You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન મોદીના 'મેકઅપ પર દર મહિને 80 લાખ રૂપિયાના ખર્ચ'ની હકીકત - ફૅક્ટ ચેક
- લેેખક, ફૅક્ટ ચેક ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે અને દાવો કરાઈ રહ્યો છે કે તેમના મેકઅપ પર દર મહિને 80 લાખ રૂપિયાનો ખર્ચ થાય છે.
આશરે 45 સેકંડના આ વાઇરલ વીડિયોમાં કેટલાંક બ્યુટીશિયન અને સ્ટાઇલિસ્ટ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આસપાસ દેખાઈ રહ્યાં છે.
ફેસબુક અને ટ્વિટર પર આ વીડિયો હજારો વખત જોવાઈ ચૂક્યો છે અને સેંકડો વખત આ વીડિયો શૅર પણ થઈ ચૂક્યો છે.
મોટાભાગના લોકોએ સોશિયલ મીડિયા પર આ વીડિયો સાથે લખ્યું છે, "આ ગરીબોનો દીકરો મેકઅપ કરાવી રહ્યો છે. આરટીઆઈ થકી ખુલાસો થયો છે કે તેમના શ્રૃંગાર માટે બ્યુટીશિયનને પ્રતિમાસ 80 લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે."
ગુરુગ્રામ કૉંગ્રેસના અધિકૃત ફેસબુક પૅજ પર પણ વીડિયો આ જ દાવા સાથે શૅર કરવામાં આવ્યો છે, જે 95 હજારથી વધુ વખત જોવાઈ ચૂક્યો છે.
પણ અમારી તપાસમાં અમે જાણ્યું કે આ વીડિયો તો સાચો છે પણ તેને ખોટા સંદર્ભ સાથે શૅર કરાઈ રહ્યો છે.
સાથે જ વાઇરલ વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દેખાતા લોકો તેમના પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ નથી.
વીડિયોની હકીકત
જેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મેકઅપનો વીડિયો ગણાવવામાં આવે છે, તે 2016નો વીડિયો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ વીડિયો લંડન સ્થિત જાણીતા મૅડમ તુસાદ મ્યુઝિયમે જાહેર કર્યો હતો.
16 માર્ચ, 2016ના રોજ મૅડમ તુસાદ મ્યુઝિયમે તેમના અધિકૃત યૂટ્યુબ પૅજ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
મૅડમ તુસાદ મ્યુઝિયમ પ્રમાણે આ વીડિયો ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મીણના પૂતળા માટે માપ લેતી વખતે શૂટ કરવામાં આવ્યો હતો.
મૅડમ તુસાદ મ્યુઝિયમથી 20 કર્મચારીઓની એક ટીમ દિલ્હી સ્થિત વડા પ્રધાન નિવાસ ખાતે પહોંચી હતી, જેણે ચાર મહિનાનો સમય લઈને વડા પ્રધાનનું પૂતળું તૈયાર કર્યું હતું.
વાઇરલ વીડિયોમાં દેખાતાં લોકો પર્સનલ મેકઅપ આર્ટિસ્ટ નહીં પણ મૅડમ તુસાદ મ્યુઝિયમનાં કર્મચારીઓ છે.
મૅડમ તુસાદ મ્યુઝિયમ પ્રમાણે વડા પ્રધાન મોદીનું પૂતળું લંડનના મ્યુઝિયમમાં 28 એપ્રિલ 2016ના રોજ સ્થાપવામાં આવ્યું હતું.
આરટીઆઈની હકીકત શું છે?
સોશિયલ મીડિયા પર વડા પ્રધાન મોદી સંબંધિત જે કથિત આરટીઆઈને આધાર બનાવીને વીડિયો શૅર કરાઈ રહ્યો છે, એવી કોઈ આરટીઆઈ પીએમ ઇંડિયાની અધિકૃત વેબસાઇટ પર ઉપલબ્ધ નથી.
પીએમ ઇંડિયાની અધિકૃત વેબસાઇટ પ્રમાણે નરેન્દ્ર મોદીની શૈક્ષણિક લાયકાત, તેમની રજાઓ, ઓફિસની વાઈફાઈ સ્પીડ અને દરરોજના શિડ્યુલ સંદર્ભે લોકોએ આરટીઆઈ થકી પ્રશ્નો પૂછ્યા છે.
વેબસાઇટ પર આપવામાં આવેલી યાદીમાં વડા પ્રધાન મોદીના મેકઅપ અને તેમનાં કપડાં માટે થતા ખર્ચ અંગે પ્રશ્ન સામેલ નથી.
2018ના કેટલાક મીડિયા અહેવાલો પ્રમાણે આરટીઆઈ ઍક્ટિવિસ્ટે ગયા વર્ષે પૂછ્યું હતું કે 1988થી માંડીને અત્યાર સુધી જે લોકો ભારતના વડા પ્રધાન રહ્યા છે તેમનાં કપડાં પર કેટલો સરકારી ખર્ચ થયો?
એના જવાબમાં વડા પ્રધાન કાર્યાલયે કહ્યું હતું કે માગવામાં આવેલી માહિતી અંગત માહિતીની શ્રેણીમાં આવે છે અને તેનો કોઈ સત્તાવાર રેકૉર્ડ ઉપલબ્ધ નથી.
પીએમઓએ પોતાના આ જવાબમાં નોંધ પણ લખી હતી કે વડા પ્રધાનનાં કપડાંનો ખર્ચ સરકાર ઉઠાવતી નથી.
જે આરટીઆઈના હવાલાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદા મેકઅપ ખર્ચને 80 લાખ રૂપિયા ગણાવાઈ રહ્યો છે, બીબીસી તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો