સચિન તેંડુલકર વકાર સામે પહેલી બાજી હારી બાદશાહ બન્યા

    • લેેખક, દિનેશ ઉપ્રેતી
    • પદ, બીબીસી સંવાદદાતા

15 નવેમ્બર. આ તારીખને ઇતિહાસમાં કેટલાંય કારણોથી યાદ કરાતી હશે. પરંતુ ક્રિકેટની દુનિયામાં તેને 1989નાં વર્ષને કારણે યાદ કરવામાં છે.

એ જ દિવસ છે જ્યારે પાકિસ્તાનમાં આવેલાં કરાચીનાં નેશનલ સ્ટેડિયમમાં બે પ્રતિભાશાળી ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું.

આ ખેલાડી હતા ભારતના સચિન રમેશ તેંડુલકર અને પાકિસ્તાનના વકાર યૂનુસ મૈતલા.

સચિન ત્યારે 16 વર્ષના હતા અને વકાર એક દિવસ બાદ 18 વર્ષના થવાના હતા.

સ્ટેડિયમમાં પાકિસ્તાની દર્શકો ગીતો ગાઈ રહ્યાં હતાં, ખુશીથી નાચી રહ્યા હતા. પાકિસ્તાને પહેલી ઇનિંગમાં 409 રન બનાવ્યા હતા.

જવાબ આપવાનો વારો હવે કૃષ્ણમચારી શ્રીકાંતની આગેવાનીમાં ભારતીય ટીમનો હતો.

ઇમરાન ખાન, વસીમ અકરમ અને વકારની પેસ બૅટરી સિવાય સ્પિનર અબ્દુલ કાદિરના હોવાથી પાકિસ્તાની ટીમની આક્રમક્તા જોરદાર હતી.

તમને આ પણ વાંચવું ગમશે

ક્રિકેટ પ્રેમીઓની નજર

41 રનમાં જ ભારતની ચાર વિકેટ પડી ગઈ હતી. ત્યારે જ હવામાં ધીમેધીમે બેટ ફેરવતાં સચિન મેદાન પર ઉતર્યા.

તેઓ 28 મિનિટ સુધી મેદાન પર રહ્યા. 24મા બૉલે વકારે તેમને આઉટ કરી દીધા.

સચિને ચાર ચોગ્ગા સિવાય એવું કંઈ ખાસ નહોતું કર્યું, જેથી તેઓ બધાની નજરમાં આવે.

પાકિસ્તાનના સમાચારપત્રોમાં તેમની કોઈ ચર્ચા નહોતી. માત્ર એ જ વાત હતી કે ક્રિકેટના ઇતિહાસમાં સૌથી નાની ઉંમરના ક્રિકેટરમાંથી તેઓ એક હતા.

વકારની પ્રશંસાથી સમાચારપત્રોના પાનાં ભરેલાં હતાં કે કઈ રીતે આ યુવા અને ઝડપી બોલરે ભારતીય બેટ્સમેનના નાકમાં દમ લાવી દીધો.

ચાર વિકેટ લઈને વકારે ટેસ્ટ ક્રિકેટની દુનિયામાં દમદાર શરૂઆત કરી હતી.

ઘરેલું ક્રિકેટ

હકીકતમાં સચિન અને વકાર બન્નેની ઇન્ટરનેશનલ ક્રિકેટમાં એન્ટ્રી અલગ-અલગ અંદાજમાં થઈ હતી.

જ્યાં એક તરફ સચિને ઘરેલું ક્રિકેટમાં રનનો ખડકલો કરેલો હતો. એ પછી દુલીપ ટ્રોફી હોય, રણજી હોય કે ઈરાની ટ્રોફી.

દરેક ટુર્નામેન્ટમાં પહેલી જ મેચમાં સદી ફટકારીને સચિને સિલેક્ટર્સ સામે ટીમ ઇન્ડિયામાં રમવાનો પોતાનો દાવો રજૂ કર્યો હતો.

આ તરફ વકારે પણ ઘરેલું ક્રિકેટમાં પોતાની છાપ છોડી હતી.

પરંતુ પાકિસ્તાની ટીમમાં તેમને લાવનાર ઇમરાન ખાન હતા. પાકિસ્તાની ટીવીને આપેલા ઇન્ટર્વ્યૂમાં વકારે આ વાત સ્વીકારી હતી.

તેમણે કહ્યું હતું, "હું શારજાહ જનાર 22 ખેલાડીઓમાંથી એક હતો. ત્યારે હું લગભગ 17 વર્ષનો હતો."

"હું, આકિબ જાવેદ અને ઇન્ઝમામ-ઉલ-હક સહિત મારા જેવા કેટલાય ખેલાડીઓની તમન્ના હતી કે ઇમરાન ક્યારે અમને જોશે."

બોલર્સના માથાનો દુખાવો

વકારે કહ્યું હતું "હું ખાલી ઝડપી બોલ નાખવાનું જ જાણતો હતો. ત્યારે જ ભારતની રણજી વિજેતા ટીમ અને પાકિસ્તાનની વિલ્સ વિજેતા ટીમ વચ્ચે મુકાબલો થયો. હું એમાં રમ્યો."

"એ મેચને ઇમરાન ખાને પણ ટીવી પર જોઈ હતી. જ્યારે મેં બોલિંગ શરૂ કરી તો રમન લાંબાએ મારી બોલિંગ ધોઈ નાખી. એમણે ઘણા છગ્ગા ફટકાર્યા, પરંતુ મેં ઘણા ઝડપી બોલ નાંખ્યા."

"ઇમરાન ખાન ઘણા જ પ્રભાવિત થયા અને તેઓ પોતે સ્ટેડિયમમાં આવી ગયા હતા. જ્યાં આવી તેમણે મને બોલિંગ કરતા જોયો."

"મારી અને ઇમરાનભાઈની મુલાકાત જોકે એના પછીના દિવસે થઈ. તેમણે મારા ખભા પર હાથ રાખીને કહ્યું કે તું શારજાહ જઈ રહ્યો છે. ત્યારે મેં પહેલી વનડે મેચ વેસ્ટ ઇન્ડિઝ સામે શારજાહમાં રમી હતી."

જોકે, વકાર અને સચિનનો પહેલી વખત આમનો-સામનો થયો ત્યારે આ પાકિસ્તાની બોલરને આભાસ પણ નહોતો કે આગળના 25 વર્ષો સુધી આ નાના કદનો બેટ્સમેન દુનિયાભરના બોલર્સ માટે માથાનો દુખાવો બની જશે.

યૂનુસની અટકળો

14 ઑક્ટોબર 2013ના ગલ્ફ ન્યૂઝને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં વકારે કહ્યું હતું "એક અંડર-19 ટુર્નામેન્ટ વખતે અમે સચિન વિશે અજય જાડેજા, નયન મોંગિયા અને બીજા ભારતીય ખેલાડીઓ પાસેથી સાંભળ્યું હતું."

"તેંડુલકર કદાચ પોતાની હાઈસ્કૂલની પરીક્ષાઓને કારણે એ ટુર્નામેન્ટમાં નહોતા આવી શક્યા, પરંતુ એ લોકો સચિન વિશે જ વાતો કરતા રહેતા હતા."

વકારે કહ્યું હતું, "જ્યારે સચિન બીજા પ્રવાસે પાકિસ્તાન આવ્યા ત્યારે બાળક જેવા દેખાતા હતા. મને લાગે છે કે પહેલી વખત સચિનને જોયા ત્યારે તેમની દાઢી પણ નહોતી ફૂટી."

"વાંકડિયા વાળ સાથે જ્યારે તેઓ મેદાનમાં ઉતર્યા ત્યારે અમે વિચાર્યું પણ નહોતું કે આ પ્રકારના ક્રિકેટમાં તે ટકી શક્શે."

કરાચીમાં યૂનુસની અટકળો સાચી ઠરી હતી. તેમણે સચિનને સસ્તામાં પેવેલિયન ભેગા કરી દીધા હતા.

પરંતુ સિયાલકોટ આવતાઆવતા તો સચિને યૂનુસ જ નહીં પાકિસ્તાન સહિતના તમામ ક્રિકેટ એક્સપર્ટ્સને તેમના વિશેનો અભિપ્રાય બદલવા મજબૂર કરી દીધા હતા.

સચિનની પહેલી ઇનિંગ

વકારે ગલ્ફ ન્યૂઝને કહ્યું "મેં પહેલી ટેસ્ટમાં સચિનની વિકેટ લીધી હતી. પરંતુ છેલ્લી ટેસ્ટ સુધીમાં તેઓ ઘણા પરિપક્વ થઈ ગયા હતા. સિયાલકોટ ટેસ્ટમાં મારા બૉલે તેમનાં નાક પર ઇજા પહોંચાડી હતી."

"જોકે, મેં એ બૉલ જાણીજોઈને નહોતો ફેંક્યો. ઇજા હોવા છતાં ત્યાં જ રહ્યા અને દેખાડી દીધું કે તેઓ ક્યા સ્તરના ખેલાડી છે."

પહેલી ટેસ્ટમાં સચિન કેટલા અસહજ હતા તેની વાત તેમણે ઘણી વખત અલગઅલગ જગ્યાએથી કરી છે.

સચિને માન્યું છે કે એ પહેલી વખત હતું જ્યારે મેં ઝડપી બોલનો સામનો કર્યો હોય. કરાચી ટેસ્ટમાં ઘણી વખત તેમનું બેટ બૉલને અડી પણ નહોતું શક્યું.

પોતાની આત્મકથા 'પ્લેઇંગ ઇટ માય વે'માં તેંડુલકરે લખ્યું છે કે તેમની પહેલી ટેસ્ટની ઇનિંગ એમના માટે કેટલી મુશ્કેલ હતી.

તેમણે પોતાનાં પુસ્તકમાં લખ્યું છે "આ અગ્નિપરીક્ષાથી ઓછું નહોતું. ટેસ્ટ ક્રિકેટમાં પહેલી ઇનિંગમાં હું વસીમ અને વકારની સામે હતો."

"મને મારી બેટિંગ ક્ષમતા પર શંકા થવા લાગી હતી. મારી અંદર એ સવાલ થવા લાગ્યો હતો કે હું ક્યારેય આંતરરાષ્ટ્રીય સ્તરે સારું રમી શકીશ કે નહીં?"

અને બોલ સચિનના નાક સાથે ટકરાઈ...

તેમણે આગળ લખ્યું છે "મારું પદાર્પણ વધારે ખાસ થઈ ગયું હતું કારણ કે અમે પાકિસ્તાન સામે પાકિસ્તાનમાં રમતા હતા."

"તેમની પાસે ઇમરાન ખાન, વસીમ અકરમ, વકાર યૂનુસ, આકિબ જાવેદ જેવા ઝડપી બોલર હતા તો મુશ્તાક અહમદ અને અબ્દુલ કાદિર જેવા સ્પિનર પણ હતા."

પૂર્વ ટેસ્ટ ક્રિકેટર સલિલ અંકોલા સિયાલકોટમાં ઘાયલ સચિન સુધી પહોંચનાર પહેલા વ્યક્તિ હતા. અંકોલા આ મેચમાં 12મા ખેલાડી હતા. અંકોલા સાથે ફીજિયો અલી ઇરાની તરત જ સચિન સુધી પહોંચ્યા હતા.

વર્ષ 2013માં ક્રિકેટ કંટ્રી વેબસાઇટને આપેલા ઇન્ટર્વ્યૂમાં અંકોલાએ કહ્યું હતું કે પાકિસ્તાનમાં કેટલાક લોકો સચિનની એમ કહીને મજાક ઉડાવતા હતા કે "આ રમી શક્શે કે નહીં? આ તો બાળક છે."

અંકોલા અનુસાર સિયાલકોટની વિકેટ એકદમ ગ્રીન હતી. તેમણે આટલી ઝડપી વિકેટ એ પહેલા નહોતી જોઈ. ભારત પર હારનો ખતરો હતો.

યૂનુસનો એ ઝડપીબાઉન્સર

41 રન પર ભારતની ચાર વિકેટ પડી ચૂકી હતી. આ પરિસ્થિતિમાં નવજોતસિંઘ સિદ્ધુનો સાથ આપવા સચિન મેદાનમાં ઉતર્યા હતા.

સચિનની બૉલ પર નજર પડે એ પહેલા તો વકારનો ઝડપી બાઉન્સર બેટની અંદર અડીને સીધો તેમના નાકમાં વાગ્યો અને તેમનાં નાકથી લોહી વહેવા લાગ્યું.

અંકોલાએ કહ્યું "સચિને પાણીથી પોતાના ચહેરા પર છાલક મારી અને કહ્યું કે તેઓ ઠીક છે. તરત ત્યારબાદના બોલ પર સચિને ચોગ્ગો ફટકાર્યો."

સચિન ત્રણ કલાકથી વધારે સમય સુધી વિકેટ પર રહ્યા. 57 રનની ઇનિંગ દરમિયાન તેમણે 134 બોલનો સામનો કર્યો અને છ ચોગ્ગા માર્યા હતા.

સિદ્ધુ સાથે તેમની 101 રનની મહત્વપૂર્ણ ભાગીદારીને કારણે ભારત આ ટેસ્ટ મેચ ડ્રૉ કરાવવામાં સફળ રહ્યું હતું.

સચિન અને વકારના કૅરિયરની શરૂઆત જેટલી અલગ રીતે થઈ હતી. એટલી જ અલગ રીતે તેમના કૅરિયરનો અંત થયો હતો.

યાદગાર વિદાય

સચિન 24 વર્ષ સુધી ટેસ્ટ ક્રિકેટ રમ્યા. 200 ટેસ્ટ મેચમાં 53.78ની રન રેટથી 15,921 રન બનાવ્યા. જેમાં 51 સદીનો પણ સમાવેશ થાય છે.

2013માં મુંબઈમાં હોમ ગ્રાઉન્ડ પર અંતિમ મેચમાં સચિનને યાદગાર વિદાય આપવામાં આવી.

આ તરફ વકારનું ટેસ્ટ કરિયર 10 વર્ષ પહેલા જ ખતમ થઈ ગયું હતું. તેમણે જાન્યુઆરી 2003માં દક્ષિણ આફ્રિકામાં સામે અંતિમ ટેસ્ટ મેચ રમી હતી.

વકારે 87 ટેસ્ટ મેચમાં 373 વિકેટ મેળવી હતી.

2003માં વર્લ્ડ કપમાંથી પાકિસ્તાની ટીમની ગ્રુપ સ્ટેજમાં હાર સાથે તેમને કેપ્ટન તરીકે હટાવવામાં આવ્યા. આ સાથે જ તેમની કારકિર્દી પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો