ગુજરાતી અંધ ક્રિકેટરે પાક.ને વર્લ્ડકપમાં હરાવ્યું, પણ આજે પાનનો ગલ્લો ચલાવવા મજબૂર

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

પાકિસ્તાનને હરાવનાર, ભારતને ક્રિકેટનો વર્લ્ડ કપ જીતાડનાર અને સૌની વાહવાહ લૂંટનાર કોઈ ક્રિકેટરને તમે પાન-બીડી વેચતા જોયો છે?

સાબરકાંઠાના લુણસા ગામમાં રહેતા વિકાસ પટેલનો ક્યારેક અંધ ક્રિકેટર તરીકે દબદબો હતો.

તેઓ બ્લાઇન્ડ ક્રિકેટવર્લ્ડમાં ઑલરાઉન્ડરની ખ્યાતિ ભોગવતા હતા, પણ આજે સમય એવો આવ્યો છે કે 50થી વધુ ક્રિકેટ ટ્રૉફી જીતનારા વિકાસ પટેલને પાન-બીડીની દુકાન ચલાવવી પડી રહી છે.

વિકાસ પટેલના સંઘર્ષના સાક્ષી તેમની મહેનતને બિરદાવે છે, ગુજરાત સરકારે તેમને સહાય આપવાની વાત કહી છે.

બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમનારા અને પીટીસી (પ્રાઇમરી ટીચિંગ સર્ટિફિકેટ)ની ડિગ્રી ધરાવનારા વિકાસ પટેલ બાળપણથી જ અંધ છે.

વિકાસ પટેલે પોતાનો ચહેરો ક્યારેય જોયો નથી. માતાપિતાનો ચહેરો પણ એમણે માત્ર સ્પર્શ કરીને અનુભવ્યો છે.

બીબીસી સાથેની વાતચીતમાં વિકાસ જણાવે છે, ''મા-બાપના ચહેરાને મેં સ્પર્શ કરીને અનુભવ્યો છે અને બાદ ક્રિકેટ બૅટ અને ભણવાના પુસ્તકોને સ્પર્શ કરી અનુભવ કર્યો હતો, પણ, ક્રિકેટના બૅટને સ્પર્શ કર્યું અને મારું જીવન બદલાઈ ગયું.

"જોકે, હવે મારે પાન-બીડી, તમાકુનો સ્પર્શ કરવો પડે છે. કારણ કે ગુજરાન ચલાવવા માટે આ એક માત્ર ઉપાય છે.''

વિકાસે ક્રિકેટની શરૂઆત કઈ રીતે કરી?

આ અંગે વાત કરતાં તેઓ જણાવે છે, ''હું ઈડરની અંધજન શાળામાં ભણતો હતો.

''એક વખત એવું બન્યું કે ગામના કેટલાંક છોકરાઓ ક્રિકેટ રમતા હતા ને હું બાજુમાં આવેલા ચબૂતરા પર બેઠો હતો.''

''એવામાં કોઈએ શૉટ ફટકાર્યો અને મારી તરફ આવી રહેલા દડાને અવાજ પરથી મેં કેચ કરી લીધો.''

''બધા છોકરાઓ ચોંકી ઉઠ્યા. મારી પાસે દોડી આવ્યા. મારી સાથે વાત કરી અને મને પ્રથમ વખત ક્રિકેટ રમવાનો મોકો મળ્યો.''

''એ દિવસે મેં પ્રથમ વખત બૅટનો સ્પર્શ કર્યો હતો.''

''છોકરાઓએ મારી સામે પ્લાસ્ટિકનો દડો ફેંક્યો. દડાના ટપ્પાનો અવાજ આવતા જ મેં બૅટ વીંઝ્યું અને દડો દૂર જતો રહ્યો.

''એ પહેલી વખત મેં દડાને ફટકાર્યો હતો અને પહેલી વખત ગામના એ છોકરાઓ સાથે મારી દોસ્તી થઈ હતી.

''એ બાદ હું એ છોકરાઓ સાથે ક્રિકેટ રમવા લાગ્યો. સમય જતાં મારી શાળામાં ક્રિકેટની ટીમ બની અને એમાં મારો સમાવેશ થયો.''

શાળાની ટીમમાં સમાવેશ થતાં જ વિકાસે ક્રિકેટ રમવાનું જ નહીં, શીખવાનું પણ શરૂ કરી દીધું. તેઓ અન્ડરઆર્મ બૉલિંગ કરતા હતા.

કાંકરા ભરેલા હોવાને કારણે ઝાંઝર જેવો અવાજ કરતા દડાની હરકત તેઓ ઓળખવા લાગ્યા.

ધીમેધીમે એક સારા ફિલ્ડર બની ગયા અને બાદમાં બૅટ્સમૅન તરીકે પણ નામ કાઢ્યું.

બૉલિંગ તો તેમને પહેલાંથી ફાવતી જ હતી એટલે એમાં થોડું ધ્યાન આપતાં જ તેઓ દડો સ્પીન પણ કરાવવા લાગ્યા.

એટલે વિકાસનો એક ઑલરાઉન્ડર તરીકે વિકાસ થયો. જિલ્લાની ક્રિકેટ ટીમમાં તેઓ સિલેક્ટ થઈ ગયા.

શું તમે આ વાંચ્યું?

ખેલાડી તરીકે પૌષ્ટિક આહાર પણ જરૂરી હતો. વિકાસને વધુ દૂધ મેળે એ માટે તેમના પિતાએ દૂધ પીવાનું છોડી દીધું અને એમના ભાગનું દૂધ વિકાસને આપ્યું, ધીમેધીમે વિકાસની રમત નીખરવા લાગી.

2008માં નૅશનલ ટીમમાં સમાવેશ

વર્ષ 2008માં નૅશનલ ટીમમાં વિકાસનો સમાવેશ થયો.

આ અંગે વાત કરતા તેઓ જણાવે છે, ''માત્ર બે જોડી કપડાં પહેરનારા મારા જેવા ગામડાંના છોકરાએ પ્રથમ વખત બ્લૅઝર પહેર્યું.

''પ્રથમ વખત ટાઈ બાંધી. મને ઇન્ડિયન ટીમની જર્સી અને કૅપ મળી હતી. એ વખતે મારો રુઆબ જ અલગ હતો.''

2011ના બ્લાઇડ ક્રિકેટ વર્લ્ડકપમાં પાકિસ્તાન વિરુદ્ધ રમાયેલી મેચને યાદ કરતા વિકાસ જણાવે છે, ''પાકિસ્તાનને હરાવવા આખી ટીમ જનુન સાથે રમવા ઊતરી હતી, પણ એ મેચમાં હું માત્ર 20 રન જ કરી શક્યો હતો અને અમારી ટીમે 254 રન બનાવ્યા હતા."

વિકાસ ઉમેરે છે, ''જોકે, મેં મારી પૂરી તાકાત ફિલ્ડિંગમાં લગાવી દીધી હતી. સ્લિપની મારી જગ્યા છોડીને હું બાઉન્ડ્રી પર જતો રહ્યો હતો.

"મેં અત્યંત ચુસ્ત ફિલ્ડિંગ કરી હતી. ડાઇવ લગાવવામાં મારા ઘૂંટણ અને કોણી છોલાઈ ગયા હતા.

"સાથી ખેલાડીઓએ મને મેદાનમાંથી બહાર જવા કહ્યું પણ હું ના માન્યો. આખરે એ મેચમાં અમે પાકિસ્તાનને હરાવ્યું અને વર્લ્ડ કપ ભારતના નામે કરાવ્યો.

''મારા હાથપગ પર કેટલાય ઘાવ હતા અને તેમાંથી લોહી વહી રહ્યું હતું તોય ભારતનો ઝંડો પકડીને કૂદવાનું હું છોડી નહોતો શક્યો.

''પાકિસ્તાનને વર્લ્ડકપમાં હરાવ્યું ત્યારે નરેન્દ્ર મોદીએ પણ મારી સિદ્ધિ બિરદાવી હતી.''

મેચ રમવા બદલ રૂ.3 હજાર મળતા હતા

જોકે, ઈનામમાં શું મળ્યું એ અંગે વાત કરતા તેઓ જણાવે છે, ''21 ખેલાડીઓ વચ્ચે ઇનામના માત્ર 60 હજાર રૂપિયા જ મળ્યા હતા.''

વર્લ્ડ કપ જીત્યા બાદ વિકાસને એક મેચ રમવા બદલ રૂ. 3 હજાર મળતા હતા.

આ દરમિયાન તેમણે રમતગમતના શિક્ષક બનવા માટે પી.ટી.સી.નો અભ્યાસ પણ કર્યો.

ઘરમાં ફી ભરવાના પૂરતા પૈસા ના હોવાથી તેમનાં માએ ઘરેણાં વેચીને એક લાખ સિત્તેર હજારની વ્યવસ્થા કરી હતી.

જોકે, વર્લ્ડ કપની ટ્રૉફી અને પી.ટી.સી.ની ડીગ્રી હોવા છતાં વિકાસને ક્યાંય નોકરી ના મળી.

આખરે નાછૂટકે તેમણે બૅટ-દડો મૂકીને પાન-બીડીની દુકાન શરૂ કરવી પડી.

વિકાસના પિતા વેલજી પટેલે બીબીસીને જણાવ્યું,''વિકાસને કેટલાંય નેતાઓએ નોકરી અપાવવાના વચન આપ્યા હતા, પણ એ વચન માત્ર વચન જ રહ્યાં.

''એક તો વિકાસ અંધ છે અને ઉપરથી અમારી પાસે કોઈ ખાસ સંપત્તિ નથી. એટલે વિકાસના લગ્નની બહુ ચિંતા થાય છે.''

વિકાસના ક્રિકેટના કોચ અને ગુજરાત સરકાર દ્વારા વિકલાંગોના ઉત્કર્ષ માટે બનેલી સ્પર્શ સમિતિના ભૂતપૂર્વ ગવર્નર ડૉ. ભાસ્કર પંડ્યાનું કહેવું છે,''વિકાસે બ્લાઇન્ડ ક્રિકેટ માટે પોતાનું લોહી રેડ્યું છે, પરંતુ એને સરકારી કે પ્રાઇવેટ કંપનીમાં સારી નોકરી નથી મળી શકી એ વાતનો મને અફસોસ છે.''

ગુજરાત સરકારના રમતગમત મંત્રી ઇશ્વરસિંહ પટેલે આ મામલે જણાવ્યું, ''ગુજરાત સરકારમાં અંધ ક્રિકેટરો માટે કોઈ જોગવાઈ નથી, પરંતુ આ કિસ્સામાં અમે જોગવાઈ કરીશું.

"અલબત, દેશનું નામ રોશન કરનારા ખેલાડીઓ માટે સરકારે એક ટ્રસ્ટ બનાવ્યું છે.

"જે આ મામલે જોગવાઈ કરશે. અમે આ કેસની વિગત મગાવીશું અને વિકાસને યોગ્ય સહાય મળે એ માટે તમામ પ્રયાસો કરીશું.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો