કોણ છે એ મુસલમાન જેમના દરબારમાં મોદી પહોંચ્યા

    • લેેખક, અનિલ જૈન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે, ઇન્દોરથી

દાઉદી વ્હોરા સમુદાયનાં હાલના સર્વોચ્ચ ધર્મગુરુ સૈય્યદના મુફદ્દ્લ સૈફુદ્દીન આજકાલ તેમના મધ્ય પ્રદેશ પ્રવાસ અંતર્ગત ઇન્દોરમાં છે. તેઓ 6ઠ્ઠી સપ્ટેમ્બરે ઇન્દોર પહોંચ્યા હતા અને 25મી સપ્ટેમ્બર સુધી ત્યાં રહેશે.

આ દરમિયાન તેઓ મુહર્રમ પ્રસંગે પ્રવચન આપશે.

મધ્ય પ્રદેશ સરકારે સૈય્યદનાને રાજકીય મહેમાનનો દરજ્જો આપ્યો છે, આથી સ્થાનિક વહીવટીતંત્ર અને ભાજપ શાસિત મ્યુનિસિપલ કૉર્પોરેશનના સમગ્ર અધિકારીઓ પણ તેમની મહેમાનગતિમાં જોતરાયેલા છે.

કારણ કે બે મહિના પછી મધ્ય પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાનારી છે, એટલે શુક્રવારે ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ સૈય્યદનાના 'દર્શનાર્થે' ઇન્દોર પહોંચી ગયા હતા.

કોંગ્રેસનું પ્રાદેશિક નેતૃત્વ પણ રાહુલ ગાંધીને ત્યાં લઈ જવાના પ્રયત્નોમાં લાગેલું છે.

જોકે, મતોની દૃષ્ટિએ મધ્ય પ્રદેશમાં વ્હોરા સમુદાયની પ્રભાવક હાજરી ફક્ત ત્રણ શહેર ઇન્દોર, ઉજ્જૈન અને બુરહાનપુરમાં જ છે.

પરંતુ ભાજપ અને કોંગ્રેસ માટે વ્હોરા સમુદાયનું મહત્ત્વ તેમના મતોથી વધુ, સૈય્યદના તરફથી ચૂંટણી માટેના દાનરૂપે મળનારી નોટોનું છે.

કહેવાય છે કે સૈય્યદના પોતાનાં અનુયાયીઓ દ્વારા વિવિધ સ્વરૂપોમાં એકઠાં કરાયેલાં ધનમાંથી આ બંને પાર્ટીઓને મોટી રકમ ચૂંટણી ભંડોળના રૂપમાં આપે છે.

એટલે બંને મુખ્ય પક્ષોના મુખ્ય નેતાઓનું સૈય્યદનાના સ્વાગતમાં હાજર થવું એ કોઈ ચોંકાવનારી વાત નથી. જોકે, સૈય્યદના તરફથી મળનારા ભંડોળની લેણ-દેણ ખાનગી રીતે થતી હોય છે.

ખાસ વાત એ છે કે પ્રથમવાર કોઈ વડા પ્રધાન આ રીતે વ્હોરા ધર્મગુરુને મળવા પહોચ્યા. આ પહેલાં કોઈ વડા પ્રધાને સૈય્યદનાની ખિદમતમાં આ રીતે હાજરી નથી પૂરાવી.

અલબત્ત, તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ ચોક્કસ 1960ના દશકામાં ગુજરાતના સુરત શહેરમાં દાઉદી વ્હોરા સમુદાયના એક શિક્ષણ સંસ્થાનના ઉદ્દઘાટન અર્થે ગયા હતા.

જ્યાં 51મા સૈય્યદના તાહિર સૈફુદ્દીન સાથે તેમની મુલાકાત થઈ હતી. આજ દિન સુધી મુલાકાતની એ છબીનો સૈય્યદના અને તેમના નિકટના અનુયાયી પ્રચાર કરતા રહ્યા છે.

ગુરુ નહીં પણ એક રીતે શાસક

અન્ય ધર્મગુરુઓની તુલનામાં સૈય્યદનાનો પોતાના સમુદાયમાં એક અલગ જ દબદબો છે. એક રીતે તેઓ પોતાના સમુદાયના શાસક છે.

મુંબઈમાં પોતાના ભવ્ય અને વિશાળ નિવાસ સૈફી મહેલમાં વિશાળ કુટુંબકબીલા સાથે રહેતા તેઓ પોતે દરેક આધુનિક ભૌતિક સુવિધાઓનો ઉપયોગ કરે છે.

પોતાના સામુદાયિક અનુયાયીઓ ઉપર શાસન કરવાની તેમની રીતભાત મધ્યયુગના રાજાઓ-નવાબો જેવી છે.

તમે આ વાંચ્યું કે નહીં?

તેમની નિયુક્તિ પણ લાયકાતને આધારે અથવા તો લોકતાંત્રિક ઢબે નહીં, બલકે વંશવાદી વ્યવસ્થા અંતર્ગત થાય છે, જે ઇસ્લામી સિદ્ધાંતોને અનુરૂપ નથી.

'સુધારાવાદી વ્હોરા આંદોલન'ના નેતા ઇરફાન એન્જિનિયરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને વિનંતી કરી હતી કે એક ધર્મનિરપેક્ષ અને લોકશાહી દેશના વડા પ્રધાન હોવાને નાતે તેમણે સૈય્યદના જેવા 'વિવાદાસ્પદ' ધર્મગુરુના કાર્યક્રમમાં હાજરી આપવાનું ટાળવું જોઈએ. પરંતુ એ જગજાહેર છે કે મોદીએ તેમની અપીલ નકારી દીધી.

વર્ષ 1132માં શરૂ થઈ ગુરુઓની પરંપરા

દાઉદી વ્હોરા સમુદાયનો વારસો ફાતિમી ઇમામો સાથે જોડાયેલો છે, જેને પયગંબર હઝરત મોહમ્મદ (570-632)ના વંશજ માનવામાં આવે છે.

આ સમુદાય મુખ્યતઃ ઇમામ પ્રત્યે જ પોતાની શ્રદ્ધા રાખે છે. દાઉદી વ્હોરાઓના 21મા અને અંતિમ ઇમામ તૈય્ય્બ અબુલ કાસીમ હતા.

તેમના પછી 1132થી આધ્યાત્મિક ગુરુઓની પરંપરા શરૂ થઈ ગઈ જે દાઈ-અલ-મુતલક સૈય્યદના કહેવાય છે.

દાઈ-અલ-મુતલકનો મતલબ થાય છે- 'સુપર ઑથોરીટી' એટલે કે સર્વોચ્ચ સત્તા.

તેમના નિઝામમાં કોઈ પણ આંતરિક કે બાહ્ય શક્તિ દખલ કરી શકતી નથી અથવા જેમના આદેશ-નિર્દેશને ક્યાંય પણ પડકારી શકાતા નથી. સરકાર અથવા અદાલતની સમક્ષ પણ નહીં.

દાઉદી વ્હોરા સમુદાય સામાન્ય રીતે શિક્ષિત, મહેનતુ, વેપારી અને સમૃદ્ધ હોવાની સાથે જ આધુનિક જીવનશૈલી ધરાવે છે પરંતુ સાથે જ તેઓ ધર્મભીરુ સમુદાય તરીકે પણ ઓળખાય છે.

પોતાના આ જ ધર્મભીરુ સ્વભાવને લીધે તેઓ પોતાના ધર્મગુરુ પ્રત્યે સંપૂર્ણપણે સમર્પિત રહીને તેમના દરેક 'ઉચિત-અનુચિત' આદેશોનુ નિષ્ઠાપૂર્વક પાલન કરે છે.

સૈય્યદનાની કાયદેસરતાનો વિવાદ અદાલતમાં

હાલના સૈય્યદના પરિવારના સભ્યોએ જ તેમના સૈય્યદના બનવાના મુદ્દાને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો છે. હાલના સૈય્યદના મુફ્દ્દ્લ સૈફુદ્દીનના પિતા ડૉ. મોહમ્મદ બુરહાનુદ્દીન 52મા સૈય્યદના હતા.

પરંપરા મુજબ તેમણે જ પોતાનો ઉત્તરાધિકારી નક્કી કરવાનો હતો પરંતુ 2012માં અચાનક ગંભીર બીમારીને લીધે કૉમામાં જતા રહેવાને કારણે તેઓ ઉત્તરાધિકારીની નિમણૂક કરી શક્યા નહોતા.

પરંતુ તેઓએ પોતાના નાના ભાઈ ખુજેમા કુતુબુદ્દીનને માજૂમ એટલે કે પોતાના નાયબ બહુ પહેલાંથી જ નિયુક્ત કરી દીધા હતા.

ખુજેમા કુતુબુદ્દીનના નાના પુત્ર અબ્દુલ અલીના અનુસાર ડૉ. મોહમ્મદ બુરહાનુદ્દીને 1965માં સૈય્યદના પદ સંભાળ્યાના ફક્ત 28 દિવસ બાદ જ પોતાના ભાઈ ખુજેમા કુતુબુદ્દીનને પોતાના માજૂમ નિયુક્ત કરી દીધા હતા.

કહેવાય છે કે જો સૈય્યદના ઔપચારિક રીતે પોતાના ઉત્તરાધિકારીના નામની જાહેરાત કર્યા વગર જ અવસાન પામે તેવી સ્થિતિમાં તેમના માજૂમને જ તેમના પછીના સૈય્યદના માની લેવામાં આવે છે.

પરંતુ ફેબ્રુઆરી 2014માં 52મા સૈય્ય્દના ડૉ. બુરહાનુદ્દીનના અવસાન બાદ એવું થયું નહીં. તેમના પુત્ર સૈફુદ્દીને કાકાના દાવાને અવગણીને પિતાના ઉત્તરાધિકારી તરીકે પોતાની જ 53મા સૈય્યદના તરીકે જાહેરાત કરી દીધી.

બીજી તરફ ખુજેમા કુતુબુદ્દીને પણ 52મા સૈય્યદનાના માજૂમ હોવાને નાતે પોતાને તેમના સ્વાભાવિક ઉત્તરાધિકારી ગણાવી 53મા સૈય્યદના તરીકે જાહેર કર્યા અને જૂન 2014માં પોતાના ભત્રીજાના દાવાને મુંબઈ હાઈકોર્ટમાં પડકાર્યો.

અદાલત દ્વારા વારંવાર નોટીસ પાઠવવા છતાં મુફદ્દ્લ સૈફુદ્દીન અદાલતમાં હાજર ના થયા. આ કેસ ચાલતો હતો તે દરમિયાન જ 30 માર્ચ 2016ના રોજ ખુજેમા કુતુબુદ્દીનનું અવસાન થઈ ગયુ.

તેમણે તેમનાં અવસાન પહેલાં જ પોતાના પુત્ર તાહિર ફખરુદ્દીનને ઉત્તરાધિકારી જાહેર કરી દીધા હતા. આથી તાહિર ફખરુદ્દીને તેમનું સ્થાન સાંભળી લીધું અને પોતાની 54મા સૈય્યદના તરીકે જાહેરાત કરી દીધી.

પોતાના કાકાના અવસાન પછી તરત જ મુફ્દ્દ્લ સૈફુદ્દીને પોતાના વકીલ દ્વારા અદાલતને વિનંતી કરી કે ખુજેમા કુતુબુદ્દીનનું અવસાન થઈ ગયું છે, આ કેસને રદ કરવામાં આવે.

આ બાબતે તાહિર ફખરુદ્દીને વાંધો ઉઠાવ્યો. અદાલતે તેમની વાંધા અરજીનો સ્વીકાર કરતા મુફદ્દ્લ સૈફુદ્દીનની અપીલને રદ કરી દીધી અને આદેશ આપ્યો કે કેસ ચાલુ રહેશે.

દેશી વિદેશી અનુયાયી

કહેવાય છે કે તાહિર સૈફુદ્દીનને ભારતીય વ્હોરાઓમાં તો એટલું સમર્થન નથી પરંતુ અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, ઇજિપ્ત, સાઉદી અરબ વગેરે દેશોમાં વસતાં દાઉદી વ્હોરા મુસલમાનોનો એક તબક્કો તેમને જ પોતાના 54મા સૈય્યદના માને છે.

અબ્દુલ અલીને વિશ્વાસ છે કે ભલે ભારતના દાઉદી વ્હોરાઓની બહુમતી અત્યારે મુફદ્દ્લ સૈફુદ્દીનને પોતાના સૈય્યદના માને પરંતુ અદાલત તેમના ભાઈ તાહિર ફખરુદ્દીનના દાવાનો જ સ્વીકાર કરશે.

તેમનું માનવું છે કે તેમનો પક્ષ મજબૂત અને ન્યાયસંગત છે.

કુમળી બાળકીઓના ખતનાની બાબત

52મા સૈય્યદનાના ઉત્તરાધિકારના કેસ સિવાય મુફદ્દ્લ સૈફુદ્દીન પર સુપ્રીમ કોર્ટમાં પણ એક ગંભીર કેસ ચાલી રહ્યો છે.

દાઉદી વ્હોરા સમુદાયમાં કુમળી બાળકીઓના ખતના(ફીમેલ જેનિટલ મ્યૂટીલૅશન)ની બાબત સંબધિત આ કેસ છે

દાઉદી વ્હોરા સમુદાયમાં ધર્મના નામે લાંબા ગાળાથી ચાલી રહેલા આ રિવાજને અમાનવીય જણાવતા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે.

દાઉદી વ્હોરા સમુદાય ધર્મગુરુના આદેશથી ચાલતી આ પરંપરા પર આ સમુદાયના જ સુધારાવાદી વર્ગ સાથે જોડાયેલી પુના નિવાસી માસૂમા રાનલવી કહે છે કે કુરાન અથવા હદીસમાં આ રીતની કોઈપણ પરંપરાનો ઉલ્લેખ નથી.

માસૂમા કહે છે, "આ ખૂબ જ અમાનવીય રિવાજ છે. તેને અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયામાં અપરાધ જાહેર કરાયો છે. ઑસ્ટ્રેલિયામાં તો આ વિષયમાં બળજબરી કરવાના આરોપમાં ત્યાંના આમિલ, સૈય્યદનાના પ્રતિનિધિને જેલવાસ ભોગવવો પડ્યો હતો."

"આ જ રીતે અમેરિકામાં પણ કુમળી બાળકીઓના ખતના કરનારા એક ડૉકટરને પણ જેલની હવા ખાવી પડી છે."

કેન્દ્ર સરકાર ખતનાના પક્ષમાં નથી

સુપ્રીમ કોર્ટે આ સંબંધમાં થયેલી જાહેર હિતની અરજી ઉપર સૈય્યદનાની સાથે જ કેન્દ્ર સરકારને પણ નોટિસ પાઠવીને તેમનો પક્ષ જાણવા ઇચ્છા દર્શાવી છે.

જોકે, કેન્દ્ર સરકારે પોતાના જવાબમાં સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે તે આ પ્રકારની પરંપરાના પક્ષમાં નથી. પરંતુ વ્હોરા સમુદાયના ધર્મગુરુને હજુ પણ વિશ્વાસ છે કે કેન્દ્ર સરકાર પોતાનું વલણ બદલશે.

પોતાની જાતને 54મા સૈય્યદના જણાવનાર તાહિર ફખરુદ્દીનના નાના ભાઈ અબ્દુલ અલી આ બાબતે કહે છે, "'બાળકીઓના ખતના' એ કોઈ ધાર્મિક પરંપરા નથી.''

તેઓ ઉમેરે છે, ''અમારું માનવું છે કે 18 વર્ષ સુધીની કિશોરીઓના ખતના તો કોઈ પણ હાલમાં થવું ના જ જોઈએ અને 18 વર્ષની ઉંમર બાદ આ વ્યક્તિની મરજી ઉપર નિર્ભર હોવું જોઈએ."

સૈય્યદનાનું સામાજિક-ધાર્મિક તંત્ર

દેશ-વિદેશમાં જ્યાં જ્યાં પણ વ્હોરા ધર્મનાં લોકો વસે છે, ત્યાં સૈય્યદના તરફથી પોતાના દૂત નિયુક્ત કરવામાં આવે છે. જેને આમિલ તરીકે ઓળખવામાં આવે છે.

આ આમિલ જ સૈય્યદનાના ફરમાનને પોતના સમુદાયના લોકો સુધી પહોંચાડે છે અને તેના ઉપર અમલ પણ કરાવે છે.

સ્થાનિક સ્તરે સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓ ઉપર પણ આ આમિલોનુ જ નિયંત્રણ રહે છે. એક નિશ્ચિત સમય બાદ આ આમિલોની અલગઅલગ સ્થળે બદલી પણ થતી રહે છે.

વ્હોરા ધર્મગુરુ સૈય્યદનાની બનાવેલી વ્યવસ્થા મુજબ વ્હોરા સમુદાયમાં દરેક સામાજિક, ધાર્મિક, પારિવારિક અને વ્યવસાયિક કાર્ય માટે સૈય્યદનાની અનુમતિ અનિવાર્ય હોય છે અને આ અનુમતિ મેળવવા માટે નિર્ધારિત કિંમત ચૂકવવાની હોય છે.

લગ્ન-વિવાહ, બાળકોનું નામકરણ, વિદેશ યાત્રા, હજ, નવા વેપારની શરૂઆત, મૃતક પરિવારજનનાં અંતિમ સંસ્કાર વગેરે, તમામ સૈય્યદનાની અનુમતિથી અને નિર્ધારિત કિંમત ચૂકવ્યા બાદ જ શક્ય બને છે.

આટલું જ નહીં, સૈય્યદનાનાં દર્શન કરવા અને તેમના હાથને પોતાને માથે રખાવવા અને તેમના હાથ ચૂમવા માટે પણ ઘણી મોટી રકમ સૈય્યદનાના અનુયાયીઓને ચૂકવવાની હોય છે.

આ સિવાય સમાજના દરેક વ્યક્તિએ પોતાની વાર્ષિક આવકનો એક નિશ્ચિત ભાગ દાન રૂપે આપવાનો હોય છે.

આમિલો દ્વારા એકઠા કરવામાં આવેલા આ તમામ પૈસા સૈય્યદનાના ખજાનામાં જમા થાય છે.

બેહિસાબ દોલતના માલિક છે સૈય્યદના

દાઈ-અલ-મુતલક એટલેકે સૈય્યદના દાઉદી વ્હોરાઓના સર્વોચ્ચ આધ્યાત્મિક ધર્મગુરુ જ નહીં બલકે સમુદાયના તમામ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક અને પરમાર્થ કરતા ટ્રસ્ટોના મુખ્ય ટ્રસ્ટી પણ હોય છે.

આ જ ટ્રસ્ટો દ્વારા સમુદાયની તમામ મસ્જિદો, પથિકાશ્રમો, શૈક્ષણિક સંસ્થાનો, હૉસ્પિટલો, દરગાહો અને કબ્રસ્તાનોનું વ્યવસ્થાપન અને નિયંત્રણ થતું હોય છે. આ ટ્રસ્ટોની કુલ સંપત્તિ પચાસ હજાર કરોડ રૂપિયાથી વધુ જણાવવામાં આવે છે.

વ્હોરા સમાજના સુધારાવાદી આંદોલન સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું કહેવું છે કે આ ટ્રસ્ટોના આવક-ખર્ચ તથા સમાજનાં લોકો પાસેથી અલગ-અલગ રીતે એકત્ર કરાયેલા ધનનો કોઈ હિસાબ લોકશાહી ઢબે સમાજના લોકો સામે રજૂ કરવામાં આવતો નથી.

જયારે સૈય્યદનાના સમર્થકોનો દાવો છે કે આ પૈસાનો ઉપયોગ શૈક્ષણિક સંસ્થાઓ અને હૉસ્પિટલોના સંચાલન તથા અન્ય પરમાર્થના કાર્યોના ખર્ચમાં થાય છે.

સૈય્યદનાની બનાવેલી વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ અથવા તેના પરિવારનો સામાજિક બહિષ્કાર કરવાનું ફરમાન સૈય્યદના તરફથી પાઠવી દેવાય છે.

સૈય્યદનાના આદેશ મુજબ સમાજથી બહિષ્કૃત વ્યક્તિ અથવા પરિવાર સાથે સમાજની કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સ્તરનો સંબધ રાખી શકતી નથી.

બહિષ્કૃત વ્યક્તિ પોતાના પરિવારમાં અથવા સમાજમાં ના તો કોઈના લગ્નમાં હાજરી આપી શકે છે કે ના તો કોઈની શબયાત્રામાં સામેલ થઈ શકે છે.

બહિષ્કૃત પરિવારમાં જો કોઈનું અવસાન થઈ જાય તો તેમના મૃતદેહને વ્હોરા સમુદાયના કબ્રસ્તાનમાં દફનાવવા દેવામાં પણ આવતો નથી.

આઈટીએસ કાર્ડ એટલેકે સમાંતર આધાર કાર્ડ

છેલ્લાં કેટલાંક વર્ષોથી સૈય્યદનાના આદેશ ઉપર સમાજના દરેક વ્યક્તિ (નવજાત બાળકથી માંડીને વૃદ્ધો સુધીના) પરિચય પત્ર તૈયાર કરાવવાના શરૂ થયા છે.

આધાર કાર્ડના ચીલા ઉપર જ કમ્પ્યુટરથી બનાવવામાં આવનારા આ આઈટીએસ (ઇદારતુલ તારીફ અલ શખ્સી) કાર્ડ દ્વારા જ દરેક વ્યક્તિ સમાજની મસ્જિદ, જમાતખાના, પથિકાશ્રમ, કબ્રસ્તાન વગેરે સ્થળોએ પ્રવેશ મેળવી શકે છે.

આ કાર્ડ દ્વારા એક રીતે સમાજના દરેક વ્યક્તિની દરેક સામાજિક ગતિવિધિ ઉપર નજર રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

જે કોઈપણ વ્યક્તિની ગતિવિધિ ધર્મગુરુ વર્ગની કસોટી ઉપર જરાય શંકાસ્પદ લાગે તો તેનું આઈટીએસ કાર્ડ બ્લૉક કરી દેવામાં આવે છે.

કાર્ડ બ્લૉક થઈ જવાથી એ વ્યક્તિનો સમાજની મસ્જિદ, જમાતખાના, પથિકાશ્રમ, કબ્રસ્તાન વગેરે સ્થળોએ પ્રવેશ નિષેધ થઈ જાય છે.

સૈય્યદના તરફથી આ કોઈ વ્યક્તિના સામાજિક બહિષ્કારની આધુનિક વ્યવસ્થા શોધી કાઢવામાં આવી છે.

ઉદયપુર, મુંબઈ, પુના, સુરત, ગોધરા વગેરે શહેરોમાં સેંકડો વ્હોરા પરિવાર આ સમયે સામાજિક બહિષ્કારના શિકાર બન્યા છે.

સુધારાવાદી વ્હોરા આંદોલનનો ઇતિહાસ અને વર્તમાન

હકીકતમાં, દાઉદી વ્હોરા સમુદાયમાં સુધારાવાદી આંદોલનની શરૂઆત 1960ના દશકામાં નૌમાન અલી કૉન્ટ્રાક્ટરે કરી હતી.

તેમના સમયમાં તો આ આંદોલન વધુ જોર પકડી શક્યું નહીં, પરંતુ તેમનાં અવસાન બાદ જ્યારે આ આંદોલનની આગેવાની 1980ના દાયકામાં ડૉ. અસગર અલી એન્જિનિયરે સંભાળી ત્યારે આ આંદોલન ઝડપથી વિસ્તર્યું.

એન્જિનિયરે જ્યાં જ્યાં દાઉદી વ્હોરા વસેલા છે એ તમામ દેશોની મુલાકાત લીધી. એટલું જ નહીં, તેમણે દેશના ઘણા જાણીતાં બુદ્ધિજીવીઓ, માનવાધિકાર કાર્યકર્તાઓ, ભૂતપૂર્વ ન્યાયાધીશો, લેખકો અને કલાકારોણે પણ પોતાના આ આંદોલન સાથે જોડ્યા પરંતુ તેમનાં મૃત્યુ બાદ આંદોલન ઠંડુ પડી ગયું.

દાઉદી વ્હોરા વિષે આ પણ જાણો

વ્હોરા 'ગુજરાતી શબ્દ વહૌરાઉં' એટલે કે 'વેપાર'નો અપભ્રંશ' છે, આ સમુદાય મુસ્તાલી મતનો હિસ્સો છે, જે 11મી સદીમાં ઉત્તર ઇજિપ્તથી ધર્મ પ્રચારકોના માધ્યમથી ભારતમાં આવ્યો હતો.

1539 પછી જ્યારે ભારતમાં આ સમુદાયનું વિસ્તરણ થયું તો આ લોકોએ પોતાના મુખ્યમથકને યમનથી ભારતના સિદ્ધપુર(ગુજરાત)માં સ્થળાંતરીત કર્યું.

1588માં 30મા સૈય્યદનાનાં મૃત્યુ બાદ તેના વંશજ દાઉદ બિન કુતુબ શાહ અને સુલેમાન શાહની વચ્ચે સૈય્યદનાની પહેલી પદવી અને ગાદી ઉપર દાવેદારીને મુદ્દે મતભેદ પેદા થયો, જેના લીધે બે જુદાં મત પ્રસ્થાપિત થઈ ગયા અને બંનેના અનુયાયીઓમાં પણ વિભાજન થઈ ગયું.

દાઉદ બિન કુતુબ શાહને માનનારા દાઉદી વ્હોરા અને સુલેમાનને માનનારા સુલેમાની વ્હોરા તરીકે ઓળખાવા લાગ્યા.

સુલેમાની વ્હોરા દાઉદી વ્હોરાની તુલનામાં અત્યંત ઓછી સંખ્યામાં હતા અને તેમના મુખ્ય ધર્મગુરુએ થોડા સમય પછી પોતાનું મુખ્યમથક યમનમાં પ્રસ્થાપિત કરી લીધું અને દાઉદી વ્હોરાઓના ધર્મગુરુનું મુખ્યમથક મુંબઈમાં પ્રસ્થાપિત થયું.

કહેવાય છે કે દાઉદી વ્હોરાઓના 46મા ધર્મગુરુના સમયે આ સમુદાયમાં પણ વિભાજન થયું તથા બે અન્ય શાખાઓ સ્થપાઈ.

હાલમાં ભારતમાં વ્હોરા સમુદાયની કુલ વસતી લગભગ 20 લાખ છે, જેમાં 12 લાખથી વધુ દાઉદી વ્હોરા છે, તથા શેષ આઠ લાખમાં અન્ય શાખાઓના વ્હોરા સામેલ છે.

બે મતોમાં વિભાજીત થવા છતાં દાઉદી અને સુલેમાની વ્હોરાઓના ધાર્મિક સિદ્ધાંતોમાં પાયાનો કોઈ ખાસ ફરક નથી. બંને સમુદાય સૂફીઓ અને મઝારો ઉપર ખાસ આસ્થા ધરાવે છે.

સુલેમાની, જેને સુન્ની વ્હોરા પણ કહેવામાં આવે છે, તેઓ હનફી ઇસ્લામી કાયદા ઉપર અમલવારી કરે છે. જયારે દાઉદી વ્હોરા સમુદાય ઇસ્માઈલી શિયા સમુદાયનો ઉપ-સમુદાય છે અને દાઇમ-ઉલ-ઇસ્લામના કાયદાનો અમલ કરે છે.

આ સમુદાય પોતાની પ્રાચીન પરંપરાઓ સાથે જોડાયેલો સમુદાય છે, જેમાં માત્ર પોતાના જ સમુદાયમાં લગ્ન કરવાનું પણ સામેલ છે. ઘણી હિંદુ પ્રથાઓને પણ તેમના સામાજિક વ્યવહારમાં જોઈ શકાય છે.

ભારતમાં દાઉદી વ્હોરા મુખ્યત્વે ગુજરાતમાં સુરત, અમદાવાદ, વડોદરા, જામનગર, રાજકોટ, નવસારી, દાહોદ, ગોધરા, મહારાષ્ટ્રમાં મુંબઈ, પુના, નાગપુર, ઔરંગાબાદ, રાજસ્થાનમાં ઉદયપુર, ભીલવાડા, મધ્ય પ્રદેશમાં ઇન્દોર, બુરહાનપુર, ઉજ્જૈન, શાજાપુર સિવાય કોલકાતા, ચેન્નઈ, બેંગલુરૂ અને હૈદરાબાદ જેવાં મહાનગરોમાં પણ વસ્યા છે.

પાકિસ્તાનના સિંધ પ્રાંત સિવાય બ્રિટન, અમેરિકા, ઑસ્ટ્રેલિયા, દુબઈ, ઇજિપ્ત, ઈરાક, યમન અને સાઉદી અરેબિયામાં પણ તેમનું સારું એવું પ્રમાણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો