સોશિયલ : સેટ મેક્સે સૂર્યવંશમ માટે IPLનું બલિદાન આપ્યું

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ(બીસીસીઆઈ)એ 16 હજાર 347 કરોડ રૂપિયામાં, ઈન્ડિયન પ્રીમિયર લીગના ટેલિવિઝન અને ડિજિટલ પ્રસારણનાં અધિકારો, સ્ટાર ઈન્ડિયાને વેચ્યાં છે.

ક્રિકેટની દુનિયાનાં આ સૌથી મોટા સોદામાં સ્ટાર ઈન્ડિયા પાસે વર્ષ 2018થી લઈને 2022 સુધી આઈપીએલનાં પ્રસારણનાં અધિકારો રહેશે.

હવે આટલી મોટી રકમનો સોદો હોય અને વાત ક્રિકેટનાં ઉત્સવ આઈપીએલની હોય તો સોશિઅલ મીડિયામાં ચર્ચા ન થાય તો જ નવાઈ. આજે આખો દિવસ #iplmediarights ટ્રેન્ડ થયું છે.

પરંતુ રસપ્રદ વાત એ છે કે સોશિઅલ મીડિયા પર જેટલાં લોકો આઈપીએલના રાઇટ્સને લઈ ચર્ચા કરી રહ્યાં હતા, ત્યારે સૂર્યવંશમ ફિલ્મ પણ હેડલાઈન્સમાં આવી.

અત્યારસુધી આઈપીએલની મેચ સેટ મેક્સ ચેનલ પર આવતી હતી, પરંતુ આવતા વર્ષથી ત્યાં નહીં દેખાય.

આ ચેનલ સૂર્યવંશમ ફિલ્મના નિયમિત રીતે થતાં સતત પ્રસારણને લઈને પણ ચર્ચામાં રહી છે. એટલે લોકો સોશિઅલ મીડિયા પર મજાક ચાલું કરી કે, આગામી વર્ષ આઈપીએલ સેટ મેક્સ પર પ્રસારિત નહીં થાય, એટલે હવે આ ફિલ્મ મર્યાદા વિનાં જોવા મળશે.

ગણેશે લખ્યું "હવે સૂર્યવંશમ મર્યાદા વિનાં દેખાડી શકાશે. સોની મેક્સનો આભાર."

ખલનાયક 420 ટ્વિટર હેન્ડલથી એક ફોટો પોસ્ટ કરવામાં આવ્યો. તેમાં પણ સોની મેક્સની ખૂબ જ મજાક કરવામાં આવી.

ગૌતમે લખ્યું, "સોની મેક્સે સૂર્યવંશમના અવિરત પ્રીમિયરને ચાલું રાખવા માટે આઈપીએલનું બલિદાન આપ્યું."

વર્ષ 2008માં 8200 કરોડ રૂપિયાની બોલી લગાવીને સોની પિક્ચર્સ નેટવર્કે 10 વર્ષ માટે આઈપીએલનાં મીડિયા અધિકારો મેળવ્યા હતા.

ગ્લોબલ ડિજિટલ અધિકાર વર્ષ 2015માં ત્રણ વર્ષ માટે નોવી ડિજિટલને અપાયાં હતા.