કોહલી સહિતનાં ખેલાડીઓ શા માટે દૂધ છોડી રહ્યાં છે?

    • લેેખક, સૂર્યાંશી પાંડે
    • પદ, બીબીસી સંવાદદાતા

એક રેસ્ટોરાંમાં તમે જાણીતી ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સને શાકાહારી ભોજન ઑર્ડર કરતા જુઓ તો.

કદાચ તમને આશ્ચર્ય થઈ શકે કેમ કે આ ખબર જૂની થઈ ગઈ છે.

સેરેના ગર્ભવતી થયાં બાદ શાકાહારી થઈ ગયાં છે. તેમણે તેમનો આહાર બદલીને 'વીગન' કરી દીધો છે એટલે એક રીતે તેઓ શાકાહારી થઈ ગયાં છે.

વળી દૂધ, દહીં, ઘી, માખણ, છાસ, મલાઈ અને પનીર પણ ખાવાનું છોડી દીધું છે. તેમાં મધ પણ છોડી દેવું પડતું હોય છે.

વિશ્વ પ્રસિદ્ધ ફૂટબૉલ ખેલાડી લિયોનેલ મેસીનું ગેમ સિઝન દરમિયાન વીગન આહાર પર રહેવું આશ્ચર્યજનક હોઈ શકે છે.

કેમ કે તેઓ આર્જેન્ટિનાના છે અને દક્ષિણ અમેરિકામાં શાકાહારી ભોજન મળવું મુશ્કેલ છે. આથી વીગન રહેવું એક પડકાર છે.

આ કડીમાં એક નવું નામ જોડાયું છે. તે છે ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીનું.

આથી સવાલ એ ઉઠે છે કે આ બધું થઈ શું રહ્યું છે. આખરે ખેલાડીઓ વીગન આહાર કેમ અપનાવી રહ્યા છે?

ખેલાડીઓના આહારનાં નિષ્ણાત દીક્ષા છાબડાનું કહેવું છે કે વીગન આહાર બે પ્રકારે અપનાવી શકાય છે.

  • ફળાહાર અને ઘીમી આંચ પર રાંધેલાં શાકભાજી
  • જુવાર, બાજરી, મકાઈ અને દાળ તથા સાથે વધુ ફૅટ ધરાવતાં ફળ એવોકાડો આહારમાં લેવાં

વળી આ બન્નેનું મિશ્રણ પણ હોઈ શકે છે.

ઈજામાં સુધારો લાવવા માટે વીગન આહાર મદદગાર

દીક્ષા છાબડાનું કહેવું છે કે ખેલાડીઓમાં આ આહારનું પ્રમાણ એટલા માટે વધુ જોવા મળે છે કેમ કે તેનાથી ઈજા ઝડપથી મટી શકે છે.

ઈજા થતાં આપણું શરીર સોજાના મારફતે કિટાણુંઓ સામે પ્રતિરોધ સર્જે છે.

જેથી આપણા શરીરને નુકસાન ન પહોંચી શકે. જોકે, નાની હળવી ઈજામાં આવો સોજો ઠીક છે પરંતુ જો ઈજા ખતરનાક હોય તો સોજો નુકસાનકારક છે.

આથી ખેલાડીઓએ ઍન્ટિ-ઑક્સિડન્ટ અને વિટામિનયુક્ત આહાર લેવો જોઈએ.

જેમ કે બોર, લીલાં શાકભાજી, ઓછી સુગર ધરાવતા ફળ. તેને ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ફૂડ પણ કહેવામાં આવે છે.

તેનાથી શરીરમાં સોજો ઓછો આવે છે અને શરીરને ડિટૉક્સ કરવામાં પણ મદદ મળે છે.

જ્યારે ઍન્ટિ-ઇન્ફ્લેમેટરી ફૂડ જેમ કે હાઈ-સુગર ફૂડ, લાલ માંસ શરીરને ઈજાના સમયે ખૂબ જ નુકસાન કરતાં હોય છે.

વજન ઓછું કરવામાં કારગત

વીગન આહારમાં વિટામિનની સાથે સાથે ફાઇબરની માત્રા પણ વધુ હોય છે, તેથી તે મેદસ્વીતા ઓછી કરવામાં પણ કારગત નીવડે છે.

ફાઇબરયુક્ત આહાર તમે ઓછો ખાવ તેમ છતાં તમારું પેટ ભરેલું હોય એવું અનુભવ કરાવે છે. આથી તમે જરૂર કરતાં વધારે ખાવાનું નહીં ખાવ.

બીજી તરફ જાનવરોમાંથી ઉત્પન થતાં પદાર્થો ન ખાવાથી સૌથી મોટું નુકસાન પ્રોટીનની ઊણપ આવવાનું હોય છે.

કેમ કે ખેલાડી માટે પ્રોટીનનું સેવન ખૂબ જ જરૂરી હોય છે. તો પછી તેનું પ્રમાણ કેવી રીતે જાળવી શકાય?

પ્રોટીનની કમી કઈ રીતે પૂરી કરી શકાય?

ન્યૂટ્રિશનિસ્ટ અને વેલનેસ કૉચ અવનિ કૌલનું કહેવું છે કે દરેક ખેલાડીને પોતાના ખેલ મુજબ અને પોતાના શરીર મુજબ ખોરાકની જરૂરીયાત પડે છે.

એક વેઇટલિફ્ટર અથવા બૉડી-બિલ્ડર માટે પ્રોટીનની જરૂર વધારે હોય છે.

જ્યારે રેસમાં ભાગતા ખેલાડીને તાકતની સાથે સાથે ઊર્જાની પણ જરૂર હોય છે અને તમણે કાર્બો-હાઇડ્રેટયુક્ત આહારની જરૂર હોય છે.

જેનો અર્થ કે તાકત અને પાવર માટે રમતવીરની આહારની જરૂરિયાત અલગ અલગ હોય છે.

આ મામલે અવનિ કૌલ કહે છે કે યોગ્ય માત્રામાં પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટનું ખોરાકમાં હોવું જરૂરી છે.

વીગન આહારથી તમારું બ્લડસુગર લેવલ, કોલેસ્ટ્રૉલનું લેવલ ઓછું થઈ જાય છે.

જેમાં તમને ડાયાબિટીસની બીમારીનું જોખમ એકદમ ઓછું થઈ જાય છે. પરંતુ જે પ્રોટીન તમને જાનવરોથી ઉત્પન થતા પદાર્થોમાંથી મળે છે તેની ભરપાઈ કેવી રીતે થશે?

કેમ કે માંસ, દૂધ, ઈંડા અને માછલીમાં પૉઝિટિવ નાઇટ્રોજનની કમી નથી હોતી ઉપરાંત તેમાંથી નવ એમિનો ઍસિડ પણ મળે છે.

આ પ્રકારની કમી દૂર કરવા તમને ખબર હોવી જોઈએ કે ક્યા પ્રકારના વીગન આહારમાં પ્રોટીનની માત્રા કેટલી છે.

તેને તમે વીગન આહારમાં લઈ શકો છો. વિરાટ કોહલી જેવા ખેલાડીઓ પાસે આ મામલે આહાર બાબતોના નિષ્ણાતોની ટીમ રહેતી હોય છે.

પરંતુ એક આમ આદમી માટે એક સમતોલ વીગન આહાર તૈયાર કરવો મુશ્કેલ છે.

શું પર્યાવરણ માટે ખેલાડીઓ વીગન બની રહ્યા છે?

યૂથ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓનો વર્કશૉપ લઈ ચૂકેલાં અવનિ કૌલનું એવું પણ માનવું છે કે આજકાલ લોકો એટલા માટે પણ વીગન થઈ રહ્યા છે કેમ કે તેનાથી પર્યાવરણને જરાય નુકસાન નથી થતું.

સંયુક્ત રાષ્ટ્રના ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશનના રિપોર્ટ અનુસાર પર્યાવરણમાં માંસ રાંધવાના કારણે કાર્બન ફુટપ્રિન્ટ વધી રહ્યી છે.

આથી વીગન આહારથી આ બાબતમાં સુધારો આવે છે. આનાથી ખેતી અને ખેડૂત બન્નેને ફાયદો થાય છે.

શું વીગન આહાર જ એકમાત્ર ઉપાય?

ઇન્ડિયન ફેડરેશન ઑફ સ્પોર્ટ્સ મેડિસિનના અધ્યક્ષ ડૉ. પી. એસ. એમ ચંદ્રન અને ન્યૂટ્રિશનિસ્ટ અને મેટાબોલિક બૅલેન્સ કૉચ હર્ષિતા દિલાવરીનું કહેવું છે કે કોઈ પણ ખેલાડીએ વીગન આહાર લેવાનું નક્કી કરવું તેમની વ્યક્તિગત પસંદગી હોય છે.

જે લાભ વીહન આહારમાં મળે છે તે વીગન આહારમાં પણ મળી શકે છે.

આથી આહારમાં પૌષ્ટિક ભોજન અને સમતોલ આહારને સ્થાન આપવું જોઈએ.

હર્ષિતા દિલાવરી કહે છે કે વીગન આહારમાં તમને કેટલાક માઇક્રો-ન્યૂટ્રિઅન્ટ્સની જરૂર પૂરી કરવા માટે વધારાના વિટામિન માટે તેની ગોળીઓનું સેવન કરવું જોઈએ.

તેમના અનુસાર આમ તો વીગન આહારમાં ફાઇટોકેમિકલ્સ પણ હોય છે જે કૅન્સર જેવી બીમારીઓ માટે રોધકની ભૂમિકા પણ નિભાવે છે.

પરંતુ વિટામિન બી12 જાનવરોમાંથી ઉત્મન પદાર્થમાં સરળતાથી મળતા હોય છે અને તેની ભરપાઈ કરવી જરૂરી છે.

આ માટે તેઓ જણાવે છે કે વીગન આહારમાં દાળિયા, અનાજ અને સોયાબિન ખાવું જરૂરી છે. તેમણે જણાવ્યું કે એક ખેલાડી માટે પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કૅલ્શિયમ, વિટામિન ડી અને ફૅટી ઍસિડ સૌથી વધુ જરૂરી હોય છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો