ભગવદગીતા વેચવા બદલ કૃષ્ણભક્તો અને પોલીસ વચ્ચે મારપીટની હકીકત

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

સોશિયલ મીડિયા પર પોલીસ અને કેટલાક કૃષ્ણ ભક્તો વચ્ચે લડાઈનો એક વીડિયો ખૂબ શૅર કરવામાં આવી રહ્યો છે.

વીડિયો એ દાવા સાથે શૅર કરવામાં આવી રહ્યો છે કે, "બંગાળ પોલીસે ઇસ્કૉન મંદિરના કૃષ્ણ ભક્તો સાથે માત્ર એ માટે મારપીટ કરી કેમ કે તેઓ ભજન કીર્તન કરતા ભગવદગીતા વેચી રહ્યા હતા."

ફેસબુક પર ઘણા લોકોએ વીડિયોને શૅર કરતા લખ્યું છે કે, "બંગાળ પોલીસ દ્વારા ઇસ્કૉન મંદિરના ભક્તો પર હિંસક કાર્યવાહી. તેમનો ગુનો હતો કે તેઓ ભગવદગીતા વેચી રહ્યા હતા. આપણે આ વીડિયોને વાઇરલ કરવો જોઈએ. મમતા અને TMC ગુંડા છે."

ચોકીદાર રાજી સિંહ નામના એક ટ્વિટર યૂઝરે વીડિયોને ટ્વીટ કરરતા લખ્યું છે કે "આ ઘટના આશરે 5 મહિના પહેલા બંગાળમાં ઘટી હતી. હિંદુ અને ધાર્મિક હોવાના કારણે આપણને ભાજપની જરૂર છે. ઇસ્કૉન ભક્તો પર બંગાળ પોલીસે હિંસક કાર્યવાહી કરી, તેમનો ગુનો એટલો હતો કે તેઓ કીર્તન કરતા ભગવદગીતા વેચી રહ્યા હતા."

બીબીસીના વાચકોએ પણ આ વીડિયોની સત્યતા જાણવા માટે અમને આ વીડિયો વૉટ્સએપ પર મોકલ્યો છે.

એક મિનિટ અને 30 સેકેન્ડના આ વીડિયોમાં પોલીસ અને ભગવા કપડાં પહેરેલા કેટલાંક લોકો વચ્ચે ઝપાઝપી થતી જોવા મળી રહી છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પોલીસ આ લોકોને પકડીને ગાડીમાં બેસાડવાનો પ્રયાસ કરે છે. જ્યારબાદ બન્ને વચ્ચે ઝપાઝપી અને મારપીટ શરૂ થઈ જાય છે.

બીબીસીની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો ભ્રામક છે અને તેમાં કરવામાં આવેલા દાવા ખોટા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

વીડિયોની સત્યતા

ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર અમને ગોવા ડેઇલી ન્યૂઝપેપર હેરાલ્ડનો એક રિપોર્ટ મળ્યો કે જે 26 નવેમ્બર 2008ના રોજ પ્રકાશિત થયો હતો.

જોકે, રિપોર્ટ ખૂબ જૂનો થઈ જવાના કારણે ગોવા હેરાલ્ડની વેબસાઇટ પર માત્ર રિપોર્ટની હેડલાઇન અને તારીખ જ વાચી શકાય છે.

હેડલાઇન તરીકે લખવામાં આવ્યું છે કે, "હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાયના રશિયન સભ્ય અને એક પોલીસ અધિકારી વચ્ચે ઝપાઝપી."

કોઈ ટેકનિકલ ખામીના કારણે વેબસાઇટ પર કેટલાક જૂના રિપોર્ટને વાચી શકાતા નથી.

પરંતુ રિપોર્ટના પ્રકાશનની તારીખ અને હેડલાઇનથી એ વાતની પુષ્ટિ થઈ શકે છે કે સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહેલો વીડિયો એક દાયકા જૂનો છે.

વીડિયો બંગાળનો નહીં પણ ગોવાના માપુસા ટેક્સી સ્ટેન્ડ પર ઘટેલી ઘટનાનો છે.

હેડલાઇનના પ્રમાણે વીડિયોમાં ભગવા રંગના કપડામાં દેખાઈ રહેલા લોકો હરે રામ હરે કૃષ્ણ સંપ્રદાયના રશિયન સભ્ય છે જેમનો કોઈ વાતને લઈને તે સમયે પોલીસ સાથે વિવાદ થયો હતો.

તેના પગલે બન્ને પક્ષો વચ્ચે મારપીટ થઈ હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો