શોએબ અખ્તર : ગરીબીથી ગ્લૅમર સુધીની ઇનિંગ રમનાર ક્રિકેટર

    • લેેખક, દિપક ચુડાસમા
    • પદ, બીબીસી ગુજરાતી

પોતાની બૉલિંગથી વિશ્વના ભલભલા બૅટ્સમેનોને હંફાવનારા અને પાકિસ્તાનના એક સમયના સ્ટાર ક્રિકેટર શોએબ અખ્તરનો આજે જન્મ દિવસ છે.

ખૂબ ઓછા લોકોને ખબર હશે કે ક્રિકેટ વિશ્વમાં પોતાની ઝડપી બૉલિંગને કારણે ‘રાવલપિંડી એક્સ્પ્રેસ’ તરીકે ઓળખાતા શોએબ અખ્તર બાળપણમાં કુપોષણ અને ઉટાંટિયાથી પીડાતા હતા સરખી રીતે ચાલી પણ નહોતા શકતા.

પાકિસ્તાનના આ ખેલાડી ગરીબીમાં જન્મ્યા, ઉછર્યા અને વિશ્વમાં જાણીતા થયા અને સતત વિવાદોમાં રહ્યા. શોએબ અખ્તરની જિંદગી વિવાદો, ઈજાઓ અને ઘટનાઓથી ભરપૂર છે.

એક સમયે વિશ્વના સૌથી ફાસ્ટ બૉલર તરીકે જાણીતા થયેલા શોએબ અખ્તર તેમની કારકિર્દીમાં 49 ટેસ્ટ અને 133 વન ડે રમ્યા. તેમના ચાહકો પાકિસ્તાન ઉપરાંત ભારતમાં પણ મોટા પ્રમાણમાં છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બીજી તરફ ડ્રગ્સના આરોપો, સાથી ખેલાડીઓ સાથે ઝઘડાઓ અને સતત વિવાદો, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે તંગ સંબંધોને કારણે પણ તે સમાચારોમાં ચમકતા રહ્યા.

આવી ફિલ્મ જેવી રોમાંચક કહાણી છે 43 વર્ષના શોએબ અખ્તરની.

ગરીબ કુટુંબમાં જન્મ

શોએબનો જન્મ રાવલપિંડીના મોર્ગાહમાં થયો હતો. પિતા ચોકીદાર અને તેમના માતા ગૃહિણી હતાં.

પોતાની આત્મકથા 'કૉન્ટ્રોવર્સિયલી યોર્સ'માં શોએબે પોતાના ઘર અને કુટુંબની કેવી સ્થિતિ હતી તેનું વર્ણન કર્યું છે.

આત્મકથામાં તેમણે લખ્યું છે, “મારો જન્મ આર્થિક રીતે પછાત એવી ગુજ્જર જ્ઞાતિમાં થયો હતો.”

“અમારું ઘર એક ખંડિયેર, અસ્વચ્છ અને કોઈ પણ માળખાકીય સુવિધા વિનાનું મકાન હતું."

"એક રૂમનું અમારું એ ઘર અડધું પાકું અને ભાંગ્યાંતૂટ્યાં છાપરાવાળું હતું. એક વરસાદી રાત્રે અમારા ઘરનાં છાપરાનો ભાગ પડી ગયો હતો."

તેમના પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી અને તેમના માતાએ માંડ માંડ કરીને તેમના બાળકોનું ભણતર પૂરું કરાવ્યું હતું.

'મારા જીવવાની આશા ન હતી'

શરીર સૌષ્ઠવની દૃષ્ટિએ ભલભલા હીરોના શરીર સૌષ્ઠવને ઝાંખા પાડી દેતા શોએબ બાળપણમાં સાવ માંદા બાળક હતા.

તેમની આત્મકથા અનુસાર તેઓ નાનપણમાં પોતાના શરીરનું યોગ્ય સંતુલન પણ જાળવી શકતા નહોતા.

ત્રણ વર્ષની ઉંમરે પણ તે સારી રીતે ચાલી શકવા પણ સક્ષમ નહોતા.

જોકે, તેનાથી પણ વધારે તેમના માતાપિતાને તેમને થયેલા ઉટાંટિયા (whooping-cough)ના રોગની ચિંતા હતી.

દિવસે ને દિવસે સતત નબળા પડતા જતા તેમના શરીરને જોઈને એક દિવસ તેમના નાનાએ તેમના માતાને કહ્યું હતું કે શોએબની સારવાર માટે વધારે પૈસા ડૉક્ટર્સને આપ્યા વિના તેમના અંતિમ સમય માટે તૈયારી કરો.

હૉસ્પિટલમાં સારવાર બાદ પણ તેમની તબિયતમાં કોઈ ખાસ સુધારો જોવા મળતો ન હતો.

તેમને ખોરાક પચાવવામાં પણ હવે સતત મુશ્કેલી પડી રહી હતી.

જોકે, તેઓ ઉટાંટિયાના રોગમાંથી તો બચી ગયા પરંતુ ડૉક્ટરે તેમના માતાને કહ્યું હતું કે શોએબના ફેફસાં હંમેશાં નબળાં રહેશે.

સરખી રીતે ચાલી પણ ના શકતો એ બાળક એક દિવસ રાવલપિંડીની ગલીઓમાં સતત દોડતો હતો.

શોએબ કહે છે કે તેમને દોડવું ગમતું, તે અન્ય બાળકો કરતાં ઝડપથી દોડતા હતા.

ઇમરાન ખાનની નકલથી ક્રિકેટની શરૂઆત

'કૉન્ટ્રોવર્સીલી યોર્સ'માં લખે છે કે શોએબ શરૂઆતમાં ઇમરાન ખાનની રનિંગની કૉપી કરતા હતા.

1992માં પાકિસ્તાન ઇમરાન ખાનની કપ્તાની હેઠળ વર્લ્ડ કપ જીત્યું હતું.

હાલમાં પાકિસ્તાનના વડા પ્રધાન બનવા જઈ રહેલા ઇમરાન એક સમયે શોએબના આદર્શ હતા.

શરૂઆતમાં ઇમરાન ખાનની નકલ કર્યા બાદ ધીમેધીમે ખુદની સ્ટાઇલ આવવા લાગી.

શોએબની ક્રિકેટ કારકિર્દીની શરૂઆત ખરેખર તો કૉલેજ કાળથી થઈ હતી.

રાવલપિંડીમાં પિંડી ક્લબની એક મૅચમાં પોતાના બૅટ અને બૉલનો જલવો બતાવ્યા બાદ શોએબે થોડા જ સમયમાં ક્રિક્રેટની પ્રૅક્ટિસ શરૂ કરી દીધી હતી.

અખ્તરના એ બે બૉલ અને 80,000 લોકો સ્તબ્ધ

1999માં કોલકત્તામાં રમાયેલી એશિયા ટેસ્ટ ચેમ્પિયનશીપની ભારત-પાકિસ્તાન વચ્ચેની એ ટેસ્ટ મૅચથી શોએબ અખ્તરની સફળતાનો પારો ઊંચે ચઢવાનો શરૂ થયો હતો.

આ મૅચનું વર્ણન કરતા પાકિસ્તાનના અખબાર ડૉનમાં સેમ્યૂલ હસન લખે છે કે ઇડન ગાર્ડનમાં રમાઈ રહેલી એ મૅચમાં શોએબે પોતાના હાઈ સ્પીડ યોર્કર વડે રાહુલ દ્રવિડનું લેગ સ્ટમ્પ ઉડાવ્યું હતું.

તેના બીજા જ બૉલે ભારતના તે સમયના સ્ટાર બૅટ્સમેન સચિન તેંડુલકરનું મિડલ સ્ટમ્પ ઉડાવીને તેમને ‘ગોલ્ડન ડક’ સાથે પૅવેલિયન ભેગા કર્યા હતા.

આ સાથે દ્રવિડ, સચિન અને મૅચ જોવા આવેલી લગભગ 80 હજારની મેદનીનો હરખ શોકમાં પરિણમ્યો હતો.

આજ મૅચની વાત કરતા ક્રિકેટ ઍક્સ્પર્ટ તુષાર ત્રિવેદી કહે છે કે ભારતની બીજી ઇનિંગમાં વસિમ અક્રમ અને શોએબની વિવાદીત ટ્રિકના કારણે સચિન રન આઉટ થયો હતો.

તેઓ કહે છે, "સચિન જ્યારે રન લેવા જઈ રહ્યા હતા, ત્યારે શોએબ તેની વચ્ચે આવ્યા અને સચીન રન આઉટ થયા."

"જે બાદ પ્રેક્ષકોએ ધમાલ મચાવી અને રમત અટકાવવાની ફરજ પડી હતી. લોકોને મેદાન બહાર મોકલાયા બાદ મૅચ ફરીથી શરૂ થઈ શકી હતી."

'સચિન મારાથી ડરે છે'

પોતાની આત્મકથામાં શોએબે કહ્યું છે કે સચિન તેમની બૉલિંગથી ડરતા હતા.

તેમણે કહ્યું છે કે સચિન અને રાહુલ દ્રવિડ ખરેખર મૅચ વિનર ખેલાડીઓ ન હતા અને ગેમને ફિનિશ કરવાની કળા પણ તેમનામાં ન હતી.

અખ્તરના આ દાવા અંગે તુષાર ત્રિવેદી કહે છે, "અખ્તરનો આ દાવો થોડો વધુ પડતો છે. તેમણે સચિન અને દ્વવિડને વારંવાર આઉટ કરેલા છે."

"જોકે, સચિન અને દ્વવિડ એવા પ્રકારના ખેલાડીઓ હતા જે કોઈ પણ બૉલરો સામે રમી શકતા હતા."

"શેન વૉર્ન અને મુરલીધરન સામે પણ તેઓ સરળતાથી રમ્યા હતા."

“હા એક વાત છે કે શોએબ ઝનૂની બૉલર હોવાને કારણે સચિન જરા સાવચેતીપૂર્વક રમતા હશે. જોકે, ડરવાની વાત છે એ મારા મત પ્રમાણે તેમના પુસ્તક વેચવા માટેની વાત છે."

સતત ઝનૂની ખેલાડી

બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ક્રિકેટ એક્સ્પર્ટ તુષાર ત્રિવેદી કહે છે કે શોએબ અખ્તર સતત પ્રકાશમાં રહેવા માગતા હતા. ગમે તેમ કરીને છવાઈ જવાનું વધારે પસંદ પડતું હતું.”

તેમણે કહ્યું, "કૉલેજકાળથી જ તેમને લાઇમલાઇટમાં રહેવાની આદત પડી ગઈ હતી. મોટા ક્રિકેટર બન્યા બાદ પણ તેમની આ આદત બદલાઈ નહીં. માત્ર તેમની આદતના પ્રકારો બદલાયા."

તુષાર કહે છે કે જો તેમની રમતની વાત કરીએ તો તે એક ઝનૂની ખેલાડી હતા. મૅચમાં તે અત્યંત ઝનૂનપૂર્વક રમતા હતા અને મૅચના અંત સુધી તે લડાયક મૂડમાં જ ક્રિકેટ રમતા હતા.

તેઓ કહે છે, "લગભગ તેમણે વીસેક જેટલી ટેસ્ટ મૅચમાં પાકિસ્તાનને જીત અપાવી હતી. તેમનું ઝનૂન ચમરસીમાએ પહોંચી જતું હતું."

"બૉલર તરીકે તે એકદમ યોગ્ય હતા અને સફળતા માટે સતત સંઘર્ષ કરતા રહ્યા."

વિવાદોથી ભરેલી કારકિર્દી પર એક નજર

શોએબના જીવનમાં સફળતાની સાથેસાથે વિવાદોને પણ એટલી જ જગ્યા હતી.

સતત વિવાદો અને ઈજાઓથી ઘેરાયેલા રહેતા શોએબને અનેક મૅચની અને કેટલીક શ્રેણીઓ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો.

હવે એક નજર શોએબ અખ્તરના જીવનની વિવાદો ભરેલી કારકિર્દી પર :

Espncricinfoના સિનિયર એડિટર ઓસમાણ સમિઉદ્દીનના કહેવા પ્રમાણે 1996માં ભારત વિરુદ્ધના સહારા કપમાં ગ્રાઉન્ડ ઉપરના તેમની અશિસ્ત અને ગેરવર્તણૂકને કારણે તેમના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂમાં એક વર્ષનું મોડું થયું.

આ શ્રેણીમાંથી તેમને પાકિસ્તાનની ટીમમાંથી પડતા મૂકવામાં આવ્યા હતા.

  • 1997માં ઘર આંગણે વેસ્ટઇન્ડિઝ સામે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજા ટેસ્ટ મેચમાં 29 ડિસેમ્બરના રોજ તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવાની તક મળી હતી.
  • 1998માં ઝિમ્બાબ્વે સામે 28 માર્ચના રોજ હરારેમાં પહેલી આંતરરાષ્ટ્રીય વન ડે મૅચ રમ્યા હતા.
  • 1999માં રમાયેલી એશિયન ટેસ્ટ ચેમ્પિયનશીપથી તેમનો સિતારો ચમકવાનો શરૂ થયો અને તે વર્લ્ડ કપ સુધી ચાલુ રહ્યો.
  • 2000માં તેમને થયેલી ઈજાને કારણે કેટલાક કાઉન્ટીની મૅચ રમી શકાયા નહીં. ખભા, ઘૂંટણ અને ઘૂંટીની ઈજાઓને કારણે તેમણે ઘર આંગણાની ઇંગ્લૅન્ડની શ્રેણીની સાથે અન્ય મેચો પણ ગુમાવી.
  • 2001માં પણ ઈજાઓને કારણે ઇગ્લૅન્ડની ટૂર ગુમાવી પરંતુ શારજાહમાં રમાયેલી શ્રેણીમાં રમવાની તક મળી.
  • 2002માં ઝિમ્બાબ્વેમાં રમાયેલી એક મૅચમાં પ્રેક્ષકો પર બૉટલ ફેંકતા તેમના પર એક મૅચનો પ્રતિબંધ લાદવામાં આવ્યો.
  • 2003માં વર્લ્ડ કપમાં ખરાબ પ્રદર્શનને કારણે તેમને પાકિસ્તાની ટીમમાંથી પડતા મૂકાયા અને મે મહિનામાં શ્રીલંકામાં રમાયેલી ત્રિકોણીય શ્રેણીમાં બૉલ ટેમ્પરિંગના વિવાદમાં તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • 2003માં જ લાહોરમાં રમાયેલી એક ટેસ્ટ મૅચમાં આફ્રિકાના પૉલ એડમ્સ વિરુદ્ધ અભદ્ર ભાષાનો પ્રયોગ કરવા બદલ તેમના પર એક ટેસ્ટ મૅચ અને બે વન ડે મૅચનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો.
  • 2004માં ભારત સામે રમાયેલી ટેસ્ટ સીરિઝના છેલ્લી મૅચમાં પીઠમાં ઇજા થતા આખી મૅચમાં બૉલિંગ કરી શક્યા ન હતા.
  • 2005ની શરૂઆતમાં હૅમસ્ટ્રિંગની ઈજાને કારણે તેમણે ઘણી મૅચ ગુમાવવી પડી હતી. આજ વર્ષે તેમને બૉલીવૂડમાં રોલ ઑફર કરવામાં આવ્યો પરંતુ તે તેમણે નકારી દીધો હતો.
  • 2006માં ફરીથી તેમની બૉલિંગ ઍક્શન અંગે સવાલો ઊભા થયા. ફરીથી ઈજાને કારણે શ્રીલંકાનો પ્રવાસ ગુમાવવો પડ્યો. આજ વર્ષમાં ડૉપિંગના મામલામાં શોએબ પર બે વર્ષનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો. જેથી ચૅમ્પિયન્સ ટ્રોફીમાં રમી ના શક્યા.
  • 2007માં વર્લ્ડ કપના 30 ખેલાડીઓમાં તેમનું નામ સામેલ કરવામાં આવ્યું, સાઉથ આફ્રિકા સામેની શ્રેણીમાં પહેલાં પસંદગી ન પામેલા શોએબને ફરીથી બોલાવવામાં આવ્યા. સાઉથ આફ્રિકા સામે એક ટેસ્ટ રમ્યા બાદ હૅમસ્ટ્રિંગની ઈજાને કારણે આખી શ્રેણીમાં ના રમી શક્યા.
  • 2007માં જ બૉબ વુલ્મર સાથેના વિવાદના કારણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેમને દંડ કર્યો. વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે છેલ્લી ઘડીએ તેમને અનફિટ જાહેર કરવામાં આવ્યા. આજ વર્ષે મોહમ્મદ આસિફ સાથે ડ્રૅસિંગ રૂમનો વિવાદ થયો હતો. જેમાં તેમણે કથિત રીતે આસિફને બૅટ વડે માર્યો હતો.
  • 2008માં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા કૉન્ટ્રેક્ટમાં શોએબને ડાઉન કૅટેગરીમાં મૂકવામાં આવ્યો. તેમણે બોર્ડ પર કૉન્ટ્રેક્ટમાં બેવડાં ધોરણો અપનાવવાનો આક્ષેપ કર્યો.
  • 2011 માં તેમણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.

( સ્રોત : Espncricinfo)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો