કેવી રીતે આશિષ નેહરાનું જીવન આપણને પ્રભાવિત કરી શકે છે?

ભારતીય ટીમના ઝડપી બોલર આશિષ નેહરાએ ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી પ્રથમ T20 મેચ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે.

દિલ્હીના ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડમાં રમાયેલી મેચ તેમની કારકિર્દીની છેલ્લી મેચ હતી.

ઈએસપીએન ક્રિકઇન્ફોના જણાવ્યા પ્રમાણે, ભારતના આ અનુભવી બોલરે 24 ફેબ્રુઆરી 1999ના રોજ મોહમ્મદ અઝહરુદ્દીનની કપ્તાની હેઠળ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

નેહરાએ 120 વન-ડે, 17 ટેસ્ટ અને 26 આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટ મેચો રમી છે.

ક્યારેય હતાશ ન થવાનું વલણ

નેહરાએ 2003ના વિશ્વકપમાં ભારતીય ટીમને ફાઇનલમાં પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

મેચના એક દિવસ પહેલા ખરાબ તબિયત અને પગમાં સોજા હોવા છતાં પણ નેહરાએ 2003ના વર્લ્ડ કપમાં ઇંગ્લૅન્ડ વિરુદ્ધ ડરબનમાં 23 રન આપી છ વિકેટ ઝડપી હતી.

જે તેમની કૅરિયરનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

2011ના વર્લ્ડ કપમાં પાકિસ્તાન વિરુદ્ધ સેમિફાઇનલ મેચ દરમિયાન થયેલી ઇજાના કારણે તેમણે ટીમથી બહાર રહેવું પડ્યું હતું.

ત્યારબાદ ક્રિકેટના મેદાન પર પરત ફરવા માટે પાંચ વર્ષ સુધી રાહ જોવી પડી હતી.

ક્રિકેટ પ્રતિ નિષ્ઠા

સપ્ટેમ્બર 2005થી જૂન 2009 દરમિયાન નેહરાએ એક પણ આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ નહોતો લીધો, છતાં પણ તેમણે આશા નહોતી છોડી ન હતી.

ઇજાના કારણે 12 વખત ઑપરેશન કરાવ્યાં બાદ પણ તેઓ હિંમત હાર્યાં ન હતાં.

2011માં ક્રિકેટ વિશ્વકપની ટીમમાં તેમનું પુનરાગમન થયું હતું. T20 ફૉર્મેટમાં પણ નેહરાએ શ્રેષ્ઠ બોલર તરીકે જાણીતા થયા હતા.

આઈપીએલમાં તેમણે 88 મેચોમાં 106 વિકેટ લીધી છે.

મેચની અંતિમ ઓવરોમાં રનને અટકાવવા અને વિકેટો લેવા માટે નેહરા અસરકારક બોલર તરીકે પ્રસ્થાપિત થયા હતા.

નેતૃત્વમાં વિશ્વાસ

1999માં આંતરરાષ્ટ્રીય સ્તરની ક્રિકેટ કારકિર્દી શરૂ કરનારા આશિષ નેહરાએ પોતાની પ્રથમ મેચ મોહમ્મદ અઝહરૂદ્દીનની કપ્તાનીમાં રમી હતી.

નેહરા અઝહરૂદ્દીનથી લઈ ભારતની વર્તમાન ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની કૅપ્ટન્સી હેઠળ રમી ચૂક્યા છે.

આ સિવાય નેહરા મહેન્દ્ર સિંહ ધોની, રાહુલ દ્રવિડ, ગૌતમ ગંભીર, સૌરવ ગાંગુલી અને વિરેન્દ્ર સેહવાગની કૅપ્ટન્સીમાં પણ ભારત વતી રમ્યા છે.

દરેક કપ્તાનના કપ્તાની દરમિયાન રમત રમવાની વ્યક્તિગત સ્ટાઇલ, મેચમાં પરિણામ આપવાનું દબાણ અને ટીમની વધારે પ્રગતિ જેવા વિચારોને ધ્યાનમાં રાખીને આશિષ નેહરા તેમની કારકિર્દીમાં સફળતાને વર્યા છે.

ટીકા, ટિપ્પણી કે પ્રશંસાની અસર નહીં

સતત પ્રૅક્ટિસ અને શિસ્તના કારણે નેહરા હંમેશા પોતાની રમતમાં અડીખમ રહ્યા હતા.

મોટી અને ગંભીર ઇજાઓ છતાં પણ નેહરાએ ફોર્મ જાળવી રાખ્યું.

મીડિયા કે ક્રિકેટ ચાહકોએ ઘણીવાર નેહરાની આકરી ટીકા પણ કરી હતી. છતાં નેહરાનું લક્ષ્ય પર્ફૉર્મન્સને વધુને વધુ સારું કરવામાં જ રહ્યું હતું.

એક પ્રૉફેશનલ ક્રિકેટર બનવા માટે પ્રશંસા કે ટીકાથી ડગી ન જવા જેવી મહત્વની બાબતે નેહરા ભાવિ ક્રિકેટરો માટે અનુકરણીય ઉદાહરણ છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો