બરફમાં ઢંકાયેલા 'ભારતીય સૈનિકો'ની વાયરલ તસવીરોનું સત્ય

    • લેેખક, ફૅક્ટ ચેક ટીમ
    • પદ, બીબીસી ન્યૂઝ

આવી ઘણી તસવીરો જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે ભારતીય સૈનિકોની ખૂબ જ ભયાનક પરિસ્થિતિમાં કામ કરવાની તસવીરો છે. આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ સહિત ફેસબુક પર એવા ઘણા પેજ છે જેના પર તસવીરો શૅર કરવામાં આવી છે.

આ તસવીરોને સાચી માનીને અભિનેત્રી શ્રદ્ધા કપૂર અને સાંસદ કિરણ ખેર જેવા લોકો પણ તેને શૅર કરી ચૂક્યા છે.

તેમાં કોઈ શંકા નથી કે ભારતીય સેના સૌથી ખરાબ પરિસ્થિતિઓમાં પણ પોતાની સેવાઓ આપે છે. દુનિયાના સૌથી મુશ્કેલ યુદ્ધસ્થળ તરીકે ઓળખાતી સિયાચીન ગ્લેશિયરમાં પણ ભારતીય સેના તહેનાત છે.

13 હજારથી 22 હજાર ફીટની ઊંચાઈ પર સ્થિત આ ગ્લેશિયરમાં ઠંડીના કારણે ઘણી વખત સૈનિકનું મૃત્યુ પણ થઈ જાય છે.

તમે આ વાંચ્યું કે નહીં?

પરંતુ જે તસવીરોની અહીં વાત થઈ રહી છે, તે ભારતીય સૈનિકોની તસવીર નથી.

બીબીસીએ પોતાની તપાસમાં જાણ્યું છે કે ઘણા વિદેશી સૈનિકોની તસવીરોને ભારતીય સૈનિકોની જણાવીને સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી છે.

આ તસવીરોની સાથે જે વાતો લખવામાં આવી છે, તેમને જોઈને લાગે છે કે સોશિયલ મીડિયા પર વધારેમાં વધારે લાઇક અને શૅર મેળવવા માટે ઇરાદાપૂર્વક ખોટી માહિતી તે તસવીરો સાથે જોડવામાં આવી.

દાવો :

  • આ ફિલ્મોની હીરોઇન કરતા ઓછી સુંદર નથી. પાકિસ્તાન બોર્ડર પર તહેનાત ભારતની જાંબાઝ છોકરીઓ. તેમના માટે જય હિંદ લખવાથી પરહેજ ન કરો.

ઉપર મુજબના સંદેશ સાથ હાથમાં ઑટોમેટિક રાઇફલ લઈને ઊભેલાં બે મહિલા સૈનિકોની આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.

આ તસવીરમાં જમણી બાજુ ઊભેલાં મહિલા સૈનિકની છાતી પર ભારતીય તિરંગા સાથે મેળ ખાતો ઝંડો પણ લાગેલો છે.

બાંગ્લા ભાષી ફેસબુક પેજ @IndianArmysuppporter પર પણ હાલ જ આ તસવીરને શૅર કરવામાં આવી જ્યાંથી ત્રણ હજાર કરતા વધારે લોકોએ આ તસવીરને શૅર કરી.

હકીકત :

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીર ખરેખર કુર્દિસ્તાનની પશમર્ગા ફોર્સમાં સામેલ મહિલા ફાઇટર્સની છે.

કુર્દ સેનાએ આ મહિલા ફાઇટર્સને કથિત આતંકવાદી સંગઠન ISISના લડાકૂઓને ટક્કર આપવા માટે તૈયાર કરી છે.

ઘણી આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાઓ આ ખાસ ફોર્સ પર ફીચર લખી ચૂકી છે. અમારી તપાસમાં અમે જાણ્યું કે જે ઝંડો તિરંગા જેવો લાગે છે, તે કુર્દીસ્તાનનો ઝંડો છે.

દાવો :

  • આપણા જવાન -5 ડિગ્રીમાં પણ પોતાની ફરજ નિભાવે છે, આપણે આરામથી ઊંઘી શકીએ છીએ, તેઓ પોતાના દેશને બચાવે છે. જય હિંદ, જય ભારત.

ઉપર મુજબના સંદેશ સાથે સમુદ્ર કિનારે ઊભેલા આ કથિત સૈનિકની તસવીર પણ સોશિયલ મીડિયા પર ખૂબ શૅર કરવામાં આવી રહી છે.

તસવીરમાં જે વ્યક્તિ છે, તેમનો ચહેરો બરફમાં ઢંકાયેલો છે.

"ભારતીય યોદ્ધા" નામના આ ફેસબુક પેજ સિવાય પણ કેટલાક ફેસબુક પેજ અને ટ્વિટર હૅન્ડલ પર આ તસવીરો મોટાપાયે શૅર કરવામાં આવી છે.

હકીકત :

આ કોઈ ભારતીય સૈનિકની નહીં, પણ અમેરિકાના સર્ફર તેમજ તરવૈયા ડેનિયલની તસવીર છે.

જે વીડિયોને એડિટ કરીને આ તસવીર કાઢવામાં આવી છે, તેને 29 ડિસેમ્બર 2017ના રોજ સંગીતકાર તેમજ લેખક જૈરી મિલ્સે પોતાના પર્સનલ યૂ ટ્યૂબ પેજ પર શૅર કર્યો હતો.

આ વીડિયોને પોસ્ટ કરતા સમયે જૈરીએ લખ્યું હતું, "મળો પ્રખ્યાત સર્ફર ડેનને જેઓ ખરાબમાં ખરાબ પરિસ્થિતિમાં પણ મિશિગન સ્થિત સુપીરિયર નામની ઝીલમાં સર્ફિંગ કરે છે. જે સમયે મેં આ વીડિયો શૂટ કર્યો, તે સમયે તાપમાન -30 ડિગ્રી હતું. વીડિયો બનાવતા સમયે મારા હાથ અચેત અવસ્થામાં આવી રહ્યા હતા અને ડેનની હાલત કેવી હતી, તે તમે વીડિયોમાં જોઈ જ શકો છો."

જેરી મિલ્સના આ વીડિયોને યૂ-ટ્યૂબ પર અત્યાર સુધી આશરે એક લાખ વખત જોવામાં આવ્યો છે.

આ કોઈ પહેલી વખત નથી કે જ્યારે આ પ્રકારની તસવીરોને ભારતીય સૈનિકોની તસવીર ગણાવીને શૅર કરવામાં આવી હોય. આવી તસવીરો પહેલા પણ શૅર થતી રહી છે જેમને લોકો સાચી માની લે છે.

વર્ષ 2016-17માં પણ વાયરલ થયેલી એક એવી તસવીર છે આ :

દાવો :

  • ભારતના સાચા હીરોને દિલથી સલામ
  • સિયાચીન ગ્લેશિયરમાં -50 ડિગ્રીમાં ડ્યૂટી કરતા ભારતીય જવાન

આ તસવીરને ભારતીય જનતા પક્ષનાં સાંસદ કિરણ ખેરે પણ ટ્વીટ કરી હતી

બોલીવુડ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ આ તસવીર 17 ડિસેમ્બર 2017ના રોજ ટ્વીટ કરી હતી.

આ જ તસવીર 2014માં યુક્રેનમાં પણ વાયરલ થઈ ચૂકી છે.

સોશિયલ મીડિયા પર આ જ તસવીર પોસ્ટ કરીને કહેવામાં આવ્યું હતું કે "-20 ડિગ્રી તાપમાનમાં હથિયારોને હાથમાં લઈને ડ્યૂટી પર તહેનાત યૂક્રેનના જાંબાઝ યોદ્ધાઓ"

લોકોએ આ તસવીરના દાવાને પણ સાચી માની લીધો હતો કેમ કે પૂર્વી યૂક્રેનના કેટલાક વિસ્તારોમાં વર્ષના એક ગાળા દરમિયાન તાપમાન -20 ડિગ્રી પર પહોંચી જાય છે. પરંતુ આ વાત સાચી નથી.

હકીકત :

આ બન્ને તસવીરો રશિયાના સૈનિકોની છે.

વર્ષ 2013માં રશિયાની સ્પેશિયલ ફોર્સની એક ખાસ ટ્રેનિંગ દરમિયાન આ તસવીરો લેવામાં આવી હતી.

રશિયાની કેટલીક અધિકૃત સાઇટ્સ પર આ તસવીર ઉપલબ્ધ છે. સાથે જ યૂક્રેનની ફેક્ટ ચેક વેબસાઇટ 'સ્ટોપ ફેક' પણ 2014માં આ તસવીરોને રશિયાની ગણાવતા એક આર્ટિકલ લખી ચૂકી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો