ભારતે ઑસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચ્યો, પ્રથમ વખત જીતી ટેસ્ટ સિરીઝ

71 વર્ષ બાદ પ્રથમ વખત ભારતે ઑસ્ટ્રેલિયાને એની જ ધરતી પર હરાવ્યું છે. વરસાદને પગલે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની અંતિમ મૅચ ડ્રૉ જતાં ટીમ ઇન્ડિયાએ શૃંખલા જીતી લીધી છે.

સિડની ટેસ્ટ દરમિયાન પાંચમા દિવસે વરસાદને પગલે સમય પહેલાં જ મૅચ ડ્રૉ જાહેર કરવી પડી હતી.

આ સાથે જ ચાર મૅચની વર્તમાન શૃંખલાને ભારતે 2-1થી જીતી લીધી હતી.

સિડની ટેસ્ટના ચોથા અને પાંચમા દિવસે વરસાદને કારણે એક પણ દડો ફેંકી ના શકાયો અને 'વિરાટ ઍન્ડ કંપની'ને 2-1ના પરિણામથી સંતોષ માનવો પડ્યો.

આ પહેલાં સિરીઝ ભારત 3-1થી જીતી લે એવું મનાઈ રહ્યું હતું. છેલ્લી ટેસ્ટમેચના ચોથા દિવસનાં બે સૅશન વરસાદને કારણે ધોવાઈ ગયાં હતાં.

જોકે, એવી આશા સેવાઈ રહી હતી કે અંતિમ દિવસે રમત ચાલુ કરી શકાશે અને ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયાને 3-1થી હરાવી દેશે.

સાત દાયકા બાદ વિજય, પૂજારા 'મૅન ઑફ ધ સિરીઝ'

રવિવારે લગભગ સાડા ત્રણ કલાકની રમત વરસાદને કારણે બરબાદ થઈ ગઈ હતી.

નોંધનીય છે કે 31 વર્ષ બાદ પ્રથમ વખત ઑસ્ટ્રેલિયા પોતાના ઘરે જ ટેસ્ટમેચમાં ફૉલોઑન રમી રહી હતી.

આ પહેલાં 1988માં ઇંગ્લૅન્ડે ઑસ્ટ્રેલિયાને આ જ મેદાન પર ફૉલૉઑન આપ્યું હતું.

પૂજારાએ આ સિરીઝમાં 1258 બૉલનો સામનો કરી 521 રન નોંધાવ્યા છે.

  • સિરીઝની ચાર ટેસ્ટમેચની સ્થિતિ

ઍૅડિલેડ ટેસ્ટ : ભારત- 250 રન (પ્રથમ દાવ), 307 રન(બીજો દાવ)

ઑસ્ટ્રેલિયા - 235 રન(પ્રથમ દાવ), 291 રન (બીજો દાવ)

પરિણામ : ભારત 31 રનથી જીત્યું

મૅન ઑફ ધ મૅચ : ચેતેશ્વર પૂજારા

પર્થ ટેસ્ટ : ઑસ્ટ્રેલિયા - 326 રન (પ્રથમ દાવ), 234 (બીજો દાવ)

ભારત- 283 રન (પ્રથમ દાવ), 140 રન (બીજો દાવ)

પરિણામ : ઑસ્ટ્રેલિયા 146 રન જીત્યું

મૅન ઑફ ધ મૅચ : નાથન લૉયન

મૅલબર્ન ટેસ્ટ : ભારત 443/3(પ્રથમ દાવ જાહેર) 106/8(બીજો દાવ જાહેર)

ઑસ્ટ્રેલિયા - 151 રન (પ્રથમ દાવ), 261 રન (બીજો દાવ)

ભારત 137 રનથી જીત્યું

મૅન ઑફ ધ મૅચ : જસપ્રીત બુમરાહ

અનુષ્કા શર્માએ શું કહ્યું?

અનુષ્કા શર્માએ પણ ભારતીય ક્રિકેટ ટીમને વધાઈ આપવા ટ્વીટ કરી છે તેમણે લખ્યું છે કે જે મહત્વનું છે તે મેળવવા માટે અમર ખંત તથા નક્કર પ્રત્યય જોઈએ અને બાકી બધું બાજું મુકવું પડે. હું અત્યંત ખુશ અને ગર્વિત છું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી ટીમ ઇન્ડિયાને વધામણી આપી

તેમણે ટ્વીટ કરીને લખ્યું છે ઑસ્ટ્રેલિયામાં ક્રિકેટની ઐતિહાસિક ઉપલબ્ધિ! બહુ મેહનતથી મેળવેલ વિજય માટે તથા સિરીઝમાં જીતની પૂર્ણપણે હકદાર ભારતીય ક્રિકેટ ટીમને વધાઈ.

સિરીઝમાં ઘણી યાદગાર પરફઑર્મેન્સ અને મજબૂત ટીમ વર્ક જોવા મળ્યું. આગળ આવનારી અનેક મેચો માટે શુભેચ્છાઓ.

કૉંગ્રેસે આપી શુભેચ્છા

કૉંગ્રેસે પણ ટીમ ઈન્ડિયાને વધાઈ આપતા ટ્વિટર પર લખ્યું કે ઑસ્ટ્રેલિયામાં તમારા ઉત્તમ વિજય માટે અભિનંદન #TeamIndia. તમે તમારા દેશને ફરી એકવાર બહુ જ ગર્વિત કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો