ભારતની એ દિવ્યાંગ યુવતી જેમણે વિશ્વનાં સૌથી ઊંચા સાત શિખરો સર કર્યાં

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

માઉન્ટ એવરેસ્ટ સર કરવો તેને દુનિયાની સૌથી અઘરી બાબત માનવામાં આવે છે.

એવા અનેક લોકો છે, જે માઉન્ટ એવરેસ્ટ સર કરવાની સફર અધવચ્ચે જ છોડી દે છે.

ત્યારે અકસ્માતમાં એક પગ ગુમાવ્યા બાદ અરુણિમા નામનાં યુવતી એવરેસ્ટ ચડવાનું લક્ષ્ય બનાવે છે.

જેને એ માત્ર બે વર્ષમાં પુરું કરે છે. એટલું જ નહીં, તે દુનિયાના સાત સૌથી ઊંચા પર્વત પણ સર કરે છે.

30 વર્ષનાં અરુણિમા સિંહા દુનિયાનાં પ્રથમ દિવ્યાંગ મહિલા બન્યાં છે.

જેમણે દુનિયાનાં એવરેસ્ટ સહિતનાં આઠ સૌથી ઊંચા શિખરોમાંથી સાત સર કરી લીધાં છે.

તેમણે શનિવારે તેમણે એન્ટાર્કટિકાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ વિન્સન સર કર્યું હતું.

ચાલતી ટ્રેનમાંથી લૂંટારુઓએ બહાર ફેંક્યાં

ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં 1988માં જન્મેલાં અરુણિમા સિંહા રાષ્ટ્રિય કક્ષાની ફૂટબૉલ અને વૉલિબૉલનાં ખેલાડી રહી ચૂક્યાં છે.

11 એપ્રિલ, 2011ના રોજ તેઓ સીઆઈએસએફની પરીક્ષા આપવા માટે લખનૌથી દિલ્હી જઈ રહ્યાં હતાં.

ત્યારે ટ્રેનમાં લૂંટારુઓએ તેમનો સામાન અને ગળામાં રહેલી એક સોનાની ચેન ખેંચવાનો પ્રયત્ન કર્યા હતો.

તેમનો સામનો કરતાં અને બાથ ભીડતાં લૂંટારુઓએ તેમને ચાલતી ટ્રેનમાંથી બહાર ફેંકી દીધાં હતાં.

તેઓ પાટા પર પડ્યાં અને સામેથી આવતી ટ્રેનમાં તેમનો પગ આવી જતાં તેમને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો.

આ ઘટના અંગે તેઓ પોતાની વૅબસાઈટ પર લખે છે, "એ રાત્રે હું બે પાટા વચ્ચે પડેલી અને મારી બાજુમાંથી લગભગ આઠ ટ્રેન નીકળી."

"હું મારી જગ્યા પરથી ખસી પણ શકતી નહોતી ત્યારે મને થયું કે જો આ સ્થિતીમાં હું જીવી ગઈ તો મને હવે કંઈ જ નહીં થાય."

તેઓ આગળ કહે છે કે તેમની સારવાર દરમિયાન પોલીસ તપાસમાં તેમના પર આક્ષેપ કરવામાં આવ્યા કે તેમણે આત્મહત્યા કરવાની કોશિશ કરી અથવા તેઓ પડી ગયાં.

અરુણિમા લખે છે, "હવેં હું દુનિયાનું સૌથી અઘરું કામ કરીશ અને સૌથી અઘરું કામ એટલે એવરેસ્ટ સર કરવાનું."

"મેં સારવાર દરમિયાન જ માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય કરેલો, જેને લોકોએ મૂર્ખતા ગણાવેલી. એક પગ જ નથી રહ્યો એ વળી એવરેસ્ટ કેવી રીતે ચડે."

માઉન્ટ એવરેસ્ટ સર કરીને આઈઆઈએમ અમદાવાદની મુલાકાત દરમિયાન અરુણિમાએ કહેલું કે મારી હાજરીમાં જે લોકો મારા વિશે ખરાબ બોલી શકતા હોય એ હું ન બચી હોત તો શું બોલત. મારી આ સિદ્ધિ એ દરેક લોકોને જવાબ છે.

માઉન્ટ એવરેસ્ટની સફર

સ્થાનિક હૉસ્પિટલમાં ઇલાજ બાદ તેમના પગના ઑપરેશન માટે તેમને ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

અરુણિમા કહે છે, "તેમણે માઉન્ટ એવરેસ્ટ સર કરવાનો નિર્ણય અહીં જ લીધો હતો."

"2011માં પોતાના ભાઈના સહકારથી તેમણે એક દિવસ બચેન્દ્રી પાલ સાથે ફોન પર વાત કરી. તેમને તાલીમ આપવા માટે સહમત કર્યાં."

2012માં તેમણે ઉત્તરકાશીમાં ટાટા સ્ટીલ ઍડવેન્ચર ફાઉન્ડેશનમાં પોતાની તાલીમ શરૂ કરી. પ્રાથમિક તૈયારીના ભાગરૂપે તેણે 2012માં આઇલૅન્ડ પીક સર કર્યું હતું.

તેઓ કહે છે, "આ તાલીમ દરમિયાન અનેક વખત એવું બન્યું કે ચઢાણ દરમિયાન મારા કૃત્રિમ પગના બાઉલમાં લોહી ભરાઈ જતું."

"મને લોકો આગળ ચડવાની ના પાડતાં પણ મારે હાર નહોતી માનવી."

દુનિયાનાં આઠ સૌથી ઊંચા શિખરો સર કરવાનું સ્વપ્ન

અરુણિમા સિંહાની વેબસાઈટ પર જણાવ્યા અનુસાર બચેન્દ્રી પાલ પાસે બે વર્ષ સુધી તાલીમ લીધા બાદ તેમણે 52 દિવસમાં એવરેસ્ટનું શિખર સર કર્યું હતું.

તેમણે 21મે, 2013ના રોજ સતત 17 કલાકના કપરા ચઢાણ બાદ કુલ 8,848 મીટર ઊંચો એવરેસ્ટ સર કરેલો.

અહીંથી ન અટકીને તેમણે દુનિયાનાં અન્ય સૌથી ઊંચાં સાત શિખરો સર કરવાનો નિર્ણય કર્યો.

ત્યાર બાદ 1 મે, 2014 થી 11 મે, 2014 દરમિયાન દસ દિવસમાં તાન્ઝાનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કિલિમંજારો સર કર્યું.

જુલાઈ 15, 2014 થી 25 જુલાઈ સુધીમાં તેણે રશિયાનું માઉન્ટ એલ્બ્રસ સર કર્યું, જે 5,642 મીટર ઊંચું શિખર છે.

ત્યાર બાદ 12 એપ્રિલ, 2015 થી 20 એપ્રિલ, 2015ના આઠ દિવસમાં તેણે ઑસ્ટ્રેલિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ કોઝિયુઝ્કો સર કર્યુ હતું.

12 થી 25 ડિસેમ્બર, 2015ના દરમિયાન તેમણે આર્જેન્ટિનાનું માઉન્ટ એન્કોકાગ્વા સર કર્યું હતું.

તમે આ વાંચ્યું કે નહીં?

બે વર્ષ સુધી એક વર્ષના બે સમિટ કર્યા બાદ 2016માં માત્ર બે દિવસમાં 7 જુલાઈ અને 8 જુલાઈમાં 4,884 મીટર ઊંચો ઇન્ડોનેશિયાનો માઉન્ટ કાર્સ્ટેન્સઝ સર કર્યો હતો.

ત્યાર બાદ બે વર્ષના વિરામ બાદ અરુણિમાએ હવે ઍન્ટાર્કટિકાનું 4,892 મીટર ઊંચું માઉન્ટ વિન્સન શિખર સર કર્યું છે.

હવે તેમનું આગામી લક્ષ્ય અલાસ્કાનું 6,194 મીટર ઊંચું શિખર માઉન્ટ મેકકિન્લી છે.

અરુણિમા સિંહાની વેબસાઈટમાં જણાવેલી માહિતી અનુસાર કૅન્સર સામે લડેલા ક્રિકેટર યુવરાજ સિંહ તેમની પ્રેરણા છે.

માઉન્ટ વિન્સન મિશન માટે નીકળતાં પહેલાં કરેલા પોતાના ફેસબુક લાઈવમાં અરુણિમાએ જણાવ્યું હતું કે મારી પાસે જીવન જીવવાનું લક્ષ્ય ટકી રહે તે માટે હું એક પછી એક શિખર સર કરતી રહું છું.

શું છે અરુણિમાનું સપનું?

અરુણિમા પોતાનાં લક્ષ્યો પ્રાપ્ત કરતી રહી છે, તેની સાથે તેનું એક સ્પોર્ટ્સ એકૅડૅમી શરૂ કરવાનું સપનું છે.

પોતાની વેબસાઈટમાં પોતાના મિશન અંગે અરુણિમા લખે છે કે દિવ્યાંગ લોકો સ્વાવલંબી બની શકે અને ખેલકૂદમાં આગળ વધી શકે તે માટે સ્પોર્ટ્સ એકૅડૅમી શરૂ કરવી છે.

જેનું નામ 'ચંદ્રશેખર આઝાદ વિકલાંગ ખેલ એકૅડૅમી' હશે.

પોતાને મળતી બધી જ મદદ અને પુરસ્કાર અરુણિમા પોતાના ફાઉન્ડેશનના નામે કરે છે. જેનો આ એકૅડૅમી માટે ઉપયોગ કરી શકશે.

અરુણિમાએ જૂન, 2018ના રોજ પૅરાલિમ્પિક એથ્લેટ ગૌરવ સિંહ સાથે લગ્ન કર્યાં છે.

તેમના આ શિખર સર કર્યા બાદ વડા પ્રધાને ટ્વીટ કરીને તેમને શુભેચ્છા પણ પાઠવી હતી.

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો