટ્સ મોકલ્યા છે જેમાં લખ્યું છે કે 'મોદી સરકારે છૂપી રીતે રિઝર્વ બૅંકનું 200ટન સોનું વિદેશ મોકલી દીધું છે.'
ઘણા લોકોએ નેશનલ હેરાલ્ડના અહેવાલની એ લિંક પણ મોકલી જેને કૉંગ્રેસ પાર્ટીના અધિકૃત ટ્વિટર હૅન્ડલ પરથી ટ્વિટ કરવામાં આવી આવી છે.
તમે આ વાંચ્યું કે નહીં?
સોશિયલ મીડિયા પર સેંકડો વખત શૅર થઈ ચૂકેલો નેશનલ હેરાલ્ડનો આ રિપોર્ટ નવનીત ચતુર્વેદી નામના વ્યક્તિના આરોપોના આધારે લખવામાં આવ્યો છે.
અખબારમાં લખ્યું છે, "શું મોદી સરકારે 2014માં સત્તા સંભાળતાં જ દેશનું 200 ટન સોનું છૂપી રીતે સ્વિત્ઝરલૅન્ડ મોકલ્યું?"
પરંતુ રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાના મતે આ દાવો બિલકુલ ખોટો છે.
રિઝર્વ બૅંકના ચીફ જનરલ મૅનેજર યોગેશ દયાળનું કહેવું છે કે વર્ષ 2014 કે તેના પછી પણ રિઝર્વ બૅંકે પોતાના સોનાના કોષમાંથી કોઈ સોનું વિદેશ મોકલ્યું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અફવા અને આક્ષેપ
દક્ષિણ દિલ્હી લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવી ચૂકેલા 'નેશનલ યૂથ પાર્ટી'ના ઉમેદવાર નવનીત ચતુર્વેદીએ 1 મે, 2019 એટલે કે બુધવારે એક બ્લૉગ લખ્યો હતો.
તેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે મોદી સરકારે વિપક્ષને જાણ કર્યા વિના અને કોઈ માહિતી આપ્યા વિના જ રિઝર્વ બૅંકનું 200 ટન સોનું વિદેશ મોકલી દીધું.
પોતાને એક સ્વતંત્ર ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ માનતા નવનીતે પોતાના બ્લૉગમાં દાવો કર્યો છે કે મોદી સરકારે દેશનું આ સોનું વિદેશમાં ગીરવી મૂક્યું છે.
બીબીસી સાથે વાત કરતાં નવનીતે કહ્યું કે લિંકડિન નામની માઇક્રો-બ્લૉગિંગ સાઇટ પર તેમણે આ બ્લૉગ આરટીઆઈ દ્વારા મળેલી માહિતીના આધારે લખ્યો છે.
નવનીતે પોતાના બ્લૉગમાં આરટીઆઈની જે નકલ પોસ્ટ કરી છે, તે મુજબ રિઝર્વ બૅંકે એવી માહિતી આપી છે કે ભારતનું 268.01 ટન સોનું 'બૅંક ઑફ ઇંગ્લૅન્ડ' અને 'બૅંક ઑફ ઇન્ટરનેશનલ સેટલમૅન્ટ્સમાં' સુરક્ષિત છે.
પરંતુ એ કોઈ છૂપી જાણકારી નથી. રિઝર્વ બૅંક ઑફ ઇન્ડિયાની અધિકૃત વેબસાઇટ પર 6 જુલાઈ, 2018ના રોજ 'ફોરેન એક્સ્ચેન્જ રિઝર્વ્ઝ' પર એક રિપોર્ટ પ્રકાશિત થયો હતો જેમાં આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે.
વિદેશમાં રહેલું ભારતીય સોનું
સોશિયલ મીડિયા પર નવનીત ચતુર્વેદી દ્વારા જે શૅર કરવામાં આવી છે તે આરબીઆઈની જૂની બૅલેન્સશીટ છે.
આ પણ કોઈ ગુપ્ત માહિતી નથી. આરબીઆઈની સાઇટ પર આ બૅલેન્સશીટ પણ વાંચી શકાય છે.
નવનીતે કહ્યું, "વર્ષ 2014 પહેલાંની બૅલેન્સશીટમાં એ સ્પષ્ટ લખેલું છે કે વિદેશમાં રાખેલાં ભારતીય સોનાનું મૂલ્ય શૂન્ય છે જ્યારે 2014-15ની બૅલેન્સશીટમાં એવું નથી."
પરંતુ અમને જાણવા મળ્યું કે નાણાકીય વર્ષ 2013-14 અને 2014-15 વચ્ચે બૅલેન્સશીટનું ફૉર્મેટ બદલાવાથી આ અફવાઓ ફેલાઈ છે.
આરબીઆઈના વરિષ્ઠ અધિકારી યોગેશ દયાળના મતે દુનિયાભરની કેન્દ્રિય બૅંકો માટે આ સામાન્ય વાત છે, કે તેઓ પોતાનું સોનું સુરક્ષિત રાખવા માટે તેને 'બૅંક ઑફ ઇન્ગલૅન્ડ' જેવી અન્ય દેશોની કેન્દ્રિય બૅંકોમાં રાખી મૂકે છે.
વિદેશોમાં રહેલાં ગોલ્ડ રિઝર્વ અંગે અમે નાણાકીય બાબતોના નિષ્ણાત એન સુબ્રમણિયમ સાથે વાત કરી.
તેમણે કહ્યું કે જે સોનું વિદેશી બૅંકોમાં રાખેલું છે, તે ગીરવી જ મૂકાયું હોય એવું નથી. દુનિયાભરમાં આ એક સામાન્ય પ્રક્રિયા છે કે જ્યારે કોઈ દેશ બીજા દેશ પાસેથી સોનું ખરીદે છે તો એ જ દેશની સુરક્ષા હેઠળ મૂકી દે છે. પછી તે યૂકે હોય કે અમેરિકા.
એન સુબ્રમણિયમ કહે છે કે આવા કિસ્સામાં જે સોનું વિદેશમાં મૂકેલું હોય છે, તે કહેવાય છે તો એ જ દેશનું જેણે એને ખરીદ્યું હોય.
સપ્ટેમ્બર 2018માં આરબીઆઈ દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર હાલના સમયમાં ભારત પાસે 586.44 ટન સોનું છે, જેમાંથી 294.14 ટન સોનું વિદેશી બૅંકોમાં રાખેલું છે.
આરબીઆઈના મતે તેને ગીરવી મૂકેલું સોનું કહી શકાય નહીં.
1991માં ભારતે સોનું ગીરવી મૂક્યું
ખાડીયુદ્ધ બાદ વૈશ્વિક સ્તર પર કાચા તેલની વધતી કિંમતો અને આંતરિક રાજનીતિની અનિશ્ચિતતા વચ્ચે વર્ષ 1991માં ભારતને વિદેશી મુદ્રાની ભારે ખેંચનો સામનો કરવો પડ્યો હતો.
એ વખતે ભારતની એવી આર્થિક સ્થિતિ થઈ ગયેલી કે તે અમુક જ અઠવાડિયા સુધીની આયાત થઈ શકે એવું હતું.
આ સ્થિતિમાં વિદેશી મુદ્રા એકઠી કરવા માટે ભારતે 67ટન સોનું બૅંક ઑફ ઇંગ્લૅન્ડમાં ગીરવી મુકવું પડ્યું હતું.
આપને આ પણ વાંચવું ગમશે
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો