You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વનો બેસ્ટ બૅટ્સમૅન કોણ – જૉ રૂટ, વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ?
- લેેખક, સાયમન હ્યુજીસ
- પદ, વિશ્લેષક
તાજેતરમાં ભારતે ન્યૂ ઝિલેન્ડ સામે વન-ડે શ્રેણી વિજયમાં મેળવ્યો.
જોકે, વિરાટ કોહલીના બરોબરીના દાવેદાર ઇંગ્લૅન્ડના કૅપ્ટન જૉ રૂટે વન ડે સિરીઝ અને ટેસ્ટ્સમાં એક પછી એક મૅચ-વિનિંગ સદીઓ ફટકારીને તેમની ટીમના વિજયમાં અત્યંત મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ તબક્કે સવાલ થાય છે કે હાલ વિશ્વના શ્રેષ્ઠ પાંચ બૅટ્સમૅન કોણ છે?
કોઈ પણ બૅટ્સમૅને ટેસ્ટ્સમાં કેટલાં રન નોંધાવ્યાં છે તેનો હિસાબ કરીને આ સવાલનો જવાબ મેળવી શકાય,
પરંતુ હવે બીજાં ઇન્ટરનેશનલ ફૉર્મેટ્સ પણ ચલણમાં આવ્યા હોવાથી બૅટ્સમૅનની આવડત અને ક્રિકેટ પરના તેમના સર્વગ્રાહી પ્રભાવનું વિશ્લેષણ કરવું વધારે યોગ્ય ગણાય.
વિશ્વના પાંચ શ્રેષ્ઠ બૅટ્સમૅનનું વિશ્લેષણ ઉલટા ક્રમમાં અહીં પ્રસ્તુત છે.
5. રોહિત શર્મા (ભારત)
ઉંમરઃ 31 વર્ષ, ટેસ્ટ: 25, રનઃ1,479, ઍવરેજઃ 39.97
આ યાદીમાં રોહિત શર્માનો સમાવેશ આશ્ચર્યજનક છે, કારણ કે તે ભારતની ટેસ્ટ ટીમનો હિસ્સો પણ ન હતો. એ માટે બન્ને પક્ષ જવાબદાર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રોહિત શર્મા જેવો ઉત્તમ સ્ટ્રૉક પ્લેયર વિશ્વ ક્રિકેટમાં બીજો કોઈ નથી, કારણ કે લિમિટેડ ઓવર્સની ક્રિકેટમાં સામાન્ય રીતે ઓપનિંગ બૅટિંગ કરીને તે સંખ્યાબંધ, સાતત્યસભર મૅચ-વિનિંગ ઇનિંગ્ઝ રમ્યો છે.
મંદ ગતિએ બૅટ ઘૂમાવીને સ્ટ્રોક રમતા રોહિતને જોઈને લાગે છે કે બૅટિંગ કરવી એકદમ આસાન છે.
તેણે આંતરરાષ્ટ્રીય વન-ડે મૅચમાં 18 સદીઓ ફટકારી છે, પણ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર ત્રણ સદી નોંધાવી શક્યો છે.
એ પૈકીની બે સદી તેણે પહેલી બે ટેસ્ટ ઇનિંગ્ઝમાં ફટકારી હતી, જ્યારે ત્રીજી 41 ઇનિંગ્ઝ બાદ ફટકારી હતી.
તમે આ વાંચ્યું કે નહીં?
રોહિતને વિદેશના બદલે ભારતમાં બૅટિંગ કરવાનું દેખીતી રીતે પસંદ છે. વિદેશમાં 25ની સરેરાશ સામે ભારતમાં તેમની ટેસ્ટ ઍવરેજ 85ની રહી છે.
રોહિત એકદમ સેટ થઈ ગયો હોય ત્યારે 'લૅઝી' શૉટ મારતી વખતે આઉટ થઈ જતો હોય છે.
રોહિતે વન-ડે મેચમાં ત્રણ બેવડી સદી પણ ફટકારી છે. વન-ડે શ્રેણીમાં બે સદી ફટકારતી વખતે રોહિતે જે રીતે આસાનીથી ઇંગ્લૅન્ડની બૉલિંગનો સામનો કર્યો હતો તેને ધ્યાનમાં લેતાં વિચાર આવે કે ટેસ્ટ ટીમમાંથી તેને પડતો મૂકીને ભારતે ભૂલ તો નહોતી કરીને?
રોહિત વધારે ટેસ્ટ્સ રમી શક્યો નથી એ તેની કમનસીબી છે, પણ ભારત પાસે હવે અનેક યુવા બૅટ્સમૅન છે, ત્યારે રોહિતની અવગણના થાય તે શક્ય છે.
4. કૅન વિલિયમસન (ન્યૂ ઝીલેન્ડ)
ઉંમરઃ 28 વર્ષ, ટેસ્ટઃ 65, રનઃ 5,338, ઍવરેજઃ 50.35
ચાર ઓછા વખણાયેલા ઉત્તમ બૅટ્સમૅન પૈકીના એક વિલિયમસનનું સંતુલન અદ્ભુત છે. તેની ટૅકનિક સર્વોચ્ચ છે. તેનું ડિફેન્સ વિચારપૂર્ણ અને આક્રમણ પદ્ધતિસભરનું હોય છે.
તે મજબૂત ફૂટવર્ક અને ચોકસાઈ સાથે પરંપરાગત શૈલીમાં શૉટ્સ ફટકારે છે. વિલિયમસન ગૅપ્સમાં શૉટ્સ રમે છે અને ફિલ્ડરોને છેક બાઉન્ડરી સુધી દોડાવે છે.
તેના સ્ટ્રોકપ્લેમાં ઝમક અને ભવ્યતા ઓછાં જોવા મળે છે. તેના માટે તેનું બૅટ એક શસ્ત્ર નહીં, પણ એક ઉપકરણ છે, જેના વડે તે બૉલને ગૅપ્સમાં મોકલવા ઍંગલ્સ બનાવતો રહે છે.
વિલિયમસનનો લાક્ષણિક સ્ટ્રોક છે સોફ્ટ બ્લોક, જેમાં તે બૅટને 45 ડિગ્રીના ખૂણે રાખીને બૉલને જાણી જોઈને લેટ રમે છે, જેથી સારા બૉલમાં પણ રન બનાવી શકાય.
અલબત, એ ઈચ્છે ત્યારે શક્તિનો ઉપયોગ કરી શકે છે અને શૉર્ટ બૉલને પારખવાની અદભૂત દૃષ્ટિ ધરાવે છે. શૉર્ટ બૉલને પૂલ કરીને મિડ-વિકેટ બાઉન્ડરી પર મોકલી આપે છે.
મહાન બૅટ્સમૅન માર્ટિન ક્રૉવના ઘાટમાં ઘડાયેલા વિલિયમસને માર્ટિન ક્રૉવનો 17 ટેસ્ટ સદીનો ન્યૂ ઝીલેન્ડનો રૅકર્ડ આ વર્ષે જ પાર કર્યો હતો.
વન-ડે ક્રિકેટમાં પણ વિલિયમસન એટલો જ અસરકારક છે. શ્રેષ્ઠ બૅટ્સમૅનની આ યાદીમાં તેના જેવી આવડત ધરાવતો બીજો એકેય બૅટ્સમૅન નથી.
3. જૉ રૂટ (ઇંગ્લૅન્ડ)
ઉંમરઃ 27, ટેસ્ટઃ 74, રનઃ 6,279, ઍવરેજઃ 51.04
સારી મૂવમૅન્ટ્સ, ઉત્તમ બૅક-ફૂટ ગેમ અને અદભૂત સાતત્ય જૉ રૂટની લાક્ષણિકતા છે.
ઓછા જોખમી શૉટ્સ રમીને, બૉલને લેટ ફટકારીને તેમજ બૉલ જરાસરખો પણ વાઇડ કે શૉર્ટ હોય તો ઑફ સાઇડ પર ફટકારીને જો રૂટ ઝડપભેર રન બનાવે છે.
તેનું સંતુલન ભવ્ય છે અને ફૂલ લૅંગ્ઝ બૉલ હોય ત્યારે ઝડપથી ફ્રન્ટ ફૂટ પર આવીને તે પ્રેમથી બૉલને ફિલ્ડમાં મોકલી આપે છે.
વિરાટ કોહલી જેવો પાવર પ્લેયર જો રૂટ નથી. પણ તે બૉલને યોગ્ય રીતે, યોગ્ય સમયે રમવાની આવડત ધરાવે છે.
જે બૉલ રમવા ન જોઈએ તે રમવાની આદતને ભૂલવાનો પ્રયાસ જૉ રૂટે કર્યો છે. ઑફ સાઇડ પર રમતી વખતે જો રૂટ ઘણીવાર સંતુલન ગુમાવી દે છે.
તેથી સ્ટ્રૅઈટ બૉલ્સને અક્રૉસ ધ લાઇન રમવા પડે છે. પરિણામે તે ઘણીવાર એલબીડબલ્યૂનો શિકાર બને છે.
અલબત, જૉ રૂટની મુખ્ય સમસ્યા સારી શરૂઆતને નોંધપાત્ર સ્કોરમાં પરિવર્તિત નહીં કરી શકવાની છે.
ભારત સામેની ઑવલ ખાતેની અંતિમ ટેસ્ટમાં તેમણે સદી ફટકારી હતી, જે તેણે ટેસ્ટ ક્રિકેટમાં 13 મહિના બાદ ફટકારી હતી. એ 13 મહિનામાં તેમણે નવ અર્ધ સદી ફટકારી હતી.
અર્ધ સદીને સદીમાં પરિવર્તિત કરવાનું તેમનું પ્રમાણ 25 ટકાનું છે. તેમણે 41 અર્ધ સદી અને 14 સદીઓ નોંધાવી છે, જે એકાગ્રતાના અભાવ તરફ આંગળી ચીંધે છે.
તેમનો સંબંધ ફિટનેસ સાથે હોય તે શક્ય છે. રૂટ પીઠના દુખાવાની સમસ્યાથી પીડાતો રહ્યો છે અને તે વિરાટ કોહલી કે સ્ટીવ સ્મિથ જેવી પ્રકૃતિદત્ત શક્તિ પણ ધરાવતો નથી. રૂટે આ દિશામાં કામ કરવાની જરૂર છે.
2. સ્ટીવ સ્મિથ (ઑસ્ટ્રેલિયા)
ઉંમરઃ 29 ટેસ્ટઃ 64, રનઃ 6,199, ઍવરેજઃ 61.37
સ્ટીવ સ્મિથની ઑર્થોડૉક્સ, શફલિંગ ટેકનિક બાબતે બહુ ટીકા-ટિપ્પણી થતી રહે છે, પણ એ ટેકનિક ઉપયોગી સાબિત થતી રહી છે.
ઇંગ્લેન્ડ સામેની 2017-18ની ઍશીઝ સિરીઝ દરમ્યાન તેની ઍવરેજ 63.75ની થઈ ગઈ હતી, જે ટેસ્ટ ક્રિકેટમાં (જેમણે 20થી વધુ વખત બૅટિંગ કરી હોય તેવા બૅટ્સમૅનોમાં) સર ડોન બ્રૅડમૅન પછીની સેકન્ડ હાઈએસ્ટ હતી.
દક્ષિણ આફ્રિકા સામેની બૉલ-ટેમ્પરિંગ સીરિઝ પછી તેની ઍવરેજ ઘટીને હાલના 61.37ના સ્તરે પહોંચી ગઈ હતી.
સામાન્ય રીતે બૅટ્સમૅન ઇનિંગ્ઝના આરંભે મીડલ કે લૅગ સ્ટમ્પ પર ગાર્ડ લેતા હોય છે, પણ ઑફ સ્ટમ્પ પર ગાર્ડ લેવાનો નિર્ણય સૌપ્રથમ કરનારા બૅટ્સમેનમાં સ્મિથનો સમાવેશ થાય છે.
આ જાણીને તમે વિચારશો કે આ રીતે ગાર્ડ લેવાથી બૉલર ત્રણેય સ્ટમ્પ ખુલ્લી જોઈ શકે અને તેના પર આક્રમણ કરી શકે, પરંતુ સ્ટીવ સ્મિથને આ રીતે ગાર્ડ લેવાથી તેની ફેવરિટ લૅગ સાઇડ પર રન બનાવવાની તક મળે છે.
સર ડોન બ્રૅડમૅન જેવી જ મૅથડનો ઉપયોગ કરીને સ્મિથ તેના પગ તથા શરીર વડે બૉલને ફટકારે છે અને તેનું સંતુલન અદ્ભુત છે.
સર ડોન બ્રૅડમૅનની બૅકલિફ્ટ ગલીની દિશામાં જતી હતી અને પછી તેઓ વર્તુળાકારે બૅટને બૉલ તરફ પાછું લાવતા હતા. તેઓ આ મૅથડને રોટેશન કહેતા હતા.
શૉર્ટ ઓફ લૅંગ્થ બૉલને રમવાની બાબતમાં સ્મિત સુપર્બ છે. તેનું બૅટ બીજા કોઈ પણ બૅટ્સમૅન કરતાં વધુ ઝડપથી બોલ ભણી પહોંચી જતું હોય એવું લાગે અને તે ઝડપથી પૉઝિશન લઈ લે છે.
ઘરઆંગણે છેલ્લાં ચાર વર્ષમાં તેની ઍવરેજ 96ની અને પરદેશમાં 57ની રહી છે.
ઇનિંગ્ઝની શરૂઆતમાં બૉલને ગલી ભણી સ્લાઈસ કરવાની આદતને બાદ કરતાં સ્મિથની કોઈ દેખીતી નબળાઈ નથી, પરંતુ ડાબોડી સ્પિનર્સનો તે વધુ શિકાર થતો રહ્યો છે.
અર્ધ સદીને સદીમાં પરિવર્તિત કરવાની બાબતમાં તે કોહલી પછી બીજા ક્રમે છે. તેમનો કન્વર્ઝન રેટ 49 ટકાનો છે.
તેમના પરનો પ્રતિબંધ એપ્રિલમાં ઉઠાવવામાં આવશે. એ પછી 2019ના વર્લ્ડ કપમાં પફોર્મ કરવા માટે તેની મુખ્ય સમસ્યા તેની મૂવમૅન્ટમાં તાલમેલ સાધવાની રહેશે.
1. વિરાટ કોહલી (ભારત)કદ
ઉંમરઃ 29 વર્ષ, ટેસ્ટઃ 71, રનઃ 6,147, એવરેજઃ 53.92
ઘરઆંગણે વધુને વધુ રન બનાવવાની વિરાટ કોહલીની ભૂખ ક્યારેય સંતોષાતી નથી. તેમના ઇરાદા સ્પષ્ટ હોય છે અને કૅપ્ટન તરીકે ઊંચા શિખર સર કરવા તે હંમેશા સજ્જ હોય છે.
વિરાટ પોતાના ઇરાદા સાથે ક્યારેય સમાધાન કરતો નથી. તેમનું ફિટનેસ લેવલ સર્વોચ્ચ છે અને તે સ્પર્ધાત્મકતાથી ધમધમતો, ક્યારેક થોડામાં જ ઉશ્કેરાઈ જતો ક્રિકેટર છે.
ઑસ્ટ્રેલિયાના પ્રવાસ વખતે તેમણે ભારતીય ટીમનું કપ્તાનપદ સંભાળ્યું ત્યારે જોરદાર બૅટિંગ કરી હતી, પણ 2014માં તેણે ઇંગ્લૅન્ડનો પહેલી વખત પ્રવાસ ખેડ્યો ત્યારે તેની ઍવરેજ 13ની રહી હતી.
આ વખતે ક્રિઝની બહાર આવીને બૅટિંગ કરીને તથા બૉલરો પર આક્રમણ કરીને કોહલીએ જેમ્સ ઍન્ડરસન ઍન્ડ કંપંનીની ધાકને હવા ઉડાડી દેવાનો ફેંસલો કર્યો હતો.
ઑફ સ્ટમ્પની બહારના બૉલ વિશેનું કોહલીનું જજમૅન્ટ પણ આ ઉનાળામાં ઘણું સુધર્યું હતું. 2014માં તે ઓફ સ્ટમ્પ કે ઑફ સ્ટમ્પ બહારના બૉલ્સનો શિકાર બન્યો હતો અને મોટેભાગે સ્લિપમાં કેચાઉટ થયો હતો.
જોકે, આ વખતની સિરીઝમાં ઑફ સ્ટમ્પની બહાર ગાર્ડ લઈને તે એ બાજુ પરના બૉલને રમવાનું ટાળી શક્યો હતો.
આ શ્રેણીમાં ભેદી પીચો પર બીજા કોઈ કરતાં બમણાં રન ફટકારીને કોહલીએ ખુદને તેની પેઢીના મહાન ઑલ-રાઉન્ડ બૅટ્સમૅન પૈકીના એક તરીકે ફરી પ્રસ્થાપિત કર્યો હતો.
આ સિરીઝમાં તેની ઍવરેજ 59ની રહી હતી અને બૉલરો માટે તેમની સામે બૉલિંગ કરવાનું પડકારરૂપ બની રહ્યું હતું.
કોહલી ઝમકદાર, જુસ્સાભરી બૅટિંગ સાથે માપદંડને વધુ ઊંચે લઈ ગયો છે પણ હજુ તે શિખર પર પહોંચ્યો નથી.
વિરાટ કોહલી થોડા સમય સુધી ટોચ પર રહેશે, પણ સ્ટીવ સ્મિથ પાછો ફરશે અને રૂટ ચોથા નંબરે સેટલ થઈ જશે, તો કોહલીના તાજ માટે પડકારરૂપ પરિસ્થિતિ સર્જાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો