જ્યારે મિયાદાદની સિક્સરનો બદલો ગુજરાતીએ કરાચીમાં વાળ્યો

    • લેેખક, તુષાર ત્રિવેદી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો હોય અને તેમાંય મેદાન દુબઈ કે શારજાહનું હોય એટલે મુકાબલો રસાકસીભર્યો બનશે તેની એક ગૅરંટી હોય છે.

ભારતવાસીઓ માટે આવા મુકાબલામાં કાં તો ભારત જીતે છે કે ભારત હારે છે પરંતુ વાત કરવામાં પણ તેઓ પાકિસ્તાન જીત્યું તેમ નહીં બોલે.

આવી જ સ્થિતિ સરહદની પેલે પાર છે ત્યાં પણ ભારતનો વિજય એ શબ્દ પણ હજમ થતો નથી.

સરહદને પેલે પાર એવો ઉલ્લેખ કર્યો છે તેના પરથી જ આ બંને ટીમ વચ્ચેના મુકાબલાનું મહત્ત્વ સમજાઈ જાય છે.

1947માં બંને દેશના ભાગલા પડ્યા ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તમામ મુલાકાત તનાવભરી રહી છે.

પછી તે દિલ્હી કે રાવલપિંડી-લાહોરમાં ટેબલ પરની મંત્રણા હોય, શારજાહ કે દુનિયાના કોઈ પણ મેદાન પર રમાતી ક્રિકેટ મૅચ હોય, હોકીની મૅચ હોય કે કબડ્ડીનો જંગ હોય પણ તનાવ તો રહેવાનો જ અને મુકાબલો રોમાંચક રહેવાની ગૅરંટી રહેવાની.

તમે આ વાંચ્યું કે નહીં?

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મૅચમાં માત્ર ક્રિકેટપ્રેમીઓ જ રસ ધરાવતા નથી પરંતુ બંને દેશના તમામ નાગરિકો માટે આ મૅચ આકર્ષણનું કેન્દ્ર હોય છે.

ભારત અને પાકિસ્તાન ફરી એક વાર સામસામે આવી રહ્યા છે. 19મી સપ્ટેમ્બરે દુબઈ ખાતે બંને ટીમ વચ્ચે એશિયા કપની વન-ડે ક્રિકેટ મૅચ રમાનારી છે.

2008માં મુંબઈમાં થયેલા હુમલા બાદ બંને ટીમ એકબીજાના દેશમાં જઈને રમતી નથી.

આ માટે ઘણા પ્રયાસ હાથ ધરાયા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે ભારત અને પાકિસ્તાન માત્ર મલ્ટિનૅશનલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જ સામસામે રમે છે અને મોટાભાગે તેઓ તટસ્થ મેદાન પર જ રમવાનું પસંદ કરે છે.

ખાસ કરીને વર્લ્ડ કપમાં બંને સામસામે આવતા હોય છે.

છેલ્લે ગયા વર્ષે આઈસીસી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ઇંગ્લૅન્ડની ધરતી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે બે મૅચ રમાઈ હતી.

જેમાં લીગ મૅચમાં ભારતનો 124 રનથી શાનદાર વિજય થયો હતો પરંતુ અત્યંત મહત્ત્વની એવી ફાઇનલમાં તેનો 180 રનથી પરાજય થયો હતો.

આવી જ રીતે ટી-20માં 11 વર્ષમાં બે ટીમ માંડ આઠ વખત સામસામે રમી છે.

છેલ્લે 2016ના ટી-20 વર્લ્ડ કપમાં રમવા માટે પાકિસ્તાની ટીમ ભારત આવી હતી અને કોલકત્તામાં બંને વચ્ચે મૅચ રમાઈ હતી.

ટેસ્ટ મૅચમાં તો 2007 બાદ ભારત અને પાકિસ્તાને સામસામે રમવાનું જ બંધ કરી દીધું છે, કેમ કે ટેસ્ટ મૅચનો વર્લ્ડ કપ રમાતો નથી અને તે માટે મલ્ટિનૅશનલ ટુર્નામેન્ટ પણ યોજાતી નથી.

પાકિસ્તાનના વડા પ્રધાન પદે ઇમરાન ખાનની વરણી થયા બાદ એવી આશા જાગી છે કે બંને વચ્ચેના ક્રિકેટ સંબંધો ફરીથી વિકસે પરંતુ તે માટે પણ રાહ જોવી પડશે.

આ જ ઇમરાન ખાનની આગેવાનીમાં પાકિસ્તાની ટીમ ઘણીવાર ભારત સામે રમી છે અને તે વખતે પણ તીવ્ર હરિફાઈ જામતી હતી.

1983-84માં પહેલીવાર એશિયા કપનું આયોજન થયું તેમાં ભારત અને પાકિસ્તાન રમ્યા હતા.

ત્યારથી આ ટુર્નામેન્ટમાં બંને વચ્ચે 11 મૅચ રમાઈ છે અને તેમાં પણ કોઈનો હાથ ઉપર નથી.

બંનેએ પાંચ પાંચ મૅચ જીતી છે તો એક મેચ રદ કરવામાં આવી હતી.

આમ છતાં એશિયા કપની વાત કરીએ તો ભારતનો હાથ ઉપર રહ્યો છે.

આ ટુર્નામેન્ટમાં ભારત ચાર વખત ચૅમ્પિયન બન્યું છે જ્યારે પાકિસ્તાનને બે જ વખત ટાઇટલ હાંસલ થયાં છે.

બંને વખતે પાકિસ્તાની ટીમ બાંગ્લાદેશમાં રમતી હતી. સરેરાશ પરિણામમાં બંને ટીમ લગભગ બરાબરી પર છે.

ભારતે તેના 61.90 ટકા મૅચ જીતી છે તો પાકિસ્તાનની સફળતાની ટકાવારી 62.50 ટકા રહી છે.

જાવેદ મિયાંદાદની સિક્સર હંમેશાં ડંખતી રહે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભૂતકાળના મુકાબલાની વાત આવે એટલે શારજાહ તો ખાસ યાદ આવે.

એમ કહેવાતું હતું કે શારજાહનું મેદાન હોય અને તેમાંય શુક્રવાર હોય તો પાકિસ્તાનને હરાવવું ક્યારેય આસાન હોતું નથી અને તેમાં ભારતીય ટીમ હોય તો પણ તે જીતી શકતી નથી.

આવો જ એક શુક્રવાર 1986ના એપ્રિલ મહિનામાં હતો. ભારતીય ટીમે નોંધપાત્ર પ્રદર્શન કરીને 245 રનનો સ્કોર નોંધાવ્યો હતો.

યાદ રહે, આ એ જમાનો હતો જ્યારે 225થી ઉપરનો કોઈ પણ સ્કોર ટીમને આસાન વિજય અપાવી શકતો હતો.

સુનીલ ગાવસ્કરે મહેનત કરીને 92 રન ફટકારી ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડ્યું હતું.

જેની સામે પાકિસ્તાને 209 રન સુધીમાં છ મોખરાની વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ જાવેદ મિયાંદાદ મેદાન પર હતો.

કૅપ્ટન કપિલદેવની ગણતરીમાં કંઈ ભૂલ થઈ ગઈ અને મેચની છેલ્લી ઓવર બાકી હતી ત્યારે તેની પોતાની દસ ઓવર પૂરી થઈ ગઈ હતી.

મદન લાલ અને મનીન્દરની ઓવર પણ પૂરી અને રવિ શાસ્ત્રીની એક ઓવર બાકી હતી.

વર્તમાન ભારતીય ટીમનો ચીફ કોચ એ વખતે ઇનિંગ્સની છેલ્લી ઓવર ફેંકી શકે તેવો કાબેલ ન હતો અને અંતે ચેતન શર્માને બોલિંગ આપવાનો વારો આવ્યો.

છેલ્લા બૉલે પાકિસ્તાનને ચાર રનની જરૂર હતી ત્યારે મિયાંદાદે બૅટ વિંઝ્યું અને બસ પેવેલિયન તરફ દોડવાનું શરૂ કરી દીધું.

એ સિક્સર આજે ત્રણ દાયકા બાદ પણ ભારતીય ક્રિકેટ પ્રેમીઓને ખૂંચી રહી છે.

રાજેશ ચૌહાણે કમાલ દાખવી હતી

મિયાંદાદની સિક્સરનો બદલો છેક 1997માં ભારતે કરાચીમાં વાળ્યો હતો. એ વખતે ભારત સામે ટારગેટ 266 રનનો હતો.

વિનોદ કાંબલી એક છેડે મજબૂતીથી રમી રહ્યો હતો પરંતુ સામે છેડે કોઈ ભરોસાપાત્ર બૅટ્સમેન બાકી રહ્યો ન હતો.

ત્યારે મૂળ ગુજરાતી એવા રાજેશ ચૌહાણે સ્પિનર સકલીન મુસ્તાકની બૉલિંગમાં સિક્સર ફટકારીને ભારતને વિજય અપાવ્યો હતો.

એ સમય સુધી કોઈને કલ્પના ન હતી કે રાજેશ ચૌહાણ આ રીતે બૅટિંગ કરશે અને ટીમને ટારગેટ સુધી પહોંચાડશે.

જાડેજા-વકાર, પ્રસાદ-સોહૈલ વચ્ચે તનાવ

1996ના વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલ મેચ અને મેદાન હતું બેંગલોરનું એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ. આ વખતે મુકાબલો સેમિફાઇનમાં પ્રવેશવાનો હતો.

પાકિસ્તાનની ટીમ અગાઉ ભારતમાં રમેલી તમામ ટીમ કરતાં વધુ મજબૂત હતી.

ભારતે પ્રથમ બૅટિંગ કરી પરંતુ એવી દહેશત રહી હતી કે 50 ઓવર સુધીમાં ટીમ માંડ 250 સુધી પહોંચી શકશે.

અજય જાડેજા બૅટિંગમાં આવ્યો ત્યાં સુધી આવી જ સ્થિતિ હતી પરંતુ જાડેજાએ આવતાંવેંત જ ફટકાબાજી શરૂ કરી.

જાડેજાએ છેલ્લી બે કે ત્રણ ઓવરમાં જ તેણે 25 બોલમાં 45 રન ઝૂડી નાખ્યા.

તેણે વકાર યુનુસની એક ઓવરમાં તો 22 રન ફટકારી દીધા. આમ ભારતનો સ્કોર 287 સુધી પહોંચી ગયો.

પાકિસ્તાન માટે આમિર સોહૈલે પ્રારંભથી જ આક્રમક બેટિંગ કરી.

અત્યારે એશિયા કપમાં કોમેન્ટરી આપી રહેલા આમિર સોહૈલે ઝડપી બેટિંગ શરૂ કરીને વેંકટેશ પ્રસાદની એક ઓવરમાં ઉપરા ઉપરી ચોગ્ગા ફટકાર્યા.

બાદમાં પ્રસાદને પેવેલિયનમાં ભાગી જવાનો સંકેત કર્યો પણ એ પછીની જ ઓવરમાં પ્રસાદે તેના આ ડાબોડી હરીફને બૉલ્ડ કરી દીધો હતો.

આ એ જ મૅચ હતી જેમાં જાવેદ મિયાંદાદ રનઆઉટ થયો હતો.

પોતાની વેગીલી રનિંગ બિટવીન ધ વિકેટથી પાકિસ્તાનને સંખ્યાબંધ મૅચમાં વિજય અપાવનારો મિયાંદાદ પોતાની છેલ્લી ઇનિંગ્સમાં રનઆઉટ થયો હતો.

જ્યારે બિશનસિં બેદીએ ટીમને પરત બોલાવી લીધી

વન-ડેનો પ્રારંભિક કાળ હતો અને ભારત પાકિસ્તાન તેની પહેલી વન-ડે સિરીઝ રમી રહ્યા હતા.

1978નો નવેમ્બર મહિનો અને સ્થળ સાહિવાલ-પાકિસ્તાન.

ભારતને મૅચ જીતવા માટે માંડ 22 રનની જરૂર હતી અને તેની બે જ વિકેટ પડી હતી.

અંશુમન ગાયકવાડ અને ગુંડપ્પા વિશ્વનાથ મજબૂતીથી બૅટિંગ કરતા હતા.

ત્યાં જ પરિસ્થિતિ હાથમાંથી સરી જતી જોઈને ઇમરાન ખાન અને સરફરાઝ નવાઝે બાઉન્સરનો મારો શરૂ કરી દીધો.

ભારત એ વખતે લગભગ 16 વર્ષ બાદ પાકિસ્તાનના પ્રવાસે ગયું હતું અને તમામની નજર ટીમ પર હતી.

રાજદ્વારી સંબંધો પણ દાવ પર હતા. આ સંજોગોમાં પાકિસ્તાની બૉલર હાર માનવા તૈયાર ન હતા અને તેમનો પરાજય હાથવેંતમાં હતો.

બૉલર્સે હવે બૅટ્સમેનના શરીરને નિશાન બનાવ્યું હતું. પોતાના બૅટ્સમેન પર જોખમ છે તે કૅપ્ટન બિશનસિંઘ બેદીએ પારખી લીધું.

બંને દેશના સંબંધોની ચિંતા નેવે મૂકીને બૅટ્સમેનોને પરત પેવેલિયનમાં બોલાવી લીધા.

અંતે અમ્પાયર્સે મૅચમાં પાકિસ્તાનને જીતેલું જાહેર કરી દીધું. આમ બેદીએ જીતવાની બાજી જતી કરી દીધી પરંતુ અન્યાય સહન કર્યો નહીં.

વર્લ્ડ કપમાં ભારતનો હાથ હંમેશાં ઉપર રહ્યો છે

ભારત અને પાકિસ્તાન વચ્ચેના વર્લ્ડ કપના મુકાબલામાં પાકિસ્તાનને ક્યારેય સફળતા મળી નથી.

અત્યાર સુધીમાં બંને વચ્ચે રમાયેલી તમામ મૅચ ભારતે જ જીતી છે.

તેમાંય સૌથી યાદગાર મૅચમાં બેંગલોરની 1996ની ક્વાર્ટર ફાઇનલ અને 2003ની સેન્ચુરિયન ખાતેની મૅચ રહી છે.

સેન્ચુરિયનમાં સઇદ અનવરે સદી ફટકારતાં પાકિસ્તાને 273 રન નોંધાવ્યા હતા.

સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગ મેદાનમાં આવ્યા ત્યારે જાણે એમ નક્કી કરીને આવ્યા હોય કે બીજા કોઈનો વારો આવવા દેવો નથી તેમ ઝંઝાવાતી શરૂઆત કરી હતી.

વસિમ અકરમ, વકાર યુનુસ અને શોએબ અખ્તરને તેમણે સાવ સામાન્ય દરજ્જાના બૉલર બનાવી દીધા હતા.

સચિને તો વકારની બૉલિંગમાં થર્ડ મેન પર સિક્સર ફટકારી હતી.

સચિન સદીથી વંચિત રહ્યો પરંતુ તેણે ભારતનો વિજય આસાન બનાવી દેતાં 75 બોલમાં 98 રન ફટકારી દીધા હતા.

(તુષાર ત્રિવેદી 'નવગુજરાત સમય'ના સ્પોર્ટ્સ એડિટર છે)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો