‘હેટ-ટ્રિક મૅન’ કુલદીપ યાદવ ચાઇનામૅન પણ છે.

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે મેચમાં ભારતના બૉલર કુલદીપ યાદવે હેટ-ટ્રિક લઈ ભારતની વિજયનો માર્ગ આસાન કરી દીધો.

કુલદીપે ઑસ્ટ્રેલિયાની 33મી ઓવરની બીજા, ત્રીજા અને ચોથા દડામાં ક્રમશ: મૈથ્યૂ વેડ, એશ્ટન એગર અને પૈટ કમિન્સની વિકેટ લીધી.

આંતરરાષ્ટ્રીય વનડે મેચોમાં હેટ-ટ્રિક લેનાર તેઓ ત્રીજા ભારતીય છે. એમની પહેલા કપિલ શર્મા અને ચેતન શર્મા આ સિદ્ધિ પ્રાપ્ત કરી ચૂક્યા છે. 1991માં કપિલ દેવની હેટ-ટ્રિકના 26 વર્ષ પછી કોઈ ભારતીય બૉલરે આ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

જોકે કુલદીપની આ પહેલી હેટ-ટ્રિક નથી. આ પહેલા 2014 અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં સ્કૉટલૅન્ડ સામે તેઓએ હેટ-ટ્રિક લીધી હતી. જેમાં તેમણે 10 ઓવરમાં 28 રન આપી 4 વિકેટ લીધી હતી. ત્યારે એ મુકામ હાંસલ કરનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા હતા.

કેવા હતા હેટ-ટ્રિકના ત્રણ બૉલ?

આ પહેલાના કુલદીપે બૉલ સારા નાખ્યા હતા પણ તેમાં રન વધારે અપાઈ ગયા હતા. તેમણે 7 ઓવરમાં 39 રન આપ્યા હતા અને એક પણ વિકેટ નહોતી મળી. ત્યારબાદ તેઓ ઇનિંગની 33મી અને તેમની 8મી ઓવર ફેંકવા આવ્યા.

• ઓવરનો બીજો બૉલ મૈથ્યૂ વેડને નાખ્યો. જે ઑફ સ્ટમ્પ બહાર પડ્યો. વેડે થોડા પાછળ જઈ પૂરું બેટ ફરાવ્યા વગર કટ મારવી હતી. જોકે બેટની અંદરની ધાર અડી ગઈ અને બૉલ સ્ટમ્પ પર વાગ્યો.

• આ બાદ બૅટ્સમૅન એશ્ટન એગર ક્રીઝ પર આવ્યા. કુલદીપે લેગ-બ્રેક બૉલ નાખ્યો. પરંતુ એગર તેની લંબાઈ અને ગતિ માપી ન શક્યા અને બૉલ તેમના પૅડ પર લાગ્યો. ખેલાડીઓએ આત્મવિશ્વાસ સાથેની અપીલ કરી અને એગરને આઉટ જાહેર કરાયા. એટલો સ્પષ્ટ એલબીડબલ્યૂ હતો કે એગરે રિવ્યૂ પણ ન માંગ્યું.

• હવે ત્રીજા બૅટ્સમૅન પૈટ કમિન્સ ક્રીઝ પર આવ્યા. ત્યારે કુલદીપે આદર્શ હેટ-ટ્રિક બૉલ ફેંક્યો. જે ગુગલી હતી. ઑફ સ્ટમ્પની બહાર બૉલ પડ્યો. જેને ડિફેન્ડ કરવા કમિન્સે પગ આગળ કર્યો. બૅટની ધાર એને અડી અને બૉલ મહેન્દ્ર સિંહ ધોનીએ ઝીલી લીધો.

ભારતના પહેલા ચાઇનામૅન બૉલર!

કુલદીપ બૉલને ડાબા હાથના કાંડાથી સ્પિન કરાવે છે. ક્રિકેટની શબ્દાવલીમાં આ પ્રકારના બૉલરને ચાઇનામૅન કહે છે. આ પહેલા ઑસ્ટ્રેલિયાના બ્રૅડ હૉગ અને વિચિત્ર એક્શનવાળા દક્ષિણ આફ્રિકાના પૉલ એડમ્સ ચર્ચિત ચાઇનામૅન બૉલર રહ્યા છે.

તેમણે આઠ વનડે મેચોમાં 13 અને બે ટી-20 મેચોમાં ત્રણ વિકેટ્સ લીધી છે.

કુલદીપે પોતાની પહેલી વનડે મેચ વેસ્ટઇંડિઝ સામે ચાલુ વર્ષે 23 જૂને રમી હતી.

ઈંટનો ભઠ્ઠો ચલાવે છે પિતા

ઉત્તરપ્રદેશના ઔદ્યોગિક શહેર કાનપુરમાં જન્મેલા 22 વર્ષીય કુલદીપ યાદવના પિતા રામ સિંહ યાદવ ઈંટોનો ભઠ્ઠો ચલાવે છે.

કુલદીપ શરૂઆતમાં ઝડપી બૉલર બનવા માંગતા હતા. પણ તેમના બાળપણના કોચ કપિલ પાંડેયે તેમને 'ચાઇનામૅન' બૉલર બનવાની સલાહ આપી.

યુએઈમાં રમાયેલા અંડર-19 ક્રિકેટ વર્લ્ડકપમાં કુલદીપે પોતાની છાપ છોડી હતી. અહીં છ મેચોમાં તેમણે 14 વિકેટ લીધી હતી.

2012ના આઈપીએલમાં કુલદીપ મુંબઈ ઇન્ડિયન ટીમમાં હતા પણ તેમને રમવાનો મોકો નહોતો મળ્યો.

નેટ પ્રૅક્ટિસમાં તેમણે સચિન તેંડુલકરને આઉટ કર્યા હતા.

આ સમયે કુલદીપ કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમાં છે.